અંત:સ્રાવો (વનસ્પતિ) : વનસ્પતિમાં જ ઉત્પન્ન થતા અને તેનાં વૃદ્ધિ, વિભેદન અને ચયાપચયનું નિયમન કરતા પદાર્થો. આ પદાર્થોનું ઉત્પત્તિસ્થાનથી કાર્યસ્થાન સુધી વહન થતું હોય છે. અતિઅલ્પ માત્રામાં પણ તે સક્રિય હોય છે. કાર્યને અંતે તેઓ વપરાઈ જતા હોઈ તેમનું સંશ્લેષણ સતત ચાલતું હોય છે. આ પદાર્થોનાં ચાર જૂથો જોવા મળે છે : ઑક્સિન, જિબરલિન, સાયટોકાઇનિન અને વૃદ્ધિ-અવરોધકો (growth inhibitors).
ઑક્સિન : β – ઇન્ડોલ-3 એસેટિક ઍસિડ (IAA, આઇ.એ.એ.) એક ઑક્સિન છે, જે વનસ્પતિમાં ટ્રિપ્ટોફેનમાંથી જીવસંશ્લેષણ (biosynthesis) દ્વારા ઉત્પન્ન થાય છે.
આઇ.એ.એ.નું નિશ્ચિત પ્રમાણ જળવાઈ રહે છે. વધારાના આઇ.એ.એ.નું ઉપચયન (oxidation) થાય છે અથવા તો તેને ઇનોસિટોલ કે એરેબિનોઝ સાથે જોડીને નિષ્ક્રિય રૂપમાં ફેરવાય છે. જરૂર પડ્યે આ નિષ્ક્રિય રૂપનું વિઘટન કરીને યોગ્ય માત્રામાં આઇ.એ.એ. મેળવવામાં આવે છે. ઑક્સિન વર્ગમાં મૂકી શકાય તેવા વનસ્પતિની વૃદ્ધિ પર અસર કરતા બીજા પદાર્થો પણ કુદરતમાં મળી આવ્યા છે. દા.ત., ફિનાઇલ એસેટિક ઍસિડ (C6H5CH2COOH). કુદરતમાં આ પદાર્થ નીચે પ્રમાણે બનતો હોવાની શક્યતા છે.
આ પદાર્થ તમાકુ, ટામેટાં, સૂર્યમુખી, વટાણા, જવ તથા મકાઈમાં મળી આવે છે. આઇ.એ.એ.નો 4-ક્લૉરો વ્યુત્પન્ન વટાણા, લૅથિરસ (Lathyrus) અને વિસિયા(Vicia)ના અપરિપક્વ બીજમાં જોવા મળે છે. તે આઇ.એ.એ. કરતાં વધુ ક્રિયાશીલ હોય છે.
ઑક્સિનની સાંદ્રતા વનસ્પતિના અંગના અગ્રભાગે જેવા કે ભ્રૂણાગ્રચોલ (coleoptile), પર્ણ, મૂળ, પ્રકાંડ તેમજ કલિકામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. વનસ્પતિના અગ્રભાગમાંથી નીચે તરફ જઈએ તેમ તેમ ઑક્સિનનું પ્રમાણ ઘટે છે. ભ્રૂણાગ્રચોલના અગ્રભાગે તેનું પ્રમાણ સૌથી વધારે હોય છે. પછી ક્રમશ: ઘટતું જાય છે, અને ભ્રૂણાગ્રચોલના તલસ્થાને તે સૌથી ઔછું હોય છે. મૂળ તરફ જઈએ તેમ તેનું પ્રમાણ એકસરખું વધે છે અને છેવટે મૂળાગ્રમાં તે મહત્તમ હોય છે. પ્રકાંડ અગ્ર કરતાં મૂલાગ્રમાં ઑક્સિનનું પ્રમાણ ઓછું હોય છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ઑક્સિનની વહેંચણી વનસ્પતિના વૃદ્ધિપ્રદેશો છે. ત્યાં ઑક્સિનનું પ્રમાણ બીજા પ્રદેશો કરતાં વધુ હોય છે.
