માલુર, ગુસ્તાફ (જ. 7 જુલાઈ 1860, કૅલિસ્ટ, બોહેમિયા; અ. 18 મે 1911) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક (composer) અને સંગીત-સંચાલક (conductor). વિશ્વના સૌથી મહાન ઑપેરા-દિગ્દર્શકોમાં તેમની ગણના થાય છે. સંગીતસંચાલન માટેની આર્થિક જરૂરિયાત તેમજ સંગીતનિયોજન માટેની કર્તવ્યબુદ્ધિની અંત:પ્રેરણા વચ્ચે તેમની કારકિર્દી અટવાયા કરતી હતી.
પોતાના સહકાર્યકરો પાસે તેઓ અત્યાગ્રહપૂર્વક – કંઈક અંશે ઝનૂનપૂર્વક – સર્વોચ્ચ ધોરણની અપેક્ષાએ કામ લેતા અને પોતે પણ નિરંતર બેહદ પરિશ્રમ કરતા તેમજ પોતાના ધ્યેય વિશે તેઓ સતત આવેશપૂર્ણ ઉત્કટતામાં રાચ્યા કરતા. આ બધી સ્વભાવગત વિશેષતાઓને કારણે દેખીતી રીતે જ તેમનો જીવનકાળ ટૂંકાઈ ગયો. સંગીત-સંચાલનનો તેમનો સર્વપ્રથમ કાર્યક્રમ 1880માં યોજાયો અને લગભગ એ જ અરસામાં સંગીત-નિયોજનની તેમની સૌપ્રથમ રચના ‘દેસ ક્લૅગેન્દે લીદ’ પ્રગટ થઈ.
1886–88 સુધી તેમણે લાઇપઝિગમાં વિખ્યાત સંગીત-નિયોજક આર્ટર નિકિશના સહાયક તરીકે કામગીરી કરી. 1888નું વર્ષ તેમની કારકિર્દીનું મહત્વનું સોપાન નીવડ્યું; એ વર્ષે ‘દેસ ક્લૅગેન્દે લીદ’માં ઘણા હેતુલક્ષી સુધારાવધારા કર્યા; ‘દેસ નૅબેન વન્ડરહૉર્ન’નું સંગીત-નિયોજન કર્યું; ફર્સ્ટ સિમ્ફનીનું સંગીત-નિયોજન કર્યું; લાઇપઝિગમાં વેબરની અપૂર્ણ ઑપેરા ‘ધ થ્રી પિન્ટોઝ’નું પોતે કરેલું સંગીત-રૂપાંતર ભજવ્યું અને બુડાપેસ્ટ ઑપેરાના સંગીત-દિગ્દર્શક તરીકેની મહત્વની જવાબદારી સંભાળી. બુડાપેસ્ટ-નિવાસ દરમિયાન તેમણે સેકન્ડ અને થર્ડ સિમ્ફનીનું સંગીતનિયોજન કર્યું. વળી એ બંનેમાં માનવ-અવાજોનો પણ કલાત્મક વિનિયોગ કરાયો છે. એ રીતે તેમાં બીથોવનની અંતિમ સિમ્ફનીનું અનુસરણ થયું જણાય છે. તેમના સંગીતમાં મુખ્યત્વે બીથોવન તથા બ્રુકનરની સંગીત-શૈલીનાં પ્રેરણાપ્રભાવ રહ્યાં છે. પોતાની રચનામાંનાં પ્રાકૃતિક ર્દશ્યો તેમજ તેની ભરચક સુંદરતાને સંગીત દ્વારા મૂર્તિમંત કરવા તેઓ વિશાળ વાદ્યવૃંદનો વિસ્તૃત અને વારંવાર ઉપયોગ કરતા રહ્યા હતા. તાત્ત્વિક રીતે તેમાં માનવસમુદાય પ્રત્યેની શ્રદ્ધા તેમજ પરમાત્માની અસીમ કૃપા-કરુણાનો સંદેશો ઝિલાયો છે. વિયેના બહાર તેમને પ્રસિદ્ધિ મળતાં ખાસ્સો લાંબો સમય લાગ્યો; તેમાં એક કારણ એ પણ જોવાયું છે કે તેઓ ખૂબ વિશાળ અને તેથી જ ભારે ખર્ચાળ વાદ્યવૃંદ-સાજસામગ્રીનો ઉપયોગ કરતા હતા.
1891થી ’97 સુધી તેમણે હૅમ્બર્ગ ખાતે ઑપેરાનું સંગીત-સંચાલન સંભાળ્યું; ત્યાં તેમનાં કૌશલ્ય અને પ્રભાવ ખૂબ વિકસ્યાં. મે 1897માં તેઓ વિયેના ઑપેરાના સંગીત-સંચાલક નિમાયા અને ઑક્ટોબરમાં કલા-વિષયક નિર્દેશક નિમાયા. 10 વર્ષ સુધી વિયેના ઑપેરા તથા ફિલ્હામૉર્નિક ઑર્કેસ્ટ્રા – એમ બંને સંસ્થામાં તેઓ અનન્ય કલાત્મક સિદ્ધિ હાંસલ કરતા રહ્યા.
પોતે અભ્યાસપૂર્વક તૈયાર કરેલી રચનાઓ માટે તેઓ ખૂબ ખંત અને પરિશ્રમપૂર્વક તાલીમ-પ્રયોગો કરતા હતા; તેમાં મોઝાર્ટ તથા વર્દીની ઑપેરા-કૃતિઓ તથા વૅગ્નરની ‘રિંગ સાઇકલ’નો પણ સમાવેશ થાય છે. તેમનાં વિવિધ ઑપેરા-નિર્માણનું ખર્ચ ખાસ્સું જંગી હોવા છતાં તે લેણાં તેમણે ચૂકતે કર્યાં હતાં; પરંતુ વિયેનાવાસીઓના છળકપટને કારણે તેમને ક્ષેત્રત્યાગ કરવો પડ્યો. બીથોવનની ‘ફિડેલિયો’ નામક રચના ઑક્ટોબર, 1907માં ભજવાઈ એ તેમની વિદાય-રચના બની રહી અને એ સાથે જાણે એક યુગ સમાપ્ત થયો.
ડિસેમ્બર, 1907માં મેટ્રોપૉલિટન ઑપેરાના પ્રમુખ સંગીત-સંચાલક તરીકે તેઓ ન્યૂયૉર્ક શહેરમાં આવી વસ્યા અને 1910 સુધી ત્યાં રહ્યા. 1909માં ન્યૂયૉર્ક ફિલ્હામૉર્નિક ઑૅર્કેસ્ટ્રાના સંગીત-સંચાલક તરીકેની જવાબદારી પણ ઉપાડી. બીમાર પડવાથી તેમને વિયેના પાછા ફરવું પડ્યું. અતિશય પરિશ્રમ તથા તણાવને કારણે તેમનું શરીર નંખાઈ ગયું હતું. તેમની છેલ્લી 3 સંપૂર્ણ સિમ્ફની તે – ‘ધી એઇટ્થ સિમ્ફની’, શુદ્ધ ઑર્કેસ્ટ્રામાં રચાયેલ ‘નાઇન્થ સિમ્ફની’ અને ‘ધ સાગ ઑવ્ ધી અર્થ’. 1910ની ગ્રીષ્મઋતુમાં, ઉગ્ર માનસિક તણાવ બદલ સિગ્મંડ ફ્રૉઇડે તેમની સારવાર કરી હતી.
તેમના અવસાન પછી, તેમના સહાયક બ્રુનો વૉલ્તરે 1911માં ‘ધ સાગ ઑવ્ ધી અર્થ’ અને 1912માં ‘નાઇન્થ સિમ્ફની’ના પ્રથમ પ્રયોગની રજૂઆત કરી. ગુસ્તાફે ‘ટેન્થ સિમ્ફની’ માટે તૈયાર કરેલા આલેખ પરથી આંગ્લ સંગીતશાસ્ત્રી ડેરિક કુકે 1964માં સંપૂર્ણ સંગીત-રચના પ્રયોજી હતી.
સ્વયંસ્ફુરણા અને પ્રેરણાથી કાર્ય કરનારા સંગીત-સંચાલક તેમ સંગીત-નિયોજક તરીકે તેમને આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી હતી; તેમની ઊર્મિસભર અભિવ્યક્તિ ઉત્તર-રોમૅન્ટિક ગાળાના સંગીતની લાક્ષણિકતાની સૂચક બની રહી. અલબત્ત, છેક વીસમી સદીના મધ્યભાગમાં જ તેમની વિરલ પ્રતિભાને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ હતી.
મહેશ ચોકસી