અસ્થિમત્સ્યો

(osteichthyes)

હાડકાનું અંત:કંકાલ ધરાવતી માછલીઓ. હાલમાં જીવતી હનુધારી (gnathostoma) માછલીઓ બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચાયેલી છે : ટીલિયૉસ્ટોમી અને ઇલૅસ્મોબ્રૅકિયેમૉર્ફી. લુપ્ત માછલીઓનો સમાવેશ કરવામાં આવે તો આ વર્ગો વચ્ચેની ભિન્નતા અસ્પષ્ટ બને છે. શક્ય છે કે ટીલિયૉસ્ટોમી માછલીઓ એક યા બીજા તબક્કે વાતાશયો (air bladders) ધરાવતી હોય. આજે જીવતી બધી ટીલિયૉસ્ટોમી માછલીઓને અસ્થિમત્સ્ય ઉપવર્ગ (subclass) તરીકે ગણાય છે.

અસ્થિમત્સ્યો અસલ અસ્થિયુક્ત કંકાલતંત્ર ધરાવવા ઉપરાંત, ઉપલાં જડબાંની ચાવવાની કિનારી, અગ્રહનુ (pre-maxilla) અને હનુ (maxilla) અસ્થિઓની બનેલી હોય છે. તેમના દાંત હાડકાં સાથે એકરૂપ હોય છે, જ્યારે પાર્શ્વ રેખાનાલિઓ (lateral line canals) કલાજન્ય (membranous) અસ્થિઓમાંથી પસાર થતી હોય છે. કલાજન્ય પરકીલકાસ્થિ (parasphenoid) મુખગુહાનું તાળવું બનાવે છે, જ્યારે ઝાલરઢાંકણ (operculum) તેમજ સ્કંધમેખલા (pectoral girdle) સાથે સંકળાયેલાં હાડકાં ખોપરીના પાછલા ભાગ સાથે જોડાયેલાં હોય છે. તેનાથી ઝાલરખંડની પાછલી કિનારી બને છે. ગર્ભવિકાસની શરૂઆતમાં કલાજન્ય ચેતામસ્તિષ્ક-(neurocranium)નું અસ્થીકરણ થાય છે અને તે મધ્યસ્થ મસ્તિષ્ક તિરાડ (cranial fissure) વડે અગ્ર અને પશ્ચ એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. ખાસ કરીને માંસલ મીનપક્ષો(crossopterygii)માં મસ્તિષ્ક હિલચાલને અનુલક્ષીને, જુદી જુદી માછલીઓમાં આ તિરાડ જુદી જુદી રીતે પરિવર્તન પામે છે. જોકે ઉચ્ચ કક્ષાની માછલીઓમાં આ તિરાડ લુપ્ત થયેલી હોય છે. છાતીની પાંસળીઓ કરોડસ્તંભ સાથે સંકળાયેલી હોય છે. પ્રાથમિક અવસ્થામાં મીનપક્ષોની જાળ કલાજાત કિરણો (ર્દઢકેશો) વડે સખત બને છે. માછલી વાતાશયયુક્ત હોય છે, જે ફેફસાં તરીકે અને/અથવા જલસ્થૈતિક (hydrostatic) અંગ તરીકે ઉપયોગી બને છે.

અસ્થિમત્સ્યો માંસલ મીનપક્ષ (crossopterygii) ફુપ્ફુસમત્સ્યો (dipnoi) અને કિરણ મીનપક્ષ (actinopterygii) કહેવાતા ત્રણ સ્વાભાવિક નિમ્ન વર્ગો(infraclass)માં વહેંચાયેલ છે.

આજે જોવા મળતી માંસલ મીનપક્ષ માછલીનાં જડબાં પર હનુ અસ્થિ હોતું નથી, પણ અગ્રહનુ આવેલું હોય છે. તાલુકીય ચતુષ્કી(palatoquadrate)નું વિલયન મસ્તિષ્ક સાથે થયેલું હોતું નથી. ખોપરીના આગલા તેમજ પાછલા ભાગો વચ્ચે ચલ સાંધો હોય છે. આધુનિક માંસલ મીનપક્ષોમાં અંત:સ્થ નસકોરાં હોતાં નથી. અરીયઅસ્થિ (radial) અને તેની સાથે સંકળાયેલા સ્નાયુઓ મીનપક્ષના તલસ્થ પ્રદેશ સુધી પ્રસરેલા હોય છે અને આ માછલીઓમાં અવસારણી (cloaca) હોય છે.

ફુપ્ફુસમત્સ્યોમાં હનુ અને અગ્રહનુનો અભાવ હોય છે. તાલુકીય ચતુષ્કીનું વિલયન મસ્તિષ્ક સાથે થયેલું હોય છે, જ્યારે ખોપરીના આગલા તેમજ પાછલા ભાગ વચ્ચે ચલ સાંધો આવેલો હોતો નથી. અરીયઅસ્થિ અને તેના સ્નાયુઓ મીનપક્ષના તલસ્થ ભાગ સુધી પ્રસરેલા હોય છે. આધુનિક કાળની ફુપ્ફુસ માછલીઓમાં અંત:સ્થ નસકોરાં હોય છે. અન્નમાર્ગની છેડે અવસારણી હોય છે.

કિરણ મીનપક્ષોમાં જડબાંનાં હાડકાં તરીકે હનુ અને અગ્રહનુ આવેલાં હોય છે અને તાલુકીયચતુષ્કીનું વિલયન મસ્તિષ્ક સાથે થયેલું હોતું નથી. મસ્તિષ્કમાં ચલ સાંધો હોતો નથી. અરીયઅસ્થિ અને તેની સાથે સંકળાયેલા સ્નાયુઓ મીનપક્ષના તલસ્થ પ્રદેશ સુધી પ્રસરેલા હોતા નથી. આ પ્રાણીઓમાં અંત:સ્થ નસકોરાનો અભાવ હોય છે. અવસારણી હોતી નથી.

માંસલ મીનપક્ષો : આ નિમ્ન વર્ગની માછલીઓ મેસોઝૉઇક યુગમાં, આજથી આશરે 22.5 કરોડ વર્ષ પૂર્વે સારી રીતે જળાશયોમાં પ્રસરેલી હતી. પરંતુ ત્યારબાદ તે ઝડપથી અસ્ત પામવા લાગી અને ટ્રાયાસિક કાળમાં લગભગ લુપ્ત થઈ ગઈ. આ માછલીઓ ત્રણ શ્રેણીઓમાં વિભાજિત છે : હ્રિપિડિસ્ટિયા, ઍક્ટિનિસ્ટિયૉ અને સ્ટ્રનિયાઈફૉર્મિસ.