ઑક્સિનનું વહન ચોક્કસ દિશામાં તલાભિસારી (basipetal) જોવા મળે છે. આ વહન ધ્રુવીય વહન તરીકે ઓળખાય છે. પ્રકાંડમાં ટોચથી નીચે તરફ, જ્યારે મૂળમાં મૂલાગ્રથી ઉપરની તરફ વહન જોવા મળે છે. ઑક્સિનનું પાર્શ્વીય (lateral) વહન ઘણું ઓછું હોય છે. બીજાંકુરણ દરમિયાન ઉત્પન્ન થતા આઇ.એ.એ. બીજમાંના સંયોજિત આઇ.એ.એ. મારફત મળે છે, જેનું વહન બીજમાંથી પ્રરોહ તરફ થતું હોય છે. વહનનો વેગ 6.4થી 26 મિમી. પ્રતિકલાક જેટલો હોય છે.
જૈવ કસોટીથી અંત:સ્રાવની દેહધાર્મિક ક્રિયાશીલતા જાણી શકાય છે. ઑક્સિનની મુખ્ય અસર કોષની લંબવૃદ્ધિરૂપ (lengthwise growth) હોવાથી કોષ-વિસ્તરણ ઉપરથી જૈવ કસોટી રચાય છે. આ માટે એવિનાના બીજને આછા લાલ પ્રકાશમાં ઉગાડવામાં આવે છે. બીજાંકુરની લંબાઈ 18થી 30 મિમી. જેટલી થાય ત્યારે ભ્રૂણાગ્રચોલનો લગભગ 1 મિમી. જેટલો ભાગ ટોચેથી કાપી નાખીને ત્રણથી ચાર કલાક બાદ આ જ બીજાંકુરનો 2થી 4 મિમી. જેટલો અગ્રભાગ દૂર કરાય છે. આ તબક્કે પ્રથમ પર્ણ ફૂટતું જોઈ શકાય છે.
આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે આઇ.એ.એ.ના નિશ્ચિત પ્રમાણવાળો અગરનો ટુકડો (block) અસમમિત રીતે (asymmetrical) ગોઠવેલ હોવાથી આઇ.એ.એ.ની વહેંચણી અસમાન થાય છે. તેની નીચેના કોષો ઑક્સિન મેળવે છે, વિસ્તરણ પામતાં તેમની લંબવૃદ્ધિ થાય છે જેને પરિણામે ભ્રૂણાગ્રચોલ વળાંક દર્શાવે છે. આ વળાંકનો કોણ (α) માપવામાં આવે છે અને આઇ.એ.એ.ની વિવિધ સાંદ્રતાથી મળતા વળાંક માપીને સાંદ્રતા તથા વળાંકનો આલેખ દોરવામાં આવે છે. સાંદ્રતા વધતાં વળાંકના કોણના અંશ વધે છે. દસ લાખે 0.2 ભાગથી (0.2 ppm) વધુ પદાર્થની અસર વળાંક પર દેખાતી નથી. ઑક્સિનની હાજરી પારખવા માટે 75 જેટલી કસોટીઓ વિકસાવવામાં આવી છે. ઑક્સિનનું પ્રમાણ માપવા માટે કલરીમિતિ, ફ્લોરોમિતિ, જી.સી.એમ. ઉપરાંત પ્રતિરક્ષાઆમાપન (immunoassay) જેવી પદ્ધતિઓની મદદ લેવાય છે.
સંશ્લેષિત રીતે બનાવવામાં આવેલ ઑક્સિનમાં, ઇન્ડોલ-3-બ્યુટિરિક ઍસિડ; ઇન્ડોલ-3-પ્રોપિયોનિક ઍસિડ; 2, 4 – ડાયક્લૉરોફિનૉક્સિ એસેટિક ઍસિડ; 2, 4, 5 – ટ્રાયક્લૉરોફિનૉક્સિ એસેટિક ઍસિડ; 2, 3, 6 – ટ્રાયક્લૉરો બેન્ઝોઇક ઍસિડ અને α/β-નૅપ્થેલીન એસેટિક ઍસિડ અગત્યના છે. આ પદાર્થો આઇ.એ.એ. જેટલા સક્રિય નથી હોતા, પણ તે ઇન્ડોલ ઑક્સિડેઝથી થતા આઇ.એ.એ.ના ઉપચયનને અટકાવીને આઇ.એ.એ.ની અસરો દીર્ઘકાલીન બનાવે છે. તેથી બાગાયત ખેતીમાં તે ઉપયોગી છે.
