માર્કંડેય, કમલા (જ. 1924) : ઇંગ્લૅન્ડમાં વસતાં ભારતીય નવલકથાકાર. તેમનો ઉછેર દક્ષિણ ભારતમાં થયો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે પત્રકાર તરીકેની કામગીરી બજાવી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્ય માટે અગત્યનું કાર્ય કર્યું હતું. લગ્ન પછી તેઓ કમલા પૂર્ણેયા ટેલરના નામે બ્રિટનમાં સ્થાયી થયાં છે. તેઓ સતત માનવચિત્તની તેમજ લગ્નસ્થ સંબંધોની આંટીઘૂંટીની ખોજ કરવાની મથામણ કરતાં રહે છે. ‘નેક્ટર ઇન એ સીવ’(1955)માં ખેડૂતોના જીવનનિર્વાહની રોજિંદી ઘટનાઓમાંથી કારુણ્યસભર સમતાર્દષ્ટિ (stoicism) ઉપસાવી છે. ‘સમ ઇનર ફ્યૂરી’(1956)ની નાયિકા 1940ના દશકાના ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન પોતાના આંગ્લ પ્રેમીનો ત્યાગ કરે છે. ‘પ્રોફેશન’(1963)માંનો કલાકાર પોતાનાં આંગ્લ મહિલા આશ્રયદાતાને તજીને પોતાનાં ભારતીય મૂળ શોધવા મથે છે. ‘એ સાયલન્સ ઑવ્ ડિઝાયર’ (1960) નામક કૃતિમાં ધર્મમાં શ્રદ્ધા ધરાવતી પત્ની તથા નાસ્તિક વિચારસરણી ધરાવતા પતિ વચ્ચેના તણાવનું કથાવસ્તુ છે. ‘અ હૅન્ડફુલ ઑવ્ રાઇસ’ (1966) નામની નવલકથામાં દરિદ્રતા વ્યક્તિગત પુરુષાર્થને કેવી રીતે હંફાવે છે તેનું આલેખન છે, જ્યારે ‘પ્લેઝર સિટી’(1982)માં સંવેદનશીલ બ્રિટિશર તથા ભોળો નિખાલસ ભારતીય ગ્રામજન નવસંસ્થાનવાદની ઐતિહાસિક પ્રક્રિયાની કેટલીક તત્કાળ અસરોનો તાગ પામવા મથે છે. તેમની અન્ય કૃતિઓ તે ‘ટૂ વર્જિન્સ’ (1974) તથા ‘ધ ગોલ્ડન હનીકોમ્બ’ (1977) છે. તેમને ‘નૅશનલ એસોસિયેશન ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ ઍવૉર્ડ’ (યુ.એસ., 1967) તથા ઇંગ્લિશ સ્પીકિંગ યુનિયન ઍવૉર્ડ (1974) મળ્યા છે.
મહેશ ચોકસી