આખ્યાન : મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકાર. આખ્યાન શબ્દનો અર્થ થાય છે, કથાનું સવિસ્તર કથન. કાવ્યશાસ્ત્રકાર ભોજ એમના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનને શ્રાવ્યકાવ્યનો એક પ્રકાર કહે છે. આખ્યાન વિશે એમણે કહ્યું છે કે કોઈ પણ એક ગ્રાન્થિક એટલે કથા કહેનાર એકલો જ ગોવિન્દાખ્યાન જેવી પૌરાણિક કથાને ગાયન, વાદન, અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરે, તે કૃતિ આખ્યાન કહેવાય. આ વ્યાખ્યા ગુજરાતી આખ્યાનને સમજવા માટે ઉપયોગી છે. ગ્રાન્થિકો જે કથા કહેતા તે વાદ્ય વગાડી, ગાઈ તથા જુદા જુદા ભાવોના આંગિક, વાચિક અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરતા. એ નાટક નથી તેથી એમાં આહાર્ય અભિનયને સ્થાન નહોતું. વ્યાખ્યામાં ‘ગોવિન્દવત્’ શબ્દ પૌરાણિક એટલે કે ખ્યાત કથા હોવી જોઈએ તેનો નિર્દેશ કરે છે. પરન્તુ ગુજરાતી આખ્યાનકારોએ તો નરસિંહના જીવનના પ્રસંગો અને બોડાણા જેવા ભક્તની વાર્તા પણ આખ્યાનબદ્ધ કરેલ છે. એ પરથી એમ કહી શકાય કે આખ્યાનમાં વસ્તુ પૌરાણિક જ હોય એવો દૃઢ આગ્રહ રખાયો નથી. વ્યાખ્યામાં ગ્રાન્થિક શબ્દ ધંધાદારી ધર્મકથા કહેનારા વર્ગને માટે વપરાયો છે. એટલે એવું ફલિત થાય છે કે ભોજના સમયમાં ધર્મકથા કહેનારા ગ્રાન્થિકોનો વર્ગ હશે.
હેમચન્દ્રાચાર્યે પણ ભોજે દર્શાવેલાં બધાં લક્ષણો ઉપરાંત કથાકથનનો ઉદ્દેશ લોકોને બોધ આપવાનો હોય એમ જણાવ્યું છે અને દૃષ્ટાંત તરીકે નલોપાખ્યાનને ટાંક્યું છે. મહાભારતની નળની કથા જૈન તેમજ જૈનેતર કથાકારોએ ઉપદેશાર્થે નિરૂપી છે. અહીં એમ પણ જણાવ્યું છે કે પુરાણોનાં ઉપાખ્યાનો અપભ્રંશ-ગુજરાતીમાં અવતરતાં આખ્યાનનું સ્વતંત્ર રૂપ ધારણ કરે છે. આ પરથી એમ કહી શકાય કે હેમચન્દ્રના સમયમાં પણ ગ્રાન્થિકો પુરાણકથા સાભિનય ગાઈ બજાવી રજૂ કરતા હશે અને એ રીતે ઉપાખ્યાનનું વિસ્તારેલું રૂપ આખ્યાન કહેવાતું હશે.
ગુજરાતમાં જે ધંધાદારી કથા કહેનારાઓ હતા તેઓ માણભટ્ટના નામથી ઓળખાતા. માણનો અર્થ તાંબાની ગાગર થાય છે. કથા કહેતી વખતે માણ પર વીંટીથી તાલ દઈને ગાઈને કથા કહેતા તેથી તે માણભટ્ટ કહેવાયા. એમને ગાગરિયા ભટ્ટ પણ કહે છે. કથા ગાઈ બજાવી અભિનય સહિત કહેવાતી એટલે એ દૃશ્યશ્રાવ્ય કાવ્યપ્રકાર હતો.
