આઇસોગાયર્સ : વ્યતિકરણ આકૃતિઓમાં વિલોપ દર્શાવતા કાળા ભાગ. એકાક્ષી અને દ્વિઅક્ષી ખનિજછેદોની સમાંતર ધ્રુવીભૂત પ્રકાશ તેમજ કેન્દ્રાભિસારી પ્રકાશ(convergent light)માં પરખ-પરીક્ષણ કરવામાં આવે છે. અભિબિંદુ-પરીક્ષણ દરમિયાન એકાક્ષી અને દ્વિઅક્ષી દ્વિવક્રીભૂત ખનિજછેદો અમુક ચોક્કસ પ્રકારની વ્યતિકરણ-આકૃતિઓ ઉત્પન્ન કરે છે. આ આકૃતિઓ સામાન્ય રીતે ગોળાકાર કે લંબગોળાકાર રંગપટ્ટાઓની બનેલી હોય છે, જે કાળી કે ઘેરી છાંયવાળી કેન્દ્રવર્તી પરસ્પર છેદતી ચોકડીરૂપ રેખાઓ(cross)થી વિભાજિત હોય છે. વ્યતિકરણ-આકૃતિઓમાં વિલોપ દર્શાવતા કાળા ભાગ આઇસોગાયર્સ તરીકે ઓળખાય છે. ખનિજ એકાક્ષી છે કે દ્વિઅક્ષી તેને આધારે આઇસોગાયર્સની ચોકડીરૂપ (cross) કે પરવલય (hyperbola) આકૃતિ રચાય છે.

વ્યતિકરણ-આકૃતિઓ

એકાક્ષી ખનિજછેદોની વ્યતિકરણ-આકૃતિ(આકૃતિ 1)માં આઇસોગાયર્સ ચોકડી (cross) બનાવે છે, જેમાં માઇક્રોસ્કોપ સ્ટેજ ફેરવવા છતાં પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી. એકાક્ષી ખનિજમાં રચાતી કાળી ચોકડીનું કેન્દ્ર ઑપ્ટિક અક્ષના પ્રાગટ્યબિંદુ(emergence)ની સાથે સુસંગત થતું હોય છે. દ્વિઅક્ષી ખનિજની વ્યતિકરણ-આકૃતિમાં, આકૃતિ 1માં બતાવ્યા પ્રમાણે આઇસોગાયર્સ દેખીતો ક્રૉસ તો બનાવે છે, પરંતુ માઇક્રોસ્કોપ સ્ટેજ ફેરવતાં જ આકૃતિ 2માં બતાવ્યા પ્રમાણેનાં બે અર્ધચંદ્રાકાર પરવલયમાં વિભાજિત થઈ જાય છે, અને જેમાં બંને ઑપ્ટિક અક્ષનું પ્રાગટ્ય જ્યાં કીલકકેન્દ્ર (pivot point) રચાય ત્યાં હોય છે, તેને અનુલક્ષીને તેની આસપાસ બે અલગ અલગ આઇસોગાયર્સ ભ્રમણ કરતા રહે છે. તેમની બહિર્ગોલાશ ઑપ્ટિક અક્ષકોણ (2V) વધવાની સાથે ઘટતી જાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે