આકારજનન

(Morphogenesis)

વનસ્પતિ તથા પ્રાણીઓમાં કોષપેશી અને અંગોના વિકસન તેમજ વિન્યાસ દ્વારા થતું આકારનું સર્જન. સજીવોના આકાર તથા તેની આંતરિક રચના સુંદર અને રુચિકર હોય છે. છેક પ્લેટોના સમયથી પદાર્થ અને તેની આકૃતિ વચ્ચેના સંબંધની ચર્ચા થતી આવી છે. ચૈતન્ય સ્વરૂપમાં સહજ અંતર્હિત હોય છે. વનસ્પતિસૃષ્ટિમાં રૂપનું અપાર વૈવિધ્ય જોવા મળે છે, જેને લીધે તેના પ્રત્યેક પ્રકારની પરખ સરળતાથી થઈ શકે છે.

સ્વરૂપ અને રચનાના સંબંધનું નિરૂપણ આકારવિદ્યાના અંગરૂપે થાય છે. દેહધર્મવિદ્યા સાથે તેનો ગાઢ સંબંધ રહેલો છે. આકૃતિ અને તેનાં અંગો અને કાર્યો પરસ્પર એવાં સંકળાયેલાં હોય છે કે તેમને એકબીજાથી અલગ કરી શકાતાં નથી.

કોષ પેશી અને અંગની આંતરિક રચના અને તેમના દેહધર્મરૂપ ચયાપચયનાં પરિવર્તનો સૌપ્રથમ કે. ગોયબેલે ઈ.સ. 1900માં વર્ણવ્યાં; તે ઉપરથી જી. હેબરલેન્ડ્ટે 1914માં ‘Physiological Plant Anatomy’ (દેહધાર્મિકીય અંત:સ્થ સંરચના) નામનો મનનીય ગ્રંથ લખ્યો. તેમાં સ્વરૂપજનનના કારકોના સમગ્ર વર્તાવનું – એટલે કે જનીનિક (genetical), જીવરાસાયણિક (biochemical), દેહધાર્મિકીય (physiological) અને પરિસ્થિતિવિદ્યા(ecological)ના ક્રમમાં કયા કારકો કેવી રીતે અવયવો કે અંગોની ઉત્પત્તિ અને સ્થિતિ માટે જવાબદાર હોય છે – તેનું રહસ્ય સમજાવવાનો પ્રથમ પ્રયત્ન કરેલો છે.

આકૃતિ 1 : લીલમાં ચોરસ અને ચતુષ્કોણીય વસાહતોનું સર્જન

જીવવિજ્ઞાનની સ્વરૂપજનનશાખાની પ્રેરકશક્તિ (dynamics) અને પ્રયોજકતા આકારવિદ્યા, દેહધર્મવિદ્યા અને ગર્ભવિદ્યાથી સ્વતંત્ર હોવા છતાં, ત્રણેયનો સમન્વય સાધે છે. તે પોતાનું આગવું નામ ચરિતાર્થ કરે છે. વિલ્હેમ રાઉક્સ નામના જર્મન વૈજ્ઞાનિકે તે શાખાનું નામ વિકાસનું કાર્યરહસ્ય (entwicklungs mechanik) આપ્યું છે. આ પ્રાણીવિદે સજીવોના વિકાસની પ્રક્રિયા અને રહસ્યનું નિદર્શન કરતા આકારજનન જેવા જટિલ વિષયનું સામયિક ‘Archiv Fur Entwicklugs mechanik der organismen’ શરૂ કરીને વિશ્વના જૈવશાસ્ત્રીઓનું તે વિષય તરફ ધ્યાન દોર્યું. કેટલાક વિજ્ઞાનીઓ આ શાખાને પ્રાયોગિક આકારવિદ્યા કે પ્રાયોગિક ગર્ભવિદ્યા તરીકે પણ ઓળખાવે છે. પરંતુ તે શાખાઓનાં ક્ષેત્ર તદ્દન જુદાં જ છે. સી. ડબ્લ્યુ. વાર્ડલો જેવા બ્રિટનના વૈજ્ઞાનિકો, આ શાખાને નૈમિત્તિક આકારવિદ્યા (causal morphology) તરીકે જુદી પાડે છે. હાલમાં તે આકારજનન કે સ્વરૂપજનન (origin of form) તરીકે ઓળખાય છે. અર્ન્સ્ટ હેકેલે 1859માં તેને ‘morphogenic’ નામ આપ્યું. ગુજરાતીમાં તેને વિકાસલક્ષી આકારવિદ્યા (developmental morphology) કહી શકાય. તેમાં રૂપ કે આકાર(form)ની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની વિવિધ અવસ્થાઓ આવરી લેવાય છે.

