અહમદશાહની મસ્જિદ : સુલતાન અહમદશાહે બંધાવેલી અમદાવાદની મસ્જિદ. અમદાવાદની સર્વપ્રથમ સ્થાપત્યકીય ઇમારત મનાતી આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. તે જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. શાહી કિલ્લાની અંદર હોઈ તેનું બાદશાહના ખાનગી પ્રાર્થનાગૃહ તરીકે નિર્માણ થયું હોય તે બનવાજોગ છે. પથ્થરની બંધાયેલી આ મસ્જિદનો લીવાન (મુખ્ય ખંડ) અંદરથી આશરે 48.8 મીટર લાંબો અને 16.8 મીટર પહોળો છે, જ્યારે તેની ઊંચાઈ 5.5 મીટર છે. તેને પાંચ કમાનદાર દરવાજા છે. વચલો દરવાજો પહોળાઈ તેમજ ઊંચાઈમાં બીજા દરવાજાઓથી વધારે છે. તેની છત પણ બાજુની છત કરતાં થાંભલાઓ દ્વારા ઊંચી બનાવવામાં આવી છે અને થાંભલાઓ વચ્ચેની જગ્યા પથ્થરની જાળીથી ભરી દેવામાં આવી છે. વચલી કમાનની બે બાજુ કડસલા (buttress) પર છતથી ઉપર બે મિનારા હતા જે પડી ગયા કે પાડી નાખવામાં આવ્યા છે. મિનારાના કડસલા પાછળની મસ્જિદોના કડસલાની માફક ભારે, જાડા, ખૂણાદાર કે અલંકૃત નથી, પણ સાદા તેમજ દીવાલથી ૦.8 મીટર જેટલા બહાર છે. આ તેમજ મસ્જિદની મૌલિક બાંધણીની સાદાઈ તેની પ્રાચીનતાની દ્યોતક છે. લીવાનની છત 152 થાંભલા પર આધારિત છે અને તેના પર 1૦ મોટા ઘુમ્મટ છે. તેના ઈશાન ખૂણામાં 25 નાના અને સમાન આકારના થાંભલા પર આધારિત મુલૂકખાનું છે, જેનું પ્રવેશદ્વાર ઉત્તર દીવાલમાં છે.
પશ્ચિમ દીવાલમાં દરેક કમાની દરવાજાની સામે એક એક આરસની સુંદર અલંકૃત મહેરાબ છે. વચલી મહેરાબની ઉત્તરે અડીને કોતરણીવાળો નવ પગથિયાંવાળો આરસનો મિમ્બર (વ્યાસપીઠ) છે.
મરાઠા કાળમાં મસ્જિદની ઇમારતનો કાષ્ઠ તેમજ ઘાસ ભરવાની વખાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પછી થોડો સમય તે ખાનગી કબજામાં રહી હતી. હવે તે વકફ કમિટીને હસ્તક છે અને રાષ્ટ્રીય સ્મારક તરીકે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની દેખરેખ હેઠળ છે. નિયમિત નમાજ પઢવાના ઉપયોગમાં તે આવે છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