માપબંધી : માપબંધી એટલે અછત ધરાવતાં સાધનો અને વપરાશની ચીજોને ગ્રાહકો વચ્ચે આયોજિત રીતે ને મર્યાદિત પ્રમાણમાં ફાળવવાની સરકારની નીતિ.

મુક્ત સ્પર્ધાયુક્ત બજાર પર આધારિત અર્થવ્યવસ્થામાં, સામાન્ય સંજોગોમાં, માપબંધીની જરૂર પડતી નથી. અછત ધરાવતી ચીજો ને સેવાઓને બજારતંત્ર જ ગ્રાહકો વચ્ચે ફાળવી આપે છે. દરેક ગ્રાહક સીમાવર્તી તુષ્ટિગુણ અને આપેલ બજારભાવ સરખાવીને ચીજની કેટલી ખરીદી કરવી તે ઠરાવે છે. જો કિંમત મળતા સંતોષ કરતાં વધુ લાગે તો ગ્રાહક ચીજ ખરીદતો નથી. બજારમાં એકંદર ઘરાકી આપેલા પુરવઠા કરતાં ચોક્કસ ભાવે ઓછી હશે તો ભાવ ઘટશે, ગ્રાહકો ચીજ વધુ પ્રમાણમાં ખરીદશે; પહેલાં ઊંચા ભાવે ખરીદી કરવાનું યોગ્ય ન માનનાર ઘરાકોય બજારમાં દાખલ થશે ને ઉત્પાદકોને ઓછો માલ પેદા કરવાનો ને બજારમાં લાવવાનો સંકેત મળશે. આનાથી ઊલટી પરિસ્થિતિમાં બજારની એકંદર ઘરાકી આપેલા પુરવઠા કરતાં ચોક્કસ ભાવે વધુ હશે તો ભાવ વધશે, દરેક ગ્રાહક ચીજ ઓછા પ્રમાણમાં ખરીદશે ને કેટલાક ગ્રાહકો ઊંચા ભાવે ચીજને ખરીદવાનું માંડી વાળશે ને યોજકોને વધુ માલ પેદા કરી બજારમાં પહોંચાડવાનો સંકેત મળશે. અછત ધરાવતી ચીજો ગ્રાહકો વચ્ચે ફાળવી આપવાનું કામ આમ બજારતંત્ર, ભાવની વધઘટ દ્વારા, સામાન્ય સંયોગોમાં, આપોઆપ સરકારની દરમિયાનગીરી વિના કરે છે.

યુદ્ધ, દુકાળ, ભીષણ ધરતીકંપ કે પૂર જેવા અસામાન્ય સંયોગોની વાત જુદી છે. યુદ્ધની પરિસ્થિતિનો સવિશેષ વિચાર કરાય. દેશ યુદ્ધે ચઢ્યો હોય ત્યારે યુદ્ધ જીતવું એ દેશ ને સરકાર માટે સૌથી વધુ અગ્રિમતા ધરાવનાર ધ્યેય બની જાય છે. સમગ્ર અર્થતંત્રને આ હેતુ માટે કટિબદ્ધ કરવામાં આવે છે. લશ્કરને વધારવું પડે છે ને તેને અસ્ખલિત રીતે યુદ્ધનો સરંજામ ને આવશ્યક ચીજો પહોંચાડવાની હોય છે. સરકારની ખરીદીમાં જબરદસ્ત વૃદ્ધિ થાય છે અને આને કારણે જેમની આવકો વધી છે તે નાગરિકો પણ બજારમાં દાખલ થઈ અનેક ચીજ-સેવાઓની ખરીદી માટે તત્પર હોય છે.

