અસ્થિનિરોપ (bone-graft) : હાડકાંનું રોપણ કરવું તે. સામાન્ય રીતે ભાંગેલું હાડકું આપોઆપ સંધાય છે. પરંતુ તૂટેલા બે છેડાઓ વચ્ચે અંતર વધુ હોય તો તે બંનેને જોડાતાં વાર લાગે છે (વિલંબિત યુગ્મન, delayed union); અથવા તે ન પણ જોડાય (નિષ્યુગ્મન, non-union). આવા સમયે વચલી જગ્યા પૂરવા, હાડકાનું નિરોપણ જરૂરી બને છે. ઈજા ઉપરાંત હાડકામાં આવી જગ્યા હાડકાના ચેપ કે ક્ષયને કારણે કે રોગયુક્ત હાડકાના ટુકડાને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાથી પણ થાય છે. અસ્થિનિરોપ માટેનું હાડકું વ્યક્તિના પોતાનામાંથી (સ્વ-અસ્થિ, autogenous), કોઈ સગા-સંબંધી કે મિત્રમાંથી (સ્વજાતીય, homogenous) અથવા માનવેતર પ્રાણીમાંથી (અન્ય-જૈવિક, homologous) મેળવી શકાય છે. અસ્થિ વ્યક્તિના નિતંબના ચપટા હાડકામાંથી, નળાસ્થિ(tibia)ના ઉપલા ભાગમાંથી કે પાંસળીમાંથી મેળવી શકાય છે. આવા નિરોપ મોટેભાગે સફળ થાય છે. સ્વજાતીય અસ્થિનિરોપ, સફળ થવાની થોડી ઓછી શક્યતા ધરાવે છે. જ્યારે અન્ય, જૈવિક અસ્થિનિરોપમાં ઘણી તકલીફો રહેલી છે. ઘણી વખત તે નિષ્ફળ જાય છે. અસ્થિ બૅંકમાં મૃતશરીર(cadaver)નાં હાડકાં અતિશય શીતાવસ્થા(deep freezing)વાળા વિશિષ્ટ પ્રવાહીમાં રાખવામાં આવે છે. તેમની સાચવણી માટે વિવિધ પદ્ધતિઓ હોય છે. તેના અલગ અલગ લાભ-ગેરલાભ છે. મૃત શરીરના હાડકાના નિરોપણમાં શસ્ત્રક્રિયા ઝડપી થવી જોઈએ. અસ્થિનિરોપ-સ્વીકારની જગ્યાનું લોહીનું ભ્રમણ પૂરતું હોવું જોઈએ. તેની આસપાસની મૃદુ પેશીઓ ઘણી હોવી જોઈએ અને તે ચામડીથી ઢાંકી શકાય તેવી હોવી જોઈએ. ખાલી જગ્યા બહુ મોટી ન હોવી જોઈએ તેમજ તેમાં ચેપ ન હોવો જોઈએ. તૂટેલા છેડાઓ કઠણ કે તંતુયુક્ત (sclerosed) ન હોવા જોઈએ. તેમજ તે છેડાઓને બહારથી પ્લાસ્ટર વડે કે અંદર યોગ્ય ઉપકરણો વડે તે હાલી ન જાય તેમ સ્થગિત (fixed) કરેલા હોવા જોઈએ. ઉપર જણાવેલી સ્થિતિમાં સફળતાની શક્યતા વધે છે. નિરોપેલું હાડકું આધારપિંજર(scaffolding)નું કાર્ય કરે છે અને તેના પર બંને છેડેથી ધીમે ધીમે સરકીને અસ્થિકોષો (osteocytes) નવું હાડકું બનાવે છે. આને વિસર્પી પ્રતિસ્થાપન (creeping substitution) કહે છે. સમગ્ર ક્રિયા મહિનાઓનો સમય લે છે. આ ક્ષેત્રે ઘણાં સંશોધનો ચાલે છે. કૃત્રિમ અસ્થિસર્જન(artificial bone-formation)ના પણ પ્રયોગો થઈ રહ્યા છે. યોગ્ય માપ અને આકારના અસ્થિનિરોપ તૈયાર મળતા થાય તેવી શક્યતા વૈજ્ઞાનિકો જોઈ રહ્યા છે.
સુમંત શાહ