અળસિયું : સમુદાય : નૂપુરક Annelida; વર્ગ : અલ્પલોમી (oligochaeta); શ્રેણી : નિયોઑલિગોકીટા (Neooligochaeta); પ્રજાતિ : ફેરેટિમા (Pheretima); જાતિ : પૉસ્થુમા (posthuma). ભારતમાં સામાન્યપણે રહેનારું પ્રાણી.

Earthworm

અળસિયું

સૌ. "Earthworm" | CC BY-SA 4.0

દુનિયામાં અળસિયાની આશરે 1,8૦૦ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાંની લગભગ 4૦ જેટલી ભારતમાં મળી આવે છે. તે ભેજવાળી, પોચી જમીનમાં મોટી સંખ્યામાં રહે છે. સામાન્ય રીતે ૩૦થી 4૦ સેમી. ઊંડાઈ સુધીની જમીનમાં તે રહેતાં હોય છે. ઉનાળામાં ભેજ ઓછો થતાં તે વધુ ઊંડાં ઊતરી જાય છે. માટીમાં રહેલા કાર્બનિક પદાર્થોમાંથી તે પોષણતત્ત્વો મેળવે છે. માટીને ખોરાક તરીકે ગ્રહણ કરવા સાથે જમીનમાં, સાંકડા દર જેવા માર્ગ તે સહેલાઈથી બનાવી શકે છે. તેના મળદ્વારમાંથી મળસ્વરૂપે નીકળતી માટીના ગોળકોની બનેલી ઢગલીઓ પરથી, ચોમાસામાં તેનું રહેઠાણ, માણસોનું ધ્યાન ખેંચે છે.

ઘેરા બદામી કે તપખીરી રંગનું લાંબું, પાતળું અને નળાકાર આ પ્રાણી 1૦૦થી 12૦ ખંડોનું બનેલું હોય છે. તેની લંબાઈ 15૦ મિમી. જેટલી હોય છે. અળસિયાના ક્રમાંક 14, 15 અને 16 ખંડોની શરીરદીવાલ જાડી તેમજ ગ્રંથિમય હોય છે. આ ભાગને વલયિકા (clitellum) કહે છે. 14મા ખંડની વક્ષ બાજુએ એક માદા જનનછિદ્ર તેમજ 18મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ બે નર જનનછિદ્રો આવેલાં હોય છે. 17મા અને 19મા ખંડમાં એક-એક જોડ વર્તુળાકાર, ઊપસેલા જનનાંકુરો પણ જોવા મળે છે. આ પ્રાણીઓ ઉભયલિંગી હોય છે, પરંતુ પરફલનથી પ્રજનન કરે છે. વળી, આગળનો કે પાછળનો ભાગ જો કપાઈ જાય તો તે કપાઈ ગયેલા ભાગનું પુનર્જનન (regeneration) નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.

માટીમાં પોષકતત્વોનું પ્રમાણ ઓછું હોવાથી માટીનો વિપુલ જથ્થો અળસિયાને ખોરાક તરીકે લેવો પડે છે. એને પરિણામે માટીમાં થતો ફેરફાર જમીનની ફળદ્રૂપતા વધારે છે. સાથે સાથે જમીનમાં હવાનું પ્રમાણ વધે છે. અળસિયું તેના શરીરદીવાલના સ્નાયુઓ, વજ્રકેશો (setae) અને કોષ્ઠજળ(coelomic fluid)ની મદદથી પ્રચલન કરે છે. સામાન્યપણે શ્વસનક્રિયામાં શરીરદીવાલ મારફતે હવાની આપલે થાય છે. પરિવહનતંત્ર બંધ પ્રકારનું હોય છે અને હીમોગ્લોબિન રુધિરરસમાં ઓગળેલું હોય છે. ઉત્સર્જનની ક્રિયા માટે અળસિયામાં વિટળીય (septal), કંઠનાલીય (pharyngeal) તેમજ ત્વચીય (cutenesus) પ્રકારની ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે. ચેતાતંત્રના ભાગ રૂપે કંઠનળીની ફરતે પૃષ્ઠ બાજુએથી ચેતાકંદો(ganglia)ની એક જોડ ધરાવતી ચેતામુદ્રિકા આવેલી હોય છે. મુદ્રિકાની વક્ષબાજુએથી ચેતાસૂત્ર નીકળે છે જે મળદ્વાર સુધી લંબાયેલું હોય છે. તે પ્રત્યેક ખંડમાં ચેતાકંદોની એક જોડ ધરાવે છે. જોકે, આ ચેતાકંદો એકબીજામાં વિલય પામેલા હોય છે.

રાવજીભાઈ છોટાભાઈ પટેલ

નવીનચંદ્ર મોહનલાલ જોશી

જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