માપુટો : પૂર્વ આફ્રિકાના મોઝામ્બિક દેશનું પાટનગર, બંદર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 56´ દ. અ. અને 32° 37´ પૂ. રે. દેશનું પાટનગર હોવા ઉપરાંત તે તેના પ્રાંતીય વિસ્તારનું પણ વડું વહીવટી મથક છે, વળી તે દેશનું મહત્વનું વાણિજ્ય અને ઔદ્યોગિક મથક પણ છે. તે હિન્દી મહાસાગરના ભાગરૂપ ડેલાગોઆ ઉપસાગરને કાંઠે દક્ષિણ મોઝામ્બિકમાં આવેલું છે. અહીં ઉત્તર તરફથી આવતી કોમતી (ઇન્કોમતી) તથા દક્ષિણ તરફથી આવતી માપુટો નદી ડેલાગોઆ ઉપસાગરમાં ઠલવાય છે.

અહીંના સ્થાનિક ઉદ્યોગોમાં માટી ઉદ્યોગ, જહાજી બાંધકામ તથા તેના સમારકામના, ખાદ્યપ્રક્રમણના, મત્સ્યપ્રક્રમણ અને હવાચુસ્ત ડબ્બાઓમાં તેના પૅકિંગના; લોખંડનો માલસામાન, સિમેન્ટ, કાપડ, રાચરચીલું તથા પગરખાં બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. માપુટો ઉત્તમ કક્ષાનું કુદરતી બારું ધરાવે છે; તેથી તે મોઝામ્બિકનું તથા પડોશી દેશો માટેનું મુખ્ય બંદર બની રહેલું છે. મોઝામ્બિકની ખનિજતેલ રિફાઇનરી આ બંદર નજીક આવેલી છે. અહીંથી દુનિયાભરમાં થતી માલની હેરફેરને કારણે તે આફ્રિકા ખંડનું બીજા ક્રમે આવતું મોટામાં મોટું બંદર ગણાય છે. આ શહેર રેલ તેમજ સડકમાર્ગે દક્ષિણ આફ્રિકા, સ્વાઝીલૅન્ડ અને ઝિમ્બાબ્વે સાથે તથા સડકમાર્ગે માલાવી સાથે સંકળાયેલું છે. કપાસ, ડાંગર, શેરડી અને મકાઈ અહીં આજુબાજુમાં થતા મુખ્ય કૃષિપાકો છે. ઢોરઉછેર પણ અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે.

બહુમાળી ભવનો ધરાવતો માપુટો નગરનો એક રાજમાર્ગ

માપુટો શહેરના મુખ્ય વિભાગોમાં વૃક્ષોની હરોળથી શોભતા પહોળા માર્ગો આવેલા છે. દરિયાકિનારે વિશાળ રેતપટ પથરાયેલો છે. 1871માં બંધાયેલો નોસા સેનહોરા દ કોન્સિકોનો કિલ્લો આ શહેરનું મહત્વનું ભૂમિચિહ્ન છે. આ શહેરમાં નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ આવેલું છે. અહીં 1963માં સ્થપાયેલી યુનિવર્સિટી પણ છે.

1780ના અરસામાં પોર્ટુગીઝોએ આ શહેર સ્થાપેલું અને તેને લૉરેન્કો માર્ક્વિસ નામ આપેલું. તે મુખ્યત્વે શ્વેત પ્રજાની વસાહતોથી વિકસ્યું. માપુટો શહેરનું આ જૂનું નામ 1544માં આ વિસ્તારને સર્વપ્રથમ ખૂંદી વળેલા એક પોર્ટુગીઝ વેપારીએ પાડેલું. 1787માં પૂર્ણ થયેલા અહીંના એક પોર્ટુગીઝ કિલ્લાની આજુબાજુ આ શહેર વિકસતું ગયેલું. તેનાં સો વર્ષ બાદ 1887માં તેને શહેરનો દરજ્જો મળેલો. માપુટો શહેર મકરવૃત્તની નજીક આવેલું હોવા છતાં તે દરિયાકિનારે વસેલું હોવાથી દરિયાઈ લહેરો વાતી રહે છે અને તાપમાનને નીચું રાખે છે. અહીંની આબોહવા ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. દરિયાઈ રેતપટ વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હોવાથી ઘણા લોકો દરિયાઈ સ્નાનની મોજ માણવા અહીં આવે છે. 1975માં મોઝામ્બિક દેશ સ્વતંત્ર થયો તે અગાઉ દક્ષિણ આફ્રિકા તેમજ ઝિમ્બાબ્વેના ઘણા શ્વેત લોકો અહીંના દરિયાકિનારે આવતા, તેમને માટે વિરામસ્થાનોની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી; પરંતુ સ્વતંત્રતા મળ્યા બાદ પડોશી દેશો સાથેના સંબંધો કથળ્યા હોવાથી આ આવક બંધ થઈ ગઈ છે. 1974 સુધી આ શહેરમાં વસતા 2.5 લાખ પોર્ટુગીઝો 1975 પછી અહીંથી અન્યત્ર ચાલી ગયા છે. વળી આ બધી બાબતોની રેલમાર્ગે, સડકમાર્ગે તેમજ બંદરથી થતા માલની હેરફેર પર પણ અસર પહોંચી છે. 1993 મુજબ આ શહેરની વસ્તી 20 લાખ જેટલી છે. 1976માં શહેરનું નામ ‘લૉરેન્કો માર્ક્વિસ’ હતું તે બદલીને ‘માપુટો’ રાખવામાં આવ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા