માર્ટિન, સ્ટીવ (જ. 1945, વાકૉ, ટેક્સાસ) : ફિલ્મ અભિનેતા. ટેલિવિઝન માટેના કૉમેડી-લેખક તરીકે તેમને 1968માં ‘ધ સ્મૉધર્સ બ્રધર્સ કૉમેડી અવર’ બદલ ઍમી ઍવૉર્ડ મળ્યો હતો અને 1975માં ‘વૅનડાઇક ઍન્ડ કંપની’ બદલ ઉક્ત ઍવૉર્ડ માટે તેમનું નામાંકન (nomination) પણ થયું હતું.
તેમણે ફિલ્મક્ષેત્રે અભિનયનો પ્રારંભ કર્યો ‘ધી ઍબ્સન્ટ-માઇન્ડેડ વેટર’થી 1977માં; ઉત્તમ ટૂંકા ચિત્ર તરીકે આ ચિત્ર ‘ઑસ્કર નૉમિનેશન’ માટે પાત્ર નીવડ્યું હતું. 1984માં તેમણે ‘ઑલ ઑવ્ મી’માં ગાંડપણ ધરાવતા પાત્રનો ખૂબ સ્વાભાવિક અભિનય પ્રાણ પૂરીને કર્યો અને તે બદલ તેમને ‘ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ બેસ્ટ ઍક્ટર ઍવૉર્ડ’ મળ્યો હતો. ઉત્તરાર્ધનાં ચિત્રોમાં ‘પૅરન્ટહુડ’ (1989), ‘હાઉસ-સિસ્ટર’ (1992) તથા ‘ફાધર ઑવ્ ધ બ્રાઇડ’ મુખ્ય છે.
મહેશ ચોકસી