ઑક્સિનની અસરો વિકાસલક્ષી તેમજ ઇતર પ્રકારની હોય છે. આ અસરોમાં કોષોની લંબવૃદ્ધિ, પ્રકાંડનું પ્રકાશ તરફ વૃદ્ધિ પામવું (પ્રકાશવર્તિતા-phototropism), ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પ્રકાંડની લંબવૃદ્ધિ (ઋણ ભૂવર્તિતા, negative geotropism), કક્ષકલિકાના વિકાસની રુકાવટ, પર્ણપતનનું નિયમન (અવરોધ), એધાની ક્રિયાશીલતામાં વધારો, કોષવિભાજન, કોષવિભેદન, ફળવિકાસ, પ્રકાંડ કલમ ઉપર અસ્થાનિક મૂળની ઉત્પત્તિ, અંગની ઉત્પત્તિનો આરંભ, બીજરહિત ફળની ઉત્પત્તિ વગેરે ગણાવી શકાય : પ્રકાશવર્તિતા આ પ્રમાણે સમજાવી શકાય. પ્રકાંડ જ્યારે પ્રકાશ મેળવે છે ત્યારે ઑક્સિનનું પ્રમાણ પ્રકાશની વિરુદ્ધ દિશામાં વધે છે અને પ્રકાંડ-અગ્રે રહેલ ઑક્સિન નીચે ગતિ કરે છે. છેવટે નીચેના કોષો વિસ્તરણ પામતાં લંબવૃદ્ધિ થાય છે. પ્રોટીનનું પ્રમાણ વધતાં વાર્ધક્ય મોડું આવે છે. ઑક્સિનની વધુ સાંદ્રતા મૂળના કોષોનું વિસ્તરણ ઓછું કરે છે.
ઑક્સિનની કાર્યરીતિમાં ન્યૂક્લીઇક ઍસિડ-પ્રોટીનનું સંશ્લેષણ અને કોષદીવાલની સુઘટ્યતા(plasticity)ના નિયમનનો સમાવેશ થાય છે. ઑક્સિન કોષદીવાલમાંના કાર્બોહાઇડ્રેટ બંધ ઉપર અસર કરતાં કોષદીવાલ ખેંચાય છે, વિકૃત (deform) થાય છે અને તેની સુઘટ્યતા વધુ સારી થાય છે. કોષમાં પાણી દાખલ થાય છે તેને લીધે કોષનું વિસ્તરણ થાય છે. આર.એન.એ.નું સંશ્લેષણ ઉત્તેજીને તે પ્રોટીન બનાવે છે. નવા પ્રોટીન-કાર્બોહાઇડ્રેટનું સંશ્લેષણ થતાં કોષ-દીવાલ નવેસરથી સર્જાય છે અને કોષોની લંબવૃદ્ધિ થાય છે. ઑક્સિન ઇથિલીનના સંશ્લેષણને ઉત્તેજે છે, જે ઑક્સિનની અવરોધક અસરો માટે જવાબદાર છે.
પ્રકાંડના ટુકડા ઉપર મૂળ ઉત્પન્ન કરવા તથા સફરજન, નાસપતી વગેરે ફળોને ખરતાં અટકાવવા માટે તથા બીજરહિત ફળ(દા.ત., દ્રાક્ષ)નું ઉત્પાદન અને ખેતીમાં નીંદામણનાશક તરીકે સંશ્ર્લેષિત ઑક્સિનનો વ્યવહારમાં ઉપયોગ થાય છે. ધાન્ય પાકમાં તથા લૉનમાં નકામા દ્વિદળ છોડ ઉત્પન્ન થતા હોય છે. તેમના ઉપર ઑક્સિનનો છંટકાવ કરતાં નીંદામણનાં પર્ણ ખરી પડે છે, અને છોડ નાશ પામે છે.
જિબરેલિન્સ : આની શોધ જાપાનમાં ચોખાના પાકમાં આકસ્મિક રીતે થઈ હતી. જિબરેલ્લા ફુજીકુરોઈ નામની ફૂગ લાગેલા છોડની વધુ પડતી લંબવૃદ્ધિ થતી હોવા છતાં ચોખાની નીપજ અતિઅલ્પ મળતી હતી. આ રોગ ‘બકાને’ તરીકે જાણીતો છે. ફૂગમાંથી નીકળતા કોઈ રસાયણને કારણે આ પરિણામ આવતું હોવાની શક્યતા સ્વીકારીને ફૂગમાંથી આના કારણરૂપ પદાર્થ મેળવાયો હતો. કેટલીક ઉચ્ચ કોટિની વનસ્પતિઓમાંથી પણ આવી અસરવાળો પદાર્થ જિબરેલિક ઍસિડ (જી. એ., GA3) મળ્યો હતો. (જુઓ આકૃતિ 3.) આવા પદાર્થોના વર્ગને જિબરેલિન નામ આપવામાં આવ્યું છે. હાલમાં 50 ઉપરાંત જિબરેલિન્સ મેળવાયાં છે. આ પદાર્થોના બંધારણમાં રહેલ મૂળ પ્રણાલીને જિબેન પ્રણાલી કહે છે. જિબરેલિન્સની વિવિધ ક્રિયાશીલતા તેમનામાં રહેલ વિવિધ ક્રિયાશીલ સમૂહોને આભારી છે. જિબરેલિન્સ ગ્લાયકોસાઇડ કે ઍસ્ટર રૂપમાં પણ હોય છે.
જિબરેલિન્સ અનાવૃત બીજધારીની 9 જાતિમાં જોવા મળે છે. શેવાળ, લીલ તથા હંસરાજના નિષ્કર્ષ(extract)માં પણ જિબરેલિન્સની ક્રિયાશીલતા માલૂમ પડી છે. કુદરતમાં જિબરેલિન્સ મેવેલોનિક ઍસિડમાંથી આઇસોપ્રિનોઇડ મારફતે બને છે. જિબરેલિન્સનું રસાયણ સારી રીતે ખેડાયેલું છે. વનસ્પતિનાં બધાં જ અંગોમાં જી. એ. (જિબરેલિક ઍસિડ) જેવી ક્રિયાશીલતા ધરાવતા પદાર્થો મળ્યા છે. અપરિપક્વ બીજમાં જી. એ.નું પ્રમાણ મહત્તમ હોય છે.
જી. એ.નું વહન ધ્રુવીય નહિ પરંતુ બધી દિશામાં અન્નવાહક તથા જલવાહક દ્વારા થાય છે. વેગ 50 મિમી. પ્રતિકલાકે છે.
જિબરેલિક ઍસિડ(GA3)ની જૈવ કસોટીમાં મુખ્યત્વે વામન (dwarf) મકાઈ કસોટી અને જવભ્રૂણ કસોટીનો સમાવેશ થાય છે. વામન મકાઈ કસોટીમાં વામન અને સામાન્ય જાતિના મકાઈના દાણાને પ્રથમ પર્ણ નીકળે ત્યાં સુધી અંધકારમાં ઉગાડાય છે. ત્યારબાદ જેની કસોટી કરવાની હોય તે દ્રાવણ (test solution) ઉમેરીને પર્ણાચ્છદ(leaf sheath)નો વિસ્તાર નોંધવામાં આવે છે. પછી દ્રાવણનાં સાંદ્રતા અને વિસ્તરણનો આલેખ તૈયાર કરાય છે. સામાન્ય લંબાઈ ધરાવતા છોડમાં વિસ્તરણની અસર જોવા મળતી નથી. બીજી કસોટીમાં ભ્રૂણપોષમાં ઉત્પન્ન થતા અમાઇલેઝની માત્રા માપવામાં આવે છે. જી. એ.ની અસરોમાં પ્રકાંડની લંબવૃદ્ધિ મુખ્ય છે. આંતરગાંઠની લંબાઈ વધવાથી આ લંબવૃદ્ધિ શક્ય બને છે. કેટલીક વામનજાતિમાં વામનપણું જનીનિક વિકૃતિને કારણે હોય છે. આવી વનસ્પતિમાં જી. એ.નું પ્રમાણ ઓછું હોય છે. બહારથી જી. એ. આપતાં લંબવૃદ્ધિ શક્ય બને છે. બધી જ વામન જાતિ ઉપર જી. એ. ની અસર થતી નથી. આ ઉપરાંત જી. એ. પર્ણ-પુષ્પ તેમજ ફળની લંબાઈ વધારે છે અને બીજરહિત ફળ પણ પેદા કરે છે. નીચું તાપમાન તથા લાંબા દિવસો જરૂરી હોય તેવી વનસ્પતિમાં જી. એ. આપવાથી સામાન્ય પરિસ્થિતિમાં પણ પુષ્પોદભવ શક્ય બને છે. જી. એ. બીજની સુષુપ્તિ દૂર કરે છે તથા વૃદ્ધત્વને રોકે છે. બીજાંકુરણ દરમિયાન કેટલાક ઉત્સેચકોને તે ક્રિયાશીલ કરે છે, અથવા તો તેમનું સંશ્લેષણ શક્ય બનાવે છે.
