આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય (anaphylactic shock) : થોડીક જ મિનિટમાં સખત ઍલર્જીને કારણે થતું લોહીના ભ્રમણનું ભંગાણ. તેને તત્કાલ અતિસંવેદનશીલતાજન્ય આઘાત પણ કહે છે. ઈસુ ખ્રિસ્તથી 2,6૦૦ વર્ષ પહેલાં, ઇજિપ્તનો રાજા મેનેસ ભમરાના ડંખથી તત્કાલ મૃત્યુ પામ્યો હતો તે કદાચ આ વિકારનો સૌપ્રથમ નોંધાયેલો દાખલો છે. નોબેલ પારિતોષિકવિજેતાઓ રિચેટ અને પૉર્ટિયરે ઈ. સ. 19૦૦નાં પ્રથમ વર્ષોમાં દર્શાવ્યું કે જે કૂતરા સમુદ્રી એનેમની(sea anemone)ના ઝેરને આરંભનાં સંપર્ક વખતે ખૂબ માત્રામાં સહી શકતા હતા તે જ કૂતરા થોડા સમય પછી આ વિષની ખૂબ જ ઓછી માત્રા મળવા છતાં મૃત્યુ પામતા હતા. અંગ્રેજી શબ્દ ‘એનાફાયલેક્સિસ’ તેમણે પ્રયોજ્યો હતો. બહારથી આવેલું દ્રવ્ય પ્રતિજન (antigen) તરીકે કાર્ય કરે છે. તેના પ્રથમ પ્રવેશ પછી શરીરનું પ્રતિરક્ષાતંત્ર (immune system) બહારથી આવેલા પ્રતિજનને શરીરમાં કામ કરતું અટકાવી દેવા નિશ્ચિત (specific) IgE પ્રકારનું પ્રતિદ્રવ્ય (antibody) બનાવે છે. બહારના દ્રવ્યનો અણુભાર (molecular weight) ઓછો હોય તો તે શરીરમાંના પ્રોટીન સાથે સંયોજાઈને પ્રતિજન બનાવે છે. આવા ઓછા અણુભારવાળા દ્રવ્યને અર્ધપ્રતિજન (hapten) કહે છે. જે વ્યક્તિના શરીરમાં જે તે પ્રતિજન કે અર્ધપ્રતિજન માટેનું નિશ્ચિત પ્રતિદ્રવ્ય બનતું હોય તેને તે પ્રતિજનવાળા પદાર્થ તરફ સંવેદનશીલ અથવા પ્રતિગ્રાહ્યતાશીલ (sensitised) કહે છે. સંવેદનશીલ વ્યક્તિમાં પ્રતિજન કે અર્ધપ્રતિજનના પુન:પ્રવેશથી થોડીક જ મિનિટોમાં પ્રતિજન-પ્રતિદ્રવ્ય સંયોજન થાય છે. પ્રતિદ્રવ્ય લોહીના બેઝરાગી શ્વેતકોષો (basophils) તથા પેશીઓમાંના માસ્ટ (mast) કોષના બહારના આવરણ (કોષપટલ, cell membrane) પર હોય છે. તેથી પ્રતિજન-પ્રતિદ્રવ્ય સંયોજન સમયે બેઝરાગી કોષો તથા માસ્ટ કોષોમાંના હિસ્ટામીન અને અન્ય વાહકદ્રવ્યો (mediators) કોષોમાંથી બહાર આવે છે. વાહકદ્રવ્યોની અસર ચામડી, શ્વસનતંત્ર, લોહીની નસો, જઠર અને આંતરડાં તથા લોહી પર થાય છે. ક્યારેક પ્રતિજન તરફનો આ પ્રતિભાવ (response) શરીરને નુકસાન પણ કરે છે. તેવા સંજોગોમાં આવા પ્રતિજનને ઍલર્જન (allergen) કહે છે અને આવા પ્રતિભાવને અતિસંવેદનશીલતા અથવા અતિપ્રતિગ્રાહ્યતા (hypersensitivity) અથવા ઍલર્જી (allergy) કહે છે. (જુઓ આકૃતિ.)
કેટલાક અતિસંવેદનશીલતાજનક અથવા અતિપ્રતિગ્રાહ્યતાજનક પદાર્થો અને દ્રવ્યો.
