અસ્તિત્વવાદ
અર્વાચીન પશ્ચિમી તત્વચિંતનનો પ્રભાવક સંપ્રદાય. તેનો પ્રારંભ ઓગણીસમી સદીના ડેન્માર્કના ચિંતક સોરેન કિર્કગાર્ડ (1813-1855) અને જર્મન ચિંતક ફ્રેડરિખ નીત્શે(1844-19૦૦)માં જોઈ શકાય છે. વીસમી સદીમાં અસ્તિત્વવાદમાં મહત્વનું પ્રદાન કરનાર ચિંતકોમાં જર્મન ફિલસૂફો કાર્લ યાસ્પર્સ (1883-1969) અને માર્ટિન હાયડેગર (1889-1976) તેમજ ફ્રેંચ ફિલસૂફો ગેબ્રિઅલ મારસલ (1899-1973), ઝ્યાં પૉલ સાર્ત્ર (1905-198૦) અને મારલો પોન્તી(1908-1961)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત યહૂદી ફિલસૂફ માર્ટિન બૂબર (1878-1965) અને રશિયન ચિંતક નિકોલસ બર્દયેફ (1874-1948) પણ અસ્તિત્વવાદી ચિંતનપરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અસ્તિત્વવાદી ચિંતનવિષયોની વિશિષ્ટ પ્રકારની રજૂઆત બે સ્પૅનિશ ચિંતકો માઇગ્યૂએલ-દ-ઉનેમૂનો (1864-1936) અને ઓરતેગા-યા-ગસેટે પણ કરી છે. ફ્રેંચ સાહિત્યકાર આલ્બેર કામૂ(1913-196૦)એ નવલકથા અને ચિંતનાત્મક ગદ્ય દ્વારા અસ્તિત્વવાદી ચિંતનવિષયોની કલાત્મક રજૂઆતો કરી છે. અસ્તિત્વવાદની લાક્ષણિકતા એ છે કે તેમાં પશ્ચિમની તત્વચિંતનની પરંપરાના તમામ પ્રભાવક સંપ્રદાયોનો વિશિષ્ટ રીતે વિરોધ કરવામાં આવે છે. અસ્તિત્વવાદી ચિંતકો તર્ક-બુદ્ધિવાદ (rationalism) અને અનુભવવાદ(empiricism)નો વિરોધ કરે છે. તેઓ આત્મનિષ્ઠ ચૈતન્યવાદ (subjective idealism) કે વસ્તુનિષ્ઠ અધ્યાત્મવાદનો પણ અસ્વીકાર કરે છે. તે જ પ્રમાણે તેઓ ભૌતિકવાદ, યંત્રવાદ, નિયતિવાદ કે વ્યવહારવાદને પણ સ્વીકારતા નથી. આ બધા તત્વચિંતનના મુખ્ય વાદોનો વિરોધ કરવાની તેમની શૈલી અને તેમનાં કારણો પણ અન્ય તત્વચિંતકોથી ભિન્ન છે. દા.ત., કાન્ટે અનુભવવાદ કે બુદ્ધિવાદની સર્વાંગી સમીક્ષા કરીને મૂળગામી વિજ્ઞાનવાદ રજૂ કર્યો અને તેમ કરવામાં તેમણે તર્કનિષ્ઠ વિશ્લેષક પદ્ધતિઓ અપનાવી. તેવી જ રીતે વીસમી સદીના તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ કોઈ પણ પ્રકારની તત્વમીમાંસા અર્થવિહીન છે તેવી રજૂઆત કરી પણ તેમણે અર્થયુક્તતા એટલે ચકાસણીક્ષમતા એ ધોરણ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. આમ, પરપક્ષનું ખંડન અને સ્વ-પક્ષની સ્થાપના કરવાની તાર્કિક વિશ્લેષક પદ્ધતિઓને ફિલસૂફો સામાન્ય રીતે અનુસરતા હોય છે. પરંતુ કિર્કગાર્ડ, નીત્શે, મારસલ, ઉનેમૂનો, બૂબર, બર્દયેફ કે આલ્બેર કામૂનો અભ્યાસ કરીએ તો તેમની કૃતિઓમાં વાદ-વિવાદની તર્કબદ્ધ અને વ્યવસાયી ફિલસૂફોને સ્વીકૃત એવી રજૂઆતો હંમેશાં જોવા મળશે નહિ. તેનું કારણ એ છે કે અસ્તિત્વવાદીઓ સામાન્ય રીતે એમ માને છે કે મૂર્ત વ્યક્તિવિશેષના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને જે ચિંતન થાય તેમાં સર્વદેશીય અને વ્યવસ્થિત હોય એવી સંકલ્પનાઓ કે નિયમો કે તત્વોને બદલે વિશિષ્ટ, એકાકી, અનન્ય, વ્યાવર્તક, મૂર્ત અને અંગત અનુભવોથી જ રજૂઆત અત્યંત મહત્વની છે.
કિર્કગાર્ડ, મારસલ, બૂબર, યાસ્પર્સ વગેરે સ્વીકારે છે તેમ અમૂર્ત વસ્તુલક્ષી વિચારતંત્રો વ્યક્તિના વિશિષ્ટ, મૂર્ત, અનન્ય અસ્તિત્વને ન્યાય આપી શકે નહિ. કિર્કગાર્ડ મુજબ સત્ય એટલે સ્વનિષ્ઠતા. જે વસ્તુલક્ષી રીતે તદ્દન અનિશ્ચિત છે અને વિસંવાદી કે અર્થહીન (absurd) છે તેના પ્રત્યે નિરપેક્ષ આવેશયુક્ત પ્રતિબદ્ધતા એટલે શ્રદ્ધા, તેમ કિર્કગાર્ડ માને છે. ઈશ્વર કાલાતીત હોય છતાં મનુષ્ય રૂપે અવતારધારી બને તે ઘટના તર્કબુદ્ધિની દૃષ્ટિએ તદ્દન વિસંગત અને અર્થવિહીન છે અને છતાં સાચી શ્રદ્ધામાં આ ઘટનાનો નિરપેક્ષ સ્વીકાર રહેલો છે. અબ્રાહમનું દૃષ્ટાંત આપીને કિર્કગાર્ડ એમ કહે છે કે નૈતિક સર્વદેશીય નિયમ પ્રમાણે પોતાના પુત્રનાં બલિદાન માટે તૈયાર થવું એ અસ્વીકાર્ય ગણાય, પરંતુ મનુષ્ય અને ઈશ્વરના અંગત અસ્તિત્વલક્ષી સંબંધની ધાર્મિક કક્ષાએ અબ્રાહમનું દેવની આજ્ઞા પાળવાનું આ સમર્પણ તેની અબાધિત શ્રદ્ધા વ્યક્ત કરે છે. તેને માટે તે અસ્તિત્વનિષ્ઠ સ્વલક્ષી સત્ય છે. ઈશ્વરવાદી કિર્કગાર્ડ માટે ઈશ્વર અબુદ્ધિગ્રાહ્ય છે છતાં શ્રદ્ધાનું જોખમ લેવાનું છે. નિરીશ્વરવાદી સાર્ત્ર અને કામૂ માટે જગત ઍબ્સર્ડ છે છતાં મનુષ્યે પોતાની પસંદગીના સંકલ્પસ્વાતંત્ર્યથી મૂલ્યો સર્જવાનાં છે. હાયડેગર મુજબ પોતાના મૃત્યુ અંગેની સભાનતાના પ્રકાશમાં વ્યક્તિની અસ્તિત્વનિષ્ઠા તીવ્ર થાય છે. યાસ્પર્સ કહે છે કે સાબિત થયેલો ઈશ્વર ઈશ્વર જ નથી અને છતાં પારગામી સતના સંકેતો ઝીલવાના છે અને તેના પ્રત્યે અભિમુખ થવાની શક્યતાઓ રહે છે. સ્પૅનિશ ફિલસૂફ ઉનેમૂનો મુજબ શ્રદ્ધા જ મનુષ્ય માટે સાચો માર્ગ છે. તર્ક મનુષ્યના જીવનની પરિતૃપ્તિ માટે વિઘાતક છે. કામૂ કહે છે કે સાચું ચિંતન કલ્પનાશીલ ચિંતન છે અને જો કોઈએ ફિલસૂફ બનવું હોય તો તેણે નવલકથાઓ લખવી જોઈએ, કલા-સર્જન કરવું જોઈએ. મારસલની દૃષ્ટિએ વ્યક્તિવિશેષના મૂર્ત જીવનથી વેગળી હોય તેવી કોઈ ચિંતનપદ્ધતિ સાચા અર્થમાં ફિલસૂફી જ નથી. આમ અમૂર્ત, તર્કબદ્ધ, વસ્તુનિષ્ઠ, સર્વગ્રાહી વિચારતંત્રોનો અસ્તિત્વવાદીઓ વિરોધ કરે છે. તેઓ તર્ક વિરુદ્ધ અસ્તિત્વમાં અસ્તિત્વને અગ્રિમતા આપે છે.
અસ્તિત્વવાદમાં નિરીશ્વરવાદીઓ જગતને અને સ્વતત્વ(self)ને અબુદ્ધિગમ્ય માને છે અને ઈશ્વરવાદીઓ ઈશ્વરને અબુદ્ધિગ્રાહ્ય ગણે છે. આમ, અસ્તિત્વવાદીઓ સ્વ વિશેના, જગત વિશેના કે ઈશ્વર વિશેના તર્ક-પ્રસ્થાપિત દાવાઓનો અસ્વીકાર કરે છે, તેમના મતે જીવનમાર્ગો વચ્ચે પસંદગી કરવાનું મનુષ્યને સ્વાતંત્ર્ય છે પણ તે પસંદગીનાં કોઈ નિરપેક્ષ તર્કસમર્થિત ધોરણો નથી. અસ્તિત્વવાદીઓ, આમ, બુદ્ધિવાદી ઈશ્વરમીમાંસા કે નીતિમીમાંસા કે તત્વમીમાંસાનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કરે છે.
બુદ્ધિવાદનો અસ્વીકાર કરતા હોવા છતાં અસ્તિત્વવાદીઓ ઇન્દ્રિયપ્રત્યક્ષવાદ કે અનુભવવાદનો સ્વીકાર કરવા માટે પણ તૈયાર નથી. હ્યૂમની જેમ જ સાર્ત્ર માને છે કે જગતની વસ્તુઓ કે ઘટનાઓ વચ્ચે તાર્કિક અનિવાર્યતાનો કોઈ સંબંધ નથી અને હકીકતો વિશેનાં વિધાનો પરાયત્ત (contingent) છે. નૈતિક મૂલ્યોની વસ્તુનિષ્ઠતા(objectivity)નો પણ હ્યૂમની જેમ સાર્ત્ર અસ્વીકાર કરે છે, પરંતુ હ્યૂમ સંશયવાદ આગળ આવીને અટકી જાય છે, જ્યારે સાર્ત્ર નિરીશ્વરવાદી હોવા છતાં પોતાની સતમીમાંસા દ્વારા એવું દર્શાવવા માગે છે કે મનુષ્ય એક ચૈતન્યરૂપ સત્ હોવાથી તે વસ્તુરૂપ સતના અભાવની પોતાનામાં રહેલી ખોટ પૂરી કરીને સ્વપર્યાપ્ત સત્ થવા ઝંખે છે; જોકે, સાર્ત્ર કબૂલે છે કે આ ઝંખના નિષ્ફળ જવા સર્જાયેલી છે. પરંતુ અહીં મુદ્દો એ છે કે પ્રશિષ્ટ અનુભવવાદી હ્યૂમ કે તાર્કિક પ્રત્યક્ષવાદી એયર બુદ્ધિવાદના દાવાઓનો અસ્વીકાર કરીને સતનો કે ઈશ્વરનો ખ્યાલ પણ પડતો મૂકીને વિજ્ઞાનાભિમુખ જ્ઞાનના સ્વરૂપ અને પ્રામાણ્યની તત્વચર્ચા હાથ ધરે છે, જ્યારે હાયડેગર કે યાસ્પર્સ કે સાર્ત્ર સત્ને અબુદ્ધિગમ્ય ગણતા હોવા છતાં કે કિર્કગાર્ડ અને મારસલ ઈશ્વરની સાબિતીને અશક્ય ગણતા હોવા છતાં તે દિશાનું ચિંતન અન્ય ભૂમિકાએ તેઓ ચાલુ જ રાખે છે. આ રીતે અસ્તિત્વવાદ જૂના કે નવા ઇંગ્લિશ અનુભવવાદથી જુદો પડે છે. આ ઉપરાંત અનુભવવાદીઓએ જ્ઞાનની ઉત્પત્તિના પ્રામાણ્યના, બાહ્ય પદાર્થના, અસ્તિત્વના, જ્ઞાનના સ્વરૂપના કે વિજ્ઞાનના, તર્કશાસ્ત્રના જે પ્રશ્નો ઉઠાવ્યા છે તેવા કોઈ પણ પ્રશ્નમાં અસ્તિત્વવાદીઓએ રસ લીધો નથી અને એ અર્થમાં પણ અસ્તિત્વવાદ અનુભવવાદથી જુદો પડે છે. આવી ભિન્નતાનું મૂળ કારણ એ છે કે બુદ્ધિવાદનો વિરોધ કરનારા અનુભવવાદી ચિંતકો પણ વસ્તુનિષ્ઠ જ્ઞાનનું મહત્વ સ્વીકારે છે, જ્યારે અસ્તિત્વવાદીઓ તો આવા જ્ઞાનના વિકલ્પે અસ્તિત્વકેન્દ્રી વ્યક્તિનિષ્ઠ ચિંતનને સર્વોપરી મહત્વ આપે છે અને તેથી તેમને મતે વસ્તુલક્ષી જ્ઞાનનું મૂળ બુદ્ધિમાં છે કે સંવેદનોમાં તે પ્રશ્ન બિલકુલ મહત્વનો જણાતો નથી.
પશ્ચિમના અનુભવવાદી અને બુદ્ધિવાદી ચિંતકોને બાહ્ય જગતના અસ્તિત્વની સાબિતીની સમસ્યા ઘણી વિકટ જણાય છે. અસ્તિત્વવાદીઓ માટે બાહ્ય જગતની સાબિતીનો પ્રશ્ન કે બાહ્ય ભૌતિક પદાર્થના વ્યક્તિના સંવેદનિરપેક્ષ અસ્તિત્વનો પ્રશ્ન ઉદભવતો જ નથી. તેનું કારણ એ છે કે અસ્તિત્વવાદીઓના મતે માનવીનું હોવાપણું કે સત્ (being) એટલે માનવીનું જગતમાં હોવાપણું. અસ્તિત્વવાદીઓ મુજબ બાહ્ય જગતનું અસ્તિત્વ કોઈ પણ વ્યક્તિના સંવેદન-અનુભવોથી સ્વતંત્ર છે. સાર્ત્ર, મારલો પોન્તી, હાયડેગર, યાસ્પર્સ વગેરે સ્વીકારે છે કે સત્ વિવિધ રીતે દૃશ્યમાન કે ભાસમાન થાય છે, પરંતુ વ્યક્તિ સમક્ષ ઉદભવતા વિવિધ પ્રતિભાસોમાં જ સમગ્ર સત્ સમાઈ જતું નથી. મનુષ્ય અર્થો, મૂલ્યો, ઉપયોગિતાઓ અને સાધનરૂપ વસ્તુઓના સંબંધોની જે દુનિયા રચે છે તેનો અર્થ ભલે મનુષ્યની ચેતના ઉપર આધારિત હોય, પણ આ અર્થો, ઉપયોગિતાઓ, સંબંધો કે મૂલ્યોથી સ્વતંત્ર એવું વસ્તુઓનું હોવાપણું તો છે જ; અને સાર્ત્ર દર્શાવે છે તેમ આવું સત્ ઍબ્સર્ડ (absurd), અફલિત અને મૂલ્યહીન છે. મનુષ્યથી સ્વતંત્ર એવા સતનો સ્વીકાર કરનાર અસ્તિત્વવાદીઓ તેવા સત્ને અફલિત કે અર્થહીન તરીકે પણ સ્વીકારે છે ખરા. અસ્તિત્વવાદીઓ – ખાસ કરીને સાર્ત્ર – પૂર્વમનનાત્મક અને મનનાત્મક ચેતનાનો ભેદ પાડે છે અને સાર્ત્ર દર્શાવે છે કે પૂર્વમનનાત્મક ચેતનાની મૂળ કક્ષાએ તો વ્યક્તિને કેવળ વિષયભાન જ હોય છે. વ્યક્તિની ચેતના હમેશાં વિષાયભિમુખ જ હોય છે તેવો હુસેર્લની પ્રતિભાસમીમાંસાનો સિદ્ધાંત હાયડેગર, સાર્ત્ર, મારલો પોન્તી, ઓરતેગા-ગેસેટ વગેરે સ્વીકારે છે. વ્યક્તિની વસ્તુસ્થાપક ચેતના પ્રથમ કક્ષાએ વસ્તુપરક જ હોય છે. પોતાને વિશે તો તે હંમેશાં અસ્થાપક ચેતના જ રહે છે. આ પ્રથમ કક્ષાની ચેતના ઉપર જ્યારે વ્યક્તિ મનન કરે અને તેને દ્વિતીય કક્ષાની ચેતનાનો સભાન રીતે વિષય બનાવે ત્યારે જ વ્યક્તિને ‘અહમ્’ની સભાનતા આવે છે તેવું સાર્ત્ર સૂચવે છે. તેથી ‘હું વિચારું છું માટે હું છું’ તે રીતે દેકાર્તની જેમ ચિંતન કરવાની કક્ષા તો મનનાત્મક ચેતનાની કક્ષા છે. તેની પહેલાંની મૂળ ચેતના તો પોતાનાથી અલગ અને બાહ્ય એવી વસ્તુ કે વિષય તરફ જ અભિમુખ હોય છે. તેથી જ બાહ્ય વિષયોના અસ્તિત્વનો પ્રશ્ન ઉદભવતો નથી.
