માગ : માનવની જરૂરિયાત સંતોષવા માટે સહાયક બની શકે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સક્રિય બનાવતું પરિબળ. અર્થશાસ્ત્રની પરંપરાગત વિચારસરણી મુજબ વસ્તુ કે સેવાની માગ તેની કિંમત પર આધાર રાખે છે અને કિંમત તથા માગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ઍન્ટની ઑગસ્ટિન કૉનુ(1801-77)ના મત મુજબ વસ્તુ કે સેવાની માગ જે તે સમયે તેની કિંમત દ્વારા નિર્ધારિત થાય છે જેને માગનું વિધેય કહી શકાય. ગાણિતિક સ્વરૂપે માગ અને કિંમત વચ્ચેનો સંબંધ નીચેના સાદા સમીકરણ દ્વારા રજૂ કરી શકાય :

Dx = f(Px)

આ સમીકરણમાં

D = માગ

x = વસ્તુ કે સેવાનું કાલ્પનિક નામ

P = વસ્તુની કિંમત

f =     વિધેય કે નિયમ

આ વિધેય મુજબ જો વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માગનું સંકોચન થશે અને તેનાથી ઊલટું, વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તેની માગનું વિસ્તરણ થશે. આને કિંમત અને માગ વચ્ચે વ્યસ્ત સંબંધ કહેવાય.

કૉર્નુ પછીના અર્થશાસ્ત્રીઓએ માગ પર અસર કરનારાં કિંમત સિવાયનાં પરિબળોનો પણ નિર્દેશ કર્યો છે. આ બાબત નીચેના વિસ્તૃત સમીકરણ દ્વારા રજૂ કરી શકાય :

Dx = f (Px, Y, Pc, Ps, N, T, Ep, Ey, D… U)

આ સમીકરણનાં પદો માગ પર અસર કરતાં ઘણાં પરિબળોનો નિર્દેશ કરે છે :

Dx = X વસ્તુની માગ

Px = X વસ્તુની પ્રવર્તમાન કિંમત

Y = ઉપભોક્તાની આવક

Pc = X વસ્તુને પૂરક ગણાતી વસ્તુઓની કિંમતો

Ps = X વસ્તુની અવેજીરૂપ વસ્તુઓની કિંમતો

N = ઉપભોક્તાઓની સંખ્યા (વસ્તી)

T = ઉપભોક્તાઓની રુચિ, પસંદગી વગેરે

Ep = વસ્તુની કિંમત વિશેની ભાવિ અટકળો

Ey = ઉપભોક્તાની આવક વિશેની ભાવિ અટકળો

D = બજારના વિવિધ ભાગોમાં ઉપભોક્તાઓની વહેંચણી

U = સમીકરણમાં સામેલ ન થયેલાં અન્ય પરિબળો

f = કિંમત અને માગ વચ્ચેનો સંબંધ દર્શાવતું વિધેય અથવા સહસંબંધ.

અહીં એ પણ નોંધી લઈએ કે માગ એ ગરજ કે જરૂરિયાત કરતાં કંઈક વિશેષ હોય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં માગ એ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની માત્ર ઇચ્છા પર આધારિત હોતી નથી. ઇચ્છા ઉપરાંત બે અન્ય પરિબળો પણ માગનું બંધારણ નક્કી કરે છે : (1) વસ્તુ કે સેવા ખરીદવાની ઉપભોક્તાની આર્થિક ક્ષમતા જે તેની આવક દ્વારા નિર્ધારિત થાય છે. (2) જે તે સમયે વસ્તુ કે સેવા ખરીદવા માટે કિંમતરૂપી જે ભોગ આપવો પડે છે તે આપવાની ઉપભોક્તાની તૈયારી.

વસ્તુ કે સેવાની કિંમત અને તેની માગ વચ્ચેના વ્યસ્ત સંબંધને માગના વિસ્તરણ અને સંકોચનની રૂએ, જ્યારે કિંમત સિવાયનાં અન્ય પરિબળો અને માગ વચ્ચેના સંબંધને માગમાં વધારા કે ઘટાડાની રૂએ રજૂ કરવામાં આવે છે જે માગના વિશ્લેષણની ર્દષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે