આઝાદ હિંદ ફોજ : ભારતની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે લડવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રચાયેલી ભારતીય સેના. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવ્યા પછી તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943ના રોજ કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન અગ્નિ એશિયાના મોરચે જાપાન દ્વારા યુદ્ધકેદી તરીકે પકડાયેલા બ્રિટિશ સેનાના 40 હજાર ભારતીય સૈનિકોમાંથી આ સેના રચાઈ હતી. જર્મનીથી અગ્નિ એશિયા પહોંચ્યા પછી નેતાજી સુભાષચંદ્ર બોઝને આ સેનાના સર્વોચ્ચ વડા બનાવાયા હતા. તેમણે સેનાને ‘ચલો દિલ્હી’નું સૂત્ર આપ્યું હતું.
આ સેનાનું વડું મથક પહેલાં સિંગાપુરમાં અને પછી રંગૂનમાં હતું. આમાં સુભાષ, ગાંધી, નહેરુ, રાણી લક્ષ્મીબાઈ જેવાં નામ ધરાવતી બ્રિગેડો હતી. સ્ત્રીઓની લશ્કરી ટુકડીના આયોજનનું ખાતું કૅપ્ટન લક્ષ્મી મેનનને સોંપાયું હતું. આ સેનાનો મુખ્ય હેતુ ભારતમાંથી બ્રિટિશ સત્તાને હઠાવી આઝાદી મેળવવાનો હતો. આ સેનાએ આરાકાનના માર્ગે આગળ વધી ભારતની બ્રિટિશ સેનાને હરાવી મે 1944માં મોડક અને કોહિમા કબજે કર્યાં હતાં; પરંતુ ઇમ્ફાલ મોરચે તેને પીછેહઠ કરવી પડી હતી. એપ્રિલ, 1945માં બ્રિટિશ સેનાએ રંગૂન કબજે કરતાં આ સેનાનો મોટો ભાગ કેદ પકડાયો અને મે, 1945માં તેનું વિસર્જન થયું. તેની નિષ્ફળતા છતાં લશ્કરી ક્ષેત્રે તેણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. હિંદી સૈનિકોમાં રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો તે એનું મોટું પ્રદાન ગણાય.
બીજા વિશ્વયુદ્ધને અંતે આ સેનાના ત્રણ અફસરો કૅપ્ટન શાહનવાઝખાન, કૅપ્ટન પ્રેમકુમાર સહગલ અને કૅપ્ટન ગુરુબક્ષસિંહ ધિલ્લોન ઉપર રાજદ્રોહના આરોપસર દિલ્હીમાં લાલ કિલ્લામાં બ્રિટિશ સરકારે કેસ ચલાવ્યો. તેમનો બચાવ કરવા માટે જવાહરલાલ નહેરુ તથા અનેક ખ્યાતનામ વકીલોને સાથે રાખીને ભૂલાભાઈ દેસાઈ લડ્યા હતા. લશ્કરી અદાલતે ત્રણ આરોપીઓને ગુનેગાર ઠરાવી આજન્મ કારાવાસની સજા કરી હતી; પરંતુ પ્રચંડ લોકવિરોધને કારણે બ્રિટિશ સરકારે તેમને તરત જ માફી આપી છોડી મૂક્યા હતા (1945).
શશિકાન્ત વિશ્વનાથ જાની