આઇસોઇટેલ્સ : ત્રિઅંગી (pteridophyte) વનસ્પતિઓના વિભાગ લાયકોફાઇટામાં આવેલા વર્ગ જિહવિકાધારી(Ligulopsida)નું એક ગોત્ર. આ ગોત્રમાં આઇસોઇટેસી નામના એક જ કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે આઇસોઇટિસ (Isoetes) અને સ્ટાયલાઇટિસ (Stylities) નામની બે જીવંત પ્રજાતિઓ ધરાવે છે. આઇસોઇટિસની લગભગ 75 જેટલી જાતિઓ થાય છે; તે પૈકી ભારતમાં 6 જાતિઓ નોંધાઈ છે. Isoetes coromandelina var. patelli અમદાવાદના મેમનગરનાં ડાંગરનાં ખેતરોમાંથી 1950માં મળી આવી છે. તેની અન્ય જાતિઓ I. dixet’ii, I. indica, I. mirzapurense, I. panchananii, I. sahadri અને I. sampath kumarani છે. આઇસોઇટિસનાં પૂર્વજો વિશાળકાય વૃક્ષો હતાં. તેની જાતિવિકાસી રેખા (phylogenetic line) આ પ્રમાણે આલેખી શકાય :
લેપિડોડેન્ડ્રોન → પ્લુરોમિયા → નાથાર્સ્ટીઆના → આઇસોઇટિસ (વિશાળ વૃક્ષો) (ક્ષુપ) (શાકીય) (ઋતુકીય છોડ) મૅગ્ડેફ્રો (1932) આઇસોઇટિસને લેપિડોફાઇટ્સનો અંતિમ અવશેષ ગણે છે. સ્ટાયલાઇટિસની બે જાતિઓ પેરુવિયન ઍન્ડીઝમાં મળી આવે છે. ડબ્લ્યૂ. રૂહ અને એચ. એ. ફાકે (1960) તેની સૌપ્રથમ નોંધ આપી છે.
આ કુળની વનસ્પતિઓ વજ્રકંદ (corm) જેવો અક્ષ ધરાવે છે, જેના પરથી અસંખ્ય પર્ણો ઉદભવે છે. પર્ણોની ઉપરની સપાટીએ નીચેની તરફ એક નાનો ત્વચીય બહિરુદભેદ ઉત્પન્ન થાય છે તેને જિહવિકા (ligule) કહે છે. તેની વૃદ્ધિ એક જ અગ્રીય વર્ધનશીલ (meristematic) કોષ દ્વારા થાય છે (એરિક કારફાલ્ટ, 1977-84). અક્ષના નીચેના ભાગને તંતુજટા (rhizomorph) કહે છે. તેની નીચેની સપાટીએથી દ્વિશાખિત મૂળ ઉદભવે છે. બહુવર્ષાયુ (perennial) મૂળ વર્ધનશીલ પેશી ઉત્પન્ન કરે છે. વજ્રકંદ જેવા અક્ષમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે. આ ગોત્રની જાતિઓ વિષમબીજાણુક (heterosporous) છે અને લઘુબીજાણુઓ (microspores) અને મહાબીજાણુઓ (megaspores) – એમ બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. દ્વિ-બીજાણુધાનીય (bisporangiate) વનસ્પતિઓમાં બહારની બાજુએ માત્ર એક કે બે લઘુબીજાણુપર્ણો (microsporo- phyllus) અને બાકીનાં મહાબીજાણુપર્ણો (megasporophyllus) હોય છે. મહાબીજાણુધાનીય (megasporangiate) વનસ્પતિ માત્ર મહાબીજાણુપર્ણો જ ધરાવે છે. બીજાણુપર્ણના તલસ્થાને બીજાણુધાની ઉત્પન્ન થાય છે. જન્યુજનક(gametophyte)નો વિકાસ અંતઃ-બીજાણુક (endosporic) હોય છે. ચલપુંજન્યુઓ (spermato- zoids) બહુકશાધારી (multiflagellate) હોય છે.
વિનોદ સોની