ઇનીડ (Aeneid) : રોમન રાષ્ટ્રીય મહાકાવ્ય. લૅટિન કવિ વર્જિલે (ઈ. સ. પૂ. 70-19) આ કાવ્યલેખનનો પ્રારંભ ઈ. સ. પૂ. 29માં કર્યો હતો. તે તેના જીવનના છેલ્લા દાયકામાં પૂરું થયું અને તેના મૃત્યુ બાદ બે વર્ષે રોમન બાદશાહ ઑગસ્ટસની ઇચ્છાથી પ્રગટ થયું. આ કાવ્ય લખવા પાછળ કવિનો હેતુ રોમન પ્રજાને બિરદાવવાનો અને તેમના સમ્રાટને વિજયી નાયક તરીકે આલેખવાનો હતો; પરંતુ તે ઐતિહાસિક મહાકાવ્ય લખવા ઇચ્છતો ન હતો તેથી તેણે રોમન પ્રજાની સ્થાપના કરનારા ટ્રોજનો અને ઑગસ્ટના કુટુંબના આદિ સ્થાપક નેતા ઇનિયસની પુરાણકથાનો આશ્રય લીધો.
ઇનિયસ ટ્રૉયના રાજવંશનો રાજકુંવર એટલે કે એન્કિસેસ અને વિનસનો પુત્ર હતો. દૈવનું નિર્માણ એવું હતું કે એ વંશ લોકો પર રાજ્ય કરે. ગ્રીક લોકો ટ્રૉયનો કબજો લઈ આગ લગાડે છે ત્યારે ઇનિયસ પિતા, પુત્ર અને પત્ની સાથે વતન ઇટાલી જવા ભાગી છૂટે છે ત્યાંથી આ મહાકાવ્યની શરૂઆત થાય છે. તે બાર સર્ગોમાં વિભાજિત છે. ગ્રીક મહાકવિ હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ની જેમ આ ટ્રૉયની કથા છે. કવિ વર્જિલ હોમરનું અનુકરણ કરે છે, પણ તેમાં તેની સર્જનશક્તિ અને સામર્થ્ય પણ પ્રગટ થાય છે. વર્જિલ કાવ્યના પ્રસંગો કાળક્રમાનુસાર ગોઠવતો નથી, પરંતુ રસપૂર્ણ કેન્દ્રથી તેનો આરંભ કરે છે.
પ્રથમ સર્ગમાં ઇનિયસ સિસિલીથી તેનમાં જહાજો ઉપાડી, ઇટાલીના લેવિનિયમ સમુદ્રકિનારે જવા મથે છે, ત્યારે જુનો તેને જોઈ પવનરાજને જહાજ છિન્નભિન્ન કરવા આજ્ઞા આપે છે; પરંતુ નેપ્ચૂન દેવ ઇનિયસની મદદે આવી પવનને પાછો વાળે છે. ઇનિયસ તેનાં સાત જહાજો સાથે કાર્થેજના કિનારાના બંદરે આવે છે. ઇનિયસની માતા વિનસ જ્યુપિટર દેવને પ્રાર્થે છે અને તે આગાહી કરે છે કે ઇનિયસ સલામત રીતે લેટિયમ (ઇટાલી) પહોંચશે અને ત્યાં ત્રણ વર્ષ રાજ કરશે. તે પછી તેનો દીકરો રાજ કરશે. એમ ત્રણસો વર્ષ પર્યંત એટલે કે રોમ્યુલસ દ્વારા રોમની સ્થાપના થાય ત્યાં સુધી એ રાજ્ય ચાલશે. કાર્થેજની રાણી દીદો ઇનિયસ અને તેના સાથીઓને આવકારે છે. દીદો ઇનિયસને ટ્રૉય છોડ્યા પછીનાં સાત વર્ષનાં તેનાં પરાક્રમો વિશે પૂછે છે. સિનોને ટ્રૉયને ઘેરો ઘાલીને તે શહેરના કિલ્લામાં લાકડાનો ઘોડો યુક્તિથી ઘુસાડ્યો. આ ઘોડો પોલો હતો અને તેના પેટાળમાં સૈનિકો સંતાડેલા હતા. રાતે પાછા ફરવાનો ઢોંગ કરી દૂર ગયેલાં જહાજો કિનારે આવે છે. હેક્ટરનું ભૂત ઇનિયસને ચેતવે છે કે ટ્રૉય પડવાનું છે. ગ્રીક લોકોના યુદ્ધનાદથી ઇનિયસ જાગે છે અને તેનો સાથી પાન્થસ તેને યુદ્ધ માટે પ્રેરે છે. વૃદ્ધ રાજા પ્રાયમને તે હણે છે. પ્રાયમના મહેલ તરફ જતાં ઇનિયસની પત્નીનો આત્મા તેને પત્નીના મૃત્યુ પર ખેદ નહિ કરવા આદેશ આપે છે. ટ્રૉય છોડી શિયાળામાં નવાં જહાજો બાંધી, ઉનાળામાં તેઓ આગળ વધે છે.
પ્રથમ વિરામસ્થળ થ્રેસનો કિનારો છે. ત્યાં એક છોડ ઉખાડતાં ઇનિયસ જુએ છે કે તેના મૂળમાંથી લોહી ઝરે છે અને નીચેથી સાદ આવે છે કે પ્રાયમના પુત્રે લાવેલો ખજાનો મેળવવા જતાં ત્યાં તેનું ખૂન થયું હતું. પ્રાયમના પુત્રની ત્યાં કબર છે. બીજું વિરામસ્થળ ડેલોસ અને ત્યારપછી ક્રિટ છે. તે પછી હાર્પીઓના ટાપુ પર અર્ધમાનવ અને અર્ધપંખી જેવી રાક્ષસી સ્ત્રીઓમાંની એક તેઓ હેસ્પેરિયા પહોંચે તે પહેલાં તેમના ખાણા વિશે ભાવિ ભાખે છે. ત્યાંથી તેઓ ઍક્ટિયમ આવે છે, આરામ કરે છે અને રમતોત્સવ માણે છે. એપિરસમાં તેમને હેક્ટરની વિધવા પત્ની એન્ડ્રોમેડા જે હેક્ટરના ભાઈ હેલેનસ સાથે પરણી છે તેની મુલાકાત થાય છે. હેલેનસ આગાહી કરે છે કે જ્યાં 30 બચ્ચાં સાથે સફેદ ભૂંડણ મળશે, ત્યાં તેઓ આલ્બા બોંગા નામનું નવું નગર બાંધશે. દરિયાઈ પ્રવાસમાં વચ્ચે ઇનિયસનો પિતા મૃત્યુ પામે છે અને તેને ઇનિયસ ડ્રેપાનમમાં દફનાવે છે.
આ બધી વાતો સાંભળીને દીદો ઇનિયસના પ્રેમમાં પડે છે અને કાર્થેજમાં જ રહીને રાજ્ય કરવા ઇનિયસની માતાને સમજાવે છે. બીજે દિવસે શિકારે જતાં કુદરતનું તોફાન જાગે છે અને એક આશ્રયસ્થાને દીદો અને ઇનિયસ એકબીજાં સાથે પતિપત્ની તરીકે જોડાય છે. પરંતુ મર્ક્યુરી ઇનિયસને ઇટાલી જવાનું તેનું ધ્યેય પૂરું કરવા પ્રેરે છે અને ઇનિયસ તેની દૈવી આજ્ઞાને વશ થઈ દીદોને છોડી જાય છે. દીદો લાકડાના ઢગલા પર ચઢી તેનાં જહાજોને દૂર જતાં જોઈ પોતાની છાતીમાં ખંજર હુલાવે છે.
