માનવીની ભવાઈ (રચના અને પ્રકાશનવર્ષ 1947) : લેખક પન્નાલાલ નાનાલાલ પટેલની પ્રતિભાનો મહત્તમ તાગ આપતી નવલકથા.
પન્નાલાલની અગાઉની નવલકથાઓમાં નાયક-નાયિકાના પ્રણયજીવનમાં આવતી ગૂંચ અને પછી તેનો આવતો ઉકેલ તે તો ‘માનવીની ભવાઈ’માં છે જ, પણ અહીં પ્રથમ વાર લોક અને કાળનું તત્વ ઉમેરાતાં કથાસૃષ્ટિ સંકુલ બને છે. નાયક-નાયિકાની પેટની ભૂખ જાણે હૈયાની ભૂખની પરીક્ષા લેતી હોય તેવી ભૂંડી બને છે. છેવટે હૈયાની અને પેટની બંને ભૂખ ભાંગે એવા સંજોગો સર્જાય છે. ‘ઊજડ આભલે અમી’ પ્રગટે છે અને રાજુ-કાળુ તથા લોકની ભયંકર યાતના-કથા સુખાન્તમાં પરિણમે છે.
પ્રથમ પ્રકરણમાં બુઢ્ઢો કાળુ પોતાના જીવનના પાછલા દાયકાઓને યાદ કરી રહ્યો છે; પરંતુ બીજા પ્રકરણથી અંતિમ પ્રકરણ સુધીના આલેખનમાં ફ્લૅશબૅક પદ્ધતિનો અનુભવ થતો જ નથી. કથા એકડે એકથી પ્રારંભાઈ સમયાનુક્રમી ગતિએ આગળ વધે છે.
પટેલ જ્ઞાતિમાં જન્મેલાં બાળવયનાં કાળુ અને રાજુની સગાઈ ન થાય તે માટે કાળુના કાકા પરમા ડોસાની પત્ની માલી અધમતમ પ્રયત્નો કરી છૂટે છે; તેમ છતાં ફૂલી ડોશી કાળુની સગાઈ રાજુ વેરે કરાવીને જ રહે છે. માલી, ઈર્ષ્યાળુ પિતરાઈઓ અને ખંધા પંચાતિયાઓના પ્રયત્નોથી સગાઈ તૂટતાં રાજુનું લગ્ન બીજવર દ્યાળજી સાથે અને કાળુનુંયે લગ્ન દ્યાળજીના કુટુંબમાં થાય છે. નાનપણથી જ એકબીજાને ઝંખતાં–ચાહતાં કાળુ-રાજુની યુવાવયે મિલન-ઝંખનાની તરસ અને સંજોગોની ભીંસ વચ્ચે તેમના લાગણી-સંઘર્ષને લેખકે અજબ કુશળતાથી આલેખ્યો છે. ગામડાના જીવનની રોજ-બ-રોજની ઘટનાઓના સંદર્ભ દ્વારા લેખક ગહન-સૂક્ષ્મ ઊર્મિવ્યાપારો માટે મોટો અવકાશ રચી શક્યા છે.
વિજોગ અને ભૂખની વેદનામાં તવાઈને રાજુ રાજવણ રાજુ લેખેનાં તેનાં ધૈર્ય અને આભિજાત્યનો અનુભવ કરાવે છે. પ્રેમી, ખેડૂત અને છપ્પનિયા કાળની આફત વેળાએ લોકનેતા તરીકે ઊપસતો કાળુ તેના ચરિત્ર દ્વારા ઘેરા કરુણ સાથે માનવતાના મૂલ્યને પણ પ્રગટાવે છે. ભૂખ અને ભીખ બંને ભૂંડાં, પણ તેમાંયે સૌથી વધુ ભૂંડી તો માનવીના આત્માને ઓગાળી નાખનારી ભીખ જ છે એ સત્ય કાળુ અને રાજુના પાત્ર દ્વારા કળામયતાથી પ્રગટે છે.
પ્રમાણમાં દીર્ઘ એવી આ કૃતિના ત્રણ ભાગ જોઈ શકાય છે. પ્રથમ ભાગ કાળુનો જન્મ, ઉછેર, નાનપણમાં થયેલ કાળુ અને રાજુની સગાઈ (જે પછી માલીના પ્રયત્નોથી તૂટે છે), રાજુ-કાળુનાં અન્યત્ર થતાં લગ્ન વગેરે આલેખે છે. બીજામાં નાયક-નાયિકાનાં હૈયાંની ભૂખ અને ત્રીજામાં ભૂખી ભૂતાવળ સર્જતા છપ્પનિયા કાળની ભયંકર યાતના-કથા આલેખાઈ છે. કથામાં કાળ અને બૃહદ લોકસંસારનું પરિમાણ ઉમેરાતાં કૃતિ મહાકાવ્યની કક્ષાએ ઊંચકાય છે. ‘ભૂખી ભૂતાવળ’ પ્રકરણમાં પન્નાલાલની કથનકલા ઊંચી કક્ષાએ પહોંચે છે. ‘પરથમીનો પોઠી’ પ્રકરણમાં ઋતુ-ઋતુના બદલાતા રંગો સાથે ‘પરથમીના પોઠી’ તરીકે જીવતા ખેડૂતના જીવન અને ગ્રામસૃષ્ટિનું જીવંત આલેખન છે. પુસ્તકનો લગભગ ચોથો ભાગ છપ્પનિયાના કેરને આલેખવામાં રોકાયેલો છે. ખેડૂતજીવનનું સચ્ચાઈભર્યું આલેખન સહજ રીતે સાહિત્યિક ઊંચાઈવાળું બન્યું છે. પેથો પટેલ, બુઢ્ઢો કાબુલી, અળખો ગામેતી, નાનિયાની ખોડી, ફૂલી ડોશી, કાસમ ઘાંચી, રણછોડ, ડેગડિયાના સુંદરજી શેઠ વગેરે ગૌણ પાત્રો પણ જીવંતપણે આલેખાયાં છે. દુરિત તત્વના અવતાર સમું માલી ડોશીનું પાત્ર યાદગાર બન્યું છે.
ઉમાશંકર જોશીના શબ્દોમાં ‘હૈયાની ભૂખ’ની આ નવલકથા છે અને પેટની ભૂખના મહાતાંડવ વચ્ચે એને રજૂ કરવામાં આવી છે એ બંને ભૂખને લીધે તો આ માનવીની ભવાઈ છે.’ ઉપમા, કહેવતો, લોકગીતો આદિ દ્વારા લેખક હળખેડુની સહજ સમૃદ્ધ રસિક ભાષાનો કથાની પાત્રસૃષ્ટિ દ્વારા આસ્વાદ કરાવે છે. ઉમાશંકરના મતે ‘માનવીની ભવાઈ’ ભાષાનું ધન વધારનારો ‘સરસ્વતીચન્દ્ર’ પછીનો મહાગ્રંથ છે. આ ‘માનવીની ભવાઈ’નો કથાદોર આગળ ચલાવતાં લેખક ‘ભાંગ્યાના ભેરુ’ (1957) તથા ‘ઘમ્મર વલોણું’ (ભાગ 1, 2) (1968) આપે છે; પરંતુ ‘માનવીની ભવાઈ’ ઉત્કૃષ્ટતામાં અનન્ય જ રહે છે.
ઉચિત રીતે જ કૃતિના લેખકને 1985માં આ પ્રદાનને પોંખતું ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
પ્રાગજીભાઈ ભાંભી