અળગાપણું (alienation) : સમાજ સાથેના સંબંધ પરત્વે વ્યક્તિનો અલગતા કે વિરક્તતાનો ભાવ. વિશ્વમાં માનવીના સ્થાન વિશેની દાર્શનિક ચર્ચાઓમાં ‘અળગાપણા’નો વિચાર ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે, પરંતુ સમાજવિજ્ઞાનોમાં તેનો મૂળ સ્રોત કાર્લ માર્કસના સામાજિક સિદ્ધાંતમાં પડેલો છે. માર્કસનું કહેવું એમ છે કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અન્ય વ્યક્તિઓના સહકારમાં રહીને પોતાની બહારની દુનિયાનું રૂપાંતર કરી પોતાના ઘડવૈયા થવું એ માનવ-સ્વભાવ છે; પરંતુ મૂડીવાદી અર્થવ્યવસ્થાવાળા સમાજમાં તેના આ સ્વભાવની અભિવ્યક્તિને અવકાશ જ મળતો નથી. મૂડીદાર વર્ગ તેની મૂડીના જોરે કામદાર વર્ગનું શોષણ કરે છે. મૂડીવાદી મૂલ્યોમાં મૂડી શ્રમ કરતાં ઉચ્ચ સ્થાને છે. કામદાર વર્ગ પાસે પોતાના શ્રમ સિવાય બીજી કોઈ મૂડી હોતી નથી. તેથી મૂડીપતિ વર્ગની નોકરી સ્વીકારવા સિવાય આજીવિકા મેળવવાનો બીજો કોઈ રસ્તો તેની પાસે હોતો નથી. મૂડીવાદી આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય ધ્યેય છે નફો. પોતાના આર્થિક નફાનું પ્રમાણ વધારવા માટે સાધનસંપન્ન મૂડીપતિ તેની નોકરીમાં જોડાયેલા સાધનવિહીન કામદારનું વધુમાં વધુ શોષણ કરે છે. તે પોતાના નફા માટે કામદારોનો ઉપયોગ કરે છે. કામદારવર્ગ મૂડીપતિવર્ગનાં આર્થિક હિતો પાર પાડવા માટેનું સાધનમાત્ર બની જાય છે. સર્જનાત્મક ઉત્પાદનશક્તિવાળો કામદાર મૂડીપતિના કારખાનાનો એક સાંચો જ બની રહે છે. એણે મૂડીપતિના હુકમ પ્રમાણે આવવાનું અને હુકમ હોય એટલું કરવાનું હોય છે. આવા તંત્રમાં તે કામદાર મટીને ધનથી ખરીદી શકાય એવી ચીજવસ્તુ (commodity) બની જાય છે. મૂડીવાદી અર્થતંત્રના સંબંધોની આ વાસ્તવિકતા તેને પરાયાપણાની અથવા વિરક્તતાની લાગણીનો અનુભવ કરાવે છે.

મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કામદારના અળગાપણાનાં ચાર મુખ્ય સ્વરૂપો માર્કસે નીચે પ્રમાણે દર્શાવ્યાં છે :

(1) પોતાના શ્રમની પેદાશથી અળગાપણું : કામદાર તેના શ્રમથી જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની માલિકીનો તેને અધિકાર હોતો નથી. કામદારના શ્રમની પેદાશને વેચીને મૂડીપતિ મોટો નફો કરે છે, પરંતુ તે નફા પ્રમાણે કામદારને મજૂરી આપવામાં આવતી નથી. કામદારને પોતાના શ્રમની પેદાશ પર અથવા તેનું ભાવિ નક્કી કરવાનો કોઈ અધિકાર હોતો નથી.

