માફિયા : કોઈ પણ સ્થળ કે કાળમાં છૂપી રીતે ગેરકાયદેસર કામ કરનારું ગુનેગારોનું સંગઠન. સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન જુદા જુદા સ્વરૂપમાં વ્યક્તિગત કે સમૂહસ્વરૂપે ગુનાઓ થતા જ રહ્યા છે. ગુનાને કોઈ સરહદો હોતી નથી. બધી સંસ્કૃતિઓમાં તે જોવા મળે છે. બધી જાતિઓમાં તે બનતા હોય છે. આર્થિક પ્રવૃત્તિના ભાગરૂપે તેનું અસ્તિત્વ હોય છે. તેની શરૂઆત દક્ષિણ ઇટાલીમાં થઈ; પરંતુ અમેરિકા, રશિયા, ચીન, જાપાન, મધ્યપૂર્વ વગેરે દેશોમાં તેનો ફેલાવો થયો. મૂળ અરબી ભાષામાં ‘માફીહા’ શબ્દનો અર્થ ‘જે કંઈ અંદર છે’ અથવા ‘શરણાર્થીને આપવામાં આવતું આશ્રયસ્થાન’ અથવા ‘ડંફાસ’, ‘બડાઈ’, ‘શેખી’ કે ‘આત્મસ્તુતિ’ એવો થાય છે. પાલેર્મો બોલીમાં તેનો અર્થ ‘સ્વાભિમાન’, ‘દેશાભિમાન’, ‘બેઅદબ ઓળખ’, ‘આત્મવિશ્વાસવાળું’ એવો થાય છે. ઇટાલીમાં તેનો અર્થ ‘ધૃષ્ટતા’ અથવા ‘ગુનેગાર માનસવાળું ગુપ્ત જૂથ’ એવો થાય છે. યેન કેન પ્રકારેણ પોતાની સત્તા ટકાવી રાખવા હિંસા, જુલમ અને ગુનેગારી આચરતાં તેઓ કદી અચકાતા નથી. 1860 સુધી ઇટાલી પર ફ્રાન્સનું વર્ચસ્ હતું. વિદેશી શાસન સામે કેટલાક ઇટાલિયન દેશપ્રેમીઓએ સૂત્ર આપ્યું કે ‘Monte alla Francia Italia aneta’ એટલે કે ઇટાલી તેના છેલ્લા શ્વાસ સુધી ‘ફ્રાન્સનો સર્વનાશ’ આમ બોલ્યા જ કરશે. આમાં આવતા શબ્દોના પ્રથમ અક્ષરો સાથે મૂકતાં ‘Mafia’ શબ્દ બને છે.
ઇટાલીના સિસિલી ટાપુની માફિયા ટોળીએ છેક સત્તરમી સદીથી પોતાની દુરાચારપૂર્ણ પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેમનો હેતુ સ્પેનના શાસકોની વિરુદ્ધ કામ કરવાનો હતો. 1800 સુધીમાં સિસિલીમાં આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે દાદાગીરી માટે તેઓ કુખ્યાત હતા. આ ટોળકીના સભ્યોની ‘ઑમેર્તા’ તરીકે ઓળખાતી એક આચારસંહિતા હતી. એની રૂએ તેનો કોઈ પણ સભ્ય પોતાના સંગઠન કે ગુનાઓ વિશે પોલીસ કે અન્ય કોઈને પોતાનું રહસ્ય જાનના જોખમે પણ આપતો નહિ. અઢારમી સદીની શરૂઆતમાં આવું બીજું ગુપ્ત સંગઠન ‘કેમોરા’ ઇટાલીના નેપલ્સના કેદખાનામાં ઉદભવ્યું. એની ધાકધમકી શરૂઆતમાં પૂરા શહેરમાં હતી અને પાછળથી તેનો વ્યાપ આજુબાજુના પ્રદેશોમાં પ્રસર્યો હતો. ‘ઑનૉરેતા સોસાઇતા’ એટલે કે ‘આબરૂદાર સમાજ’ તરીકે ઓળખાતું, પરંતુ વાસ્તવમાં ગુનેગારોની ટોળકી તરીકે કામ કરતું એ સંગઠન હતું. પોલીસ તો માને છે કે આ પ્રકારનાં સંગઠનો હજુ પણ વિદ્યમાન છે.
અમેરિકામાં 1891માં આ પ્રકારનાં સંગઠનો છે એવી છૂપી માહિતી સૌપ્રથમ સરકાર પાસે હતી. તે વર્ષે ઑનૉરેટા માફિયા ટોળીના સંભાવિત સભ્યોને ન્યૂઑર્લિયન્સનાં ટોળાંઓએ કાયદો હાથમાં લઈ જાનથી મારી નાંખ્યા હતા. 1920ના દાયકામાં માદક પદાર્થો બનાવવા કે વેચવાની બંધીનો કાયદો અમલમાં આવતાં અમેરિકામાં આ પ્રકારની ગુનેગાર ટોળકીઓ પર કાયદેસર કામ ચલાવીને જે તે સજા કરવામાં આવે છે. અંદાજે 6,000 ઇટાલિયન–અમેરિકનો આ પ્રકારના સંગઠિત ગુનેગારો તરીકે નોંધાયા છે. પ્રાદેશિક ટોળકીઓને જે તે પરિવાર(‘ફૅમિલિઝ’)ના નામે ઓળખી લેવામાં આવી છે. આ પરિવાર કે સંગઠન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રચ્યાંપચ્યાં રહે છે. આમાં જુગાર, વેશ્યાગૃહો, કેફી દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે. વળી પઠાણી વ્યાજ લઈને અપાતી રકમની ‘લોન શાર્કિંગ’ પદ્ધતિનો ધંધો પણ આમાં આવી જાય છે. કાયદાનું પાલન કરાવતાં તંત્રોના જવાબદાર અધિકારીઓની ગણતરી મુજબ આવી ટોળકીઓનો વાર્ષિક ધંધો 50 અબજ અમેરિકી ડૉલરથી ઓછો નહિ હોય. જોકે આમાંની કેટલીક ટોળકીઓએ હવે કાયદેસરના વ્યાપાર કે ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું છે.
ઇટાલીમાં પાલેર્મો નગરમાં 1986–87માં જીઓવાની ફાલ્કન નામના ન્યાયાધીશ સમક્ષ માફિયા ટોળીના સર્વસત્તાધીશ ટૉમાસૉ બુસીત્તા અને અન્ય 456 ‘કૉસા નૉસ્ત્રા’ (‘અવર કૉઝ’) માફિયા ટોળીના સભાસદો પર ખટલો ચલાવવામાં આવ્યો, જેમાં 114 જણને નિર્દોષ જાહેર કરવામાં આવેલા અને બાકીના સભ્યોને સહિયારી 2,655 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આમાંના 19ને તો આજીવન કેદની સજા થઈ હતી. ફાલ્કનને 1991માં રોમના કાયદાખાતામાં ગુના અંગેના કાયદાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા; જોકે એમના પરિવારની 32 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવામાં માફિયાઓ સફળ રહ્યા હતા. છેવટે ફાલ્ક્ધા અને તેમનાં પત્ની અને ત્રણ અંગરક્ષકો બૉમ્બવિસ્ફોટમાં માર્યાં ગયેલાં.
સિસિલીમાં ગરીબીની રેખા નીચે જીવતી છેક નીચલા થરની વસ્તીમાંથી માફિયાનો ઉદભવ થયો હોવાનું મનાય છે. મોટા જમીનદારોની મિલકતો (‘લેતિફન્દિયા’), જમીનજાગીર ગામડાંઓમાં હતી. તેઓ બેફામ સત્તા ભોગવતા હતા. પરંતુ પાછળથી આ જમીનદારોએ નગરોમાં સ્થળાંતર કર્યું. આ તકનો લાભ લઈ કેટલાક માથાભારે પણ ચીંથરેહાલ ગરીબોએ તે બધી મિલકત સાચવવાનું કામ માથે લીધું. એ બધા ‘ગેબેલોત્તિ’ના નામે ઓળખાતા. તેઓ ક્રૂર હતા અને પોતાને ‘માફિયોસી’ તરીકે ઓળખાવતા હતા. નગરમાં સ્થળાંતર કરીને રહેવા ચાલ્યા ગયેલા માલિકો અને ગામડાંના ખેડૂતો – એમ બંને પર દબાણ કરીને માફિયોસી પૈસા મેળવી લેતા હતા. નગરની સુધરાઈના વહીવટદારો, સભ્યો, ન્યાયાધીશો અને પોલીસખાતાના માણસો પર પણ તેમનું વર્ચસ્ રહેતું હતું.
ઇટાલીમાં ફાસિસ્ટ સર્વસત્તાધીશ બેનિત્તો મુસોલીનીના સત્તાકાળ દરમિયાન માફિયા પર પગલાં લેવાયાં અને કેટલાકને ઝબે કરવામાં આવ્યા. કેટલાક સરકારને શરણે થયા તો કેટલાક અમેરિકા ભાગી ગયા.
ધાકધમકી કે દબાણથી લોકોને પરેશાન કરી માફિયા પૈસા કઢાવતા. 1950–60ના દાયકામાં ડોસા નૉસ્ત્રા કેફી દ્રવ્યોની હેરફેર કરતો. ફ્રાન્સની કૉર્સિડન ટોળીઓ સાથે તેની સાઠગાંઠ થઈ. આ પ્રવૃત્તિ ‘ફ્રેન્ચ કનેક્શન’ના નામથી ઓળખાય છે. પાછળથી આ જોડાણમાં ભંગાણ પડતાં ચીનના માફિયાઓ સાથે ‘નાકૉર્ટિક્સ’નો ધંધો શરૂ થયો. આને ‘સિસિલિયન કનેક્શન’ કહેવાય છે. દુનિયાના વ્યાપાર માટેના 60 ટન હેરૉઇનમાંથી 12 ટનનો ધંધો કરતું આ જોડાણ 1980માં પુરબહારમાં કાર્યરત હતું. કેફી દ્રવ્યોનો વેપાર અબજો ડૉલરનો હતો. આમાં આડખીલી બનનાર વ્યક્તિને લાગલી જ પતાવી દેવામાં આવતી હતી. પાલેર્મોના શ્રેષ્ઠ ડિટેક્ટિવ બૉરિસ ગિલિયાનોનું 1979ના જુલાઈમાં માફિયાઓએ ખૂન કર્યું હતું. માત્ર સિસિલીમાં આ ધંધાને લીધે 200 જેટલાં ખૂન થયેલાં. આ પ્રવૃત્તિને નામશેષ કરવા માટે જનરલ કાર્લોની નિમણૂક કરવામાં આવેલી; પરંતુ તેમની પત્ની સહિત તેમને ગોળીએ દેવાયા હતા. આની પાછળના કાવતરાખોર સાલ્વેતોર તોતો રીનાને 1993માં જેલમાં પૂરી દેવામાં આવ્યો છે. હવે ‘સિસિલિયન’ અને ‘નિયોપૉલિટન’ ટોળીઓમાં મેળ થયો છે. એમની ટોળી હવે ‘ઑક્ટોપસ માફિયા’ને નામે ઓળખાય છે.
માફિયાઓની ટોળીઓની સંખ્યા લગભગ 186 જેટલી હોવાનું મનાય છે. કેમ્પાનિયામાં ‘કેમોરા’ અને કેલેબ્રિયામાં ‘નાન્ધેતા’ નામની ભયંકર માફિયા ટોળીઓ છે. બુસેત્તાએ લખેલ ‘ઇનસાઇડ ધ માફિયા’(1991)માં માફિયાની ટોળીઓના માનસનું તથા તેમની વિચારસરણી, તેમનાં અત્યંત ખાનગી કર્મકાંડ અને આચારસંહિતાનું વેધક વર્ણન છે. ફાલ્કનના ખૂની ગિયોવાની બ્રુસ્કાની ધરપકડ થતાં (મે 1996) માફિયા પ્રવૃત્તિની ઘણી વિગતો મળી છે.
અમેરિકામાં છેક 1908થી ‘યુનિયન સિસિલિયાના’ સ્થપાયું છે. એકલા શિકાગોમાં 40,000 જેટલા સભ્યોવાળી આશરે 38 માફિયા ટોળીઓ 1917માં પ્રવર્તમાન હતી. બિગ જિમ કોલોઝિમો મુખ્ય માફિયા હતો. તેની રાજકીય વગ અસાધારણ હતી. રાજકીય ચૂંટણીમાં તે ધારે તેને જીત અપાવવા સમર્થ હતો. 1922માં તેને ગોળીએ દેવામાં આવ્યો હતો. જોકે આ માફિયાની સ્મશાનયાત્રામાં 5,000થી પણ વધુ માણસો હતા. તેમાં 9 નગરસભાના ચૂંટાયેલા સભ્યો, 3 ન્યાયાધીશો, 2 કૉંગ્રેસમૅન અને 1 સેનેટરનો સમાવેશ થતો હતો. તેનું ખૂન કરનાર ફ્રાન્ક યેલ ન્યૂયૉર્કની માફિયા ટોળીનો નેતા હતો. આ ફ્રાન્કે બ્રુકલિનનિવાસી 14 વર્ષના કિશોર આલ્ફૉન્ઝ કેપોનીને પારખ્યો અને તેને માફિયા બનવાની તાલીમ આપી. આ કિશોરને કોઈએ ખંજર ભોંકી દીધું પણ તે બચી ગયો, જોકે તેના ચહેરા ઉપર વાગ્યાનો ડાઘ રહી ગયો. તેથી તે ‘સ્કારફેસ’ તરીકે ઓળખાયો. કેપોની અને જૉની તોરિયો બંને ભયંકર માફિયાઓ હતા. બંનેએ બિગ જિમનાં શિકાગોનાં જુગારખાનાંઓ અને વેશ્યાગૃહોનો કબજો લઈ લીધો. 16 જાન્યુઆરી 1920ના રોજ અમેરિકન બંધારણમાં આલ્કોહૉલના ઉપયોગ અને વેચાણ વિરુદ્ધ કાયદો પસાર થયો. 1933 સુધી આ ધારો અમલમાં રહ્યો. (જોકે અમેરિકામાં આ કાયદામાં પાછળથી સુધારાવધારા થતાં 21 વર્ષની વયથી ઓછી ઉંમરના નબીરાઓને દારૂ વેચવા કે આપવા પર કે તેમના મદ્યપાન કરવા પર પ્રતિબંધ છે.) માફિયાઓ માટે આ ધારો નફાનો ધંધો થઈ પડ્યો. તેમણે પુરાવસ્તુઓની દુકાનના ઓઠા તળે દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો. આ બંને માફિયાઓએ ‘સ્પીકીઝીઝ’ અને ‘ગૅમ્બલિંગ ડેન્સ’ના આશરે 23,000 સ્ટૉર દ્વારા ગેરકાયદેસર રીતે બેસુમાર પૈસો પ્રાપ્ત કર્યો. પોલીસ અને ન્યાયની અદાલતો પણ આ ટોળકીઓના ગુનેગારો સામે આંખમીંચામણાં કરતી હતી. ન્યાયપીઠોમાં સાક્ષીઓને ફોડી નાંખનાર કે તેમને ભયભીત કરનાર આ ટોળકીઓ રોકટોક વગર પોતાનું કામ કરતી હતી. એમની સામે થનાર દિયોન ઓ’બેનિયનનું ખૂન કરવામાં આવ્યું હતું. જોકે તેની જ સ્મશાનયાત્રામાં આ ભાડૂતી ખૂનીઓ અને માફિયાઓ હાજર રહેલા ! 1925માં તોરિયો પકડાઈ ગયો. એટલે કેપોની સર્વેસર્વા થઈ પડ્યો. તે વરસેદહાડે 6 કરોડ અમેરિકન ડૉલરનો વેપાર કરતો હતો. 1930માં તેને 11 વર્ષની જેલની સજા થઈ. જોકે 8 વર્ષ પછી સાન્ફ્રાન્સિસ્કોની આ જેલમાં રહ્યા પછી નાદુરસ્ત તબિયતને બહાને તેને મુક્તિ આપવામાં આવી. 1948માં સિફિલિસના વ્યાધિને લીધે માયામીમાં તેનું અવસાન થયું.
માફિયાઓની પરસ્પરવિરોધી ટોળીઓનું એક સંમેલન 1934માં કાન્સાસ સિટીમાં મળ્યું. આમાં 9 જણ ‘ડૉન’ તરીકે નિમાયા. ટોળકીઓ વચ્ચેના અંદરોઅંદરના ઝઘડા અંગે આખરી નિર્ણય કરવાનું કામ ડૉનની સમિતિ કરવાની હતી. ગુનાનિષ્ણાતોની માન્યતા મુજબ આ ટોળકીના સંગઠને કરેલો નિર્ણય અમેરિકામાં ‘સંગઠિત ગુના’ માટેનો પાયો નાંખે છે. ‘બિગ ફાઇવ’ નામે ઓળખાતી પાંચ ટોળીઓને મુખ્ય ગણાવાઈ. દારૂબંધી નાબૂદ થયા પછી આ ટોળીઓએ પોતાનો ધંધો વેશ્યાગૃહો, મોટાં જુગારખાનાં (કસીનો) ચલાવવામાં કેન્દ્રિત કર્યો, તેમણે હેરૉઇનનો ધંધો પણ શરૂ કર્યો. કેફી દ્રવ્યોની હેરફેર માટે જાણીતા ‘ગોલ્ડન ક્રેસન્ટ’માં ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનાં નામ જાણીતાં બન્યાં છે. નાકૉર્ટિક દ્રવ્યોમાં હવે કરોડો ડૉલરની કમાણી થાય છે. 1984માં પ્રેસિડેન્ટ રૉનાલ્ડ રેગને નીમેલા કમિશન દ્વારા ઊંડી તપાસ બે વર્ષ સુધી ચાલી. છેવટે ‘બિગ ફાઇવ’ના 19 સભ્યો સામે તહોમતનામું મૂકવામાં આવ્યું. આમાં ત્રણ ડૉન હતા. 30 જણાએ સાક્ષી આપી. 1987ના જાન્યુઆરીમાં કોર્ટે ગુનેગારોને 100 વર્ષથી વધુ એવી સજા ફટકારી. બૉસ્ટન, ડેનવર અને સેંટ લૂઇમાં આવી ટોળકીઓની તપાસનું પગેરું છેક સિસિલી સુધી ગયું. નવી નવી ટોળકીઓ દેખાવા લાગી; દા.ત., ચીનાઓની ‘ટ્રયાડ–14 કે’ ટોળી હેરૉઇનનો જબરો વેપાર કરે છે. આ પ્રવૃત્તિમાં હાલ કોરિયા, વિયેતનામ અને કોલંબિયા ભળ્યાં હોવાનું મનાય છે.
1960–70માં અમેરિકામાં કેફી દ્રવ્યોના ઉપયોગમાં ભરતી આવી. આનાં કારણોમાં હિપ્પી ચળવળ અને બદલાતી સામાજિક રહેણીકરણી ગણી શકાય. દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં કૅરેબિયન સમુદ્રને કિનારે મારિજુઆનાનું વાવેતર વિપુલ પ્રમાણમાં થવા લાગ્યું. 1975–80 દરમિયાન અમેરિકાના મારિજુઆનાનો 70થી 80 % વેપાર કોલંબિયાના હાથમાં હતો. કહે છે કે કૉફી કરતાં મારિજુઆનાની નિકાસ ગેરકાયદેસર રીતે વધુ થતી હતી. આમાં સરકારી અધિકારીઓ, ખેડૂતો અને કંપનીઓની સાઠગાંઠ હતી. અહીં કાળુ નાણું ધોળું થતું હતું. કોલંબિયનો કોકા પ્લાન્ટમાંથી નીપજતા કોકેનના વેપાર તરફ ઢળ્યા. મેડલિન શહેરમાં તેના વેપારનું કેન્દ્ર હતું. ગગના વડા પાબ્લો એસ્કોબાર, જ્યૉર્જ લૂઇ ઑકોઆ, ગોઝાલો રૉડરિવ્ઝ ગાચા અને કાર્લોસ લ્હેડરનાં નામ હતાં. એસ્કોબાર આ બધાંયનો નેતા હતો. તેની પહોંચ કોલંબિયા, બોલિવિયા અને પેરૂ સુધી હતી. 