અંજલિકાવ્ય : સ્વજન કે અન્ય પ્રેમાદરપાત્ર જીવિત કે મૃત વ્યક્તિનું તેનાં સદગુણો-સત્કાર્યો અને મહિમાની ભાવપૂર્વક પ્રશસ્તિ ગાતું વ્યક્તિછબીવાળું કાવ્ય. સ્થળ કે પ્રદેશવિશેષની ગુણપ્રશસ્તિવાળું કાવ્ય (ઉદાહરણાર્થ- ખબરદારનું ‘ગુણવંતી ગુજરાત’) પણ તેમાં આવે. કરુણપ્રશસ્તિ કાવ્યો (એલિજી) કેટલીક રીતે અંજલિકાવ્યો નાં લક્ષણો પણ દાખવે છે. એ સિવાયનાં પણ અંજલિકાવ્યો હોય છે; જેમ કે ન્હાનાલાલનું ‘ગુજરાતનો તપસ્વી’. અંજલિકાવ્યનું સભાન ખેડાણ ગુજરાતીમાં અર્વાચીન કાળમાં થયું. પણ એવાં લક્ષણોવાળાં કાવ્યો મધ્યકાલીન સાહિત્યમાં પણ મળે છે; જેમ કે, લોકકવિતાના બહારવટિયાવિષયક રાસડા વગેરે. કદમાં મુક્તક કરતાં લાંબું. લંબાઈનો આધાર વસ્તુ અને કવિપ્રતિભા પર. વસ્તુતત્વ કાવ્યોપકારક. આધુનિક ગુજરાતી કવિતામાં અંજલિકાવ્યનો ઝોક કલ્પન, ચિંતન અને લાઘવ તરફ (જેમ રાધેશ્યામ શર્માનું ‘પિતાનું મૃત્યુ’). અંજલિકાવ્ય જીવનોપયોગી ભાથું પૂરું પાડે છે.
પ્રાગજીભાઈ ભાંભી