પાંચમા સર્ગમાં ઇનિયસ સિસિલી પહોંચે છે અને પુત્ર પિતા એન્કિસિસની વર્ષીશ્રાદ્ધ નિમિત્તે મૃતવિધિ વખતની વિવિધ રમતોની હરીફાઈ ગોઠવે છે અને યજ્ઞ કરે છે. કબર પર બળદોના બલિદાનની અંજલિ આપતાં તે આરોગવા એક લીલો અને સોનેરી ટપકાંવાળો સાપ આવે છે. આને સારા શુકન માનવામાં આવે છે. જૂનો ઇરિસને છૂપા વેશે બંદરે લાંગરેલાં જહાજોને આગ લગાડવાની વ્યવસ્થા સોંપે છે. દેવ જ્યુપિટર ગાજવીજ સાથે વરસાદ વરસાવી આગ ઠારી દે છે. કેવળ ચાર જહાજો બચે છે. ઇનિયસને આ નુકસાનની ખબર પડે છે. સો દ્વારવાળી ગુફામાં બેઠેલી સિબલી આગાહી કરે છે કે એ લોકો લેટિયમ પહોંચશે ખરા; પરંતુ તેમને થશે કે ના પહોંચ્યા હોત તો વધુ સારું થાત. ઇનિયસને મૃતલોક-પાતાળપ્રદેશ-માં જવાની રજા આપવામાં આવે છે અને ત્યાં પ્રૉસ્પેરિન માટે સોનેરી ડાળી લઈ જવાનું કહે છે. આ ડાળી શોધવા વિનસ બે સફેદ કબૂતરોને માર્ગદર્શક તરીકે જંગલમાં તેમની સાથે મોકલે છે. પાતાળમાં નરકની ત્રણ નદીઓ તેઓ જુએ છે. પોતાનો મૃત સુકાની, મૃત પ્રેમિકા દીદો, મૃત પિતા વગેરેને જુએ છે. આ છઠ્ઠા સર્ગને હોમરની ‘ઑડિસી’ના અગિયારમા સર્ગ સાથે સરખાવી શકાય. જ્યારે તેઓ સિસ્રે પાસેથી પસાર થાય છે ત્યારે ચુડેલોએ પશુ બનાવી દીધેલા કેદીઓની ચીસો સાંભળે છે. વૃદ્ધ લેટિનસ ઇટાલીનો રાજા છે. તેની પુત્રી લવિનિયાને રાજા ઇનિયસ સાથે પરણાવવા માગે છે; પરંતુ તેની માતાએ રુતુલીના ડ્યૂક તુરનુસ સાથે તેને વિવાહિત કરી છે. ઇનિયસ ઇટાલીમાં આવતાં રાજાના મહેલે સંદેશો મોકલે છે. રાજા લેટિનસ તેને સત્કારવા સામે રથ મોકલે છે. ટ્રોજનો અને લેટિયનો (ઇટાલિયનો) વચ્ચે દ્વેષ ફેલાવવા જુનો પાતાળની અસૂયાની દેવી એલૅક્ટોને બોલાવે છે. એલૅક્ટો રાણીને ગાંડી બનાવી દેશની માતાઓને પોતાની પુત્રીને પરદેશી સાથે લગ્ન કરતાં બચાવવા ઉશ્કેરે છે.
તુરનુસ આવી રાજાને ટ્રોજનો સામે યુદ્ધ કરવા જણાવે છે, પણ રાજા ના પાડે છે. ટ્રોજનો અને ઇટાલિયનો વચ્ચે યુદ્ધની તૈયારીઓની વાત જાણી ઇનિયસ ક્ષુબ્ધ થાય છે. તેને એક ર્દશ્ય દેખાય છે, તેમાં માથે સાંઠા બાંધેલ નદ-પિતા (ઇટાલીમાં નદી પિતા ગણાય છે – માતા નહિ) ટાઇલર દેખાય છે, અને ત્રીસ બચ્ચાં સાથે સફેદ ભૂંડણની યાદ આપે છે અને તેને તેનું દર્શન થાય છે.