(2) ઉત્પાદન-પ્રક્રિયાથી અળગાપણું : ઉત્પાદન-પ્રક્રિયા પર કે તેના પરિણામ પર કામદારનું કોઈ નિયંત્રણ હોતું નથી. ઉત્પાદન કરતી વખતે તેને પોતાની સ્વાભાવિક વિવેકબુદ્ધિ મુજબ વર્તવાનો કોઈ અવકાશ હોતો નથી. કામની બાબતના પ્રશ્નો વિશે સ્વતંત્ર રીતે વિચારવું અથવા તે અંગે કોઈ નવી રીત અમલમાં મૂકવી  આવી માનવ-સહજ વૃત્તિઓથી તેણે અળગા રહેવું પડે છે. તેનો શ્રમ એક દબાણપૂર્વકનો શ્રમ કે વેઠ જેવો હોય છે. પરિણામે તેને ઉત્પાદન-પ્રક્રિયામાં કોઈ રસ, રુચિ કે સંવેદનશીલતા રહેતાં નથી કે પોતીકાપણું લાગતું નથી.

(૩) કામદારનું પોતાના માનવ-સ્વભાવથી અળગાપણું : વિશિષ્ટ માનવીય ગુણો માનવીની પ્રવૃત્તિને પશુ-પ્રવૃત્તિથી ભિન્ન કરનાર એક અગત્યનું પરિબળ છે; પરંતુ મૂડીવાદી વ્યવસ્થામાં કામદારના અળગાપણાનાં ઉપર દર્શાવેલાં પ્રથમ બંને પાસાં તેની ઉત્પાદનપ્રવૃત્તિને તેના વિશિષ્ટ માનવસ્વભાવની અસરથી અથવા માનવીય ગુણોથી વંચિત રાખે છે. તેણે પોતાનાથી પરાયા થઈને કામ કરવું પડે છે.

(4) અન્ય માનવીઓથી અળગાપણું : મૂડીવાદ માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધોનું બજાર-સંબંધોમાં રૂપાંતર કરે છે અને માનવીઓનું મૂલ્યાંકન તેમના માનવીય ગુણો પરથી નહિ, પરંતુ બજારમાં તેમના સ્થાન પરથી કરવામાં આવે છે. લોકો એકબીજાને માનવ-વ્યક્તિઓ તરીકે જોવાને બદલે મૂડીપતિ અથવા કામદાર તરીકે જુએ છે. આ દૃષ્ટિએ પણ કામદાર અન્ય માનવીઓ સાથે અળગાપણાની સ્થિતિમાં મુકાય છે.

‘અળગાપણા’ની લાક્ષણિકતા વિશે એરિક ફ્રૉમ(Erich Fromm)ના વિચારો પણ માર્કસના વિચારો સાથે ઘણે અંશે મળતા આવે છે. તેણે દર્શાવ્યું છે કે મૂડીવાદી ઉત્પાદનમાં કામની વહેંચણી બેહદ વધી ગઈ છે. કામદારે રોજેરોજ અમુક ચીજનો એકનો એક ભાગ બનાવ્યે રાખવાનો હોય છે; તેથી તે ચીજના પૂર્ણ સ્વરૂપથી તો તે અળગો જ રહે છે. મૂડીવાદની યાંત્રિક ઉત્પાદન-પદ્ધતિમાં વિવેકબુદ્ધિ મુજબ વર્તી ન શકવાને લીધે જીવંત કામદારનું કામ પણ યંત્રવત્ બની જાય છે.

ફ્રૉઇડે પણ દર્શાવ્યું છે કે સભ્યતા (civilization) એટલે માનવીની સ્વાભાવિક સહજવૃત્તિઓનું દમન. આવી સભ્યતાની જરૂરિયાતો માનવીને તેના સહજ સ્વભાવથી અળગાપણાની સ્થિતિમાં મૂકે છે.

છેલ્લા કેટલાક સમયથી ‘અળગાપણા’ને અનુભવાશ્રિત (empirical) સંશોધનની મદદથી માપવાના અથવા તેની સાથે સંકળાયેલાં મનોવલણોનું ક્રિયાલક્ષી (operational) વિશ્લેષણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ માર્કસની દૃષ્ટિમાં તેનો સંબંધ માનવસ્વભાવ વિશેની નૈતિક અને દાર્શનિક સંકલ્પનાઓ સાથે હતો. વ્યક્તિના પોતાના જીવન પ્રત્યેના સંતોષ કે અસંતોષનાં મનોવલણો સાથે તેને સરખાવી શકાય નહિ.

વિપિન શાહ