માલ્પીઘી, માર્સેલો (જ. 1628, ઇટાલી; અ. 1694, રોમ, ઇટાલી) : સૂક્ષ્મદર્શક વડે સૌપ્રથમ વનસ્પતિ તેમજ શારીરિક રચનાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરનાર જીવવિજ્ઞાની. તેઓ જન્મ્યા એ અરસામાં સંયુક્ત સૂક્ષ્મદર્શક(compound microscope)ની શોધ થઈ હતી, જેમાં પ્રતિબિંબોના આવર્ધન માટે બે આવર્ધક લેન્સોની ગોઠવણ થયેલી હતી. એ ગોઠવણથી સૂક્ષ્મદર્શકની ગુણનક્ષમતા વધતી હોય છે. માલ્પીઘીએ તેનો પૂરેપૂરો લાભ લીધો અને પોતાની જિંદગી દરમિયાન શારીરિક રચના(anatomy)ના શાસ્ત્રીય અધ્યયન-ક્ષેત્રે નોંધપાત્ર માહિતી ભેગી કરી.
વિલિયમ હાર્વેએ ઈ. સ. 1628માં જણાવ્યા પ્રમાણે માનવહૃદય પમ્પ કરીને રુધિરને ધમની દ્વારા શરીરના વિવિધ ભાગોને પહોંચાડે છે, જ્યારે શિરા વાટે રુધિર હૃદયમાં એકઠું થાય છે; પરંતુ હાર્વે ધમનીમાંનું રુધિર શિરાઓમાં કઈ રીતે પ્રવેશે છે તે વિશે સાવ અજાણ્યા હતા. માલ્પીઘી સૂક્ષ્મદર્શકની મદદથી કેશવાહિનીઓને નિહાળી શક્યા અને તેમણે જણાવ્યું કે કેશવાહિનીઓ એટલે ધમનીને શિરા સાથે જોડનારી કડીરૂપ રુધિરવાહિનીઓ. આમ કેશવાહિનીઓની શોધ થતાં હાર્વેના સિદ્ધાંતને સમર્થન પ્રાપ્ત થયું.
માલ્પીઘી રુધિરમાં લાલ કણો (red blood corpuscles) જોઈ શક્યા અને રુધિરનો લાલ રંગ એ લાલ કણોને આભારી છે તેવું પ્રતિપાદન કર્યું, જે પછી સાચું પુરવાર થયું છે.
રુધિરતંત્ર ઉપરાંત સૂક્ષ્મદર્શકની મદદથી મગજ, મૂત્રપિંડ, યકૃત, હાડકાં, સ્વાદકલિકા ત્વચા જેવાં અંગોનું પણ તેમણે સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. તેમની શોધના સન્માનમાં આજે પણ સસ્તનોના મૂત્રપિંડોના ભાગરૂપે આવેલ ઉત્સર્ગ-ઘટકના આગલા ભાગને માલ્પીઘી-કાય (Malpighian capsule) અને ત્વચાના નીચલા સ્તરને માલ્પીઘી-સ્તર કહે છે; વળી કીટકોનાં ઉત્સર્ગ-અંગો માલ્પીઘી-નલિકાઓ (Malpighian tubules) તરીકે ઓળખાય છે.
માલ્પીઘીએ મરઘીના ગર્ભવિકાસનો અભ્યાસ પણ કર્યો હતો. રેશમના કીડાની ઇયળનું પણ તેમણે સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. વળી વનસ્પતિ-પેશીઓના સર્વેક્ષણમાં પણ તેમણે ઊંડો રસ દાખવ્યો હતો. લંડનની રૉયલ સોસાયટી માલ્પીઘીના પેશીઓના સૂક્ષ્મ દર્શનથી પ્રભાવિત થયેલી અને 1669માં માલ્પીઘીને સોસાયટીના આંતર-રાષ્ટ્રીય માનાર્હ સભ્ય બનાવ્યા હતા.
માલ્પીઘીનાં ઘણાં અવલોકનો તત્કાલીન ધાર્મિક માન્યતાથી સાવ જુદાં હતાં. ધાર્મિક અનુયાયીઓએ તેમનો સખત વિરોધ કર્યો. તેમણે ઈ. સ. 1684માં માલ્પીઘીના ઘરને સળગાવ્યું હતું અને તેમના સૂક્ષ્મદર્શકને તથા સંશોધન-લેખોને પણ બાળી નાખ્યાં હતાં. હતાશ થયેલા માલ્પીઘી બોલોન્યા છોડી રોમ રહેવા માટે ગયા. તેમના સદભાગ્યે પોપે પોતાના આયુર્વૈજ્ઞાનિક સલાહકાર તરીકે માલ્પીઘીની નિમણૂક કરી; પરિણામે તેમને વિવાદાત્મક પરિસ્થિતિમાંથી છુટકારો મળ્યો, રાહત મળી.
મ. શિ. દૂબળે