તુરનુસ ઇનિયસની ગેરહાજરીમાં તેનાં જહાજોને આગ લગાડવા ઇચ્છે છે અને તેની છાવણી પર હલ્લો કરે છે. વીનસની વિનંતીથી વલ્કન ઇનિયસ માટે બખ્તર ઘડે છે. દેવી સિબલીએ ઇનિયસનાં જહાજોને આગ લાગે તે પહેલાં તે જહાજોને દરિયાઈ પરીઓ બનાવી દે છે. બે ટ્રોજન ચોકીદારો – નિસસ અને રુતુલિયન – ઇનિયસને બધી માહિતી આપવા છૂપી રીતે પ્રયાસ કરે છે, પરંતુ તેઓ રસ્તામાં સૂતેલા તેમના દુશ્મનોની કતલ કરે છે. તેમાં તેઓ પણ મૃત્યુ પામે છે. તુરનુસ તેમનાં માથાં ભાલા પર મુકાવી ટ્રોજનોની સમક્ષ રજૂ કરે છે. બંને પક્ષે ભારે યુદ્ધ જામે છે. ઑલિમ્પસ પર્વતના શિખરે દેવ જ્યુપિટર તેની પત્ની અને દીકરી વચ્ચેના ઝઘડાથી નાખુશ થઈને ટ્રોજનો અને રુતુલિયનો બરોબર યુદ્ધ કરશે એવું જણાવે છે. આ લડાઈમાં વીર પાલસ તુરનુસ સાથે લડતાં માર્યો જાય છે અને વિજેતા તુરનુસ તેનો કસીદો કાઢેલો કમરપટ્ટો લઈ વિજયચિહન તરીકે પોતાના બખ્તર પર પહેરે છે. ઇનિયસ રાજકુંવર પાલસના મૃત્યુની વાત સાંભળી તુરનુસ સાથે લડવા ધસે છે. પાલસની દફનક્રિયા માટે સંધિ દ્વારા 12 દિવસ સંગ્રામ બંધ રહે છે. તુરનુસ તે પછી ઇનિયસને પોતાની સાથે દ્વન્દ્વયુદ્ધ કરવા આમંત્રે છે. ઇનિયસ તે સ્વીકારીને કહે છે કે જો તુરનુસ જીતશે તો ટ્રોજનો લેટિયમ (ઇટાલી) સાથે ફરી યુદ્ધ નહિ કરે અને જો પોતે જીતશે તો બંને દેશોની પ્રજાને સુલેહસંપથી રહેવા દેશે. આ દ્વન્દ્વયુદ્ધમાં તુરનુસ હારીને માર્યો જાય છે. ઇનિયસ લેટિનસ રાજાની કુંવરી લવિનિયા સાથે પરણે છે અને લવિનિયમ(ભવિષ્યનું રોમ)ની સ્થાપના કરે છે.
વર્જિલ તેના આ મહાકાવ્યનો નાશ કરવા ઇચ્છતો હતો, કારણ કે તેને તેનાથી સંતોષ થયો ન હતો અને તે તેને સુધારવા ઇચ્છતો હતો; પરંતુ તે સુધારે તે પહેલાં તેનું મૃત્યુ થયું હતું. આ કાવ્યનો અંગ્રેજી ગદ્ય અને પદ્યમાં અનુવાદ થયો છે. આ મહાકાવ્ય રચવા કવિ વર્જિલે નેપલ્સમાં જિંદગીનાં છેલ્લાં 10 વર્ષ જહેમત ઉઠાવી હતી. ઇટાલિયન મહાકવિ ડૅન્ટિ તેના મહાકાવ્ય ‘ડિવાઇન કૉમેડી’માં વર્જિલને પોતાના માર્ગદર્શક તરીકે સ્વીકારે છે. દુનિયાનાં મહાકાવ્યોમાં ‘ઇનીડ’નું સ્થાન છે.
કૃષ્ણવદન જેટલી