માયામી : યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લૉરિડા રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 46´ ઉ. અ. અને 80° 11´ પ. રે. તે ફલૉરિડા રાજ્યના અગ્નિકોણમાં આટલાંટિક મહાસાગરના ભાગરૂપ બિસ્કેન ઉપસાગરને કિનારે માયામી નદીના મુખ પર વસેલું છે. આ શહેર તેના 32 ચોકિમી.ના આંતરિક જળપ્રદેશો સહિત કુલ આશરે 140 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે.
આ શહેરનું તાપમાન વર્ષભર લગભગ એકસરખું હોય છે. ઉનાળામાં તે સરેરાશ 27° સે. અને શિયાળામાં 22° સે. જેટલું રહે છે. તેની ગરમ હૂંફાળી સ્વાસ્થ્યપ્રદ આબોહવાને કારણે તેમજ સુંદર દરિયાઈ તટપ્રદેશને કારણે સહેલગાહ માટેનાં ઘણાં મનોરંજન-સ્થળો અહીં વિકસ્યાં છે. અહીં દર વર્ષે આશરે 1.30 કરોડ પ્રવાસીઓની અવરજવર રહે છે; તેથી તે યુ.એસ.ના વિહારધામ તરીકે જાણીતું બન્યું છે. દેશનાં અન્ય રાજ્યોના ઘણા નિવૃત્ત માણસો પણ અહીં રહેવા માટે આવે છે. એ રીતે અહીં મોટા પાયા પર પ્રવાસ-ઉદ્યોગ વિકસ્યો છે અને વસ્તી વધતી રહી છે. આજે માયામી ફ્લૉરિડાનું જૅક્સનવિલ પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર બની રહ્યું છે. 1992 મુજબ તેની કુલ વસ્તી 3,67,000 જેટલી અને મહાનગર-વિસ્તારની કુલ વસ્તી આશરે 20 લાખ જેટલી છે. અહીં વસતા આશરે 55 % લોકો મૂળગત રીતે યુ.એસ.ની બહારના છે. ક્યૂબાથી આવીને વસેલા લોકોની વસ્તી જ આશરે 40 % જેટલી છે. આ ક્યૂબાવાસીઓએ માયામીને લૅટિન સંસ્કૃતિનું પ્રદાન કર્યું છે. આ સંસ્કૃતિએ ઘણી બૅંકો તેમજ કંપનીઓને અહીં આકર્ષી છે, તેમાંથી લૅટિન-અમેરિકી વેપાર શરૂ થયો છે. આ શહેરમાં મોટા પાયા પર હૈતીઓની પણ વસ્તી છે. બાકીની વસ્તીમાં અંગ્રેજ, જર્મન અને ઇટાલિયન મૂળના લોકો છે. શહેરના આશરે 25 % લોકો અશ્વેતો છે. અહીં 1959થી ક્યૂબા, હૈતી, મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાંથી મોટી સંખ્યામાં વસાહતીઓ આવીને વસ્યા છે.
અર્થતંત્ર : માયામી મહાનગરનું અર્થતંત્ર મુખ્યત્વે તો પ્રવાસીઓ પર નિર્ભર છે. તેની વાર્ષિક આવક આશરે 4.5 અબજ યુ.એસ. ડૉલર જેટલી છે. આખા વર્ષ દરમિયાન અવરજવર કરતા રહેતા પ્રવાસીઓને પૂરતી સગવડો આપવામાં આવે છે. પ્રવાસન-ઉદ્યોગ ઉપરાંત અહીંના મહાનગર-વિસ્તારમાં ખાદ્યપ્રક્રમણ ઉપરાંત કપડાં, પરિવહન-સાધનસામગ્રી, યંત્રસામગ્રી, વીજાણુસામગ્રી, છાપકામ-સામગ્રી, રાચરચીલું, ધાતુની ચીજો જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા લગભગ 3,000 જેટલા ઉત્પાદકીય એકમો છે. આ કારણે રાજ્યમાં તેમજ દેશમાં તે નાણાકીય, વેપાર તથા પરિવહન-ક્ષેત્રે મહત્વનું મથક બની રહ્યું છે.
પરિવહન : માયામી ફ્લૉરિડાનું બંદર છે. આ બંદરેથી ઘણા દેશોના મુસાફરોની અવરજવર તથા માલની હેરફેર થતી રહે છે. 1896માં માયામી સુધી રેલમાર્ગને વિસ્તારવામાં આવ્યો છે. અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દેશનું ધંધાદારી મથક ગણાય છે. વળી તે લૅટિન અમેરિકા માટે યુ.એસ.ના હવાઈ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે.
ઇતિહાસ : આજના માયામી વિસ્તારમાં 1870–80ના ગાળામાં શ્વેત લોકો કાયમ માટે વસવા આવ્યા તે અગાઉ અહીં ટેક્વેસ્ટા નામના ઇંડિયનો વસતા હતા. 1920થી 1925ના અરસામાં અહીં મિલકતો માટેની અંધાધૂંધી ઊભી થયેલી. તે દરમિયાન લોકોએ આવાસો, હોટેલો તેમજ વિહારસ્થાનો બાંધવામાં નાણાં મેળવ્યાં અને ખોયાં. આ પરિસ્થિતિમાં સુધારો થયા પછી 1926માં ફૂંકાયેલા હરિકેન(વંટોળ)થી શહેરને પુષ્કળ તારાજી ભોગવવી પડેલી.
1959માં જ્યારે ફિડેલ કાસ્ટ્રો ક્યૂબામાં આપખુદ શાસક બન્યા ત્યારે ક્યૂબાથી માત્ર 320 કિમી.ના અંતરે આવેલા આ શહેરમાં હજારોની સંખ્યામાં ક્યૂબાવાસીઓનાં ટોળાં આવેલાં. તે પૈકીના મોટાભાગના નિરાશ્રિતો તો વેપારીઓ અને કુશળ કારીગરો હતા. તે પછી પારિશ્રમિકો પણ આવતા ગયા. 1975–80ના ગાળામાં હૈતીમાંથી પણ ઘણા નિરાશ્રિતો આવીને વસ્યા. આમ 1980 સુધીમાં માયામીની વસ્તીમાં વધારો થઈ ગયો. પરિણામે બેકારી અને આવાસોની તંગી વરતાવા લાગી. તેમાં અશ્વેતોને વધુ અસર થઈ. તે જ વર્ષે જાતિવાદના પ્રશ્ને હિંસા ભભૂકી ઊઠી. શ્વેત-અશ્વેત અને પોલીસો વચ્ચે તોફાનો થયાં. 1980–90ના દસકામાં માયામીના નાણાકીય કેન્દ્ર ગણાતા મધ્ય માયામીના બ્રિકેલ માર્ગ પર ઘણી નવી ઇમારતો બંધાઈ. 1984માં ઝડપી ભૂગર્ભીય રેલસેવા શરૂ થઈ તેમજ 1986માં થાંભલાઓ પર ચાલતી રેલગાડીનો પણ ઉમેરો થયો.
ગિરીશભાઈ પંડ્યા