ઇન્ટરનેશનલ લેબૉરેટરી ફૉર રિસર્ચ ઑન ઍનિમલ ડિઝીસિઝ
January, 2002
ઇન્ટરનેશનલ લેબૉરેટરી ફૉર રિસર્ચ ઑન ઍનિમલ ડિઝીસિઝ (ILRAD) : પૂર્વ આફ્રિકામાં નૈરોબી ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થા તથા કેન્યા સરકારની મદદથી 1973માં સ્થાપવામાં આવેલી પ્રયોગશાળા. આ પ્રયોગશાળા દરિયાની સપાટીથી 1544 મી. ઊંચાઈએ 79 હેક્ટર જમીનમાં પથરાયેલી છે અને આધુનિક સંશોધનનાં સાધનોથી સજ્જ છે. આ સંસ્થામાં 45 વૈજ્ઞાનિકો અને તાલીમ પામેલ 75 ટૅકનિશિયનો કામ કરે છે. કશાધારી(flagellate) પ્રજીવોના Trypanosoma અને Theireria નામની પ્રજાતિઓ(genera)ના પરજીવીઓ અંગેનું ઘનિષ્ઠ સંશોધન આ પ્રયોગશાળામાં કરવામાં આવે છે. આ પરજીવીઓનો ફેલાવો કીટકો મારફત થાય છે અને તે સસ્તન પ્રાણીઓમાં ટ્રાઇપાનોસોમિયાસીસ તથા થાઇલેરિયોસીસ (ઈસ્ટ કૉસ્ટ ફીવર) નામના ઘાતક રોગ પેદા કરે છે. આ રોગોનો પ્રતિકાર કરી શકાય તેવા ઉપાયો યોજીને આ સંસ્થા આ રીતે આફ્રિકન દેશોના પશુપાલનના વ્યવસાયને મદદરૂપ પ્રવૃત્તિ ચલાવે છે. ટૅકનિશિયન, અનુસ્નાતક તથા પોસ્ટ-ડૉક્ટરેટ વિદ્યાર્થીઓ માટે અહીં તાલીમની સગવડ છે. આફ્રિકા સિવાયના જે દેશોમાં આ રોગ પ્રાણીઓને થાય છે તે દેશના કાર્યકર્તાઓને પણ અહીં તાલીમ અપાય છે.
પરબતભાઈ ખી. બોરડ
હરસુખલાલ છ. રતનપરા