એનો આરંભ મંગળાચરણ એટલે કે ઇષ્ટદેવની સ્તુતિથી થતો. શરૂઆતમાં ગણપતિસ્તુતિ પછી સરસ્વતીવંદના આવતી. તે પછી કથાની પશ્ચાદભુનો પરિચય અપાતો ને કથાની પ્રસંગાનુસાર વિભાગવાર રજૂઆત થતી. આ વિભાગને ‘કડવું’ એવું નામ અપાતું. ‘કડવું’ શબ્દ સંસ્કૃત કડવક પરથી આવ્યો છે, જેનો અર્થ ભિન્નભિન્ન રાગોનો સમૂહ થાય છે. સામાન્ય રીતે ‘કડવું’ ત્રણ વિભાગમાં વહેંચાઈ જતું. પહેલો ભાગ ‘મુખબંધ’ કહેવાય છે. બીજો ઢાળ અને ત્રીજો ભાગ વલણ કહેવાય છે. મુખબંધમાં જે પ્રસંગ રજૂ કરવાનો હોય છે તેનો અત્યંત સંક્ષિપ્ત ઉલ્લેખ કરવામાં આવે છે, ઢાળમાં પ્રસંગની રજૂઆત થાય છે અને વલણમાં પહેલી પંક્તિમાં કહેવાયેલા પ્રસંગનો ઉલ્લેખ હોય અને બીજી પંક્તિમાં પછીના કડવામાં જે પ્રસંગ કહેવાનો હોય તેનો ઉલ્લેખ હોય. આ ત્રણે અંગોનું જે એકમ તે કડવું. જોકે કડવાનું આ વિકસિત રૂપ પ્રારંભિક આખ્યાનોમાં મળતું નથી. પ્રથમ આખ્યાનકાર ભાલણના કડવામાં વલણ નથી. ફક્ત મુખબંધ અને ઢાળ જ છે. કડવાનું પૂર્ણવિકસિત રૂપ પ્રેમાનંદમાં (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ અને અઢારમી સદીનો પૂર્વાર્ધ) મળે છે.
આખ્યાન કથાકાવ્ય હોવાથી એમાં વિવિધ રસોનું નિરૂપણ થતું અને કુશળ કથાકાર વેગીલું રસપરિવર્તન કરી શ્રોતાઓની રસતૃષા છિપાવતો. આ કળામાં પ્રેમાનંદ નિષ્ણાત હતો. ક્યારેક તો એ વિરોધી રસોને આલંબન કે ઉદ્દીપન વિભાવની શૃંખલાથી સાંકળી લેતો. જેમ કે ‘દશમસ્કંધ’માં દડો લેવા કૃષ્ણ યમુનામાં કૂદી પડે છે એ પ્રસંગ. ગોપબાલો, ગોપીઓ તથા યશોદામાં કરુણરસ પ્રગટ કરે છે. નાગિનીઓ માટે એ અદભુત પ્રસંગ છે. કાલિયનાગ માટે અને કૃષ્ણ માટે વીરરસનો પ્રસંગ છે. એમ એક જ પ્રસંગનું અવલંબન લઈ પ્રેમાનંદ વિવિધ રસોની જમાવટ કરે છે. પ્રેમાનંદને આખ્યાનશિરોમણિ કહ્યો છે તેનું એક કારણ તેની રસસંક્રમણની કળા છે.
આખ્યાનને અંતે કવિ પોતાનો સંક્ષિપ્ત પરિચય, કૃતિની રચ્યાસાલ તથા તિથિ આપતો. અન્તે ફળશ્રુતિ આવતી.
આખ્યાનનું કથાવસ્તુ વિશેષત: રામાયણ, મહાભારત તથા ભાગવતમાંથી લેવામાં આવતું. મહાભારતમાંથી અભિમન્યુ આખ્યાન, નળાખ્યાન, રામાયણમાંથી સીતાસ્વયંવર, રામરાવણયુદ્ધ, ભાગવતમાંથી સુદામાની કથા, ઉષાહરણ ઇત્યાદિ કથાઓ અનેક આખ્યાનકારોએ પ્રસ્તુત કરી છે. શ્રોતાઓ કથાને વધારે સારી રીતે માણી શકે તે માટે આખ્યાનકારો મૂળ કથામાં સમકાલીન રંગો પૂરતા. આથી ક્યારેક, મૂળ પાત્રોને અન્યાય પણ થઈ જતો. જેમ કે ‘અભિમન્યુ આખ્યાન’માં કૃષ્ણને ભાણેજની હત્યા કરવાને ષડ્યંત્ર રચતા દર્શાવ્યા છે. આખ્યાનમાં આરંભકાળમાં પૌરાણિક કથાઓ જ કહેવાતી, પણ પાછળથી નરસિંહ, વલ્લભાચાર્ય, બોડાણો વગેરેના જીવનપ્રસંગોને આખ્યાનમાં સ્થાન મળ્યું.
