માળવી, નટવરલાલ મૂળચંદ (જ. 30 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 16 એપ્રિલ 1973, સૂરત) : ગાંધીયુગના વિદ્વાન લેખક, સાહસિક પત્રકાર તથા પ્રકાશક અને અનુવાદક. પિતા મૂળચંદ ઘેલાભાઈ મહેતા. પિતાના વીમાના વ્યવસાયને લીધે તેઓ વીમાવાળા કહેવાયા. પાછળથી નટવરલાલે તેમની અટક બદલીને ‘માળવી’ રાખી. તેમના પિતાએ ગુજરાતી-અંગ્રેજી પદ્યરચનાઓ કરેલી.
તેમની શાળા-કારકિર્દી પ્રથમ કક્ષાની હતી. તે દરમિયાન તેઓ સતત ઇનામો-શિષ્યવૃત્તિઓ મેળવતા રહ્યા. મુંબઈની વિલ્સન, સૂરતની એમ. ટી. બી. અને પુણેની ફર્ગ્યુસન કૉલેજોમાં અભ્યાસ. ગાંધીજીના પ્રભાવ હેઠળ કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1922માં ત્યાંથી નીકળી બારડોલી સત્યાગ્રહમાં જોડાવા અભ્યાસ છોડ્યો અને પછી સાહિત્ય-પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું.
તેઓ નાનપણથી જ સાહિત્યનાં સ્વપ્નાં સેવતા. 12–13 વર્ષની ઉંમરે લેખનકાર્યનો પ્રારંભ, ‘સુંદરીસુબોધ’માં લેખો તથા કાવ્યો, ‘ગુજરાતી’માં ચર્ચાપત્રો તથા ‘વાર્તાવારિધિ’માં વાર્તાઓ લખવી શરૂ કરી. ગાંધીજીના રાજકારણમાં પ્રવેશની સાથે જનતામાં ચેતના જગાડવા તેમણે તથા તેમના મોટા ભાઈ ઈશ્વરલાલે મળીને 1922માં છાપખાનું શરૂ કરી, ‘બૉમ્બયુગનું બંગાળા’ નામનું પુસ્તક તથા 1923માં ‘તોપ’ અને ‘ગાંડીવ’ જેવાં અઠવાડિકો પ્રકટ કરીને ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યને ગજવી મૂક્યાં. નટવરલાલની કલમ જુસ્સાદાર અને તેજસ્વી હતી. ‘તોપ’માં વિનોદરસિક સાહિત્ય પીરસતા. તે પાછળથી ‘ગાંડીવ’ બાલસાહિત્યનું પ્રકાશન બન્યું. તેની ‘ગાંડીવના બાલસાહિત્ય’ તરીકે વિશિષ્ટ છાપ ઊપસેલી.
બંને ભાઈઓએ સાથે રહીને મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપટેની ડિટેક્ટિવ નવલકથાનો ‘શિરહીન શબ’નામે અનુવાદ પ્રકટ કર્યો. ત્યારબાદ રાખાલદાસ બંદ્યોપાધ્યાયની બંગાળી નવલકથા પરથી ‘સોનેરી શિર’; બારીન્દ્ર ઘોષનાં પુસ્તકો પરથી ‘બૉમ્બયુગનું બંગાળા’ અને ‘હાય આસામ’; હેમંતકુમાર સરકાર, શચીન્દ્ર સાન્યાલ તથા ભૂપેન્દ્રનાથ દત્તનાં પુસ્તકો પરથી અનુક્રમે ‘કલકત્તાનો કારાયુગ’, ‘પંજાબનું પ્રચંડ કાવતરું’ તથા ‘બંગાળનો બળવો’ જેવાં વિપ્લવી પુસ્તકો ગુજરાતીમાં પ્રકટ કર્યાં. ‘ગાંડીવ સાહિત્ય મંદિર’ શરૂ કરી માત્ર સેવાવૃત્તિથી ગાંધીજીનાં કેટલાંક પુસ્તકો પ્રકટ કર્યાં. આમ પરભાષાઓના અનેક ગ્રંથોના સુવાચ્ય અનુવાદ તેમણે આપ્યા છે.
તેઓ અંગ્રેજી, બંગાળી, મરાઠી, હિંદી વગેરે ભાષાઓના જાણકાર હતા. ભાષાશાસ્ત્રના વિષયમાં પણ તેઓ ઊંડા ઊતર્યા હતા તેમણે જીવનપર્યંત શબ્દાર્થની રસિકતા દાખવી. તેઓ ‘મુંબઈ સમાચાર’માં નિયમિતપણે લખતા હતા. તેઓ વિદ્યાના સતત ઉપાસક રહેલા. એમનો ગ્રંથપ્રેમ અનોખો હતો. એમનું ઘર એક સુંદર પુસ્તકાલય બની રહ્યું હતું. તેમની રહેણીકરણી ને આચાર-વિચારોમાં ગાંધીયુગની છાપ સ્પષ્ટપણે વરતાતી હતી. એમને હિંદુ, પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી – એમ સર્વ વર્ગના મિત્રો હતા. ઘણા સાક્ષરો અને સાહિત્યકારોનો એમને ત્યાં મેળો જામતો હતો.
બળદેવભાઈ કનીજિયા