આ ઉત્સેચકો જટિલ પદાર્થોનું પોષણ માટે જરૂરી એવા સરળ સાદા પદાર્થોમાં વિઘટન કરે છે. વ્યવહારમાં જી. એ. દાડમ, સ્ટોન ફ્રૂટ વગેરેમાં બીજરહિત ફળો પેદા કરે છે. (ઑક્સિનથી આ શક્ય નથી.) શેરડીની આંતરગાંઠની લંબાઈ વધારવા માલ્ટના નિર્માણમાં, દ્રાક્ષની સંખ્યા તથા લંબાઈ વધારવા વગેરે માટે તે ઉપયોગી છે. જિબરેલિન્સની અસર નાબૂદ કરતા પદાર્થો પ્રતિજિબરેલિન કહેવાય છે. દા.ત., AMO 1618, B 995, CCC અને ફોસ્ફોન D. પ્રતિજિબરેલિન પદાર્થો જેવા કે CCC આપીને નાગદમન, પોઇનસેટિયા વગેરેની લંબાઈ ઘટાડી શકાય છે. આ પદાર્થો વામન વિકાસ માટે જવાબદાર છે. જી. એ.ની કાર્યરીતિ ઑક્સિન જેવી જ છે. તે ન્યૂક્લીઇક ઍસિડના પ્રોટીનના સંશ્ર્લેષણને ઝડપી બનાવે છે. જી. એ. DNAના ભૌતિક બંધારણને અસર કરી દબાઈ ગયેલ જનીનને મુક્ત કરી જરૂરી પ્રોટીન બનાવી ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. આ ઉત્સેચકો દ્વારા બીજાંકુરના ગર્ભને જરૂરી પોષણ મળે છે.
સાયટોકાઇનિન : આ પદાર્થો ઍડેનીન જેવી નાઇટ્રોજનયુક્ત પ્રણાલીના વ્યુત્પન્નો છે. આમાંનું એક સાયટોકાઇનિન, 6-ફફર્યુરાઇલ એમીનોપ્યુરાઇન (કાઇનેટિન) છે. (જુઓ આકૃતિ 3) કાઇનેટિન જેવી અસર કરનાર બીજા ઍડેનીન વ્યુત્પન્નો અને કેટલાક યૂરિયા વ્યુત્પન્નોને પણ સાયટોકાઇનિન કહે છે. જોકે આ બધા જ પદાર્થો વનસ્પતિમાં મળતા નથી. બધા જ કોષવિભાજનને ઉત્તેજિત કરતા હોઈ સાયટોકાઇનિન તરીકે ઓળખાય છે. મકાઈના અપરિપક્વ બીજમાં ઝીયાટીન મળે છે.
સાયટોકાઇનિનનું સંશ્લેષણ : મૂળમાં ટ્રાન્સફર-આર. એન. એ.(t-RNA)ના ઍડેનીનમાંથી થાય છે. તે મૂળમાં જોવા મળે છે અને તે જિબરેલિન્સની જેમ ઉપરની તરફ જલવાહકપેશી (xylem) દ્વારા પર્ણ અને ફળ તરફ ગતિ કરે છે. સાયટોકાઇનિન મૂળ ઉપરાંત બીજના ગર્ભમાં અને વિકસતા ફળમાં જોવા મળે છે. સાયટોકાઇનિન વનસ્પતિમાં રિબોસાઇડ કે રિબોટાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
સાયટોકાઇનિનની કસોટીઓમાં કૅલસ કસોટી અને મૂળાની બીજપત્ર કસોટી અગત્યની છે. જેની કસોટી કરવાની હોય તેની સૉયાબીનના કૅલસ તથા મૂળાનાં બીજપત્રોના વજન ઉપર થતી અસરના પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે છે.
સાયટોકાઇનિનની દેહધાર્મિક અસરોમાં કોષવિભાજન, કોષવિસ્તરણ, બીજની ઉત્પત્તિ દરમિયાન ભ્રૂણવિકાસ, વૃદ્ધત્વની રુકાવટ (પાંદડાના ક્લૉરોફિલના વિઘટનને અટકાવીને તથા પ્રોટીન-સંશ્ર્લેષણને ચાલુ રાખીને) વગેરે અગત્યની ગણાય. ઑક્સિનની હાજરીમાં સાયટોકાઇનિનની કોષવિભાજનને ઉત્તેજવાની અસર લાંબા વખત સુધી ટકે છે. ઑક્સિનની હાજરીમાં સાયટોકાઇનિન વધુ હોય તો કૅલસમાંથી પ્રકાંડ અને પર્ણવિભેદન પામે છે. સાયટોકાઇનિન ચયાપચયકોનો પુરવઠો જાળવી રાખે છે. કુદરતી ઉપરાંત સંશ્લેષિત સાયટોકાઇનિન પણ જાણીતા છે, જેમની અસર કુદરતી પદાર્થો જેવી હોય છે.
સાયટોકાઇનિનની કાર્યરીતિમાં ન્યૂક્લીઇક ઍસિડ પ્રોટીન-સંશ્લેષણને વધારવા ઉપરાંત ઑક્સિન જી. એ. વગેરેના સંશ્લેષણને પણ ઉત્તેજે છે.
સંગ્રહ કરેલ શાકભાજી લીલાં જ રહે તે માટે સાયટોકાઇનિન વપરાય છે.
વૃદ્ધિ–અવરોધકો : વનસ્પતિમાં વિવિધ પ્રકારના વૃદ્ધિ-અવરોધકો મળી આવે છે. આમાંના એક ઍબ્સિસિક ઍસિડનો વિશદ અભ્યાસ થયેલો છે.
ઍબ્સિસિક ઍસિડ (ABA) : બધી જ ઉચ્ચ કોટિની વનસ્પતિ, જેવી કે અનાવૃત બીજધારી, દ્વિદળી, એકદળી હંસરાજ, ઇક્વિસિટમ વગેરેમાં તે મળે છે. (જુઓ આકૃતિ 3) તેનું ચયપથ કે અપચયપથ મારફત નિર્માણ થાય છે. વર્ધનશીલ પેશી, વૃદ્ધિ પામતાં પર્ણો, ફળ વગેરેમાં રહેલા મેવેલોનિક ઍસિડમાંથી તે ચયપથ દ્વારા બને છે. વૃદ્ધત્વ પામતી પેશી અને અંગમાં વાયોલોઝેન્થીન(જે એક કૅરોટીનૉઇડ છે તે)નું પ્રકાશવિઘટન થતાં અપચયપથ દ્વારા તે બને છે. સર્કોસ્પોરા રોઝીકોલા અને બોટ્રીટીસ સીનેરિયામાં એબીએનું સંશ્લેષણ જોવા મળ્યું છે. એબીએ મૂળમાં, જલવાહક પેશી, અન્નવાહક પેશી, પરાગરજ, પુષ્પમણિપત્ર, બીજ, ફળ વગેરેમાં મળી આવે છે. એબીએ જલવાહક કરતાં અન્નવાહકમાં વધુ જોવા મળે છે. તેની સાંદ્રતા જલજ વનસ્પતિમાં 3.5 મિ.ગ્રા. પ્રતિ કિગ્રા.થી એવોકેડોના ફળના મધ્ય આવરણમાં 10 મિગ્રા. પ્રતિ કિગ્રા. જેટલી જોવા મળે છે. એ.બી.એ. મુખ્યત્વે પાકટ પર્ણોમાં ઉત્પન્ન થઈને જલવાહક અને અન્નવાહક દ્વારા વહન પામે છે. વેગ 20 થી 30 મિમી. પ્રતિકલાક જોવા મળે છે.