1989માં કૉફીની કિંમતમાં ઘટાડો થતાં કોકાનું વાવેતર વૃદ્ધિ પામ્યું. વાર્ષિક 240થી 400 અબજ ડૉલરના કોકેનના ધંધામાં રાજકારણીઓ, ન્યાયાધીશો અને પોલીસ-અફસરોને અઢળક નાણું લાંચરુશવત રૂપે મળતું. વળી કોકેનના માફિયાઓનું સમૂહમાધ્યમો પર ભારે વર્ચસ્ હતું. તેમની પકડ સાંસ્કૃતિક અને રમતગમતનાં સંગઠનો પર હતી. તેમની પાસે અદ્યતન શસ્ત્રસરંજામથી સુસજ્જ 15,000 ભાડૂતી માણસો હતા. કોલંબિયાના ગરીબોના પાલનહાર તરીકે પાબ્લો સુવિખ્યાત હતો. એક વખતના ગરીબ ખેડૂતના આ પુત્રે હવે પુષ્કળ ધન મેળવી ભેટસોગાદ, સખાવતો અને રમતગમતનાં જિમખાનાં વગેરે દ્વારા લખલૂટ ખર્ચ કરી લોકચાહના મેળવી હતી. તેણે ‘મેડેલિન વિધાઉટ સ્લમ્સ’ની બાંધકામની યોજના કરી. ઘરવિહોણા માટે ઘર બનાવી આપવાની આ યોજના લોકપ્રિય થઈ પડી. આવાં રહેઠાણો માટે સામાન્ય આનંદપ્રમોદનાં સાધનો અને બાળકો માટે પ્રાણી-સંગ્રહાલયો પણ રાખવામાં આવતાં હતાં. 1982માં રૉડરિગો પાર્લમેન્ટમાં સભ્ય તરીકે ચૂંટાયો હતો, પરંતુ ન્યાયખાતાના મંત્રી સાથે ઉગ્ર મતભેદ થતાં તેને રાજીનામું આપવાની ફરજ પડેલી. કહે છે કે એસ્કોબારના સાથીઓએ તેને ગોળીએ દીધો હતો. આ ઘટનાને કારણે બોગોટાની સરકારને અમેરિકા સાથે પ્રત્યર્પણ(extradition)ની સંમતિ પર સહી કરવી પડેલી. આંતરરાષ્ટ્રીય કાયદામાં આ વિશિષ્ટ સંધિ છે. દુનિયામાં કોઈ પણ રાજ્ય સ્વેચ્છાએ પોતાના ન્યાયતંત્રની ઉપરવટ જઈ પોતાના ગુનેગારો પર કેસ ચલાવવાનું કામ આ પ્રમાણે બીજા રાજ્યને સોંપતું નથી. એસ્કોબાર અને તેના સાથીઓ હવે પ્રત્યર્પણયોગ્ય (એક્સ્ટ્રાડાઇટેબલ્સ) તરીકે ઓળખાવા લાગ્યા. હવે તેઓ નિરંકુશ અને કાયદાથી પર હતા. 1984માં તેમણે કોલંબિયામાં સાડા બાર અબજ ડૉલરના વિદેશી દેવાની ચુકવણી કરવાનું માથે લીધું હતું. શરત માત્ર એટલી જ હતી કે દેશના પ્રમુખ બેલિસારિયો પ્રત્યર્પણની કાર્યવહીને અટકાવી દે. કોલંબિયાની સરકારે આ વાતમાં નન્નો ભણ્યો; પરંતુ ખરેખર તો સરકારે માફી માગેલી. લૂઇ કાર્લૉસ ગલાન લિબરલ પક્ષના છે. અધ્યક્ષ તરીકે ચૂંટણી લડ્યા ત્યારે માફિયાઓના જબરા વિરોધી હતા. 1989માં તેમનું ખૂન થયું. 1991માં એસ્કોબારે શરણાગતિ સ્વીકારી તે એ શરતે કે તેને ખાસ દરજ્જો આપવામાં આવે. આ મુજબ માફિયાએ એક વૈભવી ટેકરી પર પોતાનો જેલવાસ પસંદ કર્યો. અહીંથી પણ પોતાની માફિયા પ્રવૃત્તિ કોઈ પણ રોકટોક વગર એક વર્ષ ચલાવી. પછી તે ત્યાંથી ભાગી છૂટ્યો; પરંતુ 2 ડિસેમ્બર 1993ના રોજ એક મૂઠભેડમાં સ્વયંસંચાલિત શસ્ત્રની ગોળીઓથી વીંધાઈ ગયો. 1996ના માફિયા માટેના ખાસ કાયદા તળે ડ્રગના એ બધા માંધાતાઓની મિલકતો જપ્ત કરવામાં આવી. જોકે ભ્રષ્ટ રાજકારણીઓ માફિયાઓના ટેકેદાર રહ્યા છે. વળી અમેરિકાની કોકેનની માંગ પ્રબળ રહી છે. જોકે કોઝા નૉસ્ત્રા જેવાં માફિયા સંગઠનો વિરુદ્ધ અમેરિકાનો સંઘર્ષ અવિરત ચાલુ જ રહ્યો છે.
રશિયન માફિયા : સામ્યવાદના પતન સાથે માફિયાનું જોર સારી પેઠે વધ્યું છે. મિલકતોની ઉઘાડી લૂંટ કરતા આવા ધંધાને પશ્ચિમ યુરોપ અને અમેરિકામાં ‘સંગઠિત કારસ્તાન’ (ઑર્ગેનાઇઝેઝિજા વેન્ચર્સ) કહે છે. દૂરદર્શનના મહાનિર્દેશક વ્લાડિસ્લાવ લિસ્ટ્જેવ પર, તેમના નિવાસસ્થાનની નિસરણી પર બેધડક ગોળીબાર કરી માફિયાઓએ તેમને પૂરા કર્યા. બીજા દિવસે દૂરદર્શન-કેન્દ્રોનાં અન્ય પ્રસારણો મોકૂફ રાખીને માત્ર એક જ જાહેરાત સતત થતી રહી. ‘અમારું મૌન એ જ સરકારના અને સમાજના અધિકારીઓને અને નેતાઓને પડકાર છે. જે દેશની અમર્યાદ સત્તાનું કેન્દ્ર માફિયાહસ્તક હોય તે દેશનું કોઈ ભવિષ્ય નથી.’ ડિટેક્ટિવો અને પત્રકારો પાસે માફિયા અને ઉદ્યોગગૃહોનું સહિયારું ચાલતું હોવાની માહિતી હતી; પણ તેમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. તે હકીકત જ આ ટોળકીનો કેવો પ્રભાવ હતો તેનું ર્દષ્ટાંત છે. સરકારી આંકડા અનુસાર રશિયામાં વૈશ્વિકીકરણ પછી માફિયાઓની નાનીમોટી ચાલીસ હજાર ખાનગી અને જાહેર કંપનીઓ છે. આમાં બૅન્કો, વ્યાપારી પેઢીઓ અને વિક્રેતા-કેન્દ્રોનો સમાવેશ થાય છે. એક ગણતરી મુજબ માફિયાઓ પોતાની અનૈતિક અને ગેરકાયદેસરની કમાણીના પચાસ ટકા જેટલી રકમ રુશવત તરીકે આપે છે. કાયદેસરની કંપનીઓએ પોતાની આવકની દસથી વીસ ટકા જેટલી રકમ માફિયાઓને આપવી પડે છે. પરિણામે વસ્તુઓની કિંમત વધે છે અને રશિયન પ્રજા ડગલે ને પગલે લૂંટાતી જાય છે. લોકશાહીના પાયા ર્દઢ થવાને બદલે દેશમાં જાણે કે કાયદાનું શાસન ડચકાં ખાવા લાગ્યું છે. રશિયન માફિયાઓ અન્ય દેશોના માફિયાઓ સાથે ભળતા જાય છે. જૂન 1991માં વૉર્સોમાં દુનિયાના માફિયાઓ મળ્યા; પોતપોતાની વ્યાવસાયિક યુક્તિ-પ્રયુક્તિઓની આપ-લે કરી. એમનો ઉદ્દેશ ડ્રગ્ઝનો ધંધો દુનિયામાં પ્રસરાવવાનો છે. બ્રિટનની નૅશનલ ક્રિમિનલ ઇન્ટેલિજન્સ સર્વિસ મુજબ યુરોપમાં 60 %થી વિશેષ હેરૉઇન બાલ્કન અને અગાઉના ઈસ્ટર બ્લૉકના દેશો દ્વારા આવે છે. આમાંય જો વિપુલ પ્રમાણમાં રેડિયોઍક્ટિવ પદાર્થો કે અણુશક્તિ માફિયા અને આતંકવાદીઓના હાથમાં આવી પડે તો તેનો દુરુપયોગ જગતમાં ગમખ્વાર જાનહાનિ કરે તે નિ:શંક છે. 1990ની શરૂઆતથી દુનિયાભરમાં ધાકધમકી, બળજબરી, લોકોને બાનમાં લેવાની પ્રવૃત્તિ, બૅંકો પરની લૂંટ અને ભાડૂતી માણસો દ્વારા ખૂનખરાબી વગેરેનો વ્યાપ જે રીતે વધવા પામ્યો છે એટલો પૂર્વે ક્યારેય ન હતો.
આઇવનકૉવની માફિયા ટોળી ન્યૂયૉર્કમાં છૂટથી હરતીફરતી. રશિયન ગુનેગારોના માંધાતા વ્યાચેસ્લાવ ઇવાનકૉવે ન્યૂયૉર્કની કોઝા નૉસ્ત્રા નામની માફિયા ટોળી સાથે ગાઢ સંબંધ સ્થાપ્યો અને પોતાની માફિયા પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો. અમેરિકાની એફ.બી.આઇ. ગુપ્તચર સંસ્થા તેને ‘રેડ ગૉડફાધર’ના નામથી ઓળખતી. માયામી, બૉસ્ટન, ડેનવર અને લૉસ ઍન્જેલસ નગરોમાં તેનાં મુખ્ય મથકો હતાં. ઇન્સ્યૉરન્સ અને ક્રેડિટ-કાર્ડની ગોલમાલના કસબમાં આ ટોળી અત્યંત પાવરધી હતી. રશિયન માફિયા પોતાનું ધન એક દેશમાંથી અન્ય દેશમાં સહેલાઈથી ફેરવી શકતા. કાળું નાણું કંપનીઓમાં રોકાતું અને આવી કંપનીઓના ઉત્પાદનની વસ્તુઓ પાછી ગ્રાહકો પાસે જતી. રશિયન માફિયાની આંતરરાષ્ટ્રીય જાળ (નેટવર્ક) ભેદવી અઘરી છે. કેટલાક માપદંડો મુજબ તેમનો વાર્ષિક વકરો (ટર્નઓવર) 100 અબજ ડૉલર જેટલો છે અને તેમનાં છૂપાં સંગઠનોની સભ્યસંખ્યા 18 લાખ જેટલી થાય છે.
રશિયન સૈનિકોએ 1 જુલાઈ 1990ના કાયદાની ઓથ લઈને પોતાનો શસ્ત્રસરંજામ માફિયાઓને વેચવાનો ધંધો શરૂ કર્યો. દિમિત્રી ચૉલૉદૉવે રશિયન સૈન્યમાં પેઠેલા આ ભ્રષ્ટાચારને બહાર પાડવા કમર કસી. રશિયન પાર્લમેન્ટે ડૂમામાં તેની સુનાવણી રાખી હતી; પરંતુ ઑક્ટોબર 1994માં આ અહેવાલ પર પોતે બ્યાન કરે તે પહેલાં તેને મારી નાખવામાં આવ્યો.
જાપાની માફિયા : જાપાનમાં યાકુઝા ‘ટેટૂ’ એટલે કે છૂંદણાં છૂંદાવેલા માફિયાઓ છે. તેમની સંખ્યા આશરે નવ લાખ જેટલી છે. આમાંની મુખ્ય ટોળીઓ સુમિયોશી રેંગો, ટોકિયોની ઇનાગાવા કાઈ અને ઑસાકાની અમેગુચી ગુમી છે. કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ તેમને વર્જ્ય નથી. તેઓ જુગાર, ગેરકાયદેસર પુસ્તકપ્રકાશન, ધાકધમકી, બળજબરી, વેશ્યાગૃહોનું સંચાલન અને શસ્ત્રસરંજામના વેપારની પ્રવૃત્તિઓ કરી અઢળક નાણું કમાય છે. 1 માર્ચ 1992ના રોજ જાપાને ‘એન્ટિગૅંગ લૉ’ પસાર કર્યો છે; પરંતુ તેનાથી કંઈ માફિયાઓનો નાશ થયો નથી. યાકુઝા માફિયાઓનો વડો ઓયાબુન કહેવાય છે, જે શાસક પિતા(father ruler)નો ભાગ ભજવે છે. તેના સભ્ય-પુત્રોને ‘કોબુન’ નામથી ઓળખવામાં આવે છે. આ બધા તેને ચુસ્ત રીતે વફાદાર હોય છે. કોબુન જો કોઈ ભૂલ કરી બેસે તો સ્વેચ્છાએ પોતાના હાથની એક આંગળી કાપી ઓયાબુન સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે છે.
ચીની માફિયા : ચીનના માફિયાઓને ‘ટ્રાયડ્ઝ’ કહે છે. શરૂઆતમાં ન્યાય મેળવવા તેઓ ‘મંચુ’ રાજસત્તા સામે સંઘર્ષ કરતા હતા. પરંતુ કાળક્રમે તેઓ ગુનેગારો સાથે મળી જઈને માફિયા થઈ ગયા. દુનિયાની ભયંકર ગુનેગાર ટોળીઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ હેરૉઇનનો ધંધો કરે છે. અન્ય દેશમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવવા માટે તેઓ રુશવત લે છે. કહે છે કે ઈ. પૂ. 200 વર્ષ પહેલાં પણ આવા ગુનેગારો ચીનમાં કાર્યરત હતા. ‘વ્હાઇટ લોટસ’ અને ‘ટ્રાયડ સીક્રેટ સોસાયટિઝ’ના સભ્યો પણ માફિયાઓ જ છે. તેમનો મૂળ વેપાર અફીણનો હતો. હૉંગકૉંગમાં આવા ગુનેગારોના અડ્ડાઓ હતા. સુન યી ઓન, વો સિંગ સો અને 14K ટોળકીના વડાઓ ટ્રાયડ્ઝમાં હતા. 1990માં આ ટોળકીના આશરે 75,000 સભ્યો હતા. કહે છે કે ચીની રેસ્ટોરાંના માલિકે આ માફિયાઓને ખંડણી આપવી પડે છે. મ્યાનમાર, લાઓસ, થાઇલડ અને ન્યૂયૉર્કમાં સૌથી વધુ ડ્રગનો ધંધો કરનાર 14K ટ્રાયડ્ઝ માફિયા છે. કહેવાય છે કે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ માટે આ માફિયા ટોળી 35,000 ડૉલરની રકમ લે છે. વળી આવી વ્યક્તિઓને તે રેસ્ટોરાંમાં વૈતરું કરાવે છે અને સ્ત્રીઓ પાસે વેશ્યાગીરી કરાવે છે.
ઉપરનાં સંશોધનો બતાવે છે કે માફિયા પ્રવૃત્તિ દુનિયામાં ખૂબ ફૂલીફાલી છે. આ વૈશ્વિક સમસ્યા છે. માફિયાઓની સંખ્યા વધતી જાય છે. છેક 1900થી તેમનાં સંગઠનો ચેપી રોગની જેમ સમાજને ભરડો લઈને બેઠાં છે. પોતાના સ્વાર્થ માટે તેઓ અધમમાં અધમ કૃત્ય કરવા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. દુનિયાના સજ્જન નાગરિકોની ઊંઘ એમણે હરામ કરી નાંખી છે. આવાં સંગઠનો સમાજનાં પુખ્ત ઉંમરનાં યુવક-યુવતીઓ પર પૂરો કાબૂ ધરાવે છે. એમણે નાર્કોટિક્સ એટલે કે કેફી દ્રવ્યોનું વેચાણ અને વહેંચણી કરવા માંડી છે. હવે તો આડકતરી રીતે બાળકોને પણ તેમણે પોતાની પકડમાં લેવાનું શરૂ કર્યું છે. ગુનેગારોનાં આ સંગઠનો સામે જે તે દેશની સરકારોએ પોતાની કાર્યવહીને સખત કરવા માંડી છે. જોકે આ એક ઘણું કપરું કાર્ય છે. માફિયાઓએ સરકારના કેટલાક સભ્યોને ભ્રષ્ટાચાર દ્વારા પોતાના આધિપત્ય નીચે રાખ્યા છે.