બાહ્ય જગતની સાબિતીના પ્રશ્નની જેમ અન્ય વ્યક્તિનો મન છે કે નહિ તે પ્રશ્ન પણ અસ્તિત્વવાદીઓ માટે અપ્રસ્તુત છે, કારણ કે તેમના મતે મનુષ્યનું જગતમાં હોવાપણું એટલે તેનું અન્ય વ્યક્તિઓ સાથેનું જગતમાં હોવાપણું અને તેથી અન્ય જનની સાબિતીનો પ્રશ્ન જ રહેતો નથી. અસ્તિત્વવાદીઓ બુદ્ધિવાદ અને અનુભવવાદની જેમ અધ્યાત્મવાદ કે ભૌતિકવાદનો પણ અસ્વીકાર કરે છે. બાહ્ય ભૌતિક પદાર્થો કેવળ વ્યક્તિઓના ચિત્તની અવસ્થાઓનો સમૂહ છે તેવો આત્મલક્ષી વિજ્ઞાનવાદ (subjective idealism) કે પરમ તત્વ શુદ્ધ ચૈતન્યરૂપ છે તેવો વસ્તુનિષ્ઠ કે નિરપેક્ષ વિજ્ઞાનવાદ અસ્તિત્વવાદીઓને માન્ય નથી. યાસ્પર્સ, હાયડેગર, મારસલ, મારલો પોન્તી વગેરેએ સતનું નિરૂપણ કર્યું છે, પરંતુ આ સત્ શુદ્ધ ચૈતન્યરૂપ છે તેવું તેમણે કહ્યું નથી એટલે તે અર્થમાં તેઓ અધ્યાત્મવાદી નથી. તેવી જ રીતે સાર્ત્ર ચેતનરૂપ અને વસ્તુરૂપ સત્નો ભેદ પાડી વસ્તુરૂપ સત્ને અગ્રિમતા આપે છે. છતાં તેઓ પણ પરંપરાગત ભૌતિકવાદથી તદ્દન જુદા પડે છે. 1946માં સાર્ત્રે ભૌતિકવાદનો અસ્વીકાર કર્યો. 196૦માં સાર્ત્રે કહ્યું કે આ યુગનું એકમાત્ર પ્રભાવક ચિંતન માર્કસવાદ છે. માણસ મુક્ત છે અને તેની કાર્ય-યોજનાઓ તે સાકાર કરી શકે છે તેવું અસ્તિત્વવાદી વિધાન માર્કસવાદી વિચારધારા સાથે સુસંગત બનાવી શકાય તેવું દર્શાવીને સાર્ત્ર અસ્તિત્વવાદ અને માક્ર્સવાદનો સમન્વય કરવાનો પ્રયત્ન કરે છે. ઇતિહાસની ગતિ શોષિતોની મુક્તિ તરફની છે. વર્ગ-સંઘર્ષ તેમાં અનિવાર્ય છે અને વ્યક્તિની નૈતિક જવાબદારી શોષિતોના પક્ષે રહીને ઇતિહાસનું પ્રગતિકારક લક્ષ્ય પામવાનું છે તેવો સાર્ત્રનો માર્કસવાદી મત ઘણા અસ્તિત્વવાદીઓને માન્ય થયો નથી.
અસ્તિત્વવાદીઓ વિષય–વિષયીભેદ અને મન–શરીરભેદને પણ અન્ય ફિલસૂફો જેટલું મહત્વ આપતા નથી. યાસ્પર્સ મુજબ વિષય વગર વિષયી નથી અને વિષયી વિષય વગર નથી. યાસ્પર્સ સર્વસમાવેશક સત્(encompassing being)ની સંકલ્પના રજૂ કરે છે અને આવું સત્ વિષયતા અને વિષયિતા બંનેને આવરી લે છે તેવું સ્પષ્ટ કરે છે. તે જ પ્રમાણે મન અને શરીર બંનેને જુદા પદાર્થો કલ્પીને તેમની વચ્ચેના સંબંધનો પ્રશ્ન ઉઠાવવાને બદલે મારસલ, સાર્ત્ર અને મારલો પોન્તી તદ્દન નવી જ દૃષ્ટિએ શરીરમીમાંસા રજૂ કરે છે. બીજી કોઈ પણ વસ્તુ આપણે માટે સાધન બની શકે તે માટે આપણું શરીરધારી મૂર્તિ-અસ્તિત્વ પહેલાં સ્વીકારી લેવું પડે તેમ દર્શાવી મારસલ એમ કહે છે કે વહાણચાલક અને વહાણને જેમ જુદા કલ્પી શકાય છે તેમ વ્યક્તિ પોતે અને તેનું શરીર એવો નિરપેક્ષ ભેદ પાડી શકાતો નથી. વ્યક્તિના અન્ય કોઈ વસ્તુ સાથેના સંબંધ કરતાં વ્યક્તિનો પોતાના શરીર સાથેનો સંબંધ અત્યંત આત્મીય છે તેવું મારસલ, સાર્ત્ર અને મારલો પોન્તી દર્શાવે છે. મારસલ આવા સંબંધને ‘સામેલગીરી’ કે ‘ભાગીદારી’ એવી સંજ્ઞાથી ઓળખાવે છે. મારલો પોન્તીના મત મુજબ આપણું પોતાનું શરીર આપણે માટે અન્ય પદાર્થો જેવો એક બાહ્ય અવલોકનક્ષમ પદાર્થ નથી. ખરેખર તો આપણા શરીરના સંદર્ભમાં જ આપણે અન્ય કોઈ પણ પદાર્થનું પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ.
ભૌતિકવાદ, યંત્રવાદ કે નિયતિવાદનો અસ્વીકાર કરીને અસ્તિત્વવાદીઓ મનુષ્ય માટે પસંદગીનું સ્વાતંત્ર્ય સ્વીકારે છે. સાર્ત્ર મુજબ મનુષ્યની ચેતના તેના કોઈ પણ વિષય સાથે ક્યારેય એકાકાર થઈ શકતી નથી. કારણ કે ચેતના એટલે જ વિયોગ, જુદાઈ, અળગાપણું, નિષેધ, અભાવ અને ઝંખના. સ્વાતંત્ર્ય એટલે પસંદગી, પસંદગી એટલે મૂલ્યસર્જન અને પસંદગી એટલે જવાબદારી. મનુષ્ય હોવું એટલે જ તાત્ત્વિક રીતે સ્વતંત્ર હોવું તેવું સાર્ત્ર નિર્દેશે છે. અસ્તિત્વ સત્વનું પુરોગામી છે અને મનુષ્ય પોતાની પસંદગીથી પોતે જે થવા માગે છે તે પરિસ્થિતિ પસંદ કરે છે. ઈશ્વર નથી તેથી સાર્ત્ર માટે મનુષ્યનું સ્વાતંત્ર્ય અબાધિત છે અને તેની જવાબદારી પણ સંપૂર્ણ છે. મનુષ્ય જે લક્ષ્યો પસંદ કરે છે તેના સંદર્ભમાં જ અમુક બાબતો અવરોધરૂપ છે કે કેમ તે પ્રશ્ન ઉદભવે છે. મનુષ્યની મુક્ત કાર્યયોજના વગર વસ્તુઓ કે પરિસ્થિતિઓ અવરોધરૂપ પણ નથી કે ઉપકારક પણ નથી. મૃત્યુ વ્યક્તિને ચેતનરૂપ સત્માંથી વસ્તુરૂપ બનાવી દે છે. મનુષ્ય અભિશાપિત મુક્તિ ધરાવે છે. નિર્ણય ન લેવો એ પણ એક જાતનો નિર્ણય છે. મારલો પોન્તી મુજબ સ્વાતંત્ર્ય નિરપેક્ષ નથી, કારણ કે મનુષ્ય શુદ્ધ ચેતના નથી. મનુષ્ય હંમેશાં પરિસ્થિતિમાં મુકાયેલો છે. હાયડેગર મનુષ્યની જગતમાં ફેંકાયેલા હોવાની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, પણ પરિસ્થિતિને મહત્વ આપવા છતાં કિર્કગાર્ડ, હાયડેગર કે સાર્ત્ર અસ્તિત્વનિષ્ઠા કે અધિકૃત અસ્તિત્વની શક્યતાઓ સ્વીકારે છે. સાર્ત્ર મુજબ પોતાના સ્વાતંત્ર્યનો અસ્વીકાર કરીને, પોતાની પારગામિતાનો ઇનકાર કરીને વ્યક્તિ સમાજે આપેલી ભૂમિકા સાથે એકરૂપ થઈ જવાના પ્રયત્ન કરે તે આત્મવંચના ગણાય.