મેસોઝૉઈક કાળમાં મીઠાં જળાશયોમાં વાસ કરતી પ્રાણીભક્ષી હ્રિપિડિસ્ટિયા માછલીઓ જમીન પર વસવાટ કરનાર પૃષ્ઠવંશીઓના પૂર્વજો તરીકે જાણીતી છે. તે જલીય શ્વસન માટે ઝાલરો ધરાવવા ઉપરાંત હવા-શ્વાસ માટે ફેફસાં પણ ધરાવતી હતી. હવા સીધી રીતે કંઠનળીમાં જાય તે માટે તે બાહ્ય નસકોરાંથી સજ્જ હતી. આ મત્સ્યોનાં યુગ્મ મીનપક્ષોનું કંકાલતંત્ર જરૂર પડ્યે આખા શરીરને અધ્ધર ઊંચકીને જમીન પર ચાલી શકે તેટલું મજબૂત હતું. સમય જતાં આ શ્રેણીની કેટલીક માછલીઓ શારીરિક તેમજ દેહધાર્મિક અનુકૂલન દ્વારા વધુ ને વધુ સમય સુધી જમીન પર રહેવા લાગી અને ઉભયજીવી પ્રાણીઓની પુરોગામી બની. જાર્વિકના અભિપ્રાય મુજબ હ્રિપિડિસ્ટિયા માછલીઓના ઉત્ક્રમણથી સૌપ્રથમ ઉભયજીવી સ્ટેગાસેફાલિયા પ્રાણીઓ ઉત્પન્ન થયાં. સમય પસાર થતાં આ સમૂહનાં વંશજોમાંથી ઉચ્ચતર કક્ષાનાં જમીન પર રહેનાર સરીસૃપો, પક્ષીઓ તેમજ સસ્તન પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં.

આકૃતિ 1 : માંસલ મીનપક્ષો

ઍક્ટિનિસ્ટિયા શ્રેણીની સીલકથિડે કુળની લૅટિમારિયા પ્રજાતિની માછલીઓ આજે પણ જીવે છે. નવાઈની વાત તો એ છે કે આ માછલીઓ આજથી આશરે 7 કરોડ વર્ષ પૂર્વે લુપ્ત પામી છે એવી માન્યતા હતી. પરંતુ 1938માં લૅટિમારિયા પ્રજાતિની એક માછલી દક્ષિણ આફ્રિકા પાસે આવેલા કામોરૉન ટાપુના વિસ્તારના દરિયામાં આશરે 2૦૦ મીટર ઊંડાઈએથી એક માછીમારને આકસ્મિક મળી આવી. અજાયબ જેવી દેખાતી આ માછલીને દક્ષિણ આફ્રિકાના પ્રાણીશાસ્ત્રના એક પ્રાધ્યાપક જે. એલ. બી. સ્મિથે સીલકૅથિડે કુળની માછલી તરીકે ઓળખી કાઢી અને તેને લૅટિમેરિયા ચાલુમ્ને નામ આપ્યું. ત્યારબાદ 1952થી આજ સુધી આશરે 7૦-8૦ જેટલી લૅટિમેરિયા માછલીઓ પકડાઈ છે. આ માછલીઓનાં શરીર પર મોટાં ખરબચડાં ભીંગડાં આવેલાં હોય છે. તેની મજબૂત પુચ્છમીનપક્ષ ત્રણ ખંડોમાં વિભાજિત હોય છે, યુગ્મ મીનપક્ષો સારી રીતે વિકાસ પામેલી હોય છે અને તલસ્થ પ્રદેશ માંસલ દંડ રૂપે આવેલો હોય છે. પૃષ્ઠ બાજુએ બે પૃષ્ઠમીનપક્ષો આવેલી હોય છે, જેમાંની આગળની મીનપક્ષ માંસલ દંડ વગરની હોય છે. તેનું ફેફસું ક્ષીણ થતું જઈને અન્નનળીની વક્ષદીવાલ પરથી નીકળતી મેદ-પેશીની બનેલી એક નળીઆકાર અંધ કોથળીમાં રૂપાંતર પામ્યું.

સ્ટ્રનિયાઈ શ્રેણીની માછલીઓ વિશેની જાણકારી માત્ર થોડાંક વર્ષો પૂર્વે પ્રાપ્ત થઈ છે. તે ડિવોનિયન કાળમાં વસતી હતી. તેનાં હાડકાં રૂપે આવેલા અવશેષો અન્ય માંસલ મીનપક્ષોની માછલીઓ કરતાં સહેજ જુદા પ્રકારના હોય છે. પરંતુ અન્ય નિમ્ન વર્ગની માછલીઓની જેમ સ્ટ્રનિયાઇ શ્રેણીની માછલીઓનું મસ્તિષ્ક પણ અગ્ર અને પશ્ચ એમ બે ભાગોમાં વિભાજિત હોય છે.

ફુપ્ફુસમત્સ્યો સૌપ્રથમ ડિવોનિયન કાળની શરૂઆતમાં આશરે ૩૦ કરોડ વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવેલાં. તેમના વિકાસનું વલણ કંકાલતંત્રનું અસ્થીકરણ ક્ષીણ થવા તરફ, જ્યારે અયુગ્મ મીનપક્ષો ડિમ્ભમાં હોય તેવી અવસ્થા પ્રાપ્ત કરવા તરફ હતું. ડિવોનિયન–અંત્યકાળથી કાર્બોનિફેરસ કાળ સુધી વિકાસની પરાકાષ્ઠાએ તે પહોંચી હતી. ત્યારબાદ તેમની સંખ્યામાં ક્રમશ: ઘટાડો થઈને આજે ફુપ્ફુસમત્સ્યોનું અસ્તિત્વ 6 જાતિઓ પૂરતું મર્યાદિત રહેલું છે. કેટલાક વિજ્ઞાનીઓ આ માછલીઓને માત્ર ૩ જાતિઓમાં વહેંચે છે. શરૂઆતનાં ફુપ્ફુસમત્સ્યોનાં ભીંગડાં ઉપર કૉસ્મિનનો સ્તર આવેલો હતો. પરંતુ તેમનામાં કેટલાક મૂળભૂત ફેરફારો થતાં તેઓ ચક્રાકાર (cycloid) ભીંગડાં જેવાં દેખાય છે. પૅલિયોઝૉઇકથી આજ સુધી તેમની જીવિત અવસ્થામાં ખાસ ફેરફાર નોંધાયો નથી. જોકે શરૂઆતની મોટાભાગની માછલીઓ દરિયામાં રહેતી હતી. પરંતુ આધુનિક સમયની માછલીઓ માત્ર છીછરાં મીઠાં જળાશયોને તળિયે રહેવા માટે અનુકૂલિત થયેલી છે. છેલ્લા સંશોધન પરથી એમ કહી શકાય કે શરૂઆતથી જ આ મત્સ્યો શ્વસનાંગો ધરાવતાં હતાં. પણ તેમનાં અન્ય લક્ષણો તથા માંસલ મીનપક્ષ નિમ્ન વર્ગનાં પ્રાણીઓ જેવાં હતાં. તેથી વેસ્ટૉલ, શુલ્ટ્ઝ જેવા વિજ્ઞાનીઓ આ બે નિમ્ન વર્ગનાં પ્રાણીઓને નજીકના સંબંધીઓ તરીકે ગણે છે.

