અહુજા, રોશનલાલ (જ. 1904, વી. ટિબ્બી કૈસરાની, દેરા ગાઝીખાન) : પંજાબી નાટ્યલેખક અને સાહિત્યવિવેચક. સાત સંપૂર્ણ નાટકોના અને છ એકાંકીસંગ્રહોના લેખક. એકાંકીઓમાં તેઓ મહદંશે વ્યંગ્યાત્મક મિજાજમાં જીવનની નાની પણ મહત્વની ઘટનાનું નિરૂપણ કરે છે. તેમનાં ત્રણ દીર્ઘ નાટકો ‘કલિંગ દા દુખાંત’ (રાજ્ય પારિતોષિક-વિજેતા), ‘દારા શિકોહ દા દુખાંત’ અને ‘ક્લિયોપૅટ્રા દા દુખાંત’ ઐતિહાસિક છે. આમાં તેઓ વર્તમાનની દૃષ્ટિએ ભૂતકાળનું નિરૂપણ કરે છે. બીજાં ચાર નાટકોમાં તેમણે જમીનસુધારણા, છૂટાછેડા, સહકારી ચળવળ અને આર્થિક સંઘર્ષ જેવી સમકાલીન બાબતોને વિષયવસ્તુ બનાવી છે. તેમનો સામાન્ય અભિગમ પ્રગતિશીલ, ઉદારમતવાદી અને તર્કસંગત છે. આ જ અભિગમ તેમની સાહિત્યિક વિવેચનામાં આવે છે, જેમાં તેઓ શિક્ષક ને પ્રબોધક તરીકે વર્ત્યા છે. સાહિત્યિક સિદ્ધાંત વિશે ત્રણ, સૌન્દર્યશાસ્ત્ર વિશે બે અને વ્યવહારુ સાહિત્યિક વિવેચના વિશે અનેક પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમનું જીવનદર્શન અને વિશ્વદૃષ્ટિ સંપૂર્ણપણે તેમના ‘અફલાતૂની ગાલખાત’માં પ્રતિબિંબિત થયાં છે. તેમાં તેમણે વિવિધ દાર્શનિક અને સામાજિક મુદ્દાઓ અંગે પ્લૅટો સાથેના કાલ્પનિક સંવાદો મૂક્યા છે.
ગુરુબક્ષસિંહ