મનુષ્યો વચ્ચે સચ્ચાઈપૂર્વકનું પ્રત્યાયન કે સંપ્રેષણ થઈ શકે કે કેમ તે અંગે અસ્તિત્વવાદીઓમાં મતભેદ છે. કિર્કગાર્ડ મુજબ ટોળું અસત્ય છે, અને વ્યક્તિની ઈશ્વરનિષ્ઠાનો માર્ગ એકલવાયો છે; હાયડેગર મુજબ ‘તેઓ’ તરીકે ઓળખાતા અનામી લોકસમુદાયને અધીન થતી વ્યક્તિનું અસ્તિત્વ અસ્તિત્વનિષ્ઠા વગરનું છે. નીત્શેએ આજ્ઞાંકિત, નબળા અને પરાધીન માણસોના ગુલામ માનસની નબળાઈઓ દર્શાવી છે. સાર્ત્ર મુજબ તો દરેક વ્યક્તિ માટે અન્ય વ્યક્તિનું અસ્તિત્વ એક ખતરારૂપ કે ધમકીરૂપ છે અને તમામ માનવસંબંધો સંઘર્ષયુક્ત છે. જોકે મારસલ, બૂબર, બર્દયેફ અને યાસ્પર્સ માનવ-પ્રત્યાયનમાં વિશ્વાસ, આશા અને સચ્ચાઈની શક્યતાઓ સ્વીકારે છે. પ્રેમ, આશા અને સામેલગીરીને મારસલે પોતાના ચિંતનમાં સ્થાન આપ્યું છે. બૂબરે ‘હું-તું’ અને ‘હું-તે’ સંબંધોનો ભેદ દર્શાવી ‘હું-તું’ પ્રકારના સંબંધોમાં સચ્ચાઈપૂર્વકનું પ્રત્યાયન અને સંવાદ શક્ય છે તેમ સ્વીકાર્યું છે. યાસ્પર્સે સ્વનિષ્ઠ હોવું એટલે સત્યનિષ્ઠ હોવું તેમ દર્શાવીને સાચી અસ્તિત્વનિષ્ઠા પ્રત્યાયન દ્વારા જ સિદ્ધ થાય તેવું પ્રતિપાદિત કર્યું છે. દંભી, બનાવટી, ઉપરછલ્લા માનવસંબંધોની બધા અસ્તિત્વવાદીઓએ કડક ટીકા કરી છે. સંસ્થાસ્વરૂપોમાં ઓગળી જતી વ્યક્તિવિશેષતા અને ટોળાશાહીથી રૂંધાતી વ્યક્તિની અવદશાને તેમણે વાચા આપી છે. મનુષ્ય પોતાની સમાજે આપેલી ભૂમિકા સાથે સંપૂર્ણ તાદાત્મ્ય કે તન્મયતા સાધી શકે નહિ અને છતાં તેમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તે પોતાની જાતને છેતરે છે તેમ સાર્ત્ર માને છે.
સાર્ત્રના અસ્તિત્વવાદી ચિંતકોમાં માનવ-અસ્તિત્વની વિચારણા કેન્દ્રમાં છે તેમ છતાં માનવ સત્ પોતે પોતાનાથી પર અને પારના સત્ પ્રત્યે અભિમુખ હોવાથી અસ્તિત્વવાદી ચિંતકોમાં ખાસ તો હાયડેગરમાં સત્-વિચારણાને પણ ઘણું મહત્વનું સ્થાન છે. સતનો પ્રશ્ન ઉઠાવનાર માનવીના સત્થી હાયડેગર પોતાની વિચારણા શરૂ કરે છે. માનવીના સતની અસ્તિત્વલક્ષી સંરચનાનું વિશ્લેષણ હાયડેગર મુજબ મૂળભૂત સત્મીમાંસા (ontology) છે. મનુષ્ય સમજણ મેળવતું સત્ છે. માનવસત્ સતને પ્રકાશિત કરતો પ્રદેશ કે ક્ષેત્ર છે. સત્ય એ સતનું અનાવરણ છે તેવું હાય્ડેગર માને છે. મનુષ્ય સત્ નો પ્રવાસી છે. મનુષ્ય કાળબદ્ધ સત્ છે. સાર્ત્ર અને હાયડેગર બંને મનુષ્યની ચેતનાની વર્તમાનને અતિક્રમીને ભાવિ લક્ષ્યો સ્થાપવાની પારગામી પ્રવૃત્તિને મહત્વની ગણે છે. હાયડેગર મુજબ ભાષા માણસના જગતમાં હોવાપણાનું એક મૂળભૂત પરિમાણ છે. માણસનો જગતમાં નિવાસ એ તેનો ભાષામાં નિવાસ છે. સત્ ભાષા દ્વારા પ્રકાશે છે છતાં સત્ અપ્રગટ પણ રહે છે. સત્ હાયડેગર મુજબ પરિમિત વસ્તુઓને અતિક્રમી જાય છે. સત્ ના સાદને ઝીલવો એ જ મનુષ્યને માટે અર્થપૂર્ણ જીવન છે તેવું હાયડેગર પોતાની પાછળની કૃતિઓમાં દર્શાવે છે. મનુષ્ય સત્ની પ્રતીક્ષા કરે છે. તેને સત્ ના સંકેતો મળશે જ તેવી કોઈ ખાતરી હાયડેગર આપતા નથી. હાયડેગર તેમની ઉત્તરકાલીન કૃતિઓમાં સાર્ત્ર-સમર્થિત માનવવાદ(humanism)નો વિરોધ કરે છે. સત્ નો અર્થ મનુષ્ય માટે હંમેશાં પારદર્શક બનતો નથી. હાયડેગર સત્ સ્વયં અને વસ્તુઓના સત્ વચ્ચેનો ભેદ પાડે છે અને અંતે સત્-મીમાંસાકીય વિચારને કવિતાની કોટિમાં મૂકી દે છે. કિર્કગાર્ડ કે યાસ્પર્સથી વિરુદ્ધ હાયડેગર શ્રદ્ધાનો ઉલ્લેખ કરતા જ નથી. સત્ પોતે જ મનુષ્ય માટે પ્રકાશિત થાય ત્યાં સુધી તેની પ્રતીક્ષા કરવાનું હાયડેગર સૂચવે છે. યાસ્પર્સ સર્વસમાવેશક સતની સંકલ્પના રજૂ કરે છે. તેમને મતે અસ્તિત્વઅભાનતા આવા અતિક્રામક સત્ પ્રત્યેની સક્રિય અભિમુખતામાં રહેલી છે. મારસલ મુજબ સત્ વિશે કોઈ વસ્તુનિષ્ઠ પ્રમાણભૂત વિધાનો કરી શકાય નહિ. ‘સત્પરક નમ્રતા’ દર્શાવતાં મારસલ કહે છે કે સત્ મનુષ્ય માટે અતિક્રામક કે પારગામી તત્વ છે. મારલો પોન્તીની દૃષ્ટિએ જગત માણસ દ્વારા દૃશ્યમાન થાય છે એટલે મનુષ્યની પ્રકૃતિ-સભાનતા એ પ્રકૃતિની પોતાની મનુષ્ય દ્વારા ઉદભવતી સ્વઅભાનતા છે. સત્તત્વ જે દૃશ્યમાન છે તેના કરતાં વિશેષ છે. સત્ પોતે અદૃશ્યમાન છે. જે કાંઈ દૃશ્યમાન છે તેનો અષ્ટ આધાર એટલે સત્ તેવું મારલો પોન્તી દર્શાવે છે. સત્ પોતે મનુષ્ય દ્વારા પોતાને માટે દૃશ્યમાન થાય છે. પોન્તી આવા સતને ઈશ્વર તરીકે ઓળખાવતા નથી. સાર્ત્ર મુજબ વસ્તુરૂપ સત્ પોતે સઘન, અપારદર્શક, અચેતન, મૂલ્યહીન અને અર્થવિહીન છે. આવા