ઇનાયતહુસેનખાં (જ. 1849, લખનૌ; અ. 1919, હૈદરાબાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક કલાકાર. તેમના નાના ફત્બુદ્દૌલા તથા પિતા મહબૂબખાં – બંને શાસ્ત્રીય સંગીતના સારા જાણકાર હોવા ઉપરાંત બંને સારા ગાયક પણ હતા; તેથી ઇનાયત-હુસેનને સંગીતની પ્રારંભિક તાલીમ આ બંને પાસેથી ખૂબ નાની ઉંમરમાં પ્રાપ્ત થઈ હતી. તેમના નાના નવાબ વાજિદઅલી શાહના રાજકીય સલાહકાર અને વજીર હતા. 1857ના બળવાને કારણે ઉત્તર ભારતમાં જે રાજકીય અસ્થિરતા ઊભી થઈ તેને લીધે ઇનાયતહુસેન પોતાના નાનાનું ઘર છોડીને પિતા પાસે રામપુર જતા રહ્યા. તે સમયે તેમની ઉંમર માત્ર નવ વર્ષની હતી. રામપુર ખાતે તેમણે ઉસ્તાદ બહાદુરખાં પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. બહાદુરખાં તાનસેનના વંશજ હતા. તેઓ પોતાના શાગિર્દોને કડક શિસ્ત હેઠળ રાખતા. ઇનાયતહુસેનખાંએ તેમની પાસેથી સતત ચાર વર્ષ સુધી (1958-62) સ્વરસાધનાની શિક્ષા પ્રાપ્ત કરી અને ત્યારપછીનાં પાંચ વર્ષ (1962-67) માત્ર એક રાગ ગૌડસારંગની તાલીમ લીધી. ત્યારબાદ તેમણે અન્ય કેટલાક રાગો આત્મસાત્ કર્યા, જેમાં ગૌડસારંગ ઉપરાંત રાગ મુલતાની અને રાગ પૂરિયાધનાશ્રીનો સમાવેશ થયો હતો.
ત્યારબાદ ઇનાયતહુસેન દેશનાં જુદાં જુદાં સ્થળોની મુલાકાતે નીકળ્યા. પ્રવાસ દરમિયાન તેઓ ગ્વાલિયર પણ ગયા જ્યાં તેમનો પરિચય વિખ્યાત શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ હદુખાં તથા ઉત્સાદ હસ્સુખાં સાથે થયો. ઉસ્તાદ હદુખાં ઇનાયતહુસેનની ગાયકી પર એટલા બધા આફરીન થયા કે તેમણે તેમની પુત્રી સાથે ઇનાયતહુસેનનાં લગ્ન કરી દીધાં ! લગ્ન બાદ થોડાક સમય દરમિયાન ઇનાયતહુસેનખાંએ પોતાના સસરા ઉસ્તાદ હદુખાં પાસેથી શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું.
એક સારા સંગીતકાર તરીકે ઇનાયતહુસેનખાંની પ્રતિષ્ઠા સમગ્ર ઉત્તર હિંદુસ્તાનમાં પ્રસરી અને તેને લીધે રામપુરના નવાબે પોતાના દરબારના ગાયક તરીકે તેમની નિમણૂક કરી. ત્યાં થોડાંક વર્ષ રહ્યા પછી તેઓ હૈદરાબાદના નિઝામ મહબૂબ અલીખાંના દરબારી ગાયક બન્યા.
ઇનાયતહુસેનખાં સર્વતોમુખી પ્રતિભા ધરાવતા ગાયક હતા. ટપ્પા નામક ગાયનશૈલી પર તેમનું ખાસ વર્ચસ હતું. તે ઉપરાંત તેઓ ધ્રુપદ, ધમાર, ખયાલ અને ઠૂમરી ગાયનશૈલીના પણ નિષ્ણાત હતા. ‘લયસમ્રાટ’ તરીકે તેમની ખ્યાતિ સર્વત્ર પ્રસરી હતી. તેમણે ‘ઇનાયત પિયા’ તથા ‘ઇનાયત મિયાં’ ઉપનામથી કેટલીક ગીતરચનાઓ અને તેમની બંદિશો કરી હતી.
તેમના બહોળા શિષ્યવર્ગમાં રામપુરના ઉસ્તાદ હૈદરહુસેનખાં અને ઉસ્તાદ મુસ્તાક હુસેનખાં, વડોદરાના ઉસ્તાદ ફિદાહુસેનખાં, મૈસૂરના ઉસ્તાદ હાફિજખાં, પુણેના ઉસ્તાદ અમાનઅલીખાં અને ગ્વાલિયરના ગણતપરાવ ભૈયા વિશેષ નોંધપાત્ર છે.
ગીતા મહેતા