અસ્થિનાશ, અવાહિક (avascular necrosis of bone) : લોહી ન મળવાથી હાડકાં કે તેના ભાગોનો નાશ થવો તે. તેને ચેપરહિત (aseptic) અસ્થિનાશ પણ કહે છે. તે બે પ્રકારના હોય છે : પ્રાથમિક (primary) અને આનુષંગિક (secondary). પ્રાથમિક અવાહિક અસ્થિનાશ અજ્ઞાતમૂલ (idiopathic) છે અને તેનું કારણ જાણી શકાતું નથી. આનુષંગિક પ્રકારના અસ્થિનાશનાં મુખ્ય કારણો આ પ્રમાણે છે : હાડકું ભાંગવું, ભાંગેલા હાડકાનું ઊતરી જવું, દારૂની લત હોવી, કૉર્ટિકોસ્ટીરૉઇડ કે ઇન્ડોમિથાસિન જેવાં ઔષધો લેવાં, ગેઉચર(Gaucher)નો રોગ, કેઇસનનો રોગ, નજલો (gout) કે દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia) જેવા રોગ થવા અથવા મૂત્રપિંડનું પ્રતિરોપણ (transplant) મેળવેલું હોવું તે. અસ્થિભંગ (fracture), મદ્યપાનની લત કે ઉપર જણાવેલ ઔષધનું અતિસેવન, જંઘાસ્થિશીર્ષ(femoral head)નો અસ્થિનાશ કરે છે. ભાંગીને ઊતરી ગયેલાં નૌકાભ (scafoid) અસ્થિ તથા પગની ઘૂંટીનાં હાડકાં (talus bone), ભુજાસ્થિશીર્ષ (humoral head), ભુજાસ્થિ મુંડક (humoral capitulum) તથા જંઘાસ્થિના બાહ્યવર્તી સ્થૂલક(femoral lateral condyle)નો અસ્થિનાશ પણ જોવા મળે છે. હાડકાંને થોડા સમય માટે લોહી મળતું બંધ થાય તો તેમાં કોઈ પણ ફેરફાર થતો નથી. જ્યારે લાંબા સમય સુધી લોહી ન મળે ત્યારે તેના પોલાણમાં આવેલા કોષો નાશ પામે છે. હાડકાંનું માળખું તેમનું તેમ રહે છે. માળખામાંના કોષો નાશ પામેલા હોવાથી, સૂક્ષ્મદર્શક વડે તપાસ કરાય તો, હાડકાંનું માળખું ખાલી દેખાય છે. હાડકું પોચું પડે છે. તે દબાઈને ચપટું થઈ જાય છે. દર્દી હલનચલન વખતે દુખાવાની ફરિયાદ કરે છે. ત્યારબાદ કુદરત તરફથી આંતરિક સમારકામ(repair)ની શરૂઆત થાય છે.

અવાહિકી અસ્થિનાશનાં ઉદાહરણો : (1) જંઘાસ્થિ-ગ્રીવાના અસ્થિભંગ પછી જંઘાસ્થિ-શીર્ષનો અસ્થિનાશ, (2) નૌકાભ અસ્થિનો અસ્થિનાશ, (3) ભુજાસ્થિ-શીર્ષનો અસ્થિનાશ.

ભાંગેલા, ઊતરી ગયેલા હાડકાની સારવાર અપાઈ હોય તો આંતરિક સમારકામ રૂપે આસપાસના અસ્થિબીજકોષો (osteoblasts) ખાલી પડેલા હાડકાના માળખામાં સરકીને પ્રવેશે છે અને મૃતકોષોનું સ્થાન લે છે. તેને વિસર્પી પ્રતિસ્થાપન (creeping substitution) કરે છે. એક્સ-રે ચિત્રણ નિદાન માટે ઉપયોગી છે. આઠથી દસ મહિના સુધી એક્સ-રે ચિત્રણમાં વિકૃતિ જણાતી નથી, પરંતુ તે પછી હાડકું વધુ સફેદ, વધુ ઘટ્ટ અને ક્યારેક નવો આકાર પણ ધારણ કરે છે. સમસ્થાની વિકિરણચિત્રણ (isotope scan) દ્વારા હાડકામાં લોહી જતું બંધ થયું છે કે નહિ તે જાણી શકાય છે.

મદ્યપાનની આદતનો તથા ઉપર જણાવેલ ઔષધોનો ત્યાગ તેમજ ભાંગેલા કે ઊતરી ગયેલા હાડકાનો યોગ્ય એવો સમયસર ઉપચાર એ મહત્વનાં ચિકિત્સા-પગલાં છે. દર્દીના કામધંધા તથા તેના રોગનાં સ્થાન, પ્રમાણ અને તબક્કા પ્રમાણે અસ્થિનિરોપણ (bone grafting), અસ્થિવિચ્છેદન, હાડકાના પોલાણમાંનું દબાણ ઘટાડવું તથા સાંધો બદલવો – જેવી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. ક્યારેક તાજા મૃત શરીરમાંથી હાડકું મેળવી તેને અસ્થિનાશવાળા હાડકાને સ્થાને બેસાડવામાં આવે છે.

દિવ્યાંગ દવે

શિલીન નં. શુક્લ