વસ્તુરૂપ સતથી ભિન્ન અને તેના અભાવરૂપ એવું ચેતનરૂપ સત્ અપદાર્થરૂપ, મુક્ત, મૂલ્યસર્જક, અર્થપ્રદાનાત્મક, કાળબદ્ધ અને સ્વ-અતિક્રામક છે. આ બંને પ્રકારનાં સત્ માટે કે તેમના કોઈ એક પરમસતમાં સમન્વય માટેનો કોઈ આધાર, પ્રમાણ, ઔચિત્ય કે તાર્કિક સમર્થન આપી શકાતું નથી. બ્રિટિશ અનુભવવાદી હ્યૂમના મતે જગતની હકીકતો વચ્ચે તાર્કિક અનિવાર્યતાનો સંબંધ નથી હોતો. સાર્ત્ર પણ જણાવે છે કે જગત માટેનો પર્યાપ્ત આધાર દર્શાવી શકાય તેવો બુદ્ધિવાદી અભિગમ અસ્વીકાર્ય છે. જગત ઍબ્સર્ડ છે. આમ, અસ્તિત્વવાદીઓ માનવઅસ્તિત્વને કેન્દ્રમાં રાખીને ચિંતન શરૂ કરે છે, પણ તેઓ કોઈ ને કોઈ રીતે મનુષ્યની સમક્ષ જે દૃશ્યમાન છે તેનાથી વિશેષ એવા સત્નો સ્વીકાર કરે છે. એ સત્ વધારે મૂલ્યવાન છે એવું સાર્ત્ર સ્વીકારતા નથી. યાસ્પર્સ, હાયડેગર કે પોન્તીના સત્-નિરૂપણમાંથી પણ સત્નાં કોઈ ઉચ્ચ કોટિનાં લક્ષણો જાણી શકાતાં નથી. આમ, અસ્તિત્વવાદીઓની સત્-વિચારણા અન્ય ફિલસૂફોથી ભિન્ન પ્રકારની છે. તે કેવળ ભૌતિકવાદી કે અધ્યાત્મવાદી પણ નથી. યાસ્પર્સ, હાયડેગર, સાર્ત્ર, મારસલ કે મારલો પોન્તીનાં સત્વિષયક વર્ણનો જોતાં તેમાં આપણને અંતિમ સતનાં કોઈ પણ પ્રકારનાં આધ્યાત્મિક કે કેવળ ભૌતિક લક્ષણો જોવા મળતાં નથી. સાર્ત્રના વસ્તુરૂપ સતનાં લક્ષણો કોઈ રીતે પ્રેરણાદાયી નથી. ઈશ્વરવાદીઓએ જે ઈશ્વર સ્વીકાર્યો છે તે પણ મનુષ્યથી અત્યંત ભિન્ન છે અને તેની કૃપા ઉપર ઘણું નિર્ભર છે તેમ જણાય છે. ઈશ્વર કે સત્ કે સ્વતત્વ તર્કબુદ્ધિના પ્રમાણથી, શાસ્ત્રપ્રમાણથી કે પ્રત્યક્ષપ્રમાણથી તો સ્થાપી શકાય જ નહિ, તે ઘણા બિનઅસ્તિત્વવાદીઓેએ પણ દર્શાવ્યું છે. પણ અસ્તિત્વવાદીઓની લાક્ષણિકતા એ છે કે તેઓ તર્કબુદ્ધિ કે શાસ્ત્રપ્રમાણ સ્વીકારતા નથી. તેમ છતાં તેના વિકલ્પે કોઈ ગૂઢ અનુભવ કે અતીન્દ્રિય પ્રત્યક્ષ કે અપરોક્ષાનુભૂતિની પણ વાત કરતા નથી. પ્રતિભાસ મીમાંસા(phenomenology)થી હુસેર્લ મૂળગામી અહમ્ કે શુદ્ધ અહમ્ સુધી પહોંચી ગયા તે પણ હુસેર્લની પ્રતિભાસ મીમાંસાપદ્ધતિ સ્વીકારનાર હાયડેગર, સાર્ત્ર કે પોન્તીને મંજૂર નથી. આમ, મનુષ્યના અસ્તિત્વની મૂળભૂત પરિસ્થિતિનું વર્ણન અને અર્થઘટન કરીને તેની સત્-અભિમુખતા કે સત્ પ્રત્યેનું ખુલ્લાપણું દર્શાવીને સતનું વિશિષ્ટ પ્રકારનું નિરૂપણ કરવામાં અસ્તિત્વવાદીઓ અન્ય ચિંતકોથી અત્યંત ભિન્ન જણાય છે. જોકે તેમની મનુષ્યના જગતમાં હોવાપણાની વિભાવના અત્યંત ફળદાયી જણાય છે.
સાહિત્ય અને કલાના સંદર્ભમાં અસ્તિત્વવાદ(existentialism)ને વિચારીએ ત્યારે આપણે બે બાબતો જુદી પાડવી જોઈએ : (1) જુદા જુદા સર્જકોની કૃતિઓમાં અસ્તિત્વવાદી વિચારવિષયો(themes)નું નિરૂપણ જેમકે અસ્તિત્વની અર્થહીનતા કે વ્યર્થતા (absurdity), તેની આકસ્મિકતા કે પરાયત્તતા, માનવસંબંધોની અપારદર્શકતા, ઈશ્વરની ગેરહાજરીમાં માનવમૂલ્યોના અંતિમ આધારનો અભાવ, મનુષ્યનું એકલવાયાપણું કે અન્યથી અળગાપણું, મૃત્યુના સંદર્ભમાં અસ્તિત્વના અર્થવિલયનો પ્રશ્ન વગેરે વિચારવિષયોનું નિરૂપણ ખાસ કરીને નવલકથા કે નાટકો દ્વારા કલાત્મક રીતે થયું છે કે કેમ તેનો વિચાર કરવો એ એક બાબત છે, પરંતુ (2) અસ્તિત્વવાદી સર્જકો અને ચિંતકોએ સાહિત્યનાં સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને ઉપયોગો અંગે જે મીમાંસા રજૂ કરી હોય તેનો વિચાર કરવો એ બીજી બાબત છે. દા.ત., સાર્ત્ર કે કામૂ(Camus)નો સાહિત્યવિચાર કે તેમની સૌંદર્યમીમાંસા (aesthetics) સમજવાનો પ્રયત્ન કરવો તે બાબત અને સાર્ત્ર અને કામૂની કે અન્યની કૃતિઓમાં અસ્તિત્વવાદી વિષયોની કલાસામગ્રી તરીકે માવજતનો વિચાર કરવો તે બાબત એકબીજાથી વિભાવનાની દૃષ્ટિએ (conceptually) ભિન્ન છે.
(1) ઓગણીસમી સદીમાં દોસ્તોએવ્સ્કીની નવલકથાઓ ‘ધ ઇડિયટ’ (1869), ‘ધ બ્રધર્સ કારામાઝોવ’ (188૦), અને ‘ક્રાઇમ ઍન્ડ પનિશમૅન્ટ’(1886)નાં પાત્રોમાં પ્રતીત થતી વ્યક્તિગત આદર્શો, સામાજિક મૂલ્યો, અનિષ્ટ, ઈશ્વર અંગેની મૂંઝવણો અને સ્વ-ત્વની શોધ વગેરે બાબતોમાં કેટલાક અસ્તિત્વલક્ષી વિચારવિષયોનું નિરૂપણ થયેલું છે. ‘જો ઈશ્વર નથી તો હું ઈશ્વર છું’, ‘જો ઈશ્વર છે તો બધું તેની ઇચ્છા મુજબ છે અને હું તેમાંથી છટકી શકું નહિ’, ‘જો ઈશ્વર નથી તો બધું મારા સંકલ્પ થકી છે’ – વગેરે મતલબનાં વિધાનો દ્વારા દોસ્તોએવ્સ્કી ઈશ્વર અને અનિષ્ટની સમસ્યા ઉપર પ્રકાશ પાડે છે.
