માર્ટિનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે 5 પ્રજાતિઓ અને લગભગ 16 જાતિઓ ધરાવે છે, આ જાતિઓ અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની મૂલનિવાસી છે. લ્યૂઝિયાનાથી શરૂ થઈ પશ્ચિમ તરફ કૅલિફૉર્નિયામાં થતી Proboscideaની 4 જાતિઓ સ્થાનિક છે. ભારતમાં આ કુળની એક પ્રજાતિ અને તેની એકમાત્ર જાતિ Martynia annua Linn. (વીંછુડો) થાય છે. તે મેક્સિકોની મૂલનિવાસી છે અને વર્ષાઋતુમાં ઊસર ભૂમિ ઉપર અને ટેકરીઓ ઉપર ઊગે છે.
આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, ચીકણા રોમવાળી (viscid-pubescent), મજબૂત અને શાકીય હોય છે. પર્ણો સાદાં, સંમુખ અને શાખાને છેડે એકાંતરિક, તરંગિત (undulate) અથવા ખંડિત, અનુપપર્ણીય (estipulate), મોટાં, સદંડી, લંબગોળાકાર અને ગ્રંથિમય રોમવાળાં હોય છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ અને અપરિમિત (racemose) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ અનિયમિત, દ્વિલિંગી, અધોજાયી, સદંડી અને નિપત્રી હોય છે અને રોમિલ અંગો ધરાવે છે. વજ્ર પૃથુપર્ણીય (spathaceous) અથવા 5 મુક્ત વજ્રપત્રોનું બનેલું હોય છે અને એક કે બે નિપત્રો દ્વારા કક્ષાંતરિત (subtended) થયેલું હોય છે. તે ઘણી વાર પરિપક્વતાએ જાડું અને માંસલ બને છે. દલપુંજ 5 યુક્ત દલપત્રોનો બનેલો હોય છે. દલપુંજનલિકા નીચેના ભાગેથી નળાકાર અને ઉપરના ભાગેથી ઘંટાકાર (campanulate) અથવા દીપકાકાર (infundibular), ઘણી વાર કુબ્જાકાર (ventricose) અને તિર્યક્ (oblique) વાર કુબ્જાકાર (ventricose) અને તિર્યક્ (oblique) અને દ્વિઓષ્ઠી (bilabiate) હોય છે અને
મોટાં દલપત્રો અંદરની સપાટીએ ઘેરાં ટપકાં ધરાવે છે. પુંકેસરો દલલગ્ન (epipetalous), સામાન્યત: 4 અને દ્વિદીર્ઘક (didynamous) હોય છે. પુષ્પમાં એક કે બે વંધ્ય પુંકેસરો જોવા મળે છે. પરાગાશય દ્વિખંડી અને અપસારી (divergent) હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. પરાગોદભવ (anthesis) પૂર્વે પુંકેસરની પ્રત્યેક જોડ સંબદ્ધ (coherent) હોય છે. પુષ્પમાં વલયાકાર (annular) બિંબ (disc) હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ (superior) અને એકકોટરીય હોય છે અને ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ ધરાવે છે; જે બે સપક્ષ (winged) જરાયુઓનું બનેલું હોય છે. આ જરાયુઓ ઘણી વાર જોડાઈને કૂટપટ(false septa)નું નિર્માણ કરે છે. પ્રત્યેક જરાયુ પર અંડકો થોડાંકથી માંડી ઘણાં હોય છે. અંડકો અધોમુખી (anatropous) હોય છે. પરાગવાહિની 1 અને પાતળી હોય છે. પરાગાસન બે ચપટા સંવેદી ખંડોનું બનેલું હોય છે. ચીકણા રોમવાળું બાહ્ય ફલાવરણ અને કાષ્ઠમય અંત:ફ્લાવરણ ધરાવતું શૃંગી પ્રાવર (capsule) પ્રકારનું ફળ હોય છે. પરિપક્વતાએ દીર્ઘસ્થાયી સૂંઢ-આકારની પરાગવાહિની બે શૃંગી અંકુશ જેવા પ્રવર્ધોમાં પરિણમે છે. તે અન્ય પ્રાણીઓ સાથે ચોંટી જઈ બીજ-વિકિરણમાં મદદરૂપ થાય છે. બીજ ચપટાં, નકશીદાર અને અભ્રૂણપોષી હોય છે; તેમાં આવેલો ભ્રૂણ સીધો હોય છે
બેન્થમ અને હુકર, હેલિયર અને હચિન્સન આ કુળનો બિગ્નોનિયેલ્સ ગોત્રમાં પિડાલિયેસી કુળમાં સમાવેશ કરે છે. ઍંગ્લર અને પ્રેન્ટલ તેને ટ્યૂબીફ્લોરી ગોત્રમાં મૂકે છે. બેસી, રૅન્ડલ અને વેટ્ટસ્ટેઇન તેને અલગ કુળ તરીકે ગણાવે છે. ફળની લાક્ષણિકતા અને ચર્મવર્તી જરાયુવિન્યાસ દ્વારા તેને બિગ્નોનિયેસી અને પિડાલિયેસી કુળથી ઓળખી શકાય છે. ચીકણા રોમ, ઊર્ધ્વસ્થ બીજાશય, મોટું વજ્ર અને પુષ્પવિન્યાસના આધારે તેને ગેસ્નેરિયેસી કુળથી જુદું પાડી શકાય છે.
વીંછુડો (M. annua) આ કુળની એક ઔષધ-વનસ્પતિ છે. Ibecella lutea અને Proboscidea jussieui (M. louisiana) શોભન-વનસ્પતિઓ છે. તેમનાં કાચાં ફળોનો અથાણાં બનાવવામાં ઉપયોગ થાય છે અને કેટલાક પ્રદેશોમાં તે ખાવામાં આવે છે.
યોગેશ ડબગર
બળદેવભાઈ પટેલ