સૌપ્રથમ એડમન્ડ ડબલ્યૂ. સીનોટે (1960માં) પછી જેમ્સ બોનરે (1965માં) અને સી. ડબલ્યૂ. વાર્ડલોએ (1924થી 1967 સુધી) જીવનના અંત સુધી આ વિષય ઉપર લીલથી માંડીને સપુષ્પ વનસ્પતિ સુધીમાં થતી આકારની ઉત્પત્તિ શોધવા પ્રયત્નો કર્યા છે. પણ આ વિષય ઉત્તરોત્તર ગહન થતો રહ્યો છે. તેમણે (1) ‘વનસ્પતિઓમાં આકારજનન’ (Morphogenesis in Plants) અને (2) ‘જાતિવિકાસ અને આકારજનન’ (Phylogeny and Morphogenesis) એમ બે પુસ્તકો લખ્યાં છે. 60મા જન્મદિવસે તેમના વિદ્યાર્થીવૃદે ‘વનસ્પતિ આકારજનનમાં વલણો’ (Trends in Plant Morphogenesis) ઉપર સંશોધનપત્રોનો એક સંગ્રહ તેમને ગ્રંથરૂપે અર્પિત કર્યો હતો. તેમાં કાર્ય-કારણનો સંબંધ સમજાવવા માટે વનસ્પતિવૃદ્ધિમાં કોષ અને વર્ધનશીલ પેશી(meristems)નો ફાળો એ મુદ્દા ઉપર ભાર મૂકેલો છે. તેમાં વર્ણનાત્મક અને પ્રાયોગિક કાર્યનો સાર આપેલો છે. બીજા તબક્કે આકારજનનની ઘટના (phenomena)ના આંતરસંબંધો, વિભિન્નન (differentiation), પુન:જનન (regeneration), પેશીમિશ્રણો (tisse mixtures) અને અનિયમિત વૃદ્ધિ (abnormal growth) વગેરે મુદ્દાઓ દાખલા આપીને સમજાવ્યા છે. ભારતમાં પ્રો. પંચાનન મહેશ્વરી અને બી. જી. એલ. સ્વામી આ વિષયના પ્રણેતા ગણાય છે. બોન યુનિવર્સિટીના વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક હર્મન વોકટિંગે 1878માં ‘Organbildung in Pflazenreichg’ (‘વનસ્પતિમાં અવયવ બંધારણ’) નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. તેમાં ઉપરના મુદ્દાઓની વિગતે ચર્ચા કરી છે. ત્રીજા તબક્કે વનસ્પતિવિકાસના નિયંત્રણમાં ભાગ લેતા મુખ્ય કારકો અને મુખ્યત્વે કરીને દેહધાર્મિક અને જનીનીય કોટડાઓ પરત્વેનાં પ્રાચલો (parameters) કેવી રીતે આકારજનનમાં કાર્ય કરે છે તે સમજાવ્યું છે.