(૨) ફ્રાંઝ કાફકાની કૃતિઓ ‘ધ ટ્રાયલ’ અને ‘ધ કાસલ’ દ્વારા પણ ભાવકોને જગતની વ્યર્થતાનો, તેની વિચિત્રતાઓ અને તેથી ઉદભવતી નિરાશાનો અનુભવ થાય છે. જગત અગમ્ય અને દુર્બોધ તો છે જ, પરંતુ માનવીની અકારણ દુષ્ટતા પણ એટલી જ અકળાવનારી જણાય છે. ઈશ્વરની ઝંખના અને તેની ગેરહાજરી એ બંનેના સંયોજનથી ઉદભવતી મન:સ્થિતિ વ્યક્તિ માટે અત્યંત અકળાવનારી જણાય છે. કાફકામાં અસ્તિત્વવાદી વિચારવિષયો ઉપરાંત ગૂઢાનુભવવાદ કે રહસ્યવાદ(mysticism)નાં કેટલાંક તત્વો પણ જોઈ શકાય છે : ‘‘જેને શ્રદ્ધા છે તે શ્રદ્ધાની વ્યાખ્યા આપી શકતો નથી અને જે શ્રદ્ધા રાખતો નથી તે તેની વ્યાખ્યા આપે છે’’, ‘‘જિંદગી જાણે કે એક કાયમી પ્રતીક્ષા બની ગઈ છે.’’ શ્રદ્ધાની તંગદિલી અને ખેંચાણના કિર્કગાર્ડના અનુભવને કાફકાનાં આ પ્રકારનાં વિધાનો નવી રીતે વ્યક્ત કરે છે.
(૩) આલ્બેર કામૂ (1913-196૦) તેમની કૃતિ ‘ધ મિથ ઑવ્ સિસિફસ’(1942, 1945)માં જીવનની અસંગતતા કે અર્થહીનતા(absurdity)નું નિરૂપણ કરે છે. ‘ઍબ્સર્ડ’ની અનુભૂતિ અસ્તિત્વની કક્ષાએ છ રીતે થાય છે :
(i) માણસનાં મૂલ્યો પ્રત્યે કુદરતની અલિપ્તતા;
(ii) મૃત્યુની અનિવાર્યતા;
(iii) જીવનના ઘરેડરૂપ દૈનિક ઉપક્રમની વ્યર્થતાનું તીવ્ર ભાન;
(iv) જીવનના અમુક તબક્કે વ્યક્તિને પોતાની કાળગ્રસ્ત જિંદગીનું અચાનક થતું ચોંકાવનારું ભાન – વ્યક્તિને કાળના પ્રવાહમાં પોતે ઘસડાઈ રહ્યાનો થતો અનુભવ;
(v) અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં પરાયાપણાનો થતો અનુભવ;
(vi) પોતાની જાત પ્રત્યે પણ અપરિચિતતાનો અને પરાયાપણાનો અનુભવ.
જગત પોતે માત્ર છે જ. તે પોતે ‘ઍબ્સર્ડ’ નથી, પણ જગતને તર્કબુદ્ધિગ્રાહ્ય બનાવવાની મનુષ્યની ઝંખના અને જગતની અંતિમ અબુદ્ધિગમ્યતા વચ્ચેનો મુકાબલો ‘ઍબ્સર્ડ’ના મૂળમાં છે. ઍબ્સર્ડની સામે આપઘાતની પ્રતિક્રિયા – શારીરિક કે તાત્વિક આપઘાતની પ્રતિક્રિયા – કામૂને આવશ્યક લાગતી નથી. આપઘાત એ તો -‘ઍબ્સર્ડ’ પ્રત્યે શરણાગતિની પ્રતિક્રિયા છે. ઍબ્સર્ડને સ્વીકારતો મનુષ્ય આશ્વાસન વગર, ભ્રમણા વગર, બચાવ વગર, શ્રદ્ધા વગર અને પોતાનાં મૂલ્યોના કોઈ પારગામી કે અતિક્રામક (transcendental) આધાર વગર જીવે છે. ઈશ્વર વગર પણ મનુષ્ય સંત બની શકે છે તેવું કામૂ માને છે. જગતને કોઈ અંતિમ અર્થ નથી, છતાં મનુષ્ય દમન, અન્યાય, ક્રૂરતા, સ્વાર્થ અને અત્યાચાર સામે વિદ્રોહ (revolt) કરી શકે છે. વિદ્રોહ દ્વારા તે મૂલ્ય સ્થાપે છે. જે માણસ અન્યાય કે દમન સામે વિદ્રોહ કરે છે તે પોતાના વિપ્લવ દ્વારા ન્યાય અને સ્વાતંત્ર્યનાં મૂલ્યો સ્થાપે છે. વૈશ્વિક અસંગતતા(cosmic absurdity)ની સાથે નૈતિક આદર્શવાદ કામૂની દૃષ્ટિએ સ્વીકાર્ય છે.
નાઝીવાદ, ફાસીવાદ, સ્ટાલિનવાદ અને ખ્રિસ્તી પંથની વિચારધારાઓ(ideologies)નો સાર્ત્રની જેમ કામૂ અસ્વીકાર કરે છે. ક્રાંતિઓ-(revolutions)નું પરિણામ દમન, શોષણ અને અન્યાયમાં જ આવ્યું છે. ઇતિહાસને નામે, ભાવિ સમાજને નામે કે ઈશ્વરને નામે અધિકારવાદી અને સરમુખત્યાર શાસનોએ ન્યાય અને સ્વાતંત્ર્યનાં મૂલ્યોનો ભોગ લીધો છે તેવું ‘ધ રેબેલ’ નામના નિબંધમાં કામૂ દર્શાવે છે. જોકે કામૂ બુઝર્વા લોકશાહીની નબળાઈઓ અને નિષ્ફળતાથી પણ ખૂબ વ્યથિત થયા હતા. રૂપકાત્મક (allegorical) નાટક ‘સ્ટેટ ઑવ્ સીજ’માં કામૂ મનુષ્યની પરિમિતતા, નબળાઈ, ડરપોકપણું અને સહનશક્તિની સીમાઓનો નિર્દેશ કરે છે. ‘ધ પ્લેગ’ નવલકથામાં ઈશ્વરના અભાવમાં પણ મનુષ્ય સંત બની શકે કે કેમ તે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. સાચા અર્થમાં મનુષ્ય બની શકાય તે પણ કામૂની દૃષ્ટિએ ઉત્તમ આદર્શ છે. ‘ધ સ્ટ્રેન્જર’ નવલકથામાં ‘ઍબ્સર્ડ’ અને ‘રિવોલ્ટ’ના પ્રશ્નની અત્યંત કલાત્મક માવજત કરવામાં આવી છે. ઍબ્સર્ડનો સ્વીકાર કરવો અને તેનો સામનો કરવો એ બંને વચ્ચેના સંઘર્ષની તંગદિલી અને બેચેની કામૂની કૃતિઓમાં વ્યક્ત થાય છે. ‘ધ ફૉલ’ નવલકથા દ્વારા કામૂ ઍબ્સર્ડ સામેના વિદ્રોહનાં કેટલાંક નિષ્ફળ સ્વરૂપો રજૂ કરે છે. વિદ્રોહમાં ઇન્કાર અને સ્વીકાર બંને તત્ત્વો વચ્ચે દ્વંદ્વાત્મક સંઘર્ષ છે. તેમાંનું એક સંપૂર્ણ રીતે પ્રભાવક બને તો વિદ્રોહના મૂળ તત્વનો જ વિલય થાય છે તેવું કામૂ ‘ધ ફૉલ’ દ્વારા સ્પષ્ટ કરે છે. કોઈ પણ પ્રકારના મૂલ્યના નિરપેક્ષવાદ(absolutism)નો કામૂ અસ્વીકાર કરે છે. તમામ આધુનિક ક્રાંતિઓએ રાજ્યને જ મજબૂત કર્યું છે અને ઈશ્વરને સ્થાને રાજ્યને મૂકીને નિરપેક્ષવાદ તરફ ક્રાંતિઓ સહુને દોરી ગઈ છે તેવું કામૂએ ‘ધ રેબેલ’માં સ્પષ્ટ કર્યું છે. કામૂ માર્ક્સવાદનો અસ્વીકાર કરે છે.