આખ્યાનની મૂળ કથામાં જે કથક હોય અને જે શ્રોતા હોય તેમાં આખ્યાનકારો ફેરફાર કરતા નહિ. ભાગવતની કથા શુકદેવ પરીક્ષિતને કહેતા હોય, તો આખ્યાનની કથામાં પણ શુકદેવ અને પરીક્ષિત એ જ સ્થાને રહેતા. આખ્યાનકથાઓ બ્રાહ્મણો જ કહે તેવી પ્રણાલી હોવાથી નાકર જેવા વણિકે આખ્યાનો રચેલાં તે એણે ગાવા માટે બ્રાહ્મણોને – માણભટ્ટોને આપેલાં.
આખ્યાનનાં બીજ આપણને નરસિંહના ‘સુદામાચરિત્ર’માં એટલે કે પંદરમી સદીમાં મળે છે. પણ આખ્યાનનો ખરો આરંભ તો ભાલણ(14૦5–1489)થી થયો. ભાલણે મહાભારતમાંથી નળનું કથાનક લઈને ‘નળાખ્યાન’માં રજૂ કર્યું. ભાલણનાં ‘નળાખ્યાન’, ‘મૃગી આખ્યાન’ ને ‘દુર્વાસા આખ્યાન’માં આખ્યાનનું પ્રથમ કડવાબદ્ધ સ્વરૂપ મળે છે. ઇષ્ટદેવની સ્તુતિથી આરંભ, ફળશ્રુતિથી અન્ત, છેવટની થોડી પંક્તિઓમાં પોતાનો પરિચય, પ્રત્યેક કડવાને અંતે પછી આવનારા કડવાના પ્રસંગની માહિતી વગેરે તત્ત્વો તેમાં રહેતાં. જોકે તેના કડવામાં મુખબંધ અને ઢાળ હોય છે, પણ વલણ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતું. ભાલણ પછી કડવાબદ્ધ કૃતિઓની પરંપરા ચાલી. જનાર્દનના ‘ઓખાહરણ’માં કડવાં છે, પણ નાનાં છે અને એમાં મુખબંધ, ઢાળ, વલણ એવા વિભાગો નથી. કડવામાં મુખબંધ અને ઢાળ ભાલણ પછી વીરસિંહના (સોળમી સદી) ‘ઓખાહરણ’માં મળે છે. એ જ સદીનો વણિક નાકર, મહાભારતમાંથી કથાનક લઈને અનેક આખ્યાનો રચે છે, સત્તરમી સદીમાં વિષ્ણુદાસ ભાગવતને આધારે ‘શુકદેવાખ્યાન’ રચે છે, મહાભારતમાંથી સુધન્વા અને ચન્દ્રહાસની કથાઓને આખ્યાનબદ્ધ કરે છે. એનાં કેટલાંક આખ્યાનોમાં કડવાના ત્રણે વિભાગો છે, જ્યારે કેટલાંકમાં વલણ નથી. આખ્યાનનું પૂર્ણવિકસિત રૂપ અને કાવ્યપ્રકાર તરીકે એનું સુદૃઢ ગઠન આપણને પ્રેમાનંદ(1636–1734)માં મળે છે. આખ્યાનોમાં મહાભારત, રામાયણ, ભાગવત, નરસિંહના જીવનપ્રસંગો એમ કથાનકોનું વૈવિધ્ય, કથનરીતિનું વૈવિધ્ય, રસસંક્રમણની કલા, સમકાલીન રંગો પૂરવાની કુશળતા એ સર્વેને કારણે પ્રેમાનંદ આખ્યાનસાહિત્યને વિકાસની ચરમસીમા પર પહોંચાડી શક્યો છે. એની પછી આખ્યાનની કલા ઓસરવા લાગી. એની પછી કેટલાંક આખ્યાનો રચાયાં છે; જેમ કે ધીરાનું ‘અશ્વમેધાખ્યાન’ કે ‘રણયજ્ઞ’, ભોજાનું ‘ચેલૈયાખ્યાન’. તેમ છતાં એ આખ્યાનો મુકાબલે ફીકાં લાગે છે, રસપર્યવસાયી નથી. ઓગણીસમી સદીમાં દલપતરામે પણ ‘વેનચરિત્ર’ (1868) આખ્યાનશૈલીમાં રચ્યું છે. અર્વાચીનોમાં સુન્દરમ્, કરસનદાસ માણેક, નારદ વગેરેમાં પણ એનો તંતુ લંબાયેલો જણાય છે. પરંતુ રસનિષ્ઠ સાહિત્યપ્રકાર તરીકે તો મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકૃતિઓ જ છે એ નિર્વિવાદ છે.
ચન્દ્રકાન્ત મહેતા