આકંઠ સાબરમતી : ગુજરાતમાં 1970ના દાયકામાં નાટ્યલેખકોનું ચાલેલું વર્તુળ. સ્થળ અમદાવાદની માધ્યમિક શાળા, વિદ્યાનગર હાઈસ્કૂલ, સ્થાપના 1972. મુખ્ય આયોજક મધુ રાય. એના મુખ્ય મુખ્ય નાટ્યલેખકોમાં લાભશંકર ઠાકર, ચંદ્રકાન્ત શેઠ, ચિનુ મોદી, ઇન્દુ પુવાર, રમેશ શાહ, મનહર મોદી, સુવર્ણા, હસમુખ બારાડી, મુકુંદ પરીખ, સરૂપ ધ્રુવ વગેરે. ચિત્રકાર બાલકૃષ્ણ પટેલનો પણ મહત્ત્વનો ફાળો. ગુજરાતમાં જ્યારે અનુવાદિત નાટકોની જ રજૂઆત તખ્તે થતી હતી અને વિશ્વવિદ્યાલયોના યુવક મહોત્સવોમાં ઉદભટ (absurd) એકાંકી નાટ્યલેખન લોકપ્રિય યુવકપ્રવૃત્તિ બની રહ્યું હતું ત્યારે, ગુજરાતની રંગભૂમિની ‘આવાં ગાર્દ’ જેવી પ્રવૃત્તિનું કેન્દ્ર આ કાર્યશિબિર બની રહી. નાટ્યલેખકોને એમના એકદંડિયા મહેલમાંથી બહાર કાઢી એ લેખકો જ અભિનય કરે કે પોતાની કૃતિનો પહેલો મુસદ્દો નવા નટો પાસે ભજવાવડાવે, અને એ રીતે નાટ્યક્ષમ ક્ષણો લેખકની નજર સમક્ષ તખ્તે અવતરે, એ આ કાર્યશિબિરનું મહત્વનું પ્રદાન ગણી શકાય. એની પ્રવૃત્તિના પરિપાકરૂપે બે નાટ્યસંગ્રહો ‘આકંઠ’ અને ‘સાબરમતી’ પ્રસિદ્ધ થયા. તેમાંની મહત્વની નાટ્યકૃતિઓમાં ‘વૃક્ષ’, ‘મનસુખલાલ મજીઠિયા’, ‘આપણું તો એવું’, ‘આપણે રસ્તો ચૂક્યા નથી’, ‘બૂચ’, ‘જડબેસલાક જાંબુ’ વગેરે નોંધપાત્ર છે. કોઈ પણ પ્રકારના આયોજન વિના શરૂ થયેલું અને એ જ રીતે વિલીન થયેલું આ મંડળ ગુજરાતની નાટ્યકલાપ્રવૃત્તિનો એક નાનકડો પણ મહત્ત્વનો ઉન્મેષ હતો. ગુજરાતમાં લીલાનાટ્યનો પ્રયોગ તેની દ્વારા પ્રચલિત થયો એમ કહી શકાય.
હસમુખ બારાડી