એ.બી.એ.ની જૈવ કસોટીમાં પર્ણપતન અને કલિકાસુષુપ્તિનો સમાવેશ થાય છે. વાલનાં પર્ણોની પર્ણિકાઓ દૂર કરીને પર્ણિકાદંડની ટોચે ટેસ્ટ પદાર્થયુક્ત લૅનોલિન લગાડવામાં આવે છે. થોડા સમય બાદ પર્ણિકાદંડ ખરી જાય છે. (આકૃતિ 4) બીચવૃક્ષના બીજાંકુરની લંબવૃદ્ધિનો ઉપયોગ કરીને પણ કસોટી કરાય છે. એ.બી.એ. લંબવૃદ્ધિને અટકાવે છે. એ.બી.એ.નું ઉપચયન થતાં ફેઝિક ઍસિડ બને છે. આ ઍસિડ ઉપરાંત ટ્રાન્સ એ.બી.એ. તથા એ.બી.એ.ના ઍસ્ટર બને છે. આ પદાર્થો નિષ્ક્રિય હોય છે.
એ.બી.એ. પર્ણપતન, કલિકામાં સુષુપ્તિ પ્રેરવી, બટાટાના છોડમાં કંદની ઉત્પત્તિ, બીજની સુષુપ્તિ લંબાવી અંકુરણને અવરોધવું વગેરે કાર્યોનું નિયમન કરે છે. વિવિધ તનાવ(stress)ની અસર નીચે વનસ્પતિ આવે ત્યારે એ.બી.એ.નું પ્રમાણ વધે છે. આ જ સમયે રક્ષકકોષો પાણી ગુમાવે છે, વાયુરંધ્ર બંધ થાય છે અને ઉત્સ્વેદનાનો દર ઘટે છે. આમ એ.બી.એ. વનસ્પતિની અંદરના પાણીના જથ્થાને ઘટતો અટકાવે છે. એ.બી.એ. સુષુપ્તિ પ્રેરતા હોવાથી વનસ્પતિને પ્રતિકૂલ પરિસ્થિતિમાં જીવંત રાખે છે તેમ પણ ગણી શકાય. એ.બી.એ. ઑક્સિન, જી.એ. વગેરેની ઉત્તેજિત અસરોને નાબૂદ કરે છે. એસર, કાકડી, આલ્ફાલ્ફા, સફરજન વગેરેમાં એ.બી.એ. અને જી.એ.નો ઉપયોગ કરીને આ વનસ્પતિમાં ઠંડીનો પ્રતિકાર કરવાની શક્તિ કેળવી શકાય છે.
એ.બી.એ. RNAના સંશ્લેષણમાં દખલ કરે છે, જેને કારણે RNA પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. રંગસૂત્રિકાની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયા દ્વારા અવરોધક અસરો ઉત્પન્ન થતી જોવા મળે છે.
ઇથિલીન : આ પણ વનસ્પતિનો એક અવરોધક અંત:સ્રાવ છે. આ અંત:સ્રાવ વાયુરૂપ હોય છે, અને અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં તે લિનોલેનિક ઍસિડ કે મિથિયોનિનમાંથી પેદા થાય છે. ઉચ્ચકોટિની વનસ્પતિ ઉપરાંત ગ્રીનમોલ્ડ, મ્યુકરસ ઇ. કોલાઈ બૅક્ટેરિયા, ઍસ્પરજિલસ વગેરેમાં તે મળી આવે છે. મૂળ ઉત્પન્ન થાય ત્યારે, જમીનમાંથી પ્રરોહ બહાર આવે ત્યારે, અને ફળ પાકે ત્યારે ઇથિલીનનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઇથિલીનના સંશ્લેષણને ઑક્સિન ઉત્તેજિત કરે છે. તનાવ(પૂર, ગરમી, શુષ્કતા, કીટકો, રસાયણો)ની અસર તળે વનસ્પતિ વધુ ઇથિલીન ઉત્પન્ન કરે છે તે વનસ્પતિને વૃદ્ધત્વ તરફ ઝડપથી લઈ જાય છે અને અંગ ખેરવવાની ક્રિયા ઝડપી બને છે. ઇથિલીનનું વહન કાર્બન ડાયૉક્સાઇડની જેમ થાય છે.
