માયમુલસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલેરિયેસી કુળની એક મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે. તેની બહુ ઓછી જાતિઓ ક્ષુપ પ્રકારની હોય છે. તેનું વિતરણ મોટેભાગે સમશીતોષ્ણ અમેરિકામાં થયેલું હોવા છતાં થોડીક જાતિઓ જૂની દુનિયા(Old World)માં પણ જોવા મળે છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ તેના ચળકતા આકર્ષક રંગનાં પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પો મોં ખોલ્યું હોય તેવા આકારનાં હોવાથી તેને ‘બંદર ફૂલ’ (monkey flower) પણ કહે છે. તેનાં બીજ ઑક્ટોબરની આસપાસ વાવવામાં આવે છે. તે ખૂબ નાનાં હોવાથી રોપતી વખતે બારીક રેતી સાથે ભેળવીને રોપવામાં આવે છે; જેથી તે સરખી રીતે રોપાય છે. બીજ ઊગ્યા પછી નજીક નજીક ઊગેલા રોપોને અલગ કરી તેમને કાયમી સ્થાને રોપવામાં આવે છે. તેની બધી જાતિઓને ખાતરપાણી સારા પ્રમાણમાં જોઈએ છે. તેને ઠંડકવાળું વાતાવરણ પસંદ છે. તેને કૂંડાના છોડ તરીકે પણ ઉછેરવામાં આવે છે. તેની ભારતમાં થતી કેટલીક જાતિઓ આ પ્રમાણે છે :

Mimulus moschatus Dougl. (કસ્તૂરી વનસ્પતિ) : બહુવર્ષાયુ શાકીય જાતિ છે અને અમેરિકાની મૂલનિવાસી છે. તેનાં પર્ણો લંબચોરસ-અંડાકાર (oblong-ovate) અને પુષ્પો પીળા રંગનાં હોય છે. તે દક્ષિણ ભારતનાં કેટલાંક હિલ-સ્ટેશનો પર ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ કસ્તૂરીની અવેજીમાં કરવામાં આવે છે અને તે ઉત્તેજક ગુણધર્મો ધરાવે છે. M. cardinalisનાં પુષ્પો લાલાશ પડતાં હોય છે. M. strictus Benth. syn. M. gracilis Hook. f. બહુવર્ષાયુ આરોહી (ascending) કે ઉચ્ચાગ્રભૂશાયી (decumbent) શાકીય જાતિ છે. તેનાં પર્ણો રેખીય-લંબચોરસ (linear-oblong) કે લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. પુષ્પો આછા વાદળી કે આછા ગુલાબી રંગનાં હોય છે. તે ભેજવાળી અને છાંયડો ધરાવતી જગ્યાઓમાં, ઝરણાં કે ડાંગરનાં ખેતરોની કિનારીએ ઉત્તર ભારતમાં 900 મી.ની ઊંચાઈ સુધી થાય છે અને કાશ્મીરથી માંડી ઉત્તર બંગાળ અને દક્ષિણ ભારતમાં પણ ઊગે છે. તેનો ઉપયોગ ઋતુસ્રાવના રોગોમાં કરવામાં આવે છે.

M. tigrimusના છોડ 25 સેમી. જેટલા ઊંચા થાય છે. તેનાં પુષ્પોનો મુખ્ય રંગ પીળો હોય છે અને તેમાં જુદા જુદા રંગની છાંટ કે ધાબાં જોવા મળે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