આઇકેનડૉર્ફ, જોસેફ (જ. 10 માર્ચ 1788, રટિબૉર, પ્રશિયા; અ. 26 નવેમ્બર 1857, પ્રશિયા) : જર્મન કવિ અને નવલકથાકાર. સિલેસિયન અમીર કુટુંબમાં જન્મ. 1807માં હાઇડલબર્ગમાં કાયદાનો અભ્યાસ કરતાં કરતાં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો, જેનાથી રંગદર્શી કવિઓમાં એમની ગણના થઈ. બર્લિનમાં 1809-10 દરમિયાન આગળ અભ્યાસ કરતાં રંગદર્શી રાષ્ટ્રીય આંદોલનના નેતાઓને તે મળ્યા. પ્રશિયાના મુક્તિયુદ્ધમાં (1813) તે નેપોલિયનના સૈન્ય સામે લડેલા. તેમની લઘુનવલ ‘કૅસલ દુશન્દે’(1837)માં અને તેમના મહાકાવ્ય ‘રૉબર્ટ ઉન્ડ ગુઇસ્કાર્ડ’- (1855)માં ફ્રેન્ચ ક્રાંતિની પાર્શ્વભૂમિ છે. નેપોલિયન સાથેનાં યુદ્ધો દરમિયાન તેમણે ‘અહનુંગ ઉન્ડ ગેગેન્વાર્ટ’ (1819) નામની દીર્ઘ રંગદર્શી નવલકથા રચી હતી. તેમનો કાવ્યસંગ્રહ ‘ગેદિસ્તે’ (1837) ખૂબ લોકપ્રિય નીવડ્યો હતો. શૂમાન મેન્ડલ શોન અને રિચાર્ડ સ્ટ્રાઉસ જેવા સંગીતકારોએ તેમાંનાં ગીતોને સ્વરબદ્ધ કર્યાં હતાં. 1826માં તેમની સૌથી મહત્વની ગદ્યકૃતિ પ્રગટ થઈ. તેનું અંગ્રેજી ભાષાંતર ‘મેમ્વર્સ ઑવ્ એ ગુડ – ફૉર-નથિંગ’ (1955) પ્રગટ થયું હતું. 1844માં તેમણે જર્મન સાહિત્યનો ઇતિહાસ અને સ્પૅનિશ લેખકોની કેટલીક કૃતિઓનાં ભાષાંતર પ્રગટ કર્યાં હતાં.
કૃષ્ણવદન જેટલી