આ બંને પ્રકારની ઘરાકીની વૃદ્ધિ સામે ઉત્પાદન ને પુરવઠાની શી સ્થિતિ હોય છે ? અર્થતંત્ર યુદ્ધ અગાઉ મંદીમાં ફસાયેલું હશે તો આ માગની વૃદ્ધિને કારણે તેમાં રોજગારી ને ઉત્પાદન વધે એવી શક્યતા છે, પરંતુ દુશ્મનોના આક્રમણને કારણે સમગ્ર ઉત્પાદનતંત્ર ખોરવાય એવો પૂરો સંભવ છે. વધુ અગત્યની વાત તો એ છે કે જે કાંઈ એકંદર રાષ્ટ્રીય ઉત્પાદન હશે તેનો 40 %થી 50 % ભાગ તો રાજ્ય ને સરકાર યુદ્ધકાર્ય માટે હસ્તગત કરશે. નાગરિકોએ તો જે કાંઈ બાકી રહે તેમાં પોતાનું ગાડું ગબડાવવાનું રહેશે.

આમ એક તરફ નાગરિકોનાં ખિસ્સાં નાણાંથી છલકાતાં હોય છે, પણ યુદ્ધકાલ દરમિયાન ને તે પછીના પુનર્નિર્માણના સમયમાંય વપરાશી ચીજો ને સેવાઓનો પુરવઠો વધારી શકાય તેવા કોઈ સંયોગ હોતા નથી. બજાર પર બધું છોડવામાં આવે તો અહીં ભાવો વધે ને ફુગાવાનું વિષચક્ર શરૂ થાય તેવી આ સ્થિતિ છે. ખરીદશક્તિ વધુ ધરાવનાર વર્ગો પોતાની ઘણી જરૂરિયાતો સંતોષી શકે ને બહુજનસમાજને આવશ્યક ચીજો ખરીદવાનુંય ન પરવડે. યુદ્ધના પ્રયત્નમાં પ્રજાનો અસંતોષ અવરોધ પેદા ન કરે તે માટે સરકાર મોજશોખની ચીજોના ઉત્પાદનને અટકાવે છે, આવશ્યક ચીજવસ્તુઓ નિયંત્રિત ભાવે સૌ કોઈને મર્યાદિત પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે. માપબંધી આ રીતે યુદ્ધને ને અન્ય કટોકટીને પહોંચી વળવા માટે અપનાવાતી વ્યાપક નીતિનું એક આવશ્યક અંગ છે. ભાવોને આવા અંકુશો દ્વારા નિયમનમાં રાખવામાં આવ્યા હોય તે સ્થિતિને અંકુશિત ફુગાવાની પરિસ્થિતિ (repressed inflation) કહેવામાં આવે છે. આવી માપબંધીમાં દેશની સમગ્ર પ્રજાને આવરી લેવામાં આવે છે ને તેમને મુકરર ભાવે નિયત પ્રમાણમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની જવાબદારી સરકાર ઉપાડે છે.

અનૌપચારિક માપબંધીમાં સરકાર ગ્રાહકોને વપરાશ ઘટાડવાની અપીલ કરે છે. વ્યાપારીઓ ને ઉત્પાદકો પોતે સ્વતંત્ર રીતે અછત ધરાવતી ચીજની મરજિયાત ધોરણે ફાળવણી કરે છે ને નિયત ભાવે ચીજ વેચે છે.

ઉપયોગ અનુસારની ઔપચારિક માપબંધીમાં ઓછાં તાકીદના કે મહત્વના હેતુ માટે ચીજનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

જથ્થા કે પ્રમાણ અનુસારની માપબંધીમાં દિવસના કેટલા કલાક જુદા જુદા વર્ગના ગ્રાહકને ચીજ પ્રાપ્ય બનશે તે ઠરાવી શકાય છે. માન્ય ગ્રાહકોને માટે ક્વોટા પણ મુકરર કરીને ચીજના વપરાશને અંકુશમાં રાખવામાં આવે છે.

