માલાસ્પિના હિમનદી : અલાસ્કામાં આવેલી હિમનદી. તે યુ.એસ.ના અલાસ્કા રાજ્યના સેન્ટ ઇલિયાસ પર્વતોની હિમનદીરચનાનો એક ભાગ રચે છે. આ હિમનદી અલાસ્કાના અગ્નિકોણમાં યાકુતાત ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. અલાસ્કાના કિનારાના મેદાનમાં તે ઘણું જ વિસ્તૃત અને સ્વતંત્ર હિમક્ષેત્ર રચે છે. દરિયાને મળતા પહેલાં તેનો હિમપ્રવાહ ઓગળી જાય છે, સમુદ્રસપાટીથી થોડેક જ દૂરના અંતરે તે પૂરી થાય છે. આ હિમનદી સેન્ટ ઇલિયાસ પર્વતની દક્ષિણ તળેટીની ધારે ધારે 80 કિમી.ની લંબાઈમાં પથરાયેલી છે. તેનો કુલ વિસ્તાર આશરે 3,900 ચોકિમી. જેટલો છે. હિમગલન થાય ત્યારે ઘટીને તે 2,200 ચોકિમી. જેટલો થાય છે. તેનો હિમજથ્થો 300 મીટરથી વધુ જાડાઈવાળો ગણાતો હતો. પરંતુ તે પછીથી હિમનદીના તળભાગ માટે કરવામાં આવેલાં ભૂકંપીય તરંગ-પરાવર્તનો (seismic reflections) દર્શાવે છે કે પર્વતો અને દરિયાની વચ્ચેના મેદાની ભાગમાં 600 મીટરની જાડાઈનો બરફ જામેલો છે. આ વિભાગમાં હિમનદીનું તળ સમુદ્રસપાટીથી સ્થાનભેદે 180થી 250 મીટર જેટલું નીચું છે. આ ઉપરથી કહી શકાય છે કે તેના તળનો આકાર છીછરી રકાબી જેવો છે. તેનું તળ પર્વત તરફ તેમજ તેની કિનારીઓ તરફ ઊંચાઈ પ્રાપ્ત કરતું જાય છે. તેની ઉપલી સપાટી અને કિનારીઓ પર હિમગલન થતું રહે છે. બાજુઓ પર હિમઅશ્માવલીઓ (moraines) રચાયેલી છે અને ત્યાં ઠેકઠેકાણે પાઇનનાં ગીચ જંગલો ઊગી નીકળેલાં છે.
1791માં અલાસ્કાના કિનારાને ખૂંદી વળનાર કૅપ્ટન એલેસાન્દ્રો માલાસ્પિનાના નામ પરથી તેને માલાસ્પિના નામ અપાયેલું છે. દુનિયામાં જોવા મળતી હિમનદીઓ પૈકી તે વિરલ ગણાય છે, એટલું જ નહિ, તે તળેટી હિમનદીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. તે પર્વત-ખીણ વિસ્તારમાં તો વહે છે જ, તે ઉપરાંત સમતળ ભૂમિભાગ પર પણ તે વિસ્તરેલી છે.
ગિરીશભાઈ પંડ્યા