બધાં ફુપ્ફુસમત્સ્યોને એક જ સાઇરનૉઇડ કુળમાં મૂકવામાં આવ્યાં છે. જીવાવશેષ-નિષ્ણાત રોમર, બધાં ફુપ્ફુસમત્સ્યોને એક જ શ્રેણીનાં ગણીને તેમને વિવિધ કુળમાં ગોઠવે છે. તેમાંથી આજે માત્ર બે કુળની માછલીઓ જીવે છે : સેરેટોડૉન્ટિડે અને લેપિડોસાઇરેનિડે. સેરેટોડૉન્ટિડે માછલીઓમાં એક જ ફેફસું હોય છે. (દા.ત., નિઓસેરેટોડસ ફોર્સ્ટેરી), જ્યારે લેપિડોસાઇરેનિડે કુળની લેપિડોસાઇરેન તેમજ પ્રોટોપ્ટેરસ માછલીઓ બે ફેફસાંવાળી હોય છે.

નિઓસેરેટૉડસ માછલી ઑસ્ટ્રેલિયાનાં છીછરાં મીઠાં જળાશયોને તળિયે રહેતી હોય છે. શરીરનો બાંધો મજબૂત હોય છે. તે આશરે 1.25 મીટર લાંબી અને 1૦ કિગ્રા. વજનવાળી હોય છે. તેનાં ભીંગડાં મોટાં અને નળીઆકારે ગોઠવાયેલાં હોય છે. યુગ્મ મીનપક્ષો પ્રમાણમાં સારી રીતે વિકાસ પામેલી હોય છે. પણ તેનું ડાબું ફેફસું ક્ષીણ થયેલું હોય છે. પાણીમાં વિપુલ પ્રમાણમાં ઑક્સિજન ઓગળેલો હોય ત્યારે તે ઝાલરો વડે શ્વસન કરે છે. પરંતુ ઑક્સિજનનું પ્રમાણ ઘટી જતાં આ માછલી પાણીની સપાટીએ આવીને શ્વસી લે છે.

લેપિડોસાઇરન પૅરાડૉક્સા માછલી દક્ષિણ અમેરિકાનાં મીઠાં જળાશયોની વતની છે. તેની શરીરની લંબાઈ પણ 1.25 મીટર જેટલી હોય છે. તેની મીનપક્ષો અતિ નાની એવી તાંતણા જેવી હોય છે. તે એક અનુલંબ માર્ગ રૂપે માળો બાંધે છે, જે તલસ્થ ભાગની સહેજ સમાંતર રહે છે. માળામાં રહી નર બચ્ચાનું પાલનપોષણ કરે છે. પ્રજનનકાળ દરમિયાન નરની નિતંબ મીનપક્ષો રુધિરકેશિકાથી વિપુલ એવા ગુચ્છાકાર પ્રવર્ધો બનાવે છે. પ્રવર્તિત મંતવ્ય મુજબ આ પ્રવર્ધો પાણીમાં ઑક્સિજનનો ફેલાવો કરવામાં મદદરૂપ નીવડે છે, તેથી બચ્ચાંને શ્વાસોચ્છવાસ લેવામાં સુગમતા રહે છે.

આકૃતિ 2 : ફુપ્ફુસમત્સ્યો

પ્રોટોપ્ટેરસ ઇથિયૉપિક્સની લંબાઈ આશરે 2 મીટર જેટલી હોય છે. તે સામાન્યપણે નદીને તળિયે આવેલા કાદવમાં વાસ કરતી હોય છે અને પાણી સહેજ વહેતું હોય તેવી જગ્યાએ નાના ખાડા રૂપે માળો બાંધે છે. સામાન્યપણે નર બચ્ચાનું રક્ષણ કરે છે. તેનાં ડિમ્ભ સહેજ લાંબાં હોઈને ગુચ્છ કે પંખા જેવી બાહ્ય ઝાલરો ધરાવે છે અને શરીરમાં ફેફસાંનો વિકાસ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી ઝાલરોની મદદથી શ્વાસોચ્છવાસ કરે છે. તેની લાંબી તાંતણા જેવી યુગ્મ મીનપક્ષો હંમેશાં આંદોલન કરીને સ્પર્શાંગો તરીકે પર્યાવરણમાંથી સંવેદના ગ્રહણ કરે છે. માછલીની આંખ નબળી હોવાથી મીનપક્ષો સંવેદનાંગો તરીકે મહત્વનો ભાગ ભજવે છે. ઉનાળામાં જળાશયમાંનું પાણી ઓછું થતાં માછલી પોતાની જાતને એક માટીના આવરણમાં ઢાંકી દે છે, જે સમય જતાં સખત બને છે. જળાશયમાં પાણી ફરીથી ન આવે ત્યાં સુધી આ માછલી દટાયેલી અવસ્થામાં રહીને હલનચલન વગર દીર્ઘ ગ્રીષ્મ-નિદ્રા (aestivation) ભોગવી સુષુપ્ત અવસ્થામાં જીવંત રહે છે. કપરા કાળમાં આ માછલી અક્રિયાશીલ અવસ્થામાં બબ્બે વર્ષ સુધી જીવંત રહેવાની ક્ષમતા ધરાવે છે.

કિરણ મીનપક્ષ નિમ્ન વર્ગની માછલીઓ પૅલિયોનિસ્કૉડી, કૉંડ્રૉસ્ટ્રી, હોલૉસ્ટી અને ટીલિયૉસ્ટી નામની ચાર અધિશ્રેણીઓ(super orders)માં વહેંચાયેલી છે. તેમાંથી માત્ર ટીલિયૉસ્ટી અધિશ્રેણીની માછલીઓ ભારતનાં સમુદ્ર તથા મીઠાં જળાશયોમાં વાસ કરે છે.

પૅલિયોનિસ્કૉઈડી માછલીઓની ડિવોનિયન કાળની શરૂઆતમાં હસ્તી હતી. મોટાભાગની માછલીઓ ટ્રાયાસ યુગમાં લુપ્ત બની ગઈ. માત્ર આ અધિશ્રેણીની પૉલિપ્ટેરસ અને કેલેમૉઇકિથસ માછલીઓ આજે પણ આફ્રિકાનાં જળાશયોમાં જોવા મળે છે. તે સમચતુર્ભુજ (rhomboid) પતંગ આકારના ગૅનૉઇડ ભીંગડાં ધરાવે છે. તેનાં જડબાં લાંબાં હોય છે, જ્યારે આંખ આગળના ભાગમાં અંકિત થયેલી હોય છે. તે શ્વસનછિદ્ર(spiracle)યુક્ત હોય છે. તેનો હનુ-અસ્થિ કલાજાત અસ્થિઓ સાથે અચલ સાંધો બનાવે છે. આ કુળની આધુનિક માછલીઓમાં ફેફસાંની એક જોડ આવેલી હોય છે. પૂંછડી સમરચનાવાળી હોય છે.

