અંતાણી, વીનેશ (જ. 27 જૂન 1946, નવાવાસ (દુર્ગાપુર), તા. માંડવી, જિ. કચ્છ) : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક તથા અનુવાદક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નખત્રાણા (કચ્છ) તથા કૉલેજશિક્ષણ ભુજમાં. 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., 1969માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ.. કચ્છની ભૂમિના સંસ્કાર અને સંસ્કૃતિ બાળપણથી ચિત્તમાં રોપાયેલાં. કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી. 1970થી 1975 સુધી ભુજમાં અધ્યાપન. ત્યારબાદ વીસેક વર્ષ આકાશવાણીમાં ભુજ, અમદાવાદ, વડોદરા, મુંબઈ તથા ચંડીગઢ કેન્દ્રો પર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવથી માંડીને સ્ટેશન-ડિરેક્ટર સુધીની કામગીરી. 1995માં આકાશવાણીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ, 1995થી 1998 સુધી ‘ઇન્ડિયા ટુડે’(ગુજરાતી)ના સંપાદક તરીકે કામગીરી બજાવી. સર્જક તરીકે તેમણે આધુનિકતા તથા પરંપરાના સંસ્કાર ઝીલ્યા છે. તેમની પહેલી બે નવલકથાઓ – ‘નગરવાસી’ તથા ‘એકાંતદ્વીપ’માં આધુનિકતાનો સંસ્પર્શ જણાય છે; જેમાં એકલતા, શૂન્યતાનો અનુભવ કરતા સંવેદનશીલ બૌદ્ધિકની આંતરકથા ગૂંથાઈ છે. ‘પ્રિયજન’માં લગ્નસંબંધથી નહિ જોડાયેલાં પ્રેમીઓ  – નિકેત અને ચારુ – પ્રૌઢ વયે અનાયાસ મળી જાય છે અને ભૂતકાળના પ્રણયસંબંધને મૂલવે છે. તેમની મોટાભાગની નવલકથાઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવા-સમજવા-તાગવાનો ઉપક્રમ રહ્યો છે. તેમનાં મોટાભાગનાં પાત્રો લગભગ એક જ સ્તરનાં છે; બુદ્ધિ અને સંવેદનના સંઘર્ષ થકી સમજ પ્રગટાવવા તેઓ મથે છે. પ્રકૃતિ તથા પરિવેશનાં વર્ણનો દ્વારા પાત્રોના ભીતરને દૃશ્યાત્મક રીતે ઉઘાડતા જવાનો કસબ તેમની પાસે છે. સહજ કલ્પનો પ્રતીકો ઉપસાવતી શૈલી તથા ઘૂંટાઈને પ્રગટ થતાં સંવેદનોથી તેમની નવલકથાઓ સઘન બની છે. આકાશવાણીના અનુભવને કારણે કથાનાં સંકલન-સંયોજનમાં રેડિયો-નાટકની ટૅકનિક તેમને ખપ લાગે છે. વળી શબ્દ દ્વારા, નાદ દ્વારા દૃશ્યો ઉપસાવવાની કળા પણ તેમને સહજસિદ્ધ છે. પ્રણય, પ્રણયત્રિકોણો, સ્ત્રી-પુરુષના સંકુલ સંબંધો, આંતરમનની સંકુલતાઓ, એકલતા–હતાશા–શૂન્યતા વગેરે તેમની કથાઓના મુખ્ય વિષયો છે. ‘કાફલો’ તેમની સમૂહજીવનને સ્પર્શતી ધ્યાનપાત્ર કૃતિ છે. આધુનિક તથા અનુ-આધુનિક વહેણવાળી વાર્તાઓ તેમની પાસેથી મળી છે. ‘કરસનભૈનો ઓયડો’, ‘બે સ્ત્રીઓ અને ફાનસ’, ‘અહીં કોઈ રહેતું નથી’ તેમની નોંધપાત્ર વાર્તાઓ છે. ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’, ‘સાંઢણી’, ‘કોરો સારંગ’ કચ્છના રણપ્રદેશની વિલક્ષણ વાર્તાઓ છે. તેમના નિબંધોમાંથી પણ તેમનો સંવેદનશીલ ‘હું’ પ્રગટ થાય છે. ‘ધૂંધભરી ખીણ’ માટે 2000ના વર્ષનો સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક; ગુજરાત રાજ્ય / ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘નગરવાસી’, ‘એકાન્તદ્વીપ’, ‘પલાશવન’, ‘પ્રિયજન’ તથા ‘આસોપાલવ’ને પારિતોષિકો; ‘રણઝણવું’ તથા ‘પોતપોતાનો વરસાદ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિક મળ્યાં છે. તેમનાં પુસ્તકો : નવલકથાઓ : ‘નગરવાસી’ (1974), ‘એકાન્તદ્વીપ’ (1975), ‘પલાશવન’ (1979), ‘પ્રિયજન’ (1980), ‘આસોપાલવ’ (અને ચોથા માળે પીપળો) (1980), ‘બીજું કોઈ નથી’ (1983), ‘અનુરવ’ (1983), ‘સૂરજની પાર દરિયો’ (1984), ‘જીવણલાલ કથામાળા’ (1986), ‘ફાંસ’ (1987), ‘કાફલો’ (1988), ‘સર્પદંશ’ (1989), ‘નિર્વંશ’ (1990), ‘પાતાળગઢ’ (1992), ‘લુપ્ત નદી’ (1993), ‘ધૂંધભરી ખીણ’ (1996), ‘અહીં સુધીનું આકાશ’ (1996), ‘અંતર્ગત’ (2002), ‘સરોવર’ (અને ફાર્મ હાઉસ) (2003), ‘ધાડ’ (2003); વાર્તાસંગ્રહો : ‘હોલારવ’ (1983), ‘રણઝણવું’ (1989), ‘અહીં કોઈ રહેતું નથી’ (2001); નિબંધસંગ્રહો : ‘પોતપોતાનો વરસાદ’ (1992), ‘ધુમાડાની જેમ’ (2000), ‘આત્માની નદીને કાંઠે’ (2000); અનુવાદો : ‘એક ચીંથરું સુખ’ (નિર્મલ વર્માની નવલકથા – ‘એક ચિથડા સુખ’), ‘કાગડા અને છુટકારો !’ (નિર્મલ વર્માનો વાર્તાસંગ્રહ – ‘કવ્વે ઔર કાલા પાની’).

Vinesh Antani

વીનેશ અંતાણી

સૌ. "Vinesh Antani" | CC BY-SA 3.0

યોગેશ જોશી