ક. | પ્રોટીન : | |
વિષ – | હાયમેનૉપ્ટેરા(Hymenoptera Order)નાં જંતુઓનો ડંખ, | |
દા.ત., મધમાખી, વાંસમાખી (bamboo fly); પરાગરજ | ||
ખોરાક – | સમુદ્રી આહાર (sea food), સૂકાં ફળ (nuts), અનાજ, | |
કઠોળ, કપાસિયાનું તેલ, ચૉકલેટ વગેરે | ||
ઔષધ – | ઘોડા અથવા સસલાના સિરમમાંથી બનાવેલું પ્રતિલસિકાકોષ | |
સિરમ (antilymphocytic serum) | ||
અન્ય – | કેટલાક અંત:સ્રાવો, ઉત્સેચકો તથા વીર્ય | |
ખ. | અર્ધપ્રતિજન (hapten) : | |
ઍન્ટિબાયૉટિક | ||
ઔષધો – પેનિસિલિન જૂથ, સિફેલોસ્પૉરિન જૂથ, એમ્ફોટેરીસીન-બી વગેરે; | ||
સ્થાનિક નિશ્ચેતકો (local anaesthetics) લિગ્નોકેન, પ્રોકેન; | ||
કેટલાંક નિદાનલક્ષી દ્રવ્યો; | ||
અન્ય – | વિટામિન બી1, ફૉલિક ઍસિડ | |
ગ. | બહુશર્કરાઓ (polysaccharides) : ડેક્સ્ટ્રાન તથા લોહ (iron) – ડેક્સ્ટ્રાન સંયોજન |
|
ઘ. | અતિસંવેદનાભ અથવા અતિપ્રતિગ્રાહ્યાભ પ્રતિભાવ (anaphylactoid reaction) કરતાં દ્રવ્યો અને પદાર્થો : ક્યુરારે, મેનિટોલ, વિકિરણરોધી આયોડીનવાળું નિદાન દ્રવ્ય (radio opaque iodinated dye), શોથરોધી બિનસ્ટીરૉઇડી ઔષધો (NSAIDs) વગેરે. |
વાહકદ્રવ્યોની યાદીમાં હિસ્ટામીન ઉપરાંત એરેકીડોનિક ઍસિડના ચયાપચયી અંત:ઘટકો (metabolities of arachidonic acid) તથા ગઠનકોષો (platelets), ઈઓસીનરાગી શ્વેતકોષો (eosinophils) અને બહુરૂપકેન્દ્રી શ્વેતકોશો(polymorphs)ને આકર્ષતા અને કાર્યશીલ કરતા ઘટકોનો સમાવેશ થાય છે. ક્યારેક કેટલાક પદાર્થો પ્રતિજન-પ્રતિદ્રવ્યની પ્રતિક્રિયા વગર સીધા જ માસ્ટ કોષ અને બેઝરાગી શ્વેતકોષોમાંનાં વાહક દ્રવ્યોને મુક્ત કરે છે. શરીરના આવા પ્રતિભાવને અતિ સંવેદનાભ અથવા અતિપ્રતિગ્રાહ્યાભ (anaphylactoid) પ્રતિભાવ કહે છે. પ્રતિજન, અર્ધપ્રતિજન તથા અતિસંવેદનાભ પદાર્થોની ટૂંકી યાદી અહીં સારણીમાં આપેલી છે.
નસ વાટે અપાતાં ઔષધોમાં ઍલર્જિક પ્રતિભાવો વધુ જોવામાં આવે છે. તે મોં વાટે આપવાથી કે ચામડી પર લગાડવાથી પણ થઈ શકે છે. જંતુના ડંખથી થતી અતિસંવેદનશીલતાના દર્દીઓમાંથી ફક્ત 4 % દર્દીઓ ભૂતકાળમાં પોતાને તેવો અનુભવ થયો હતો તેમ કહે છે. ફક્ત 2૦ % દર્દીઓમાં ત્વચાપરીક્ષણ હકારાત્મક પરિણામ આપે છે. નસ વાટે લોહી આપવામાં આવે તો ત્યારે 3 % થી 5 % દર્દીઓને શીળસ થાય છે. અતિસંવેદનશીલતાજન્ય તત્કાલ આઘાત જવલ્લે જ જોવા મળે છે. ઘણે ભાગે તે IgAની ઊણપવાળા દર્દીઓમાં દાતાના લોહીમાંના IgA પ્રકારના પ્રતિદ્રવ્યની સામેના પ્રતિભાવરૂપે થાય છે.
દર્દીના શરીરે વાહકદ્રવ્યો દ્વારા કરેલો પ્રતિભાવ ક્યારેક, અચાનક અને ટૂંકા સમય માટેનો હોય છે. ચામડી પર શીળસ (urticaria) નીકળી આવે, શ્વાસ ચઢે કે પછી લોહીનું દબાણ ઘટી જાય, રુધિરાભિસરણ નિષ્ફળ થઈ જાય અને દર્દી મૃત્યુ પણ પામે. શ્વસનિકાના સ્નાયુઓ (bronchial muscles) સંકોચાય તો દમના જેવો શ્વાસ ચઢે છે. નસોના સ્નાયુઓ શિથિલ થઈ જાય તો નસો પહોળી થઈ જતાં (વાહિની-વિસ્તૃતતા vasodilatation) લોહીનું દબાણ ઘટી જાય છે.
કેશવાહિનીની પારગમ્યતા (permeability) વધી જાય તો લોહીમાંનું પ્રવાહી પેશીમાં ચાલ્યું જાય છે તેને કારણે પણ લોહીનું દબાણ ઘટી જાય છે. આ સંજોગોમાં શરીરની પેશીઓમાંનું લોહીનું ભ્રમણ ઘટી જાય છે તેને પેશી-રુધિરાભિસરણ નિષ્ફળતા કે અપર્યાપ્તતા (peripheral vascular failure) અથવા આઘાત (shock) કહે છે. વાહક દ્રવ્યો, શોથકારી કોષો(inflammatory cells)ને આકર્ષે છે, જેથી ચામડીમાં લાલ, ખૂજલીવાળાં ઢીમણાં (શીળસ) થઈ આવે છે. ક્યારેક ઊબકા, ઊલટી કે ઝાડા થાય છે. લોહીમાંના ગંઠનકોષો એકઠા થઈ જાય છે (aggregation) અને તેમના કણો બહાર નીકળી જાય છે. તેથી લોહી નસોમાં વિષમ પ્રકારે (abnormally) જામે છે. લોહીના ગંઠનકારી ઘટકો (clotting factors) ખાસ કરીને પાંચમો અને આઠમો ઘટક અને ફાઇબ્રિનોજન ઘટી જાય છે, પ્રતિરક્ષાપૂરક (complement) કાર્યશીલ બને છે, તથા વધુ અણુભારવાળું ફાઇબ્રિનોજન ઘટી જાય છે. આ બધાં અંત:વાહિની રુધિરગઠન (intravascular coagulopathy)નાં લક્ષણો છે, જેમાં લોહીની નસોમાં લોહી જામે છે. લોહી જામવા માટેનાં ઘટકો વપરાઈ જતાં ખૂટી પડે છે અને તેમાંથી શરીરમાં અન્યત્ર લોહી વહેવાનો વિકાર થઈ શકે છે. અતિસંવેદનશીલતાનાં મુખ્ય લક્ષણો શીળસનાં ઢીમડાં અને નસોનો સોજો (વાહિનીશોફ, angioedema) છે. નીચલી પાંપણ, હોઠ તથા જીભ પર સોજો આવે છે. જો સ્વરપેટી પર સોજો આવે તો શ્વાસ લેવાની તકલીફ ઊભી થાય છે અને તેથી ક્યારેક ઉગ્ર ગૂંગળામણ થતાં મૃત્યુ પણ નીપજે છે.
શ્વાસની તકલીફનું બીજું કારણ શ્વસનિકાઓ અને નીચલા શ્વાસમાર્ગના સ્નાયુઓનું સંકોચન પણ હોઈ શકે છે. બંને પ્રકારની શ્વસન-તકલીફોનું નિદાન કરવું આવશ્યક છે. સ્વરપેટીના સોજાનો દર્દી હૈડિયા(stridor)થી પીડાય છે જ્યારે શ્વસનિકાના સ્નાયુના વ્યાપક સંકોચનથી દમ (asthma) જેવી સ્થિતિ સર્જાય છે. અતિતીવ્ર પ્રતિભાવ સમયે લોહીનું દબાણ ઘટે છે, પેશીઓમાંનું લોહીનું ભ્રમણ નિષ્ફળ જાય છે. તે સમયે મગજ અને કેન્દ્રીય ચેતાતંત્રના અવયવોને પ્રાણવાયુ ઓછો મળવાથી તેમનું કાર્ય વિષમ બને છે. આઘાત કેટલો તીવ્ર છે અને કેટલા સમયથી છે તેના પર લોહીમાંના હિસ્ટામીનના પ્રમાણનો આધાર રહે છે. હૃદ્વીજાલેખ(electrocardiogram, ECG)માં આવેગવહન વિકારો (conduction