માલહર્બ, ફ્રાન્સ્વા દ (જ. 1555, કાન કે તેની નજીક, ફ્રાન્સ; અ. 16 ઑક્ટોબર 1628, પૅરિસ) : ફ્રેન્ચ કવિ. તેમણે પોતાની ઓળખ ‘શબ્દોને સુચારુ રીતે ગોઠવી આપનાર ઉત્તમ કીમિયાગર’ તરીકે આપી છે. સિદ્ધાંતનિષ્ઠ હોવાથી પોતે કાવ્યમાં ચુસ્ત સ્વરૂપ, આત્મસંયમ અને ભાષાની શુદ્ધતાના પ્રખર હિમાયતી હતા. ફ્રેન્ચ સૌષ્ઠવપ્રિયવાદ(classicism)નો પાયો નાંખનાર પુરોગામીઓમાં તેમનું નામ નોંધપાત્ર છે. કાન અને પૅરિસ અને પાછળથી બાઝલ (1571), હાઇડલબર્ગ (1573) યુનિવર્સિટીઓમાં એમણે શિક્ષણ લીધું હતું. તે પ્રૉટેસ્ટન્ટ પરંપરાનું હતું; જોકે ત્યારપછી તેમનું વલણ નરમ કૅથલિક પ્રકારનું બન્યું હતું. કેટલોક સમય પ્રોવાન્સના ગવર્નર હેનરી દ આન્ગ્વાલેમના રહસ્યમંત્રી તરીકે રહ્યા હતા. એમનું પ્રથમ કાવ્ય ‘લા લાર્મે દ સેંત પીઅર’ (1587, ‘ધ ટિયર્સ ઑવ્ સેંટ પીટર’) હતું. તે લિગ્વી તાન્સિલોના ‘લેગ્રિમ દ સા પીત્રો’નું અલંકારપ્રચુર અનુકરણ હતું. ઓક્સ નગરના વકીલો સુપ્રસિદ્ધ તત્વજ્ઞાની (સ્ટોઇક) ગીલૉમ દુ વાઇર અને પરમ વિદ્વાન નિકોલસ ક્લૉદ ફાબરી દ પેંરેસ સાથે તેમને મૈત્રી હતી. બંનેનો પ્રભાવ તેમનાં ચરિત્ર અને પ્રતિભા પર હતો. 1600માં રાણી મૅરી દ મેદીસીને ઉદ્દેશીને તેમણે યશસ્વી ઓડ (ode) કાવ્ય લખ્યું હતું.

ફ્રાન્સ્વા દ માલહર્બ

 1605માં મિત્રો અને કાર્ડિનલ દિયપેરોનના આર્થિક પ્રોત્સાહનથી તેઓ પૅરિસ ગયા. રાજા હેનરી ચોથાને કાવ્યશાસ્ત્રમાં કોઈ વિશેષ રસ ન હતો, પરંતુ દરબારમાં એમને રાજકવિ(poet laureate)નો હોદ્દો એનાયત કરવામાં આવ્યો. રાજકીય મદદ મળતાં તેમનું જીવન થોડું સરળ થયું. હવે એમનું શિષ્યવૃંદ વધતું ગયું. તેમના શિષ્યોમાં ઑનોરેત દ બ્વે રાકાન અને ફ્રાન્સ્વા મૅનાર્દ ખૂબ જાણીતા હતા. રાકાને તો આ કવિનું જીવનચરિત્ર લખ્યું. આ ઉપરાંત ‘ઝેદેયોં તેલેમૉં દે રે ઑક્સ ઇસ્તોરીએત’(1834)માં તેમના વિશે સવિસ્તર નોંધ છે.

માલહર્બનાં ગદ્યલખાણો જાણીતાં છે. તેમણે ઇતિહાસકાર લિવી અને સેનેકાનાં લખાણોનાં ભાષાંતર ફ્રેન્ચમાં કરી આપ્યાં છે. પિયરેસને ઉદ્દેશીને લખેલા આશરે 200 પત્રોમાં તેમણે તત્કાલીન રાજદરબાર વિશેનાં હૂબહૂ વર્ણનો કર્યાં છે. કવિ ફિલિપ દેસપોર્તેનાં કાવ્યોનું એમણે વિવેચન કર્યું છે. આ નોંધ સિદ્ધાંતોમાં બાંધછોડ કર્યા વગરની છે, પણ એમાંથી સર્જન સંબંધી ઝીણવટભર્યા મુદ્દાઓની ચર્ચા પણ સાંપડે છે. કવિ આર્ષદ્રષ્ટા છે માટે નહિ, પણ તે કુશળ કસબી છે તેથી તે પ્રશંસનીય છે એમ માલહર્બ માને છે. તેમણે ઝાઝું લખ્યું નથી, પરંતુ ઘણો લાંબો સમય એટલે કે રોમૅન્ટિક કાળ સુધીની કવિતા પર માલહર્બની કવિતાનો પ્રભાવ રહેલો.

વિ. પ્ર. ત્રિવેદી