માગ્રીત, રેને (જ. 1898, બેલ્જિયમ; અ. 1967, બેલ્જિયમ) : આધુનિક પરાવાસ્તવવાદી ચિત્રકાર. ભીંત પર ચોંટાડવાના ચિત્રસુશોભનવાળા કાગળો (wall-papers) અને ધંધાદારી જાહેરાતોની ડિઝાઇનના આલેખનકામથી તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. દ કિરીકો અને મૅક્સ અર્ન્સ્ટે તેમની પ્રતિભા પારખી અને તેમને ચિત્રકલામાં પ્રવૃત્ત કર્યા. 1927થી 1930 તે ફ્રાંસમાં રહ્યા અને ત્યાં કવિ તથા પરાવાસ્તવવાદી ચળવળના પ્રણેતા આંદ્રે બ્રેતોંના પ્રીતિપાત્ર બન્યા. માગ્રીતે રોજિંદી ચીજવસ્તુઓની ચિત્રોમાં અતાર્કિક–અસંબદ્ધ રજૂઆત કરી માનવીની અર્ધજાગ્રત ચેતનાને જગાડવા પ્રયત્ન કર્યા. દા.ત., ભોંયથી તે છત સુધી આખા ખંડમાં ફૂલીને પથરાયેલા એક વિરાટ ટામેટાનું ચિત્ર હવામાં અધ્ધર લટકતા વિરાટ કાંસકા અને સ્ત્રીના ધડના આરસના ટુકડાનું ચિત્ર, રોજિંદા જીવનની ચીજવસ્તુઓ અને વાતાવરણની અપરિચિત અને અનપેક્ષિત સહોપસ્થિતિ (juxtaposition) ઊભી કરી તેમનાં ચિત્રો આનંદ અને ત્રાસની લાગણીઓ જગાડે છે તથા કુતૂહલ વધારી દે છે.

અમિતાભ મડિયા