abnormalities), હૃદ્-અતાલતા (arrhythmia) તથા હૃદયમાં લોહીના ઘટેલા ભ્રમણ(cardiac ischaemia)નાં લક્ષણો કે હૃદયરોગના હુમલા (acute myocardial infraction)નાં જોવા મળે છે. ચામડીમાં (intradermal) ઇન્જેક્શન દ્વારા અતિસંવેદનશીલતા કરી શકે તેવા પદાર્થને ઘણી ઓછી માત્રામાં આપી ચામડીમાં તે સ્થળે શીળસ જેવી પ્રતિક્રિયા થાય છે કે નહિ તે જોવાથી જે તે વ્યક્તિ તે પદાર્થ માટે સંવેદનશીલ છે કે નહિ તે જાણી શકાય છે. જોકે સંવેદનશીલતાના આ ત્વચાપરીક્ષણ(skin test)થી તેને અતિસંવેદનશીલતાજન્ય આઘાત થશે જ કે નહિ તે દરેક કિસ્સામાં ચોક્કસપણે કહી શકાતું નથી. અતિસંવેદનશીલતા જેવાં જ લક્ષણોવાળા કેટલાક રોગોમાં હૃદયરોગનો હુમલો, હૃદયની અનિયમિત ગતિ, દમ, તીવ્ર ઔષધ- વિષાક્તતા (acute drug toxicity), સંવેદનશીલાભ પ્રતિક્રિયા, અજ્ઞાતમૂલ (idiopathic) શીળસ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રોગોમાં લક્ષણોનું સમયસરનું નિદાન જરૂરી છે.
અતિસંવેદનશીલતાજન્ય આઘાતમાં ખૂબ જ ઝડપથી વિકાર વ્યાપક અને તીવ્ર બની જાય છે માટે ઘણી વખત સારવાર માટે સમય પણ મળતો નથી તેથી તેનો ઉપદ્રવ તરત અટકાવવો જરૂરી છે. કોઈ પણ ઔષધ, ખાસ કરીને ઇન્જેક્શન દ્વારા આપતા પહેલાં તેના તરફની કે તેના જૂથનાં અન્ય ઔષધો તરફની વ્યક્તિની પ્રતિક્રિયા વિશે પૂછવું જરૂરી ગણાય છે. જો વ્યક્તિને તેની વિશિષ્ટ અતિસંવેદનશીલતાની ખબર હોય તો તેને હંમેશાં કાંડા પર તેની નોંધ પહેરી રાખવાની સૂચના આપવામાં આવે છે. પેનિસિલિન કે સેફેલોસ્પૉરિન જૂથનાં ઍન્ટિબાયૉટિક ઔષધમાંથી કોઈ એક તરફ જો વ્યક્તિ સંવેદનશીલતા ધરાવતી હોય તો તે બીજાં જૂથનાં ઔષધો તરફ પણ સંવેદનશીલ હોઈ શકે છે. ત્વચાપરીક્ષણ પણ ઉપયોગી પ્રતિરોધક (preventive) ક્રિયા છે. જો વ્યક્તિ અતિસંવેદનશીલતાનાં ઉપર જણાવેલાં લક્ષણો દર્શાવે તો તરત જ જે હાથ કે પગ પર ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં લોહીના હૃદ્અભિમુખપ્રવાહને અટકાવવા માટે દાબપટ્ટો (tourniquet) બાંધી ઔષધનો લોહીમાંનો પ્રવેશ ઘટાડવામાં આવે છે. એડ્રિનાલિન ચામડીની નીચે (subcutaneous) ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. ક્યારેક તે સાવચેતીપૂર્વક નસ વાટે પણ અપાય છે. હિસ્ટામીનરોધકો અને કૉર્ટિકોસ્ટેરૉઇડ ઔષધો તત્કાલ અસર કરવા માટે મર્યાદિત રીતે ઉપયોગી હોવા છતાં સામાન્ય રીતે તેમનો ઉપયોગ ફરી ફરીને થતી પ્રતિક્રિયાને અટકાવવા માટે કરાય છે. કૉર્ટિકોસ્ટિરૉઈડ ઔષધો લોહીનું દબાણ વધારવામાં મદદ પણ કરે છે. શ્વાસની તકલીફ દૂર કરવા માટે શ્વાસનળીછિદ્રણ (tracheostomy) કે થિયોફાઇલીન તથા ઑક્સિજન ઉપયોગી રહે છે. લોહીનું ભ્રમણ જાળવી રાખવા માટે નસ વાટે પ્રવાહી ચઢાવવામાં આવે છે.
ગૌતમ ભગત
શિલીન નં. શુક્લ