આકૃતિ 3 : કૉંડ્રૉસ્ટી માછલીઓ

ડિવોનિયન કાળમાં અસ્તિત્વમાં આવેલી કૉંડ્રૉસ્ટી અધિશ્રેણીની માછલીઓ પૅલિયોઝૉઇક યુગને અંતે ઉત્ક્રાંતિની પરાકાષ્ઠાએ પહોંચી. ત્યારબાદ ક્રમશ: મેસોઝૉઇક યુગમાં તેની સંખ્યા ઘટવા માંડી અને આજે તે લગભગ લુપ્ત થઈ ગઈ છે. માત્ર એસિપેન્સરિફૉર્મિસ શ્રેણીની સ્ટર્જન તેમજ પૅડલફિશ માછલીઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

હાલમાં જીવતી કૉંડ્રૉસ્ટી માછલીઓમાં કંકાલનું અસ્થીકરણ ઘણા ઓછા પ્રમાણમાં થયેલું હોય છે. તેના શરીર પર ભીંગડાંની જગ્યાએ હારમાં ગોઠવાયેલી હાડકાંની તકતીઓ આવેલી હોય છે. બે હાર વચ્ચેની ત્વચા નગ્ન હોય છે. મોં વક્ષ બાજુએ, મુખની નીચે સહેજ પાછળ આવેલું હોય છે. મોંમાં દાંત હોતા નથી. તેને મૂછાંગો (barbels) હોય છે, જે તળિયે રહેલા ખોરાકના ગ્રહણ માટે અનુકૂળ હોય છે. હાલમાં જીવતી ઍસિપેન્સરિફૉર્મિસ શ્રેણીની માછલીઓ યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકાના દરિયામાં તેમજ મીઠાં જળાશયોમાં વાસ કરે છે.

કૉમન સ્ટર્જન તરીકે ઓળખાતી ઍસિપેન્સર સ્ટુરિયો માછલી, નૉર્વેથી યુરોપના મધ્ય સમુદ્રના કિનારાની આસપાસ પ્રસરેલી છે. તેની અન્ય જાતિઓ મેક્સિકોનો અખાત, કાળો સમુદ્ર (રશિયા), મિસિસિપી ખીણ વગેરે પ્રદેશોમાં સુલભ છે. પૅડલફિશ, પૉલિયોડૉન સ્પૅદુલા મિસિસિપીના તટપ્રદેશમાં અને સેફ્યુરસ ગ્લૅડિયસ ચીનની ચાંગઝે નદીમાં વાસ કરે છે.

ધનુષ્ય મીનપક્ષ (bow-fin) અને હાલમાં જીવતી અને ભાલાકાર મત્સ્ય (garpike) નામે ઓળખાતી અને હાલમાં જીવતી હોલૉસ્ટી અધિશ્રેણીની માછલીઓનાં ભીંગડાં પાતળાં અને ચક્રાકાર હોય છે; તેમના પર ડેન્ટાઇનનું પાતળું આવરણ હોય કે ન પણ હોય; પુચ્છ મીનપક્ષ લગભગ અસમ રચનાવાળી હોઈને તેનો ઉપલો ખંડ સહેજ વધારે વિકસેલો હોય છે; ઉપલા જડબાનું હનુ અસ્થિ ગાલના હાડકાથી જુદું રહી તે માત્ર નાસિકાવિવર પાસે ખોપરી સાથે જોડાયેલું હોય છે. મસ્તિષ્કનાં હાડકાંની રચના લગભગ ટીલિયૉસ્ટીની જેવી હોય છે; અયુગ્મ મીનપક્ષનાં તલસ્થ હાડકાંની સંખ્યા તેનાં કિરણો (દૃઢકેશો) જેટલી હોય છે.

આકૃતિ 4 : હૉલૉસ્ટી માછલીઓ

ટ્રાયૅસિક કાળમાં આ માછલીઓ સારી રીતે વિકાસ પામી હતી. પરંતુ ક્રિટેશિયસ કાળમાં તેઓ લગભગ લુપ્ત થઈ. માત્ર બે પ્રજાતિની માછલીઓ આજે જીવે છે. તેમના આદ્ય હૉલૉસ્ટી પૂર્વજો દરિયામાં મોટી સંખ્યામાં વાસ કરતા હતા, જ્યારે હાલના ધનુષ્ય મીનપક્ષ તેમજ ભાલાકાર મત્સ્યો માત્ર મીઠાં જળાશયોમાં જોવા મળે છે.

એમિયાઈ ફૉર્મિસ શ્રેણીની ઉત્તર અમેરિકામાં વાસ કરતી ધનુષ્ય મીનપક્ષ એમિયા માછલીમાં એક લાંબી ૫૮ કિરણોની બનેલી એકપૃષ્ઠ મીનપક્ષ હોય છે, જે પૃષ્ઠભાગ પરથી પૂંછડી સુધી લંબાયેલી જોવા મળે છે. નરમાં પૂંછડી પાસે પીળું અથવા નારંગી કિનારીથી અંકિત એક ઘેરું ટપકું હોય છે. માદામાં આ ટપકું અતિ અલ્પવિકસિત હોય અથવા ન પણ હોય. તેના શીર્ષપ્રદેશ પર હાડકાંની તકતીઓ આવેલી હોય છે, જ્યારે શરીરના અન્ય ભાગ પર ચક્રાકાર ભીંગડાં આવેલાં  હોય છે.

ઉત્તર તેમજ મધ્ય અમેરિકાનાં મીઠાં જળાશયોમાં ભાલાકાર લેપિડૉસ્ટિયસ માછલીની આંખની આગળ આવેલો નાના દાંતવાળો મુખપ્રદેશ સહેજ લંબાયેલો હોય છે. પરિણામે અગ્રહનુ અસ્થિ લાંબું બને છે; જ્યારે હનુ ટૂંકું બની ટપકા રૂપે મુખના ખૂણા પર આવેલું હોય છે. શરીર જાડાં-હીરા આકારનાં ભીંગડાંના બનેલા કવચથી ઢંકાયેલું હોય છે. પૃષ્ઠ તેમજ ગુદા મીનપક્ષો પૂંછડી સુધી લંબાયેલી છે અને પ્રત્યેકમાં 12 કરતાં ઓછાં કિરણો આવેલાં હોય છે.

આધુનિક અસ્થિમત્સ્યો તરીકે ટીલિયૉસ્ટી માછલીઓ : પ્રગતિમાં મોખરે રહેલી તેમજ અનેક રીતે વિવિધતા દર્શાવતી ટીલિયૉસ્ટી અધિશ્રેણીની માછલીઓ દુનિયાના બધા જ જલવાસોમાં પ્રસરેલી હોય છે. મોટાભાગની આર્થિક અગત્યની માછલીઓનો સમાવેશ તેમાં થયેલો છે. ઉત્તર કે દક્ષિણ ધ્રુવ જેવો અતિશીત પ્રદેશ હોય કે ઉષ્ણકટિબંધના રણમાં આવેલું ગરમ પાણીનું ઝરણું હોય, હિમાલય જેવા ડુંગરાળ પ્રદેશમાં વહેતી શૈલસ્તર નદીઓ કે હંમેશાં પ્રકાશનો અભાવ હોય તેવી દરિયાઈ ઊંડાઈએ 6૦૦થી 7૦૦ મીટર નીચે આવેલી ખાઈ હોય, તેવા સ્થળે પણ ટીલિયૉસ્ટી માછલીને જોઈ શકાય. કેટલીક ગોબી જેવી જાતની માછલી લંબાઈમાં 1.5થી 2 સેમી. જેટલી ટૂંકી હોય છે, જ્યારે મર્લિન માછલી 3.5 મીટર જેટલી લાંબી અને 55૦ કિગ્રા. જેટલી ભારે વજનવાળી છે. એક અન્ય ૩ મીટર લાંબી દરિયાઈ માછલીનું વજન તો 9૦૦ કિગ્રા. કરતાં પણ વધારે હોય છે. ઘણી માછલીઓ પાણીની બહાર લગભગ તરત જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલીક માછલીઓ પાણીની બહાર આવીને કાદવમાં, રેતી કે ખડક ઉપર કલાકો સુધી પડી રહે છે અને પાણીની બહાર પ્રચલન પણ કરે છે. કેટલીક માછલીઓ જન્મી હોય ત્યાં જ અથવા તો તેની આસપાસ રહીને સ્થાયી જીવન વિતાવે છે, જ્યારે બીજી કેટલીક માછલીઓ સ્થળાંતર કરીને રહેઠાણ બદલ્યા કરે છે.

વામ (eel) પ્રજાતિની કેટલીક માછલીઓ નિશ્ચિત સ્થાને ઈંડાં મૂકવા માટે હજારો કિમી.નો પ્રવાસ કરે છે. મોટાભાગની માછલીઓ એકલિંગી હોય છે જ્યારે સેરાનિડે કુળની પર્ચ માછલી ક્રિયાત્મક દ્વિલિંગી બનીને ઈંડાં તેમજ શુક્રકોષ એમ બંને પ્રજનનકોષોનો ત્યાગ કરે છે. માછલીઓ એકલી રહેતી હોય કે સમૂહમાં પણ રહેતી હોય. તે જ પ્રમાણે ખોરાકગ્રહણમાં પણ વિવિધતા બતાવે છે. તેઓ સૂક્ષ્મ જીવભક્ષી હોય, તૃણાહારી હોય, પ્રાણીભક્ષી હોય, સંજોગોવશાત્ સ્વજાતભક્ષી બને અથવા તો આંશિક કે કાયમી ધોરણે યજમાનના શરીરને ચોંટી રુધિર પણ ચૂસતી હોય છે. કેટલીક માછલી દેખાવમાં અતિ નાજુક અને સુંદર હોય, તો બીજી કેટલીક કદરૂપી, વિશાળકાય અને કોઈક વાર બિહામણા સ્વરૂપની પણ હોય છે.

શ્વસનછિદ્રોનો અભાવ, પાતળાં ચક્રાકાર કે કાંસકીમય ભીંગડાં અથવા તો ભીંગડાં વગરનું ખુલ્લું શરીર અને સમરચના(homocercal)વાળી પૂંછડી જેવાં લક્ષણો પરથી ટીલિયૉસ્ટી માછલીઓને અન્ય અધિશ્રેણીઓની માછલીઓથી જુદી પાડી શકાય છે.

આશરે 2૦,૦૦૦ કરતાં વધારે જાતની ટીલિયૉસ્ટી અધિશ્રેણીની માછલીઓ આજે વિજ્ઞાનીઓને પરિચિત છે. તેમાં દર વર્ષે વધુ ને વધુ જાતિઓનો ઉમેરો થયા કરે છે. આમ તો ટીલિયૉસ્ટી માછલીઓની સંખ્યા એકંદરે પૃષ્ઠવંશી પ્રાણીઓની સંખ્યાની 5૦ % જેટલી છે તેથી સગવડની દૃષ્ટિએ અહીં આ માછલીઓનો પરિચય આપવામાં આર્થિક કે અભ્યાસની દૃષ્ટિએ અગત્યની અને ભારતમાં તથા ખાસ કરીને ગુજરાતનાં જળાશયોમાં રહેતી માછલીઓ લક્ષમાં રાખી છે.

આમ તો ટીલિયૉસ્ટી અધિશ્રેણીની માછલીઓ અનેક શ્રેણીઓમાં વિભક્ત છે. તેમાંની ઘણી અગત્યની માછલીઓનો સમાવેશ ઑસ્ટૅરિયોફાયસી તેમજ ઍકંથોપ્ટેરિજિયાઈ કહેવાતા બે સમૂહોમાં થાય છે. ઑસ્ટૅરિયોફાયસી માછલીઓમાં વાતાશય એક ખુલ્લા છિદ્રરૂપ દ્વાર વડે નલિકા વાટે કંઠનળીમાં ખૂલે છે, તેમજ વેબેરિયન ઑસિકલ્સ કહેવાતા અસ્થિના એકમો ધ્વનિગ્રાહી ઇન્દ્રિય સાથે સંકળાયેલા હોય છે. પુચ્છ મીનપક્ષ સિવાયની બધી મીનપક્ષો ઍકંથોપ્ટેરિજિયાઈમાં અંશત: કંટકયુક્ત હોય છે; જોકે ઉત્ક્રાંતિ દરમિયાન કેટલીક માછલીઓ કંટકવિહીન બને છે. ઑસ્ટૅરિયોફાયસી સમૂહમાં આર્થિક દૃષ્ટિએ અગત્યની અને મોટેભાગે મીઠાં જળાશયોમાં રહેતી સાયપ્રિનિફૉર્મિસ અને સાયલ્યુરિફૉર્મિસ શ્રેણીની માછલીઓનો સમાવેશ થાય છે, જ્યારે પર્ચ કહેવાતી પર્સિફૉર્મિસ શ્રેણીની માછલીઓની ગણના ઍકંથોપ્ટેરિજિયાઈમાં કરવામાં આવે છે. ટીલિયૉસ્ટી અધિશ્રેણીની કેટલીક અગત્યની શ્રેણીઓ નીચે મુજબ છે :

શ્રેણી 1 – ક્લુપિફૉર્મિસ : શરીર પાર્શ્વ બાજુએથી ચપટું; દાંતાવાળું, તીણી ધારવાળી તરવાર જેવું ઉદર; ચક્રાકાર ભીંગડાં; મૂછાંગોના અભાવ; નિતંબ મીનપક્ષો હોય તો ઉદરીય. (આ શ્રેણીની ઘણી માછલીઓ ભારતના દરિયામાં તેમજ મીઠાં જળાશયોમાં જોવા મળે છે. તેમાંની ઘણી આર્થિક અગત્યની માછલીઓ તરીકે જાણીતી છે).

કુળ 1.1 : મેગૅલોપિડે (Megalops cyprinoides)

કુળ 1.2 : ક્લુપિડે : ચાકસી (Hilsa ilisha), પાલવા (Hilsa toli), મોટવા (Kowala coval), તારલી (Sardinella fimbriata), પાલવી (Ilisha elongata)

કુળ 1.3 : એનગ્રાઉલિડે : માંદેલી (Coilia dussumieri) પાલ્લિ  (Thryssa dussumieri)

કુળ ૧.4 : કાયરોસેંટ્રિડે : દાઈ (Chirocentrus dorab)

કુળ 1.5 : ચૅનિડે : કોળી મચ્છી (Chanos chanos)

કુળ 1.6 : નોટોપ્ટેરિડે : પાત્રા (Notopterus notopterus)

શ્રેણી 2 – સ્કોપેલિફૉર્મિસ : નિતંબ મીનપક્ષો ઉદરીય; બે પૃષ્ઠ મીનપક્ષો – પહેલી મૃદુ કિરણોવાળી, બીજી મેદીય; લાંબું મુખ; ભીંગડાં પર સમૂહમાં આવેલા પ્રકાશકોષો (photophores)

કુળ 2.1 સ્કોપેલિડે : બૂમલા (Horpodon nehereus)

શ્રેણી ૩ – સાયપ્રિનિફૉર્મિસ : ગુર્દા (Rohtee) જેવી માછલીનો અપવાદ બાદ કરતાં, દાંત વગરનાં પહોળાં ઉદર; ચક્રાકાર ભીંગડાં; વેબેરિયન ઑસિકલ્સ વાતાશય સાથે સંકળાયેલાં; નિતંબ મીનપક્ષ હોય તો ઉદરીય.

કુળ ૩.1 : સાયપ્રિનિડે : ચાલ [Oxygaster (Chela) phulo]; ચાલ (Chela labuca); ચાલ (Oxygaster bacaila); જુર્વા (Barilius berna); ગુર્દા (માયલા;) Rohtee Osteobrancha cotio); મેલવા (Danio devario); મેલવા (Rasbora daniconius); રંજના (Esomus denrica); મેલવા (Amblypharyngodon mola); ઢેબરી [Puntius (Barbus) ticto]; ઢેબરી (P. sophore); ઢેબરી (P. arenatus); કુદના (Tor tor); મસિરા (Tor musullah); રોહુ (Labeo rohita); કાનશિ (L. calbasu); બેલઝી (L. fimbriatus); લોઇ/ગૌરી (L. boggut); નગરી (Cirrhina mrigala); મુરખી, રાઇયા (C. reba); ભગાના (C. lata); કટલા (બારૂસ  Catla); ગારા [Garra (Discognathus) lamta].

કુળ 3.2 : કોબિટિડે : ચિપ્પિ (Lepidocephalichthys thermalis); સોનગુજરી (Noemacheilus botiaureaus).

આકૃતિ 6 : સાયપ્રિનિફૉર્મિસ માછલીઓ

શ્રેણી 4 – સાયલ્યુરિફૉર્મિસ : ખુલ્લું (ભીંગડાં વગરનું) શરીર; સારી રીતે વિકાસ પામેલાં મૂછાંગો; ઝાલરઢાંકણમાં સબઓપરકલનો અભાવ.

કુળ 4.1 : ખગા (Trachysurus caelatus)

કુળ 4.2 : અરબ (Plotossus arab)

કુળ 4.3 : હેટેરોન્યુસ્ટિડે : શિંગી (Heteropneustis fossilis)

કુળ 4.4 : સાયલ્યુરિડે : ગુંગવારી (Ompak bimaculatus); પહાડી (Wallago attu)

કુળ 4.5 : શિબેડે : ગુંગવારી (Clupiosoma garula)

કુળ 4.6 : બૅગ્રિડે : કાટિયા (Mystus cavasius); કાટિયા (M. bleekeri); ખગા (M. gulio); આઓર (M. aor); સિંગાલા (M. seenghala)

કુળ 4.7 : ક્લેરિડે (Clarias batrachus)

આકૃતિ 7 : સાયલ્યુરિફૉર્મિસ, મ્યુગિલિફૉર્મિસ, ઍંગ્વિફૉર્મિસ અને બેલોનિફૉર્મિસ માછલીઓ

શ્રેણી 5 – મ્યુગિલિફૉર્મિસ : લાંબું શરીર; નાનાં કે મોટાં ચક્રાકાર ભીંગડાં; બે પૃષ્ઠ મીનપક્ષો, પહેલી કંટકયુક્ત; પુચ્છ મીનપક્ષ ચીપિયા જેવી.

કુળ 5.1 : સ્ફાઇરેનિડે : ભુંગર (Sphyraena obtusata)

કુળ 5.2 : મ્યુગિલિડે : માંગન (Rhinomugil corsula); બોડકી (Mugil caphalus); બોયી (M. dussumieri); ગંધિયો (M. tade), ગંધિયો (M. parsia).

શ્રેણી 6 – એંગ્વિલિફૉર્મિસ : સર્પાકાર શરીર; ખુલ્લું અથવા સૂક્ષ્મ ચક્રાકાર ભીંગડાં, કાંટા વગરની મીનપક્ષો; નિતંબ મીનપક્ષોનો અભાવ; ઝાલરછિદ્રો નાનાં; લાંબી પૃષ્ઠ અને ગુદા મીનપક્ષો, પુચ્છ મીનપક્ષ સાથે એકરૂપ.

કુળ 6.1 : એંગ્વિલિડે (Anguilla bengalensis)

કુળ 6.2 : મ્યુરિનેસૉસિડેવામ (Muraenesox cinereus); વામ (M. cinereus)

કુળ 6.3 : મ્યુરિનિડે : નારો (Gymnothorax undulatus); હિંચર (G. tavagineus)

કુળ 6.4 : કૉંગ્રિડે : કૉંગર માછલીઓ

કુળ 6.5 : ઑફિક્થિડે : સર્પમત્સ્ય (Pisoodonophis boro)

શ્રેણી 7 – બેલોનિફૉર્મિસ : લાંબું શરીર; શરીર પર નાનાં અથવા મધ્યમ કદનાં ભીંગડાં; પાણીની ઉપલી સપાટીએ રહેવામાં અનુકૂળ; 6 કિરણોવાળી ઉદરીય નિતંબ મીનપક્ષ; 13 શાખાપ્રબંધિત કિરણોવાળી પુચ્છ મીનપક્ષ; પુચ્છ મીનપક્ષનો નીચલો ખંડ સહેજ લાંબો.

કુળ 7.1 : બેલોનિડે : સોય, કુથરવા (Xenentodon cancila) કુથરવા (Strongylurus sp)

કુળ 7.2 : હેમિહ્રેંપિડે : જિરા અથવા કુર્ગા (Hemirhamphus marginatus)

કુળ 7.3 : એક્ઝોસેટિડે : જિર (Exocoetus volitans)

શ્રેણી 8 – સાઇપ્રિનિડોન્ટિફૉર્મિસ : પાછલા ભાગમાં આવેલી પૃષ્ઠ મીનપક્ષ, ચક્રાકાર ભીંગડાં, દાંતવાળાં જડબાં, પાર્શ્વરેખા ખાડા વડે સધાયેલી, 4થી 7 બ્રેકિયોસ્ટેગલ હાડકાં

કુળ 8.1 : સાઇપ્રિનિડોન્ટિડે : ડિંડિયા (Aplocheilus blochii)

કુળ 8.2 : પેસેલિડે : ગૅંબુજિયા (Gambusia affinis)

શ્રેણી 9 – ગેડિફૉર્મિસ : કૉડ માછલીઓ : લાંબું શરીર; જડબું અને શીર્ષપ્રદેશ સહેજ વળેલાં; ચક્રાકાર ભીંગડાં મીનપક્ષો કંટક વિનાની; દરિયાની વતની.

કુળ 9.1 : બ્રેગ્માસિરાટિડે : ચીરી (Bregmaceros macclellandi)

શ્રેણી 1૦ – બેટ્રેકોઇડિફૉર્મિસ (મેડક માછલી) : શરીર લાંબું પહોળું અને ખુલ્લું : શ્લેષ્મ સ્તરથી આચ્છાદિત : બે પૃષ્ઠ મીનપક્ષો, પહેલી 2થી 4 કાંટાવાળી, બીજી મૃદુ; ગ્રીવાપ્રદેશમાં નિતંબ મીનપક્ષ.

આકૃતિ 8 : બેટ્રેકૉઇડિફૉર્મિસ, ઑફિયોસૅફૅલિફૉર્મિસ અને પર્સિફૉર્મિસ માછલીઓ

કુળ 1૦.1 : બેટ્રેકોઇડ : ગના (Batrachus grunniens); ગુંગા (B. gengene).

અકૅન્થૉપ્ટેરિજિયાઈ સમૂહની માછલીઓમાં પુચ્છ મીનપક્ષ બાદ કરતાં બધી મીનપક્ષો (ખાસ કરીને નિતંબ પક્ષો) કંટકોવાળી હોય છે. નિતંબ મીનપક્ષ હોય ત્યારે સામાન્યપણે સ્કંધ મીનપક્ષની આગળ હોય છે. સામાન્યપણે (હોય ત્યારે) ભીંગડાં કાંસકીયુક્ત (ctenoid) હોય છે.

શ્રેણી 11 – ઑફિયોસેફૅલિફૉર્મિસ : લાંબું શરીર; આગળથી સર્પાકાર; નમેલું (depressed) શીર્ષ, ભીંગડાંવાળું; મુખ પહોળું અપાકુંચનશીલ (protractile). મીનપક્ષો કંટકવિહીન; હવાના શ્વસન માટે અનુકૂલિત, કંઠગુહામાં શ્વાસ માટેનાં બે વિવરો; મીઠાં જળાશયનાં નિવાસી.

કુળ 11.1 : ઑફિયોસેફૅલિડે : કડવા, સાપ અથવા મરળ (Channa punctatus); મરળ (C. striatus), મરળ (C. maurilius).

શ્રેણી 12 – પૉલિનેફૉર્મિસ : મુખની નીચે આવેલું પહોળું મોં, બે પૃષ્ઠ મીનપક્ષો, સ્કંધ મીનપક્ષો બે ભાગોમાં વિભાજિત, નીચલા ભાગમાં કિરણો લાંબાં તાંતણા જેવાં અને સ્પર્શસંવેદનાગ્રાહી અંગ તરીકે ઉપયોગ; પ્રાણીભક્ષી.

કુળ 12.1 : પૉલિનેમિડે : દારા (Polynemus indicus), ચેરિયુ (P. heptadactylus), કુંડ (P. plebius).

શ્રેણી 13 – પર્સિફૉર્મિસ : આ શ્રેણીની માછલીઓનો સૌથી મોટો સમૂહ છે. આશરે 15૦ કુળોમાં વિભાજિત આ માછલીઓમાં 6,૦૦૦ જેટલી જાતિઓથી આજે વિજ્ઞાનીઓ પરિચિત છે. તે દરિયામાં તેમજ મીઠાં જળાશયોમાં લગભગ બધા જ પ્રકારના પર્યાવરણમાં વાસ કરે છે. જોકે મોટાભાગની માછલીઓ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં આવેલા દરિયાના કિનારાની નજદીક વાસ કરતી હોય છે. કેટલાક વૈજ્ઞાનિકો અગાઉ જણાવેલી મ્યુગિલિફૉર્મિસ, ઑફિયોસેફૅલિફૉર્મિસ તેમજ પૉલિનેફૉર્મિસ માછલીઓને પર્સિફૉર્મિસ શ્રેણીના જુદા જુદા કુળની માછલીઓ તરીકે ગણે છે. આ શ્રેણીની માછલીની ખાસિયતો : આગળ ધસે તેવું મુખ, ઊભું પ્રલંબ (elevated) અને પાર્શ્વ બાજુએથી ચપટું એવું શરીર; સામાન્યપણે બે મીનપક્ષો : પહેલી કંટકયુક્ત, બીજી મૃદુ કિરણોવાળી; ગુદા મીનપક્ષની ઉપર અને દેખાવમાં સરખી; ઉરસીય નિતંબ મીનપક્ષ : સામાન્યપણે કાંસકીના દાંતાવાળાં ભીંગડાં.

કુળ 13.1 : લૅટિડે : બેક્ટી (Lates calcarifer)

કુળ 13.2 : એમ્બેસિડે : ચાંદ બીજવા અથવા કાચકી (Ambassis nama અને A. ranga).

કુળ 13.3 : સેરાનિડે. વેખારુ (Epicephalus fario); વેખી (E. fasciatus).

કુળ 13.4 : થેરેપૉનિડે : ટાયગર ફિશ (Therapon jarbua)

કુળ 13.5 : સિલાજિનેડે : સિંગ (Sillago sihama)

કુળ 13.6 : કેરેંગિડે : ખાડોવા (Atroplus, atroplus અને Caranx sp).

આકૃતિ 9 : પર્સિફૉર્મિસ અને પ્લ્યુરોનેક્ટિફૉર્મિસ માછલીઓ

કુળ 13.7 : કોરિફેનાડે : ઈમ્રો (Coryphaena hippurus)

કુળ 13.8 : લુટિઍનિડે : ગુર્કા (Lutianus argentimaculatus); તાંબ (L. johni); તુશા (L. fluviflammo)

કુળ 13.9 : લૉબોટિડે : કાતકોલા (Lobotes surinamensis)

કુળ 13.1૦ : લીઑનાથિડે : કટારી (Leiognathus equula અને L. fasciatus)

કુળ 13.11 : પૉમેડૅસિડે; કરકરા (pomadosys maculata)

કુળ 13.12 : સિયાનિડે (જ્યૂ-ફિશ); ધોમા (Johnius sp); ધોળ (Nibea diacanthus); ધોમા (Otolithus argentenus); કોથ O. biaurites)

કુળ 13.13 લેથ્રિનિડે : ચુંચા (Lethrinus sp.)

કુળ 13.14 સ્પૅરિડે : ટિમરો (Acanthopagrus berda)

કુળ 13.15 મ્યુલિડે : ચીરી (Upenus vittatus)

કુળ 13.16 એફિપ્પિડે : વાડા (Eohippus orbis)

કુળ 13.17 ડ્રૅપૅનિડે : ચાંદ (Drepane punctatus)

કુળ 13.18 સ્ડૅટોફેગિડે : કાસ્કી (Scatophagus argus)

કુળ 13.19 ટ્રાઈકિયુરિડે : પટ્ટી (Trichiuris leaptraracanthus savala)

કુળ 13.2૦ : સ્કૅરિડે : પોપટ (Callyodon sp.)

કુળ 13.21 : સ્કૉમ્બ્રિડે : બાંગડા (Rastralliger kanagurta)

કુળ 13.22 : થુન્નિડે (ટ્ર્યૂના) ગડેરા (Euthynnus affinis affinis)

કુળ 13.23 : ઈસ્ટિયોફૉરિડે (sailfish) – ઘોડો (Istiophorus gladius); ઘોડો (Makaria indica)

કુળ 13.24 : ઝિફિડે (sword fish); તલવાર મચ્છી (Xiphias gladius)

કુળ 13.25 : સ્કોમ્બેરોમોરિડે (seer fish); ચાપરા-Scombero morous commersoni); સુરમાઈ (S. guttatus)

કુળ 13.26 : સ્ટ્રોમેટિડે (pomfret); હલવા (Parastromateus niger); વિચુડા (Pampus argentinus); પાથુ (Pampus chinensis)

કુળ 13.27 : ઍનાબેન્ટિડે (climbing perch) (Anabas testudineus, Macropodus cupanus)

કુળ 13.28 : ગોબિડે (લેવટા, ગુલ્લા); લેવટા (Glossogobius giuris); ભૂખરી લેવટા (Aconthogobius criseus); લેવટા (Boleophalmus sp.); કાદવકૂદ; (Periopthalmus sp.); બિલકારી, લાલ લેવટા (Trypauchen vagina)

કુળ 13.29 : સ્કૉર્પેનિડે (fire fish); ગોફનિયુ (Pterois volitans)

આકૃતિ 1૦ : ઍકેનિફૉર્મિસ, મૅસ્ટેસેંબેલિફૉર્મિસ અને ટેટ્રાડૉન્ટિફૉર્મિસ માછલીઓ

શ્રેણી 14 – લ્યુરોનેક્ટેફૉર્મિસ : માથાની એક જ (જમણી અથવા ડાબી) બાજુએ આવેલી આંખની જોડ; ભીંગડાં, પાર્શ્વરેખા કે રંગની દૃષ્ટિએ ડાબી અને જમણી બાજુઓ ભિન્ન.

કુળ 14.1 : સોલિડે (sole fish) : દાતારો (Brachiurus- Euroglossa orientalis).

કુળ 14.2 : (Cynoglossidae) જીબ (Cynoglossus lingua, C. lido)

કુળ 14.3 : સેટ્ટોડિડે (Halibut) હરિયો, મોટી જીબ (Psettodes erumei)

શ્રેણી 15 – એકેનિફૉર્મિસ (sucker fishes) : ચપટું માથું; માથા પર પૃષ્ઠ મીનપક્ષના પરિવર્તનથી બનેલું ચૂષાંગ (sucker); પૃષ્ઠ મીનપક્ષ અને ગુદામીનપક્ષ કંટક વગરની.

કુળ 15.1 : મેઘાર (Remora remora)

શ્રેણી 16 – મૅસ્ટેસેંબૅલિફૉર્મિસ : વામ જેવું શરીર, પૃષ્ઠ મીનપક્ષ, સહેજ આગળ અને ત્રણ મુક્ત કાંટાવાળી, કંટક વગરનો પૃષ્ઠ મીનપક્ષનો ભાગ ગુદામીનપક્ષ સાથે મળતો આવે; નિતંબ મીનપક્ષનો અભાવ.

કુળ 16.1 : મૅસ્ટેસેંબલિડે : કાંટાવાળી વામ (બામ) (Mastecembalus armatus.)

શ્રેણી 17 – ટેટ્રાડૉન્ટિફૉર્મિસ : અસલ ભીંગડાંનો અભાવ, કંટકયુક્ત શરીરદીવાલ, અસ્થિશલ્કો અથવા વિલય પામેલી અસ્થિ-તકતીઓનું બનેલું આવરણ, સાંકડાં શ્ર્વસનછિદ્રો; નિતંબ મીનપક્ષો હોય તો ઉરસીય.

કુળ 17.1 : ટ્રાયકૅન્થિડે, short nosed tripod fish, તિપાઈ માછલી (Triacanthus biaculeatus).

કુળ 17.2 : ટેટ્રાડૉનિડે (puffer fish); કાકુ (Arothron leopardus); પોપચા (A. immaculatus); કાકુ (Ostracion gibbosus).

શ્રેણી 18 – પૅગેસિફૉર્મિસ (dragon fish); અસ્થિતકતીઓથી ઢંકાયેલું શરીર; સાંકડું શ્વસનછિદ્ર, 1૦થી 18 કિરણોવાળી સ્કંધ મીનપક્ષ, પૃષ્ઠ અને ગુદા મીનપક્ષો એકબીજાની સામે.

કુળ 18 : પેગેસિડે (dragon fish); તરતી રાક્ષસી માછલી (Parapegasus natans).

મ. શિ. દૂબળે