માલેગાંવ : મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 20° ઉ. અ. અને 74° પૂ. રે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. પશ્ચિમ ઘાટના પ્રદેશમાં આવેલા આ તાલુકાનો પૂર્વ ભાગ પહાડી છે. અહીંની જમીનો કાળી અને રાખોડી રંગની છે. તાપી નદીની એક સહાયક નદી ગિરના (ગિરંગ) આ તાલુકામાં પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. માલેગાંવ શહેર આ નદીને કાંઠે વસેલું છે. આ શહેરનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 29.2° સે. અને 20.3° સે. જેટલું રહે છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 800થી 1,200 મિમી. જેટલો પડે છે.
તાલુકાના જંગલ-પ્રદેશમાંથી ઇંધન માટેનાં લાકડાં, વાંસ, ટીમરુનાં પાન, ગુંદર, હરડે, બહેડાં વગેરે મેળવાય છે. ગિરના નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો હોવાથી અહીં ખેતીની પ્રવૃત્તિ વિકસી છે. અહીં ડાંગર, કપાસ, ચણા, ડુંગળી અને દ્રાક્ષની ખેતી થાય છે. માલેગાંવ શહેર આ કૃષિપેદાશોનું મુખ્ય બજાર બની રહેલું છે. કૃષિપેદાશો-આધારિત કેટલાક ઉદ્યોગો પણ અહીં વિકસ્યા છે. તેમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને તેલની મિલોનું પ્રમાણ વધુ છે. આઝાદી અગાઉ અહીં હાથવણાટનું કાપડ બનાવવાનાં ઘણાં કારખાનાં હતાં, પરંતુ મુંબઈ –પુણેના વિકાસની સાથે અહીં પણ વિવિધ ઔદ્યોગિક એકમો સ્થપાતાં જૂનાં કારખાનાં પડી ભાંગ્યાં. મુંબઈ–આગ્રા ધોરી માર્ગ પર આ શહેર આવેલું હોવાથી તેનો વિકાસ વધ્યો છે.
અહીં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણની ઘણી સંસ્થાઓ આવેલી છે. મોહંમદિયા ટિબિયા કૉલેજ અને એમ. જી. વિદ્યામંદિર સંચાલિત કૉલેજો પુણે યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ ઉપરાંત અહીં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ છે. આ શહેરમાં 2001ના ઑક્ટોબર માસમાં મોટા પાયા પર કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં. આ શહેરની વસ્તી 3,42,000 (1991) જેટલી છે.
નીતિન કોઠારી