આડિવરેકર, ગોપાલ એસ. (જ. 8 જુલાઈ 1938, ફણસગાંવ, સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર; અ. સપ્ટેમ્બર 2008) : ભારતીય ચિત્રકાર. વતન ફણસગાંવ (રત્નાગિરિ-મહારાષ્ટ્ર). માતાપિતાનાં નામ અનુક્રમે પાર્વતી અને શંકર. પ્રકૃતિપ્રેમી ગોપાલને પોતે ચિત્રકલા માટે જ સર્જાયેલ છે એમ સમજાયું હતું. તેમણે 1963માં કલાનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો હતો. કોંકણનો દરિયાકાંઠો અને આજુબાજુના પ્રકૃતિસૌંદર્યે પ્રેરણા આપી. ગોપાલ આડિવરેકરે અમૂર્ત (abstract) શૈલીમાં ચિત્રોનું આલેખન કર્યું છે. ચિત્રકલાને જ વ્યવસાય તરીકે સ્વીકારેલ હતો. 1970થી 1986 દરમિયાન તેમની ચિત્રકલાના વૈયક્તિક પ્રદર્શનો પંદરેક વખત યોજાયાં હતા, અને એટલાં જ સમૂહપ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો હતો. કેન્દ્રની લલિતકલા અકાદમીએ 1984માં અગ્રગણ્ય કલાકાર તરીકે સંસ્થાની જનરલ કાઉન્સિલમાં તથા પ્રદર્શન સમિતિમાં તેમની સભ્ય તરીકે વરણી કરેલી હતી. યુરોપમાં જિનીવામાં, ઑસ્ટ્રેલિયામાં વિક્ટૉરિયા અને મેલ્બૉર્નમાં તથા આફ્રિકામાં નૈરોબીમાં તેમની ચિત્રકલાનાં પ્રદર્શનો યોજાયાં હતાં. ન્યૂયૉર્કના વિશ્વમેળામાં કૅનેડાના મૉન્ટ્રિયલમાં અને જાપાનના ઓસાકામાં તેમણે પડદા-સુશોભન કાપડ(tapestries)નાં પ્રદર્શનો યોજ્યાં હતાં. 1963માં બૉમ્બે આર્ટ સોસાયટી તરફથી, 1968માં ગ્વાલિયરમાં કાલિદાસ કલાપ્રદર્શનમાં, 1970માં મહારાષ્ટ્ર રાજ્ય કલાપ્રદર્શનમાં તથા બૉમ્બે આર્ટ સોસાયટીના કલાપ્રદર્શનમાં તેમની કલાકૃતિઓને પારિતોષિકો પ્રાપ્ત થયેલા.
1970થી શરૂ કરીને તેમણે મુંબઈ, દિલ્હી, બૅંગલોર, કેન્યા અને ઑસ્ટ્રેલિયામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો ગોઠવ્યાં હતાં. ભારત ઉપરાંત કૅનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા, તુર્કી અને જાપાનમાં તેમણે સમૂહપ્રદર્શનોમાં ભાગ લીધો હતો. આડિવરેકર કૅન્વાસ પર તૈલરંગોથી અમૂર્ત ચિત્રકલા કરવા માટે જાણીતા હતાં. તેઓ મુંબઈમાં રહીને કલાસર્જન કરતા હતા.
તેઓ ચિત્રકલાના ફલક પર કેટલીક વાર રેતીનું પડ ચડાવીને તેની ઉપર ચિત્રકામ કરતા હતા. કોઈ કોઈ ચિત્રમાં માનવમુખ કે પક્ષીનું આલેખન હોય છે. તેમનાં ચિત્રોમાં તેમની ઊર્મિઓ, વિચારો, વાતાવરણ તથા જીવનશક્તિ રંગોના માધ્યમ દ્વારા ફલક પર રેડાતી હતી. ભારતમાં તેમજ પરદેશોમાં સંખ્યાબંધ ચિત્રપ્રેમીઓના સંગ્રહમાં તેમજ સ્થાયી પ્રદર્શનોમાં તેમનાં ચિત્રોને સ્થાન મળેલું છે. 1986માં લલિત કલા અકાદમીએ તેમને રાષ્ટ્રીય પારિતોષિક એનાયત કરેલ. 1987માં બૉમ્બે આર્ટ સોસાયટીના માનાર્હ મંત્રી તરીકે તેમની વરણી થયેલી હતી.
કૃષ્ણવદન જેટલી
અમિતાભ મડિયા