મૂલ્ય અનુસારની માપબંધીની વ્યવસ્થામાં કુટુંબ કેટલા એકમોનું બનેલું છે તે જોઈ તેને નિયત કિંમતે કેટલા પ્રમાણમાં આવશ્યક ચીજ મળશે તે નક્કી કરવામાં આવે છે.

પૉઇન્ટ અનુસારની માપબંધીમાં દરેક ગ્રાહકને ચોક્કસ સંખ્યામાં પૉઇન્ટ ફાળવવામાં આવે છે. દરેક ચીજ માટે ભાવ ને પૉઇન્ટ ઠરાવાયાં હોય છે. ગ્રાહક પોતાને ફાળવવામાં આવેલ પૉઇન્ટની મર્યાદામાં રહીને વૈકલ્પિક ચીજોમાંથી પોતાની પસંદગી અનુસાર ચીજો ખરીદી શકે છે. આ વ્યવસ્થામાં ગ્રાહકની પસંદગી માટે થોડો અવકાશ રહે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં માંસ, મચ્છી, ચીઝ કે પનીર ને દૂધ કે તેની પેદાશો માટે લાલ રંગના સ્ટૅમ્પ ગ્રાહકોને અપાયા હતા. શાકભાજી ને ડબ્બાબંધ ફળ માટે ભૂરા સ્ટૅમ્પ આપવામાં આવ્યા હતા. નિયત નાણાં ને તે મુજબના સ્ટૅમ્પ આપીને ગ્રાહક જરૂરી ચીજો મુકરર પ્રમાણમાં મેળવી શકતા હતા. આ પૉઇન્ટ અનુસારની પદ્ધતિનું ર્દષ્ટાંત છે.

માપબંધી સાથે કેટલાક પ્રશ્નો સંકળાયેલા છે. સરકારે મુકરર કરેલા મહત્તમ ભાવ મુક્ત બજારના સમતુલાના ભાવ જેટલા હોતા નથી, તેનાથી ઓછા હોય છે. આ ભાવે પુરવઠા કરતાં માગ વધારે હોય છે. ઉત્પાદકો સરકારી તંત્રને નિયત ભાવે પોતાનો વેચાણપાત્ર પુરવઠો સોંપવાની અનિચ્છા ધરાવે છે; ગ્રાહકો વધુ ભાવ આપીને નિયંત્રિત ચીજ વધુ પ્રમાણમાં મેળવવા આતુર હોય છે. સરકારી તંત્ર પ્રામાણિક ને કાર્યક્ષમ હોય તથા પ્રજા કાનૂનને માન આપવાની ટેવ ધરાવતી હોય ત્યારે તો માપબંધીની વ્યવસ્થા સંતોષકારક રીતે કામ આપે છે; પરંતુ અન્યથા અર્થતંત્રમાં નિયંત્રિત ચીજનાં કાળાં બજાર ઉદભવે છે. કાયદાનું પાલન ન કરવાનો વ્યવહાર માન્ય બની જાય છે ને તેનાં દૂરગામી પરિણામ આવે છે. યુદ્ધના સમયમાં રાષ્ટ્રપ્રેમ ને દેશભક્તિ ચરમ સીમા પર હોય છે. ત્યારે આ દુષ્પરિણામ તીવ્ર રૂપમાં દેખા દેતાં નથી; પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં તેમને ટાળી શકાતાં નથી.

ઔપચારિક માપબંધી હેઠળની ચીજનો પુરવઠો સરકારે પ્રાપ્ત કરવો પડે છે. સરકાર ઘણી વાર આ માટે માપબંધી હેઠળની ચીજોની આયાતો કરે છે. આ ઉપરાંત દેશના ઉત્પાદકો પાસેથી આ ચીજો તે પ્રાપ્ત કરે છે. કેટલીક વાર આ ચીજો ઉત્પાદકો અન્ય કોઈને વેચી જ ન શકે એવી જોગવાઈ આ માટે કરવી પડે છે ને એક રાજ્ય કે પ્રદેશમાંથી ચીજ અન્યત્ર ચાલી ન જાય તે માટે હેરફેરના ઝોનલ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આવશ્યક ચીજ પેદા ન કરનાર વ્યક્તિ કે પ્રદેશને તે નિયત ભાવે મુકરર કરેલા પ્રમાણમાં મળી રહે તે માટે આ નિયમનો જરૂરી હોય છે. લાંબા ગાળે તેમની ઉત્પાદન-તરેહ પર, નિયંત્રિત ચીજના ઉત્પાદન પર વિકૃત ને અવળી અસર પડે છે.

ઉત્પાદકો નિયંત્રણ હેઠળની ચીજને છોડીને અન્ય ચીજો બનાવવા તરફ, પેદા કરવા તરફ વળે છે. ગ્રાહકો પણ અતૃપ્ત ઇચ્છાને સંતોષવા નિયંત્રિત ચીજના વિકલ્પે વાપરી શકાય એવી ચીજ તરફ વળે છે, ને ત્યાં અછત સર્જે છે. અંકુશોના તંત્ર હેઠળ વધુ ને વધુ ચીજો લાવવી પડે છે. વહીવટી તંત્ર પરનો બોજો ઓર વધે છે. ખેડૂતને નિયત ભાવે ખેતીનાં સાધન આપવાં પડે છે, જેથી સરકારે ઠરાવેલા ભાવે તે સરકારને અનાજ આપી શકે. તેણે પોતાની જમીનના અમુક ભાગમાં તો અનાજ વાવવું જ પડે એમ ઠરાવવું પડે છે. ગ્રાહક માટે જે વૈકલ્પિક ચીજો સુલભ હોય તેમનેય માપબંધીમાં આવરી લેવી પડે છે.

યુદ્ધકાળમાં સરકારી ખર્ચમાં ને સરકારી ઘરાકીમાં આવતા ભારે વધારાને કારણે નાગરિકોની આવકો વધે છે ને તેમની ખરીદશક્તિ વધે છે, પણ સરકાર અંકુશો દ્વારા આ નાણાં લઈને ગ્રાહકોને બજારમાં જઈ ચીજો ખરીદવા દેતી નથી. તેમની પાસે આથી ઘણાં ફાજલ નાણાં ભેગાં થાય છે. યુદ્ધના ખર્ચને પહોંચી વળવા સરકાર અનેક નવા કર નાખે છે ને કરના દર વધારે છે. વળી તે બૉન્ડ બહાર પાડી પ્રજાને ફાજલ નાણાં તેમાં રોકવા પ્રેરે છે. ખાધપુરવણીનોય તે આશરો લે છે. પ્રજા પાસે રોકડ, બચત બૅંક ને અન્ય બૅંકની થાપણ ને બૉન્ડના રૂપમાં એકત્રિત થતાં ફાજલ નાણાંનો પ્રશ્ન યુદ્ધોત્તર સમયમાં સવિશેષ ઉદભવે છે. કેટલીક સરકારો નવું ચલણ યુદ્ધ પછી દાખલ કરે છે ને પ્રજાને ફાજલ નાણાંનું આ ચલણમાં રૂપાન્તર કરવાની ફરજ પાડે છે. આ રીતે ફાજલ નાણાંનું પ્રમાણ તે ઘટાડે છે. આમ છતાં શાંતિના સમયમાં ફાજલ નાણાંને બજારમાં પ્રવેશતાં કાયમ માટે અટકાવી શકાતાં નથી. યુદ્ધકાળમાં અવરોધવામાં આવેલી ઘરાકી બજારમાં પ્રવેશે છે. અર્થતંત્રનું યુદ્ધોત્તર પુનર્નિર્માણ થઈ રહ્યું હોય છે ને ઉત્પાદન વધતું જતું હોય છે એટલે વત્તે-ઓછે અંશે તેને સંતોષવાનું શક્ય હોય છે. આમ છતાં, યુદ્ધ સમયની મુલતવી રાખેલ ઘરાકી યુદ્ધોત્તર વર્ષોમાં ભાવવધારા તરફ દોરી જાય છે એનો દુનિયાને અનુભવ છે.

શાંતિના સમયમાં માપબંધીની નીતિ તત્કાલીન સોવિયેત રશિયામાં અપનાવવામાં આવી હતી. આરંભના યોજનાકાળમાં ઝડપથી ઉદ્યોગીકરણ ને મૂડીનો માલસામાન બનાવતા ઉદ્યોગોના વિકાસને લીધે ત્યાં અન્ન પેદા ન કરનાર, શહેરી વસ્તી વધી હતી. તેને અન્ન પૂરું પાડવાનું હતું. આ ઉપરાંત લશ્કરનેય અન્ન પહોંચાડવાનું હતું. વિશ્વમાં મંદીની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપારની શરતો (terms of trade) વિપરીત બની હતી એટલે ઝડપી આર્થિક વિકાસ અર્થે જરૂરી આયાતો માટે ઘણા વધારે પ્રમાણમાં ખેતીની ચીજોની નિકાસ કરવી પડે તેમ હતું. સરકારે આ ત્રણેય હેતુ માટે અન્ન ને ખેતીની ચીજોનો પુરવઠો ખેતીક્ષેત્રમાંથી મેળવવાનો પ્રયત્ન કર્યો. મરજિયાત રીતે ખેડૂતો આ ચીજો આપવા તૈયાર નહોતા; કેમ કે, એક તો કેટલાંક વર્ષ દુકાળનાં હતાં ને બીજું, સરકાર ખેડૂતો માગતા હતા તે ઔદ્યોગિક વપરાશી ચીજો યોગ્ય ભાવે પૂરી પાડી શકે તેમ નહોતી. આથી સરકારે જબરદસ્તી વાપરી અન્ન વગેરે પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો, પણ તેનો પ્રતિકાર ખેડૂતોએ ઉત્પાદન ન કરીને ને તેનો નાશ કરીને કર્યો. પેદાશો ફેંકી દેવાના ભાવે સરકારને ન આપવી પડે એ માટે તેમણે ઢોરઢાંખરને મારી નાખ્યાં. આ સર્વના પરિણામે સરકારને ખેતીના ફરજિયાત સામૂહિકીકરણ(collectivization)ની નીતિ અપનાવવી પડી. ત્યારપછીય રશિયાના વિઘટન સુધી ખેતીનું ક્ષેત્ર, તેનું ઉત્પાદન ને તેની ઉત્પાદકતા સોવિયેત યુનિયન માટે માથાના દુખાવા જેવાં બની રહ્યાં.

શાંતિના સમયમાં ફુગાવો હોય ત્યારે પાકી માપબંધીની નીતિ ત્યારપછી ભારત જેવા વિકાસશીલ દેશે પણ અપનાવવાનું પસંદ કર્યું નથી. ગરીબ વર્ગોને ઓળખી કાઢીને તેમને આવશ્યક ચીજો જાહેર વિતરણ-વ્યવસ્થા દ્વારા સહાયક ભાવે પહોંચાડવાની નીતિને તેમણે પર્યાપ્ત ગણી છે. આ માટેનો પુરવઠો તેમણે મહદ્અંશે આયાત દ્વારા કે ખુલ્લા બજારની ખરીદી દ્વારા મેળવવાનું પસંદ કર્યું છે. બાકીના વર્ગો ખુલ્લા બજારમાંથી ત્યાં પ્રવર્તતા ભાવે પોતાની ખરીદી કરવાને મુક્ત છે. ખુલ્લા બજારમાં ભાવાંક ઊંચો જાય ત્યારે પોતાના નોકરોને મોંઘવારી-ભથ્થું વધારી આપે છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