(4) ફ્રેંચ અસ્તિત્વવાદી સાહિત્યકાર સાર્ત્રની પાંચ ટૂંકી વાર્તાઓમાં ‘ધ વૉલ’માં મૃત્યુની, ‘ધ રૂમ’માં પાગલપણાની, ‘ઇન્ટિમસી’માં આત્મપ્રપંચની, ‘હેરાસ્ટ્રેટસ’માં માનવવાદ અને તેના વિરોધની તેમજ ‘ધ ચાઇલ્ડહુડ ઑવ્ અ લીડર’માં અસ્તિત્વની વ્યર્થતાથી બચવા માટે હક્કોની દુનિયા(world of rights)નો આશ્રય લેવાની વિવિધ અસ્તિત્વવાદી ઘટનાઓની રજૂઆત થઈ છે. ‘નૉસિઆ’ નવલકથામાં અસ્તિત્વની બેફામ અધિકતાથી ઉદભવતી વ્યક્તિની અસ્તિત્વલક્ષી અકળામણ અને તાત્ત્વિક માંદગીની સ્થિતિનું સુંદર કલાત્મક નિરૂપણ થયું છે. મનુષ્ય કે જગતનું અસ્તિત્વ અફલિત, આકસ્મિક, આધારહીન, નિરર્થક અને વ્યર્થ છે : આ પ્રતીતિ સામેની પ્રતિક્રિયા એ છે કે દરેકે પોતાના જીવનનો અર્થ જાતે નિશ્ચિત કરવાનો છે અને તેનું પણ કોઈ ઔચિત્ય દર્શાવી શકાતું નથી. ‘ધ રોડ્ઝ ટુ ફ્રીડમ’ એ શીર્ષક હેઠળની ત્રણ નવલકથાઓ અસ્તિત્વની અફલિતતા, પસંદગીનું સ્વાતંત્ર્ય, સ્વાતંત્ર્યની ચિંતા વગેરે વિષયો ઉપર પ્રકાશ પાડે છે. તેમાં બીજા વિશ્વયુદ્ધનો સંદર્ભ લેવામાં આવ્યો છે. તેમાં માનવસંબંધોની અપારદર્શકતા, આત્મવંચના અને માનવચેતનાની અતિક્રામકતા-(transcendence)નું નિરૂપણ થયું છે. ‘ધ ફ્લાઇઝ’ એ નાટકમાં ઈશ્વરના અભાવમાં સ્વાતંત્ર્ય અને મૂલ્યનો આધાર મનુષ્ય પોતે જ છે તે બાબત સ્પષ્ટ કરવામાં આવી છે. ‘ઇન કૅમેરા’ નાટક માનવસંબંધોમાં સંઘર્ષની, આત્મપ્રપંચની ઘટનાની કલાત્મક રજૂઆત કરે છે. ‘મૅન વિધાઉટ શૅડો’ બીજા વિશ્વયુદ્ધની પ્રતિકારચળવળ વિશેનું નાટક છે. રાજકારણમાં સાધ્ય-સાધનસંબંધની સમસ્યા ઉપર ‘ક્રાઇમ પાસિઓનેલ’ એ નાટક પ્રકાશ પાડે છે. ‘લ્યૂસિફર ઍન્ડ લૉર્ડ’ અસ્તિત્વલક્ષી નૈતિકતાનું નિરૂપણ કરતું નાટક છે.
સાર્ત્રે ટૂંકી વાર્તા, નવલકથાઓ અને નાટકો ઉપરાંત બોદલેર ઝ્યાં જેનેના અને ફ્લૉબેરનાં જીવનવૃત્તાંતો અને ‘વર્ડ્ઝ’ એ શીર્ષકની આત્મકથા પણ લખી છે.
સાર્ત્ર, કામૂ અને હાયડેગરે કરેલી સાહિત્યકલાની મીમાંસાના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે :
(1) સામ્રાજ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ, સંસ્થાનવાદ (colonialism), વંશલક્ષી પૂર્વગ્રહો (racism) અને બુઝર્વા માનસના સાર્ત્ર કટ્ટર વિરોધી હતા. સ્ટાલિનવાદી રશિયન સરમુખત્યારીના વિરોધી હોવા છતાં માકર્સવાદી ઝોકવાળી ડાબેરી વિચારસરણીના તેઓ પક્ષકાર રહ્યા હતા. આ સંદર્ભમાં એટલે કે એક પ્રતિબદ્ધ બુદ્ધિજીવી તરીકે સાર્ત્ર ‘કલા ખાતર કલા’નો સિદ્ધાંત સ્વીકારતા નથી. ‘વ્હૉટ ઇઝ લિટરેચર ?’ એ નિબંધમાં તેઓ દર્શાવે છે કે કોઈ વ્યક્તિ જગત વિશે અજાણ રહે અને પોતે નિર્દોષ છે તેમ કહેવાનું તેને એ કારણ પ્રાપ્ત થાય તેવી સ્થિતિ લેખકે ઉત્પન્ન કરવી ન જોઈએ. એટલે કે સર્જકનું કાર્ય ભાવકને સામાજિક રીતે જાગ્રત કરવાનું છે. સર્જક જગતનું સાહિત્યિક નવસર્જન કરે છે અને ભાવકને તેમાં ભાગીદાર થવાનું આહવાન આપે છે. જગતની અફલિતતા અને આકસ્મિકતામાંથી સર્જક કલા દ્વારા ઊગરી શકે છે. સાર્ત્રને પાછળથી એમ જણાયું કે નવલકથા કે સાહિત્યસર્જન પણ અન્યાય, દમન અને વ્યાપક ભૂખમરાની ઘટનાઓ સામે વ્યર્થ જણાય છે.
સર્જક લેખનકાર્ય દ્વારા વાચકના સ્વાતંત્ર્યનો સ્વીકાર કરે છે અને વાચક પુસ્તક વાંચવાના કાર્યથી જ સ્વાતંત્ર્યને સ્વીકારે છે. તેથી કલાકૃતિ આખરે તો માનવસ્વાતંત્ર્યમાં શ્રદ્ધા રાખવાનું જ કાર્ય બની જાય છે. મુક્ત સર્જક મુક્ત ભાવકને સંબોધન કરે છે ત્યારે તેમનો વિષય એક જ હોઈ શકે – માનવસ્વાતંત્ર્ય. લોકશાહીમાં જ ગદ્યલેખકની પ્રવૃત્તિને અર્થ પ્રાપ્ત થાય છે. સમાજ શાશ્વત અને અફર છે તેવી માન્યતાને લીધે મધ્યયુગમાં સારું સાહિત્ય સરજાઈ શક્યું નહિ. અઢારમી સદીમાં ફ્રાંસમાં ઉત્તમ સાહિત્ય એટલા માટે સરજાયું કે તેણે ઉત્કર્ષ પામવા માગતા વર્ગોની ઝંખનાને વાચા આપી. સાહિત્ય એ નિત્ય ક્રાંતિ કરી રહેલા સમાજનું આત્મભાન છે. સ્ટાલિનવાદી રાજનીતિ સર્જકના સ્વાતંત્ર્યને વિઘાતક નીવડે છે. ગુલામીને પક્ષે કોઈ ઉત્તમ સાહિત્ય સર્જી શકાય નહિ. પ્રગતિવાદી રાજકારણનો સર્જકે (ગદ્યલેખકે) પક્ષ લેવો જ પડે તેમ સાર્ત્ર માને છે. સાર્ત્ર આ રીતે પ્રતિબદ્ધ સાહિત્ય(committed literature)નો સિદ્ધાંત રજૂ કરે છે. બુઝર્વા કે ભદ્રવર્ગના વિશેષાધિકારોને પોષ્યા કરતું સાહિત્ય સાર્ત્રને માન્ય નથી. અલબત્ત, સાર્ત્ર કવિતા માટે પ્રતિબદ્ધતા કે સામાજિક જવાબદારીનાં કાર્યોની અપેક્ષા રાખતા નથી. સર્જનપ્રક્રિયાના સંદર્ભમાં સાર્ત્ર ભાવકપક્ષનું મહત્વ સ્વીકારે છે તે બાબત સમકાલીન ભાવકલક્ષી સૌંદર્યમીમાંસા(reception aesthetics)ની દૃષ્ટિએ મહત્વની છે. ભાવક કૃતિના ઘડતરનો એક ભાગ છે. દરેક કૃતિ કોઈકને માટે લખાયેલી છે. સાર્ત્ર આ રીતે ‘રિસેપ્શન’ સિદ્ધાંત રજૂ કરે છે.