આકૃતિ 2 : લીલ કાઉલેર્પામાં ત્રણ વિવિધ પ્રકારનાં સ્વરૂપો

પુંજન્યુ અને અંડકોષનું મિલન થતાં ફલન થાય અને ફલિતાંડના વિભાજનનો પ્રારંભ થાય છે. આવા વિભાજન અને ત્યારબાદ કોષ-વિસ્તરણથી ઓછેવત્તે અંશે કુદરતી વૃદ્ધિ અને વિકાસ થાય છે. આમ છતાં વનસ્પતિના કેટલાક ભાગો સતત વિભાજનની પ્રક્રિયા દર્શાવે છે. તેમાંથી વિશાળ કોષસમૂહો રચાય છે. ગર્ભ કે ભ્રૂણના વિકાસમાં કોષનું રૂપ કે અંગજનન સામાન્ય કાર્યપ્રવણ સ્વરૂપ સર્જે છે. વનસ્પતિમાં થતી વૃદ્ધિ પ્રાણીઓની વૃદ્ધિની સરખામણીએ કેટલીક બાબતોમાં ભિન્ન હોય છે. નીચલી કક્ષાની વનસ્પતિમાં સમગ્ર દેહ વૃદ્ધિ પામે છે, જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વૃદ્ધિક્ષેત્રો અમુક પ્રરોહાગ્ર કે મૂલાગ્ર કે એધા (cambium) પૂરતાં મર્યાદિત હોય છે.

વનસ્પતિમાં ઘણી જગ્યાએ વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે, જે કાયમ વિભાજનનો ગુણ ધરાવે છે. જીવનકાળ દરમિયાન નવાં પલ્લવપર્ણો અને પુષ્પો રચાયાં જ કરે છે. બીજી તરફ પ્રાણીઓમાં આંતરિક વિકાસની સ્થિતિ જન્મ સમયે જ પહોંચેલી હોય છે. ત્યારપછી કદ અને આકારમાં નજીવો ફેરફાર થાય છે.

કોષનું વર્તન જેમકે કોષવિભાજન, વિભિન્નન, પેશી-અંગજનન અને અંતે સ્વરૂપજનન ક્રમશ: (successively) પ્રવર્તતાં નથી, પરંતુ એકસાથે જ (simultaneously) ચાલે છે, તેમાંની કોઈ એક પ્રક્રિયા બીજી પર અસર કરનારી પણ નીવડે. વર્ધનશીલ પેશીમાંથી ઉત્પન્ન થતા કોષો શરૂઆતમાં સરખા હોય છે. પરંતુ વખત જતાં કોષસમૂહમાંથી કોઈ એક પળે એક કોષ છૂટો પડીને વિકાસ પામતાં તદ્દન ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે, કહો કે તેનું રૂપાંતર થાય છે. જેમ કે કઠક (sclereid), ચાલની નલિકા, કાષ્ઠતંતુઓ, મૃદુતક, રોમ વગેરે. એ દરેક કોષ દ્વિકીય (diploid) અને ઘણુંખરું માત્રાત્મક દૃષ્ટિએ સરખો જ ડીએનએનો જથ્થો ધરાવતો હોવા છતાં આવી વિભિન્નતા કેવી રીતે જન્મે છે તે દેહધર્મવિદ્યાનો એક કોયડો છે.

આકૃતિ 3 : ફલિતાંડમાંથી પુખ્તભ્રૂણ અને તેમાં વસતાં વિવિધ પ્રકારનાં રોમ, કડક, મૃદુતક, જલવાહિની અને તંતુકોષો. (1) યુગ્મનજ, ફલિતાંડ (2) બે કોષોનાં ભ્રૂણ  બંને કોષો તદ્દન વિભિન્ન છે. (3) પંચ કોષીય અવસ્થા (4) બહુકોષીય તરુણ ભ્રૂણ કોષો ઘણી વિભિન્નતા દર્શાવે છે. (5) અધિસ્તરનો રોપ (6) પર્ણનો કડક કોષ (7) મૃદુતક કોષ (8) વાહિનીકોષ (9) તંતુકોષ.

આંતરિક દેહધાર્મિક ક્રિયાઓ અને આકારકીય સંબંધો સમજાવવા હાલમાં બે પદ્ધતિઓ વિશેષત: વિકાસ પામેલી છે : (1) પેશીય સંસ્કરણ (tissue culture) અને (2) કોષ-પેશી રસાયણ (cell and tissue histochemistry) કોશો ઉપર અસર કરતાં વૃદ્ધિનિયામકો, વિવિધ કારકો, કોષો વચ્ચેના આંતરિક સંબંધો, અંત:સ્રાવો વગેરેના અભ્યાસ માટે પેશીય સંસ્કરણ એક મહત્વની પદ્ધતિ સાબિત થઈ છે. જીવાણુ અને ફૂગરહિત અવસ્થામાં પોષક માધ્યમમાં અંગ, પેશી કે જીવરસના કૃત્રિમ સંવર્ધનની પ્રક્રિયાને પેશીય સંસ્કરણ કહે છે. તેમાં સજીવ(વનસ્પતિ કે પ્રાણી)ના આખા શરીરને, તેનાં જુદાં-જુદાં અંગોને પેશીઓને અને આખરે કોષોને છૂટાં પાડવામાં આવે છે. વિખૂટા પાડેલા કોષોને સંસ્કાર સિંચતાં તે એકમાર્ગીય વૃદ્ધિ (unidirectional growth) પામે છે. સંસ્કરણની પ્રક્રિયા દ્વારા સાધ્ય વસ્તુની બાહ્ય તેમજ આંતરિક ખિલવણી યોગ્ય માર્ગે કરવામાં આવે છે. પૂરતી જરૂરિયાતો અને યોગ્ય પોષણ દ્વારા તેમાંથી સાધ્ય અસ્તિત્વને પ્રગટ કરી શકાય છે.

એક વાનસ્પતિક કોષમાંથી ગાજરના પુખ્ત બીજધારી છોડનું કસનળીમાં સંવર્ધન કરીને જમીન ઉપર સફળ ઉગાડ થઈ શકે છે.

સામાન્ય રીતે બીજ વાવવાથી અંકુરણ પામીને વનસ્પતિ ઊગે અને તેનો છોડ થાય. પરંતુ આ યુગમાં એક એક કોષને કૃત્રિમ માધ્યમમાં ઉછેરીને તેનું સંવર્ધન કરીને તેમાંથી પુખ્ત છોડ મેળવી શકાય છે.

આકૃતિ 4 : કૉફીનાં ફળ ધરાવતી શાખા

અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ફ્રેડરિક સી. સ્ટીવાર્ડે ગાજરના મૂળમાંથી વિભાજનશક્તિ ગુમાવી હોય તેવી અન્નવાહિનીની પેશીનું જટિલ પોષક દ્રાવણોમાં સંવર્ધન કર્યું હતું. પેશીમાંથી દરેક કોષને અલગ કરીને નાળિયેરના દ્રાવણમાં સંવર્ધન કર્યું હતું. પેશીમાંથી દરેક કોષને અલગ કરીને નાળિયેરના દ્રાવણમાં કેન્દ્ર કે ધરીની આસપાસ સતત ફેરવી ઘુમાવ્યા. આથી પુન: તે કોષો સમવ્યાસી(isodiametric) બન્યા. મૂળસ્થિતિમાં આવ્યા પછી જ તે કોષો વિભાજન પામ્યા. તેમાંથી અનેક કોષોનું નિર્માણ થયું, જે પેશીમાં પરિણમ્યા, ધરી રચી અને ભ્રૂણ કે ગર્ભ જેવા બન્યા. આ ઉત્પન્ન કરેલા ગર્ભને બે બીજપત્રો પણ આવ્યાં. આ કૃત્રિમ ગર્ભ, કુદરતમાં રચાતા ગાજરના બીજમાં રહેલા ગર્ભને મળતો આવે છે. બીજ ફાડીને તેમાંથી ગર્ભને ચંબુમાં કૃત્રિમ માધ્યમમાં ઊછર્યા બાદ જમીન ઉપર ઉગાડેલા કૉફીના છોડ. તેઓ ફૂલ અને ફળ ધારણ કરે છે.

આકૃતિ 5 : કૉફીનાં ફૂલ ધરાવતી શાખા

આકૃતિ 6 : (અ) શોભાના ઓર્કિડ છોડ હોસ્ટાનું પુન:જનન-નાના બાળછોડો ફરી ઉગાડી વધારી શકાય. (આ) : કસનળીમાં પેશીય સંસ્કરણથી છોડનું સર્જન (ઈ) : પેશીય સંસ્કરણ દ્વારા ટામેટાનું કસનળીમાં સર્જન

જુદો કરીને પોષક માધ્યમમાં મૂકવાથી ત્યાં તે જંતુરહિત સ્થિતિમાં કસનળીમાં ઊગે છે. આમ, નાનામાં નાના ગર્ભને પણ જુદો કરીને પોષક માધ્યમમાં ઉછેરવાનું શક્ય બન્યું હતું. અહીં તે તરુણ છોડરૂપે વિકસીને છેવટે પુખ્ત છોડ બને છે. આવા ગર્ભમાંથી મૂળ અને પ્રરોહવાળા છોડ જમીન ઉપર કે કૂંડામાં ઉગાડી શકાય છે. એ રીતે એક કોષમાંથી આખી વનસ્પતિ ઉત્પન્ન થાય એ જીવવિજ્ઞાનની મોટામાં મોટી અને અદભુત ફલશ્રુતિ છે. દરેક કોષ પૂર્ણશક્તિમત્તાવાળો (totipotent) છે તેમ તેનાથી પુરવાર થાય છે.

સ્ટીવાર્ડે પહેલી વાર પુરવાર કર્યું કે બીજા છોડની ઉત્પત્તિ કે જન્મ માટે જાતિ (sex) તેમજ બીજાણુ કે જન્યુક સંયોગ (gametic fusion) અનિવાર્ય નથી. વનસ્પતિ દેહમાંથી કોઈ પણ દૈહિક કોષ(somatic cell)ને અલગ કરીને યોગ્ય અને પ્રમાણસર પોષણ આપવાથી તેમજ બીજી જરૂરિયાતો પૂરી પાડવાથી બીજો છોડ પેદા થઈ શકે છે. અર્થાત્ શરીરનો દરેક કોષ પૂર્ણશક્તિવાળો અને સ્વૈરવિહારી છે. ટમેટાનો છોડ કુદરતી રીતે ઉગાડવામાં આવે તો તે ફક્ત એક ઋતુ પૂરતો જ જીવે છે. પરંતુ ટમેટાનાં છૂટાં પાડેલાં મૂળ જાણે ત્રીસ દિવસનાં જ હોય એવી તંદુરસ્તી સહિત 30 વરસ સુધી ઊગ્યાં હતાં તે આકારજનનનું એક ઉત્તમ ઉદાહરણ છે. (આકૃતિ 6-ગ)

ધ્રુવીયતા (polarity) : ફલિતાંડના વિભાજનથી બે કોષ બને ત્યારથી જ ધ્રુવીયતાનું નિર્માણ થાય છે. તેનાથી ચતુષ્ક (tetra) આઠ કોષોનું અષ્ટક (octant) બને છે. ફ્રેન્ચ વનસ્પતિવિજ્ઞાની રેને સ્વેઝ માનતા કે ચતુષ્કોષીય બાળગર્ભના વ્યુત્પન્નો (derivatives) પુખ્ત ગર્ભનાં વિવિધ અંગોના સર્જનમાં નિર્ધારિત ભાગ લે છે. તે ક્રિયાને જનનની ભાષામાં નિર્ણયન (determination) કહેવાય છે. પરંતુ માત્રાત્મક પેશીવિદ્યાના અભ્યાસથી વિલિયમ એ. જેન્સનને દરેક કોષની રાસાયણિક પરિસ્થિતિ એકસરખી જ મળી છે. બે કોષોમાંથી ઉપરનો કોષ ફક્ત એક કે થોડા કોષોનો નિલંબ બનાવે ત્યારે બીજો નીચેનો કોષ ગર્ભનાં બીજપત્રો, પ્રરોહઅગ્ર અને ભ્રૂણમૂળ જેવાં અંગો સર્જે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે ધ્રુવીયતા દર્શાવે છે. તેને મૂળધ્રુવ અને પ્રરોહધ્રુવ કહે છે.