ઇથિલીનની જૈવિક કસોટીમાં વટાણાના રંગહીન અંકુર ઉપર નીચેની ત્રિવિધ અસર તપાસવામાં આવે છે : લંબવૃદ્ધિની રુકાવટ, પ્રકાંડની પાર્શ્વીય વૃદ્ધિ થવી અને પ્રકાંડની ભૂવર્તિતા ઊલટી થવી.
ઇથિલીનની અસરોમાં પાકટ અંગ ખેરવવાનું, ફળ પકવવાનું, બીજના અંકુરને ઉત્તેજિત કરવાનું, પુષ્પોદભવ તથા પ્રકાંડ ઉપર અસ્થાનિક મૂળ ઉત્પન્ન થવું–વગેરે ગણાવી શકાય. અપરિપક્વ ફળને ઇથિલીન આપવાથી વધુ ઇથિલીન ઉત્પન્ન થાય છે અને (સ્વયંઉદ્દીપન-self-catalysis –પ્રક્રિયા) ફળો વહેલાં પાકે છે.
ઇથિલીન સેલ્યુલેઝનું સંશ્લેષણ કરે છે તેનાથી કોષ-દીવાલ ઓગળી જતાં અંગ ખેરવવાનું કાર્ય થાય છે. વળી મેટલોપ્રોટીન સાથે ઇથિલીન સંયોજાઈને પ્રોટીનના સંશ્લેષણ ઉપર વિપરીત અસર કરે છે તેમ માનવામાં આવે છે. વનસ્પતિમાં ઇથિલીનનું ચયાપચય થતાં ઇથિલીન ઑક્સાઇડ, ઇથિલીન ગ્લાયકોલ તથા ગ્લુકોઝ સાથેના સંયોજનરૂપ પદાર્થ ઉત્પન્ન થાય છે.
પ્રકાશ, કાર્બન ડાયૉક્સાઇડ અને સિલ્વર આયન ઇથિલીનની અસર નાબૂદ કરે છે. ઇથિલીન ટામેટાં, સફરજન, દ્રાક્ષ વગેરેને ઝડપથી પકવવા, કપાસનાં કાલાં ખેરવવા, રબરનો સ્રાવ લાંબો સમય ચાલુ રાખવા, શેરડીમાં ખાંડનું પ્રમાણ વધારવા, તમાકુનાં પર્ણને જલદી પાકટ કરવા તથા પાઇનૅપલમાં પુષ્પોદભવ કરવા માટે વપરાય છે. ફળના સંગ્રહ માટે કાર્બન ડાયૉક્સાઇડ અથવા સિલ્વર નાઇટ્રેટનો છંટકાવ ઇથિલીનની અસરને અવરોધવા માટે કરવામાં આવે છે.
ઇથિલીનની કાર્યરીતિમાં અનુમાન પ્રમાણે તે કદાચ કોષરસસ્તરની ક્રિયામાં ફેરફાર કરતું હોય અથવા કોષમાં આવેલા કોઈ નિયામકી મેટલોપ્રોટીન સાથે ઇથિલીન જોડાઈ તેની ક્રિયા બદલે અથવા તો આર.એન.એ. પ્રોટીન-સંશ્લેષણને અસર કરી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં ફેરફાર કરતું હોય.
પ્રાણીસૃષ્ટિમાં અંત:સ્રાવો સુસંકલિત તેમજ સંતુલિત રીતે કાર્ય કરીને પ્રાણીઓનાં વિકાસ, વૃદ્ધિ અને વિવિધ જૈવધાર્મિક ક્રિયાઓ શક્ય બનાવે છે, તેવું જ વનસ્પતિ-અંત:સ્રાવો વનસ્પતિસૃષ્ટિમાં કાર્ય કરે છે. એકબીજીથી અનેકધા ભિન્ન એવી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના અંત:સ્રાવોની કાર્યરીતિમાં પ્રતીત થતું સામ્ય જૈવતંત્રમાં રહેલી મૂલગત એકરૂપતાને ચરિતાર્થ કરે છે.
અલકા વ્યાસ