અહોબલ (સત્તરમી સદી) : પ્રસિદ્ધ સંગીતવિષયક ગ્રંથ ‘સંગીત પારિજાત’ના દક્ષિણ ભારતીય કર્તા. પિતા શ્રીકૃષ્ણ પંડિત પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું; તે પછી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. સંગીતનિષ્ણાત થઈને એ ઉત્તર ભારતમાં ગયા. ત્યાં રહીને હિન્દુસ્તાની સંગીતનું ઊંડું અધ્યયન કર્યું અને એમાં પણ કુશળતા પ્રાપ્ત કરી. પછી ઘનબડ રાજા આગળ ગીતો ગાયાં. રાજાએ પ્રસન્ન થઈને એમની દરબારી ગાયક તરીકે નિમણૂક કરી. ત્યાં રહીને એમણે 165૦માં ‘સંગીત પારિજાત’ ગ્રંથની રચના કરી. એ ગ્રંથ હિન્દુસ્તાની સંગીતપદ્ધતિ પર રચાયો છે, અને હિન્દુસ્તાની સંગીતકારોએ માન્ય કર્યો છે. અહોબલે સર્વપ્રથમ વીણાના તારની લંબાઈના વિવિધ ભાગોથી 12 સ્વરોનાં સ્વરસ્થાન નક્કી કરેલાં, જે પછીના સંગીતકારોએ માન્ય રાખ્યાં છે.
ચન્દ્રકાન્ત મહેતા