આકૃતિ 7 : ચતુષ્કોણીય ગર્ભમાં ચતુષ્કના ચારેય કોષોમાં સઘળાં પ્રોટીનો RNA, અને સઘળાં ન્યૂક્લિક ઍસિડની સરખા માત્રા દર્શાવતો આલેખ અ = કુલ પ્રોટીન આ = રીબોન્યૂક્લિક ઍસિડ ઇ = કુલ ન્યૂક્લિક ઍસિડ

આ ધ્રુવ પ્રદેશ તે વનસ્પતિના અગ્રભાગે આવેલી પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. તે વનસ્પતિના મૃત્યુકાળ પર્યંત સક્રિય રહે છે. આવું પ્રાણીના ફલિતાંડ કે ગર્ભ કે પુખ્ત પ્રાણીમાં બનતું નથી.

દેહધર્મવિદ્યાના નિષ્ણાતોએ તારવ્યું છે કે કોષ તથા કોષસમૂહોની બનેલી પેશીઓનો અભ્યાસ આકારજનન પૂરતો મર્યાદિત ન રાખતાં તેમનાં રાસાયણિક, ભૌતિક, કિરણોત્સર્ગી અને અતિ સૂક્ષ્મદર્શક પાસાંઓનો પદ્ધતિસરનો અભ્યાસ કરવો જોઈએ. રાસાયણિક પૃથક્કરણના આવા અર્ધઘટનને પેશીરસાયણ (histochemistry) કહી શકાય. તેમાં રસાયણોની હેરફેર, માત્રામાં વધઘટ (gradient), કોષોમાં રહેલાં રસાયણોને રંગીન અવક્ષેપોમાં ફેરવવાં વગેરે પદ્ધતિઓને શોધનપદ્ધતિ તરીકે ઓળખાવાય છે. જેમકે, ડીએનએ માટે ફોલ્ગન પદ્ધતિ, ટ્રિપ્ટોફેન તેમજ ટાયરોસીનનું સ્થાપન શોધવા મીલન પ્રક્રિયક, સલ્ફહાયડ્રીલ ગ્રૂપ ધરાવતા એમિનોઍસિડ માટે મરક્યુરી મર્કેપ્ટાઇડના સંયુગ્મન તથા ડાયઝોનિયમ સૉલ્ટ અને આલ્કલાઇન ફાસ્ટગ્રીન હીસ્ટોન પ્રોટીન્સ માટે અને પ્રજીવક ‘સી’ માટે સિલ્વર નાઇટ્રેટ પ્રક્રિયક તરીકે વપરાય છે. આ બધી પ્રતિક્રિયાઓ (reactions) નિર્ણયાત્મક (specific) અને નિર્ધારિત માત્રાવાળી (stoichiometric) પુરવાર થયેલી છે.

