માયોટે (Mayotte) : હિન્દી મહાસાગરની મોઝામ્બિક ખાડીમાં આવેલા કૉમોરોસ દ્વીપસમૂહમાં છેક અગ્નિકોણ તરફનો ટાપુ. તે માડાગાસ્કરથી વાયવ્યમાં 370 કિમી.ને અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 12° 50´ દ. અ. અને 45° 10´ પૂ. રે. તેનું બીજું નામ માહોરે છે. તે ગ્રાન્ડ ટેરે અને પોટીટ ટેરે નામના બે મુખ્ય ટાપુવિભાગોમાં વહેંચાયેલો છે. નજીકના નાના બેટ સહિત તેનો કુલ વિસ્તાર 374 ચોકિમી. જેટલો છે. ઝાઉદઝી (Dzaoudzi) તેનું પાટનગર તથા બંદર છે. માયોટેથી પૂર્વમાં આશરે 1.5 કિમી.ને અંતરે પામાન્ઝી નામનો એક નાનકડો ટાપુ આવેલો છે. ઝાઉદઝી અને પામાન્ઝી કૉઝવે મારફતે જોડાયેલા છે. આજે તે ફ્રેન્ચ તાબા હેઠળનું રાજ્ય છે.

ભૂપૃષ્ઠઆબોહવા : આ ટાપુ પર જ્વાળામુખી પર્વતમાળા આવેલી છે. તેનાં શિખરોની ઊંચાઈ 500થી 600 મીટર જેટલી છે. તેના મધ્ય અને ઈશાન ભાગ તરફ મેદાની વિસ્તાર આવેલો છે. ટાપુના કિનારાથી થોડેક દૂર પરવાળાંના ખરાબા આવેલા હોવાથી ટાપુને જળરક્ષણ મળી રહે છે. આ કારણે અહીં જહાજોની અવરજવર તથા માછીમારીનો વ્યવસાય થઈ શકે છે. અહીંની આબોહવા ગરમ, ભેજવાળી અને દરિયાઈ પ્રકારની છે. ઑગસ્ટ અને ડિસેમ્બરનાં તાપમાન અનુક્રમે 24° સે. અને 27° સે. જેટલાં રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 5,000 મિમી. જેટલો પડે છે. અહીં લીલાં ઉષ્ણકટિબંધનાં જંગલો આવેલાં છે.

માયોટે

અર્થતંત્ર : મધ્ય અને ઈશાન તરફ આવેલાં અહીંનાં મેદાનોમાં વેનિલા, કોપરાં (નાળિયેરી), કૉફી, કસાવા, કેળાં, મકાઈ અને ડાંગર ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત અહીં મચ્છીમારીનો વ્યવસાય પણ ચાલે છે. અહીંથી વેનિલા, કૉફી અને કોપરાંની નિકાસ થાય છે. ચોખા, ખાંડ, આટો, કપડાં, બાંધકામ-સામગ્રી, પરિવહન-સામગ્રી અને સિમેન્ટની આયાત કરવામાં આવે છે. ફ્રાન્સ તેનું મુખ્ય વેપારી-ભાગીદાર છે. આ ટાપુનું અર્થતંત્ર ફ્રેન્ચ સહાય પર આધારિત છે. અહીંનાં શહેરો વચ્ચે માર્ગોની સુવિધા સારી છે. ઝાઉદઝીની નૈર્ઋત્યમાં પામાન્ઝીના નાના ટાપુ ખાતે આંતરિક હવાઈ મથક આવેલું છે.

લોકો : માયોટેની કુલ વસ્તી 1,09,600 (1994) જેટલી છે. અહીં ફ્રેન્ચ અને સ્વાહિલીને મળતી આવતી કૉમોરિયન ભાષા બોલાય છે. આ ઉપરાંત કિનારા પરના ગ્રામીણ લોકો માલાગાસી બોલીનો ઉપયોગ કરે છે. અહીં કેટલીક નાની હૉસ્પિટલો તેમજ નાનાં ચિકિત્સાલયો આવેલાં છે. શિક્ષણક્ષેત્રે પરંપરાગત ઇસ્લામી શાળાઓ છે. ફ્રાન્સ તરફથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ પણ શરૂ કરવામાં આવેલી છે. અહીંના મોટાભાગના લોકો માલાગાસીના મોહોરીઝ છે. તેઓ મુસ્લિમ છે, પરંતુ તેમના પર ફ્રેન્ચ અસર વધુ જોવા મળે છે. આ ઉપરાંત અહીં લઘુમતી કોમ તરીકે રોમન કૅથલિકની વસ્તી પણ ઠીક ઠીક છે.

ઇતિહાસ : પંદરમી સદીમાં આરબોએ આ ટાપુ પર હુમલા કરેલા. અહીંના મૂળ બાન્ટુ અને મલય-ઇન્ડોનેશિયાઈ વંશમાંથી ઊતરી આવેલા લોકોને ઇસ્લામધર્મી બનાવી દીધેલા. સોળમી સદીમાં પોર્ટુગીઝો અને ફ્રેન્ચોએ આ ટાપુની મુલાકાત લીધેલી. અઢારમી સદીના અંતિમ ચરણમાં માડાગાસ્કરની માલાગાસી જાતિના સકલાવા લોકો હુમલાઓ કરીને અહીં આવીને વસ્યા. અહીં આવીને તેમણે માલાગાસી બોલીનો પ્રચાર કર્યો. 1843માં ફ્રેન્ચોએ કૉમોરોસ દ્વીપસમૂહ અને માડાગાસ્કર ઉપરાંત માયોટે પર કબજો જમાવ્યો હતો. આ રીતે માયોટે 1843થી 1914 સુધી દરિયાપારના ફ્રેન્ચ સંસ્થાન તરીકે રહ્યું. 1975 સુધી ફ્રેન્ચોએ કૉમોરોસના અન્ય ટાપુઓથી અલગ રીતે અને સ્વતંત્રપણે માયોટે પર વહીવટ કર્યો. 1975માં કૉમોરોસના ઉત્તરના ત્રણ મુસ્લિમ ટાપુઓએ ભેગા મળીને પોતાને માટે સ્વાતંત્ર્યની ઘોષણા કરી; જ્યારે માયોટેના મુસ્લિમ અને ખ્રિસ્તી નિવાસીઓએ તો ફ્રાન્સ સાથે રહેવાનું પસંદ કર્યું. 1976માં ફ્રેન્ચ સરકારે આ ટાપુને વિશિષ્ટ પ્રાદેશિક દરજ્જો આપ્યો. અહીંની વસ્તીએ પોતાના ટાપુ માટે સ્વતંત્ર ખાતાની માગણી મૂકેલી, પરંતુ તે નકારી કાઢવામાં આવેલી. 1979ના ડિસેમ્બરમાં ફ્રેન્ચ નૅશનલ એસેમ્બ્લીએ બીજાં પાંચ વર્ષ માટે આ દરજ્જો લંબાવી આપવાનું નક્કી કરેલું છે.

ગિરીશભાઈ પંડ્યા