(2) કામૂ ‘ધ રેબેલ’માં કલામીમાંસા રજૂ કરતાં દર્શાવે છે કે કલાકાર વાસ્તવિકતાનો સંપૂર્ણ ઇન્કાર કરી શકે નહિ અને તેનો સંપૂર્ણ સ્વીકાર પણ કરી શકે નહિ. સાર્ત્ર કરતાં કામૂનો અભિગમ કલાના કાર્યની બાબતમાં ભિન્ન છે. ક્રાંતિની સેવામાં જ કલા સાર્થક છે તેવું કામૂ સ્વીકારતા નથી. ક્રાંતિ નહિ, પણ વિદ્રોહ(rebellion)ના પક્ષે કલાનું મહત્વ કામૂ સમજાવે છે; કારણ કે વિદ્રોહમાં સ્વીકાર અને ઇન્કાર વચ્ચેની તંગદિલી (tension) રહેલી છે, જ્યારે ક્રાંતિમાં સંપૂર્ણ અસ્વીકારનું તત્વ છે. નવલકથામાં વાસ્તવિકતાનો ઇન્કાર તો છે જ, પણ તેને ક્રાંતિકારીઓ કેવળ મિથ્યા બચાવવૃત્તિ ગણે છે, તે કામૂને માન્ય નથી. નવલકથા વાસ્તવનું કેવળ પ્રતિબિંબ નથી, પણ તેનું રૂપાંતર છે. નવલકથા એક અર્થમાં વિદ્રોહની સંવેદનશીલતાને વાચા આપે છે. કેવળ રૂપનિર્માણલક્ષી (formalist) કલા અને કેવળ વાસ્તવલક્ષી (realist) કલાને કામૂ નિરર્થક ગણે છે. વાસ્તવથી તદ્દન નિયંત્રિત થતી કલાના અભિગમને કામૂ સરમુખત્યારી કલામીમાંસા (totalitarian aesthetics) ગણે છે. કામૂ નિરપેક્ષ સ્વાતંત્ર્યના પક્ષકાર નથી, કારણ કે નિરપેક્ષ સ્વાતંત્ર્ય ત્રાસવાદી સ્વાતંત્ર્ય બની જાય છે. ‘ધ બ્રધર્સ કારામાઝૉવ’ નવલકથામાં દૉસ્તોયેવ્સ્કીએ ઇવાનનો વિદ્રોહ દર્શાવ્યો છે, તેમ કામૂ માને છે, પરંતુ ઈશ્વરનો અસ્વીકાર કરીને નિરપેક્ષ ન્યાય (absolute justice) શોધવાનો ઇવાનનો પ્રયાસ પણ વિદ્રોહની નિષ્ફળતા છે તેમ કામૂ માને છે. ઍબ્સર્ડનો સ્વીકાર કરીને કિર્કગાર્ડ, યાસ્પર્સ કે શેસ્ટૉવની જેમ કોઈ પારગામી કે અતિક્રામક તત્વનો સ્વીકાર કરવા કામૂ તૈયાર નથી. તે સંદર્ભમાં ઈશ્વરવિહોણા અને નિરપેક્ષ મૂલ્ય કે સત્ય વગરના જગતનો સ્વીકાર કરનાર નીત્શેથી કામૂ સાર્ત્રની જેમ વિશેષ પ્રભાવિત થયા જણાય છે.
(૩) સાર્ત્ર અને કામૂ કરતાં હાયડેગરની કલામીમાંસા જુદી પડે છે, કારણ કે હાયડેગરનો અભિગમ સત્પરાયણ (ontological) છે; કલાનાં સામાજિક કાર્યોની મીમાંસા તેમણે કરી નથી. હાયડેગરના મત મુજબ મનુષ્ય અને જગત વચ્ચે સંવાદ(dialogue)નો સંબંધ છે, તેથી બોલવા કરતાં સાંભળવું વધુ સન્માનનીય પ્રવૃત્તિ છે. ભાષા માત્ર પ્રત્યાયન કે સંપ્રેષણ(communication)નું સાધન નથી. તે સતનું અનાવરણ પણ કરે છે. હાયડેગર માને છે કે વસ્તુને તેના સાધનરૂપી પરિચિત ઉપયોગથી સ્વતંત્ર રીતે વિચારીએ, ત્યારે ત્યારે વસ્તુનું કેવળ હોવાપણું આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. વિન્સેન્ટ વાન ગૉઘનું ‘પગરખાંની જોડ’ (a pair of shoes) એ ચિત્ર વસ્તુના ઉપયોગથી મુક્ત એવું હોવાપણું પ્રેક્ષક સમક્ષ ધરી દે છે. કલામાં આ રીતે રૂપવાદ (formalism)- પ્રતિપાદિત અપરિચિતતાપ્રદાન(defamiliarizati-on)નું તત્વ હાઇડેગર સ્વીકારે છે. કલાને કે ભાષાને સર્જકની અંગત અભિવ્યક્તિ તરીકે ઘટાવવાને બદલે સર્જકના માધ્યમ દ્વારા થતા સત્ કે સત્યના આવિષ્કાર તરીકે તેઓ તેને જુએ છે. હાયડેગર પોતાના ચિંતનને સત્ની અર્થઘટનમીમાંસા (hermeneuties of being) તરીકે ઓળખાવે છે. માનવકેન્દ્રી સાર્ત્રસમર્થિત અસ્તિત્વવાદનો અસ્વીકાર કરનાર હાયડેગરના ઉત્તરકાલીન ચિંતનમાં મનુષ્ય કરતાં સતનો વિચાર વધુ મહત્વનો બની રહ્યો છે.
કૃતિ કે ચિત્ર કે કલાપદાર્થ પ્રત્યે, તેના સત્ પ્રત્યે, ભાવકે ખુલ્લી અભિમુખતા રાખીને, તેને જ કહેવા દેવું જોઈએ. સત્ મનુષ્ય સમક્ષ પ્રગટે છે અને તેનાથી છુપાયેલું પણ રહે છે. મનુષ્યે સતની પ્રતીક્ષા કરવાની છે. સતનો સાદ સાંભળવા મનુષ્યે તૈયાર રહેવાનું છે. પણ તેને અંગે કોઈ ખાતરી આપી શકાય નહિ. હાયડેગરે હોલ્ડરલિન, રિલ્કે વગેરે સર્જકોનો અભ્યાસ કરીને કાવ્યાત્મક ચિંતન અને સતલક્ષી ચિંતનનો સંબંધ જોડ્યો છે. કવિ સતની વધારે નજીક છે, કવિ સમક્ષ સત્ પોતે પ્રકાશિત થાય છે. ભાષા એક અર્થમાં પરિમિત વસ્તુ (finite being) પ્રસ્થાપિત કરે છે, પણ બીજા અર્થમાં પરિમિત વસ્તુના પ્રસ્થાપન દ્વારા સત્ પોતે જ ભાષા સમક્ષ પ્રકાશિત થાય છે. ભાષા ‘સતનું નિવાસસ્થાન’ છે. કવિ પરિમિત વસ્તુઓની પરિમિતતાને પારદર્શક બનાવીને સત્ પ્રત્યે આપણને અભિમુખ કરે છે. હાયડેગરે પોતે કેટલાંક કાવ્યો 1947માં પ્રકાશિત કર્યાં છે. હોલ્ડરલિને કહ્યું કે આપણે પોતે સંવાદ કે વાતચીત સ્વરૂપે અસ્તિત્વમાં છીએ. હાયડેગર માટે ભાષા મનુષ્યનું હાર્દ છે. હાયડેગરની ઉત્તરકાલીન કૃતિઓમાં કવિતાનું મહતેવ તત્વચિંતન કરતાં પણ વધારે જણાય છે. સત્નું સત્ય કલામાં કાર્યશીલ થાય છે એમ હાયડેગર માને છે. કલાકૃતિ સત્ના રહસ્યનું, મનુષ્યની પરિમિતતાનું, જગતના જગતપણાનું અને શબ્દના શબ્દપણાનું અનાવરણ કરે છે.
મધુસૂદન બક્ષી