માદ્રી : વ્યાસે રચેલા ‘મહાભારત’ મહાકાવ્યનું મહત્વનું સ્ત્રીપાત્ર. તે કુરુવંશના રાજા પાંડુની પત્ની હતી. મદ્ર પ્રદેશના રિવાજ મુજબ, ત્યાંના રાજા શલ્યને કન્યાશુલ્ક રૂપે પુષ્કળ ધનસુવર્ણ આપીને ભીષ્મે પાંડુ રાજા માટે તેની પસંદગી કરી હતી. આ અતિ સૌંદર્યવતી માદ્રી પૌરાણિક કથા અનુસાર ધૃતિદેવીનો અવતાર હતી. હસ્તિનાપુરનો નિવાસ પાંડુ રાજાના સ્વાસ્થ્યને અનુકૂળ ન હોવાથી તે કુંતા અને માદ્રીની સાથે હિમાલયની તળેટીના પ્રદેશમાં વસતા હતા. પાંડુ રાજાને કિંદમ ઋષિનો શાપ હતો કે તે કદી પણ સ્ત્રીસંગ કરી શકશે નહિ, તથા તેનો કોઈ પણ પ્રયત્ન કરવામાં આવશે તો તે મૃત્યુ પામશે. પાંડુની પ્રથમ પત્ની કુંતીએ પોતાના કન્યાકાળમાં રાજઅતિથિ બનેલા દુર્વાસા મુનિની સેવા કરી હતી. પ્રસન્નચિત્ત દુર્વાસાએ તેને પુત્રપ્રાપ્તિ માટે દેવાકર્ષણમંત્ર આપ્યો હતો. પાંડુરાજાની અનુમતિથી તે મંત્રની સહાયથી કુંતીએ ધર્મ, ઇન્દ્ર અને વાયુદેવની આરાધનાથી યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ નામના પુત્રો પ્રાપ્ત કર્યા હતા. નિ:સંતાન અને દાંપત્યસુખવિહીન માદ્રી પર અનુકંપા કરીને પાંડુરાજાની ઇચ્છાથી આ મંત્ર કુંતીએ તેને પણ શીખવ્યો. માદ્રીએ દૈવી ભિષગયુગલ અશ્વિન દેવોની આરાધના કરીને સહદેવ અને નકુલ નામના પુત્રો પ્રાપ્ત કર્યા. એક વાર વસંતઋતુની ઘેરી અસરને કારણે રાજા પાંડુ કામાસક્ત થતાં, ઋષિના શાપની અવગણના કરીને માદ્રીની સાથે સમાગમ કરવા જતાં મૃત્યુ પામે છે. માદ્રી પાંડુના અવસાન માટે પોતાને અપરાધી સમજે છે અને શતશૃંગ ઋષિની સમજાવટ છતાં પણ સતી થવા તૈયાર થાય છે. પોતાના બંને પુત્રોને કુંતીને સોંપી તે પતિની પાછળ બળી મરીને સતી થાય છે. ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ કુરુકુલના રિવાજ મુજબ તેને જલાંજલિ આપીને ઉત્તરક્રિયા કરે છે. માદ્રીના બે અને કુંતીના ત્રણ પુત્રો પાંચ પાંડવો તરીકે ઓળખાય છે.
આ ઉપરાંત ભાગવત વગેરે પુરાણની અન્ય કથા અનુસાર યદુકુળના સાત્વત રાજાના પુત્ર વૃષ્ણિની પત્ની માદ્રી હતી. શ્રીકૃષ્ણની અષ્ટ પટરાણીઓમાંની એક લક્ષ્મણા આ પ્રદેશની હતી તેથી તેને પણ ‘ભાગવત માદ્રી’ તરીકે ઓળખવામાં આવે છે. પાંડુપત્ની માદ્રી આ કથા અનુસાર જણાવેલી બંનેથી અલગ છે.
વિનોદ મહેતા