માધવભટ્ટ (ભાષ્યકાર) (ઈ.સ. 700ની આસપાસ) : સામવેદ પરના ‘વિવરણ’ નામના ભાષ્યના લેખક. બાણભટ્ટ ‘કાદંબરી’ના મંગલશ્લોકોમાં પોતાના મિત્ર તરીકે નારાયણ ભટ્ટનો ઉલ્લેખ કરે છે. આ નારાયણ ભટ્ટ માધવભટ્ટના પિતા હતા. તેથી માધવને બાણભટ્ટના યુવાન સમકાલીન કહી શકાય.
માધવભટ્ટે સામવેદના પૂર્વાર્ધ પર ‘છંદરસિકા’ નામની ટીકા લખી છે. તેમણે સામવેદના ઉત્તરાર્ચિક પર ‘ઉત્તર-વિવરણ’ રચ્યું છે. ઈ.સ. 1886માં જર્મન વિદ્વાન વેબરે તેના વિશે આલોચનાત્મક નોંધ લખી હતી. ત્યારપછી કુન્હન રાજાએ આ સામવેદ-ટીકાવિવરણની અનેક હસ્તપ્રતો એકત્ર કરીને તેને ‘માધવીય-વિવરણ’ના નામે તૈયાર કરી પ્રકાશિત કરી. એ પછી પંડિત સત્યવ્રત સામશ્રમીએ સામવેદની આવૃત્તિમાં પ્રસ્તુત વિવરણ પ્રકાશિત કર્યું છે. આ સામવેદ-ટીકા-વિવરણ ઋગ્વેદ-ભાષ્યાનુસાર છે. તેની એક ઉલ્લેખનીય બાબત એ છે કે તેમાં અનેક નિઘંટુઓ(વૈદિક શબ્દસંગ્રહો)નાં નામો છે, જે અત્યારે લુપ્ત થઈ ગયાં છે. સામવેદની ત્રણે શાખાઓને આધારે સામનનું અર્થઘટન શક્ય બનતું નથી. માધવ ઘણી વાર સામનના અર્થઘટનમાં સંશય થાય ત્યારે ‘આર્ષ પ્રયોગ’ કહે છે. આ માધવીય સામવેદ-ટીકા-વિવરણ સ્કન્દસ્વામીના ભાષ્ય સમાન વિશાળ નથી. તેમાં અત્યંત સંક્ષેપાત્મક શૈલીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. માધવભટ્ટના મત પ્રમાણે બ્રાહ્મણ ગ્રંથો અને વિશેષત: શતપથ બ્રાહ્મણનો સાંગોપાંગ સઘન અભ્યાસ કર્યા સિવાય વેદનો અર્થ સુયોગ્ય રીતે કરવો અસંભવ છે. માધવભટ્ટ યાજ્ઞિકી પદ્ધતિના પુરસ્કર્તા અને ઉપાસક હતા.
વિનોદ મહેતા