માલિક-મંડળ : સમાન હેતુને સિદ્ધ કરવા, સાચવવા અને સંવર્ધન કરવા માટે માલિકોનું થતું સંગઠન. સમાન હેતુને માટે ભેગા થયેલા માણસોનાં હિત પણ મહદ્અંશે સરખાં હોય છે. માણસની મૂળગત કબજાવૃત્તિમાંથી માલિકીભાવ પેદા થયો છે. ભારત સહિત મોટાભાગના દેશોનાં બંધારણોમાં માલિકીહક્કને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. માલિકી મેળવ્યા પછી તેને સાચવવા, તેનું સંવર્ધન કરવા અને વધુ ને વધુ દુન્યવી ચીજો પર માલિકી વિસ્તારવા દુનિયાભરના માલિકોએ એક યા બીજાં ક્ષેત્રોમાં અને સ્વરૂપો દ્વારા માલિક-મંડળોની સ્થાપના કરી છે. વિશ્વભરમાં પહેલાં માલિક-મંડળોની સ્થાપના થઈ છે. તેના પ્રત્યાઘાત સ્વરૂપે પછી મજૂરો અને કર્મચારીઓનાં મંડળોની સ્થાપના થઈ છે. ધંધાદારી ક્ષેત્રે સ્થપાયેલાં કાર્ટેલ્સ, ટ્રસ્ટ અને સંયોજનોથી ઓળખાયેલાં માલિક-મંડળોએ અસંખ્ય દેશોની રાજકીય અને આર્થિક પરિસ્થિતિને બદલી નાંખવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ભારત સહિત ઘણા દેશોમાં સ્થાપવામાં આવેલાં ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ એ માલિકોના સૌથી વ્યાપક અને પ્રભાવક એવા મંડળનું એક સ્વરૂપ છે. મોટાં શહેરો, જિલ્લા કે ચોક્કસ વિસ્તારનાં સ્થાનિક ચેમ્બર્સ ઑવ્ કૉમર્સથી આ પ્રકારના માલિક-મંડળની શૃંખલાની પહેલી કડી શરૂ થાય છે. ત્યારબાદ, રાજ્યસ્તરનાં ચેમ્બર્સ ઑવ્ કૉમર્સની રચના થાય છે, જેમાં સ્થાનિક ચેમ્બર્સ પ્રાથમિક સભ્યપદ મેળવે છે. આ રાજ્યોની ચેમ્બર્સમાંથી ટોચની રાષ્ટ્રીય ચેમ્બર ઑવ્ કૉમર્સ સ્થપાય છે. ભારતની આવી રાષ્ટ્રીય ચેમ્બર ‘ધ ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી’ (The Federation of Indian Chambers of Commerce and Industry – FICCI), ‘ફિક્કી’ નામથી ઓળખાય છે. આ ઉપરાંત માલિકોનાં અન્ય મંડળો પણ હોય છે; ઉદાહરણ તરીકે, ભારતમાં ઉત્પાદકોનું મંડળ ઑલ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરર્સ ઑર્ગેનિઝેશન (All India Manufacturers Organisation – AIMO) છે. વિવિધ વ્યવસાયના માલિકો પણ પોતાનાં મંડળો બનાવે છે; ઉ.ત., યાર્નના ઉત્પાદકોનું મંડળ, ભાડે ફરતી ટ્રકોના માલિકોનું મંડળ વગેરે.
આ મંડળો પોતાના માલિક-સભ્યોનાં હિતની જાળવણી અને હેતુસિદ્ધિ માટે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતથી માંડી તાળાબંધી/હડતાળ સુધીનાં આંદોલન કરતાં હોય છે. માલિકીહક્કમાં આર્થિક પ્રવૃત્તિઓના સંચાલનનો અધિકાર પણ સમાઈ જાય છે. આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે કર્મચારીઓ રોકવામાં આવે છે. કર્મચારીઓ પાસેથી વધારે કામ લેવાના લોભમાં માલિકો શોષણ કરતા થઈ જાય છે. શોષણથી બચવા કર્મચારીઓ પોતાનાં મંડળો રચે છે. માલિક-મંડળો અને મજૂર-સંઘો એકબીજાંનો પ્રતિકાર કરતાં દેખાયાં છે. માલિકમંડળો મજૂરસંઘોની સાથે સામૂહિક સોદાગીરી પણ કરતાં હોય છે. માલિક-મંડળો અવૈધિક અને થોડા સમય માટે પણ અસ્તિત્વમાં આવતાં હોય છે. નક્કી કરેલો હેતુ સિદ્ધ થતાં આવાં માલિક-મંડળોનું આપોઆપ વિસર્જન થતું હોય છે.
માલિક-મંડળો જ્યારે આંદોલન કરતાં હોય છે, ત્યારે એક વિચિત્ર પરિસ્થિતિ પેદા થાય છે. માલિકો પોતે ખૂબ ઓછું કામ કરે છે; તેઓ મજૂરો પાસેથી કામ લેતા હોય છે. એમના આ સંચાલકીય અધિકારનો ઉપયોગ કરીને એ વાસ્તવમાં પોતાના મજૂરો/કર્મચારીઓને કામ કરતાં બંધ કરી દે છે. આમ કર્મચારીઓના કામબંધને માલિકોની હડતાળ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો મજૂરસંઘોની માંગણી માલિક-મંડળને ગેરવાજબી લાગતા મજૂર-સંઘોની તાકાત તોડવા માટે માલિક-મંડળોએ મજૂરોને ફરજ પાડીને કામ કરતાં બંધ કર્યા છે.
માલિક-મંડળો પોતાના સભ્યોને સામાજિક પરિસ્થિતિ અને કાયદાથી પરિચિત કરવાના પ્રયત્નો કરે છે. સભ્યો સામાજિક જવાબદારી અદા કરે તે માટે પણ માલિક-મંડળો સક્રિય બનતાં હોય છે. પોતાના ધંધા અને વ્યવસાયને લગતાં સંશોધનો થતાં રહે તેવી પ્રવૃત્તિઓ પણ કેટલાંક માલિક-મંડળો કરે છે. કેટલાંક માલિક-મંડળો વિદ્યાકીય, આરોગ્યવિષયક અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે.
સૂર્યકાન્ત શાહ