માધવદાસજી (જ. 1806; અ. 1921) : યોગીકોટિના પરમહંસ સંત. પૂર્વ બંગાળમાં નવદ્વીપ (નદિયા) પાસેના કોઈ ગામે મુખોપાધ્યાય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા માધવદાસજીએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ કોલકાતાની એક મિશનરી શાળામાં લીધું હતું. વયસ્ક થતાં તેમનાં લગ્ન લેવાયાં ત્યાં અચાનક તેમનાં માતાનું અવસાન થતાં લગ્ન મુલતવી રહ્યું અને લગ્નની સીધુંસામગ્રી માતુશ્રીની ઉત્તરક્રિયામાં વપરાઈ. થોડા વખત પછી ફરીથી લગ્ન લેવાયાં ત્યારે તેમના પિતાનો દેહાંત થયો ત્યારે લગ્નની સામગ્રીનો ઉપયોગ પિતાજીની ઉત્તરક્રિયામાં થયો. આ બંને કરુણ ઘટનાઓની માધવદાસજીના મન પર ઊંડી અસર થઈ અને તેમણે આજીવન અવિવાહિત રહેવાની પ્રતિજ્ઞા કરી. તેઓ કુચબિહાર રાજ્યમાં પોલીસ અને ન્યાયખાતાના અમલદાર તરીકે જોડાયા, પરંતુ દિનપ્રતિદિન વૈરાગ્ય વધતો જતાં તેમણે છેવટે નોકરી અને ઘરબાર છોડી દીધાં. તેમણે નવદ્વીપના પ્રસિદ્ધ મહાત્મા ભક્તિચરણદાસજી પાસે દીક્ષા લીધી. થોડો વખત ગુરુસ્થાનમાં રહ્યા. ત્યાંથી નીકળી ઓરિસામાં જગન્નાથપુરીની આસપાસના વિસ્તારમાં પરિભ્રમણ કરતા રહ્યા. તેઓ આ દરમિયાન તીર્થસ્થાન કે સાધુઓના સમુદાયમાં રહેવાને બદલે નિર્જનવાસ વિશેષ પસંદ કરતા. તેઓ આસામ, તિબેટ અને હિમાલયના દુર્ગમ પ્રદેશોમાં ફર્યા અને હઠયોગ તથા મંત્રયોગ સિદ્ધ કર્યા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય, ર્દઢ વૈરાગ્ય, નિર્માનમોહ અને અવિરત સાધનાપરાયણતા એ તેમના વિશિષ્ટ ગુણો હતા. યોગસાધનામાં બાર વર્ષના સાધનાકાળને કલ્પ કહેવામાં આવે છે. આવા તેમણે ત્રણ કલ્પો કર્યા હતા. તેઓ પોતાની યોગસિદ્ધિઓને ગુપ્ત રાખતા, છતાં દયાળુ સ્વભાવને કારણે જનકલ્યાણાર્થે તેઓ પોતાના યોગભંડારને પણ ખુલ્લો રાખતા. તેમના યોગબળથી લાભાન્વિત થયેલા લોકો દ્વારા તેમની કીર્તિ ફેલાઈ અને અનેક મુમુક્ષુઓએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. તેમની જમાતમાં સાધુઓની સંખ્યા વધતાં વધતાં 500 સુધી પહોંચી અને તેઓ એમના મહંત થયા. પોતાની જમાત સાથે તેઓ સિંધ, કચ્છ અને ગુજરાતના ઘણા ભાગોમાં ફર્યા ને છેવટે નર્મદાકાંઠે માલસરમાં 1890માં સ્થિર આસન જમાવી ત્યાં આશ્રમ સ્થાપ્યો. અહીં એક ભવ્ય મંદિર બંધાવી તેમાં ગોપીનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. પોતાની યોગસાધના માટે તેમણે સમીપમાં નર્મદાકાંઠે રણાપુરમાં એક ગુફા કરાવેલી અને ત્યાં એક સંસ્કૃત પાઠશાળા પણ સ્થાપેલી. માલસરમાં લગભગ ત્રીસ વર્ષ રહી, 115 વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી તેમણે સમાધિ લીધી. તેમના સમાધિસ્થાન અને આશ્રમની જગ્યાનો વિકાસ એક તીર્થસ્થાન રૂપે થયેલો છે.

સિદ્ધાંત પરત્વે તેઓ શંકરાચાર્યના અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર કરતા હતા. તેમના સમાગમમાં આવનાર સૌને તેઓ દેહ અને દુનિયાની ક્ષણભંગુરતા દર્શાવી તેમને આત્માભિમુખ, પરમાત્માભિમુખ થવા પ્રેરતા. આત્માનુભવ માટે તેઓ યોગમાર્ગને પ્રાધાન્ય આપતા હતા. તેઓ પોતે પણ વિવિધ પ્રકારના યોગમાં પારંગત હતા. પોતાના વિરલ શિષ્યોને તેઓ હઠયોગની પ્રક્રિયાઓ પણ શીખવતા હતા. આમ છતાં મુમુક્ષુઓના અધિકારને લક્ષમાં રાખીને તેઓ તેમને બહુધા પ્રેમલક્ષણા ભક્તિનો ઉપદેશ કરતા હતા અને સેવાધર્મ દ્વારા સર્વાત્મભાવ વિકસાવવા પ્રેરતા હતા.

પ્રવીણચંદ્ર પરીખ