પ્રજીવક ‘સી’ વનસ્પતિના પ્રત્યેક ભાગમાં મળી આવે છે. વૃદ્ધિ પામતાં અંગો કે પેશીઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. વનસ્પતિમાં પોતાના જીવનચક્રમાં જે વિકાસ તબક્કાઓ હોય છે તેમાં પ્રજીવક ‘સી’નું પ્રમાણ અને તેની વપરાશ ઉત્તરોત્તર વધતી જોવા મળે છે. વનસ્પતિમાં પોતાના જીવનચક્રમાં જે વિકાસના તબક્કાઓ હોય છે તેમાં પ્રજીવક ‘સી’નું પ્રમાણ અને તેની વપરાશ ઉત્તરોત્તર વધતી જોવા મળે છે. પ્રજીવક ‘સી’નો ઘણા ઉત્સેચકો સાથે સક્રિય સંબંધ હોઈ વનસ્પતિની ઘણીખરી ચયાપચયની ક્રિયા સાથે તે સંકળાયેલ છે. વૃદ્ધિ અને અંતે આકાર કે અંતિમ ઘાટ પરત્વે તેની અનેકવિધ અસરો જોવા મળે છે.

વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી શૉફર(1977)માં સંકેત મુજબ એસ્કોર્બિક ઍસિડ ફાઇટોક્રોમ દ્વારા જનીનપ્રક્રિયાનું નિયંત્રણ (regulation) કરે છે. આ ઉપરથી ખુદાઇરી (1977) એસ્કોર્બિક ઍસિડને વનસ્પતિપ્રકાશ અંત:સ્રાવો (ફોટોફાઇટો હોર્મોન) નામના વૃદ્ધિકારકના જુદા જ વર્ગમાં મૂકે છે, આકારજનનમાં તે અસરકારક છે તેમ જે. જે. ચિનોયે દર્શાવ્યું છે.

હેમરલિંગ જે. નામના વૈજ્ઞાનિકે દરિયાઈ લીલ એસીટાબ્યુલેરિયાના કોષકેન્દ્રનું કાર્ય પામવા પ્રયોગો કર્યા છે. આ લીલ દ્વારકા, વેરાવળ અને ઓખાના દરિયાકાંઠે પાણીમાં ડૂબેલી પરંતુ જમીનને ચોંટેલી સ્થિતિમાં મળતી, એકકોષી લીલ છે. તે 2થી 5 સેમી. લાંબી અને તેના દંડની અગ્રે છત્રી ધરાવે છે. ગોઠણ સુધીના પાણીમાં જઈ આપણે હાથ બોળી જમીન ઉપરથી માટી ઊંચકીએ તો આ લીલ ખોબામાં આવી જાય છે. તેની બે જાતો (species) છે : (1) એ. મેડિટરેનિયા તેમાં છત્રીની કિનારી ગોળ અખંડ કે સળંગ અને ખાંચા વિનાની હોય છે. (2) એ. ક્રેન્યુલેટા. તેમાં છત્રીની કિનારી ખાંચાવાળી હોવાથી તેનો આકાર તારા જેવો હોય છે. મૂલાંગો યાને કેશમૂળમાં (rhizoidal disc) કોષકેન્દ્ર રહેલું હોય છે. હેમરલીંગે આ બંને જાતિઓ (species) પર અસંખ્ય અને ક્રમબદ્ધ પ્રયોગો કર્યા છે. તેમાંના મુખ્ય નીચે મુજબ છે :

(1) બંને લીલ પરથી છત્રી સહિત દંડનો કેટલોક ભાગ કાપી નાખ્યો, તો સાનુકૂળ માધ્યમમાં લીલના નીચેના ભાગ પુન:જનન પામીને નવી છત્રીવાળી લીલરૂપે પરિણમ્યા. (આકૃતિ 8-આ)

(2) બીજા પ્રયોગમાં બંને લીલ પરથી છત્રી સહિત દંડનો ઘણોખરો ભાગ કાપી નાખ્યો. તેમાંના કોષકેન્દ્રની અરસપરસ અદલાબદલી કરી એટલે કે તારાકાર છત્રીમાંથી સળંગ અને સળંગમાંથી તારાકાર છત્રીમાં કેન્દ્ર બદલ્યું. તો બંનેને માધ્યમમાં ઉગાડતાં કોષકેન્દ્ર પ્રમાણે જ લીલની છત્રીનું નિર્માણ થયું. (આકૃતિ 9–ઊ1, ઊ2)

(3) ત્રીજા પ્રયોગમાં બંને લીલના નીચેના ભાગના કપાયેલા છેડાના અધ:પ્રદેશોને પરસ્પર જોડી દીધા. તે લીલને કૃત્રિમ માધ્યમમાં ઉગાડતાં ગોળ અને છત્રીની વચ્ચેના આકારની છત્રી ઉદભવી. (ઓ)

આ પરથી કોષકેન્દ્રનું સાર્વભૌમત્વ સાબિત થાય છે. તેનાથી જ આકારનું નિર્માણ થાય છે. બે ભિન્ન પ્રકારનાં કોષકેન્દ્રો મિશ્ર સ્થિતિ દર્શાવે છે. શું આકારસર્જન જનીનોનું જ પ્રદાન (contribution) છે એમ કહી શકાશે ?

શાકીય વનસ્પતિમાં શતાવરી, બટાટાં, બીટ, કોબીજ, ડુંગળી, શકરિયાં વગેરે; ફળફળાદિમાં બદામ, સફરજન, કૉફી, કેળ, પીચ વગેરે અને ફાર્મેસ્યુટિકલ્સમાં એટ્રોપા, પાયરેથ્રમ વગેરે વનસ્પતિઓનો ઉછેર કૃત્રિમ સંવર્ધનથી શક્ય થયો છે.

આકૃતિ 8 : કોષકેન્દ્રનો આકારજનનમાં નિર્ણાયક ફાળો દર્શાવતા પ્રયોગોની હારમાળા એસીટાબ્યુલેરીઆ નામની લીલ ઉપર અ. એકલા દંડથી બીજી છત્રીનું પુન:નિર્માણ થતું નથી, આ. બંને પ્રજાતિમાં મૂલાંગમાંથી છત્રીનું સર્જન થાય છે. ઈ. છેદ

આકૃતિ 9 : ઇ = છેદ, એ.સી. = એસીટાબ્યુલેરીઆ ક્રેન્યુલેટા, એ.એમ. = એસીટાબ્યુલેરીઆ મેડીટરેનીઆ ઉ = દંડનો ટુકડો, ઊ1 = એ.સી.ના દંડની એ.એમ.ના કોષકેન્દ્રવાળા મૂલાંગના ભાગ ઉપર કલમ, ઊ2 = એ.એમ.ના દંડની એ.સી.ના કોષકેન્દ્રવાળા મૂલાંગના ભાગ ઉપર કલમ ઐ = એ.સી. અને એ.એમ.ની ભેગી કલમ, ઓ = સંકર છત્રીનું પુનર્જનન, એ = પરિણામ

પેશી-સંસ્કરણ-પદ્ધતિનો ઉપયોગ નીચેનાં કાર્યો માટે ખૂબ જ વધ્યો છે :

1. ક્લોનલ પદ્ધતિ – એક જ સરખા જનીનિક રચનાવાળા કોષો ઉત્પન્ન કરવા માટે

2. રોગજન(pathogen)થી મુક્ત વનસ્પતિ ઉછેરવા માટે

3. ત્રિકીય નીપજવાળા ભ્રૂણપોષ માટે

4. ભ્રૂણસંવર્ધન પદ્ધતિ માટે

5. બીજાશય અને અંડકના સંસ્કરણ માટે

6. કોષને કોષસમૂહ (callus) પ્રવાહીમાં ઝુલાવીને કોષોનું સંસ્કરણ કરવા માટે (suspension culture)

7. જીવરસ(protoplast) – સંવર્ધન માટે

8. જનનરસ (germplasm)ના ભંડાર કે સંગ્રહ (storage)માં પ્રાથમિક અવસ્થાના કે ઊગમના જીવરસને સાચવવા માટે

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