માર્કસ ઑરેલિયસ (જ. 26 એપ્રિલ 121, રોમ; અ. 17 માર્ચ 180, રોમ) : પ્રાચીન રોમન સમ્રાટ અને ફિલસૂફ. આત્મસંયમ વિશેની સ્ટોઇકવાદની ફિલસૂફી પરના ચિંતન-મનન માટે તે જાણીતો હતો. તેનો જન્મ રોમના ખાનદાન પરિવારમાં થયો હતો. ઍન્ટોનાઇનસ પાયસ રોમનો સમ્રાટ બન્યો (ઈ. સ. 138) એ અગાઉ તેણે માર્કસ ઑરેલિયસ અને લુસિયસ વેરસને દત્તક લીધા હતા. માર્કસ 61માં રોમનો સમ્રાટ બન્યો ત્યારે એણે લુસિયસને પોતાની સાથે, સહસમ્રાટ બનાવ્યો. રોમન સામ્રાજ્યના ઇતિહાસમાં આ અદ્વિતીય ઘટના હતી. પરંતુ ઈ. સ. 169માં લુસિયસ મરણ પામ્યો. માર્કસના શાસનકાળ દરમિયાન રોમન સામ્રાજ્યમાં અનેક બળવા, યુદ્ધો તથા રોગચાળા થયાં હતાં. કાયદાઓની વિસંગતતા દૂર કરવા તેણે અનેક સુધારા કર્યા હતા. ગુલામો, વિધવાઓ તથા લઘુમતીઓને અન્યાય ન થાય તે માટે તેણે પૂરતી કાળજી રાખી હતી. એના ચિંતનના ફલસ્વરૂપે ‘મેડિટેશન્સ’ નામનો ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો. તેમાં સ્ટોઇકવાદની ફિલસૂફી સમજાવવામાં આવી છે. તે ઉદ્યમી, બાહોશ, સમજદાર તથા ગંભીર સ્વભાવનો હતો. તેણે બધા લોકો પ્રત્યે માનવતાભર્યો વર્તાવ રાખ્યો. તેણે શાણપણ અને સાદાઈથી વહીવટ ચલાવી રાજ્યની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી. તેણે સાહિત્યિક પ્રવૃત્તિ તથા રમતગમતને ઉત્તેજન આપ્યું. તેણે ન્યાયતંત્રમાં સુધારા કરી ઝડપી અને સરળ ન્યાય મળે તેવી વ્યવસ્થાઓ કરી. તેણે ઍથેન્સની મુલાકાત લઈને તત્વજ્ઞાનની ચર્ચાઓ સાંભળી, તથા પ્લેટો, ઍરિસ્ટૉટલ, ઝેનો અને એપિક્યુરસે સ્થાપેલી શિક્ષણ-સંસ્થાઓને ઉદાર, આર્થિક સહાય આપી. તેણે ગરીબો માટેના કરવેરા ઘટાડ્યા.
માર્કસ માનતો હતો કે વિશ્વનું સંચાલન ઉપકારક વૈશ્વિક શક્તિ દ્વારા થાય છે. વિશ્વની સર્વે વસ્તુઓમાં પરમેશ્વરનો અંશ રહેલો છે. પ્રાકૃતિક અને નૈતિક કાયદા વચ્ચે સંવાદિતા છે. એના મતાનુસાર અવસાન બાદ આત્માનું અલગ અસ્તિત્વ રહેતું નથી, પરંતુ તે વૈશ્વિક ચેતનામાં વિલીન થાય છે; તેથી મૃત્યુને શાંતિથી સ્વીકારવું જોઈએ. તે સ્વાર્થને ધિક્કારતો તથા ગુનાઓને માફ કરતો. તે માનવજાત પ્રત્યેની પોતાની જવાબદારીથી સભાન હતો. એના મતાનુસાર સર્વ મનુષ્યો આ વિશ્વના નાગરિકો છે અને તેમણે પરસ્પર સહાયરૂપ થવું જોઈએ. તેના જીવનનાં અંતિમ વર્ષો દુ:ખમાં વીત્યાં હતાં.
મુગટલાલ પોપટલાલ બાવીસી
યોગેશ જોશી