અંગત (પ્ર. આ. 1971; દ્વિ. આ. 1982 સંવર્ધિત) : ગુજરાતી કવિ રાવજી પટેલનો કાવ્યસંચય. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં જે કેટલાક અવાજો સવિશેષ પ્રભાવક થયા તેમાંનો એક રાવજી પટેલ(1939-1968)નો. ‘અંગત’ તેમનાં ઉપલબ્ધ સર્વ કાવ્યોનો એકમાત્ર સંચય છે, જેનું પ્રકાશન તેમના અવસાન બાદ થયેલું.
‘અંગત’ ઊર્મિકવિતાનો સંચય છે. તેમાં કુલ 124 રચનાઓ છે, જેમાં મુક્તક, સૉનેટ, ગીત, ગઝલ, હાઇકુ અને તન્હા જેવા કાવ્યપ્રકારો જોવા મળે છે. તેમાં ‘મિસ જૂલિયટીનું પ્રણયગીત’ જેવું પ્રતિકાવ્યનું તો ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ જેવું મરસિયાનું કાવ્યસ્વરૂપ પણ મળે છે. પ્રકૃતિપ્રેમ, મનુષ્યપ્રેમ, કાવ્યપ્રેમ આદિને વ્યક્ત કરતી ગંભીર રચનાઓ ઉપરાંત વર્તમાન વિષમતા, દંભ, અમાનવીયતા આદિને લક્ષ્ય કરતી વિડંબના, કટાક્ષ આદિ તત્વોવાળી કવિતા પણ અહીં છે. ખાસ કરીને ગ્રામીણ પરિવેશ અને સીમની દુનિયાને કવિનો અનુરાગમધુર પક્ષપાત સાંપડ્યો જણાય છે. અહીં કવિએ નગરજીવનના બેહૂદાપણાને વ્યંજિત કરી, સંસ્કૃતિમાં ઘૂસી ગયેલા જૂઠાપણાને પ્રગટ કરી, પ્રકૃતિની અસલિયતને ઉઠાવ આપવાનો સાહજિક કલાધર્મ પ્રગટ કર્યો છે. આ સંગ્રહમાં માત્રામેળ લય પર – ખાસ કરીને પરંપરિત મનહર, હરિગીત, કટાવ આદિ પર અવલંબિત કાવ્યોનું બાહુલ્ય ધ્યાન ખેંચે છે. તેમણે ગીતો માત્ર ચૌદ લખ્યાં છે, પણ તે લિરિકતત્વની દૃષ્ટિએ ઘણાં સમૃદ્ધ અને સુગેય છે. ‘તમે રે તિલક રાજારામના’, ‘મારી આંખે કંકુના સૂરજ…’ જેવાં પરંપરાગત લોકઢાળોનો સુંદર વિનિયોગ કરી બતાવતાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં છે.
‘અંગત’ની કાવ્યસૃષ્ટિ રોમૅન્ટિક છે. જાતીય જીવનના સંદર્ભોમાં રાગાવેગસભર ચિત્રણ પણ ધ્યાન ખેંચે છે. તેમની કવિતામાં સ્નેહ અને વિસ્મયનું પ્રબળ ખેંચાણ અનુભવાય છે. ગુજરાતી કવિતાને ઇન્દ્રિયગ્રાહ્ય, ઇન્દ્રિયવ્યત્યયોવાળાં અભિનવ કલ્પનોથી સમૃદ્ધ તાજગીપૂર્ણ ભાષાનું એક વિશિષ્ટ પોત એમણે પૂરું પાડ્યું છે. કવિ અંગત જાતીય જીવનના સંદર્ભોથી માંડીને વિશ્વયુદ્ધ સુધીના પ્રાચીન – અર્વાચીન – સાંપ્રત અનેક વસ્તુસંદર્ભો લઈ પોતાની સંવેદનશીલતાથી એમાં ચમત્કારપૂર્ણ રૂપ-તરેહો જન્માવે છે. એમનાં ‘એક બપોરે’, ‘ઢોલિયે’, ‘બિછાનેથી’, ‘ભર્યા સમંદર’, ‘1964-65માં’, ‘ઠાગાઠૈયા’, ‘એન.સી.સી. પરેડ’, ‘સંબંધ’, ‘ચણોઠીરક્ત અને ગોકળગાય’ જેવાં કાવ્યોમાં એમની કવિત્વશક્તિનો સર્વોત્તમ ને વિલક્ષણ ચહેરો ચમકી ઊઠેલો પ્રતીત થાય છે. આવાં કાવ્યોથી જ ગુજરાતી કવિતાનું વિશ્વ ઊજળું છે.
ચન્દ્રકાન્ત શેઠ