માફિયા દ્વારા ભારતમાં પણ કોકેન અને હેરૉઇન જેવાં નશીલાં ડ્રગ સુલભ થયાં છે. એક ગણતરી મુજબ એકલા મુંબઈમાં 15થી 26 વર્ષની ઉંમરની એક લાખથી વધુ વ્યક્તિઓ હેરૉઇનની બંધાણી છે. ગધ્ધાપચીસીમાં પ્રવેશતા યુવાનો કોકેનનો ઉપયોગ કરે છે. 50થી 2,500 રૂપિયા સુધીનું ડ્રગ મુંબઈમાં તેના ખાસ સ્થળેથી મળી રહે છે. કોકેન સૌથી મોંઘું ડ્રગ છે. ટૅબ્લેટ, પાઉડર કે ઇંજેક્શન દ્વારા ડ્રગસેવન થાય છે. આવાં ડ્રગ, ‘ઍસિડ’, ‘એક્સટસી’, ‘સ્પીડ’ વગેરે નામે ઓળખાય છે. આવાં દ્રવ્યો શરૂઆતના વ્યસનીને મગજમાં ‘કિક’ – એક પ્રકારનો આનંદ આપે છે. પોશડોડામાંથી મૉર્ફિન, કોકેન, હેરૉઇન જેવાં માદક દ્રવ્યો બને છે. અફીણના ઉત્પાદનમાં ચીન, કોરિયા, થાઇલૅંડનો ગોલ્ડન ટ્રાયૅંગલ; જ્યારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન મળી બનતો સિલ્વર ટ્રાયૅંગલ પ્રસિદ્ધ છે. દસથી બાર હજાર રૂપિયે કિલોના ભાવના અફીણના રસમાંથી કૅફેન, કોકેન, ઇલેડ્રિન, પૅથેડ્રિન, ડાયલ્યૂડિન, મૉર્ફિન વગેરે બનાવાય છે. આપણા ગુજરાતમાં બનાસકાંઠા સરહદી જિલ્લો હોઈ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના રસ્તે કેફી દ્રવ્યોની હેરાફેરી માફિયા એજન્ટો દ્વારા થાય છે. વિશુદ્ધ થયેલાં ભયાનક ડ્રગનો વેપાર માફિયાઓના હાથમાં છે. હીરા બજાર, ટેલિવિઝન અને ફિલ્મઉદ્યોગમાં કાળાં નાણાં માફિયાઓ દ્વારા આવે છે. આ દુનિયા ઉપર પાવરબ્રોકરો એટલે કે સત્તાના દલાલો રાજ્ય કરે છે. તેમને ‘ઇલ્યુમિનાટી’ના નામે ઓળખવામાં આવે છે. મોટી ટી. વી. કંપનીઓ, મોટાં અખબાર-જૂથો, દૂરદર્શનની સમાચારની ચૅનલો, કેટલાક ઉદ્યોગપતિઓ અને બહુરાષ્ટ્રીય નિગમો વૈશ્વિકતા(ગ્લોબલાઇઝેશન)ના નામે આર્થિક સત્તા ભોગવે છે. એ બધાં ઉપર આખરે માફિયાઓનું વર્ચસ્ છે આપણા દેશમાં દાઉદ અને છોટા રાજન જેવા માફિયાઓના દલાલોનાં નામ જાણીતાં છે. આ માફિયા પ્રવૃત્તિમાં ધાકધમકી, અપહરણ અને ખૂન જેવી ઘટનાઓ બને છે. ‘મનીલૉન્ડરિંગ’નો ધંધો વૈશ્વિકીકરણ સાથે વધ્યો છે. હવે શેરબજારમાં મનફાવે તેમ તેજી કે મંદી લાવી શકાય છે. 1999માં બૅંક ઑવ્ ન્યૂયૉર્ક દ્વારા માફિયાઓએ અબજો ડૉલરનાં કાળાં નાણાં સફેદ કર્યાં છે તે જગજાહેર વાત છે. આ નાણાંનો ઉપયોગ શેરબજાર, મિલકતો અને ફિલ્મનિર્માણમાં થાય છે. માફિયાઓ દ્વારા ફિલ્મઉદ્યોગમાં કાળાં નાણાંનો ધોધ વહે છે તેનો એકરાર ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાનાં મંત્રી સુષમા સ્વરાજે તાજેતરમાં કર્યો છે. આંતરરાષ્ટ્રીય માફિયાનાં કાળાં નાણાંનો અજગર અનેક દેશોની આર્થિક પ્રગતિને હોઇયાં કરી જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટૂંકમાં, વર્તમાન સમયમાં જગતના કેટલાક દેશોમાં માફિયાઓની પકડ વધતી જતી હોય તેમ પ્રતીત થાય છે.
વિ. પ્ર. ત્રિવેદી