માક્વારી સરોવર : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી ઈશાનમાં 97 કિમી.ને અંતરે ન્યૂકૅસલથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે તથા પૅસિફિક મહાસાગરના કાંઠા પર આવેલું ખાડી સરોવર. તેની લંબાઈ 24 કિમી., પહોળાઈ 8 કિમી., ક્ષેત્રફળ 117 ચોકિમી. અને કિનારારેખાની લંબાઈ 172 કિમી. જેટલી છે. આ સરોવર પૅસિફિક મહાસાગરને મળતી હન્ટર નદીનાં ત્રણ નદીનાળ આડે અવરોધો રચાવાથી તૈયાર થયેલું છે. તેને કેટલાક નાનામોટા નદીફાંટાઓ મળે છે, તે પૈકી ડૉશ ક્રીક અને ક્રૉકલ ક્રીક પ્રમાણમાં મોટા છે. સ્વાન્સી નગરના દરિયાકાંઠા નજીક તે લેક એન્ટ્રન્સમાં ઠલવાય છે. તેનો માત્ર એક સાંકડો ભાગ પૅસિફિક તરફ ખુલ્લો છે. સરોવર નજીક સ્વાન્સી નામનું ઔદ્યોગિક નગર તથા એક પ્રવાસી વિહારધામ આવેલાં છે. અહીં નૌકાવિહાર અને માછલીઓ પકડવાની પ્રવાસી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. અહીંના જૂના ગવર્નર(લૅકલાન માકવારી)ના નામ પરથી આ સરોવરને ઉપર્યુક્ત નામ અપાયેલું છે. તે વેપાર-વાણિજ્ય, રહેઠાણ અને મનોરંજનના સ્થળ તરીકે વિકાસ પામ્યું છે. આ સરોવર અને માકવારી સ્થળ અહીંથી આશરે 15 કિમી. ઈશાનમાં આવેલા ન્યૂકૅસલ સાથે કંઠારમાર્ગ તેમજ રેલમાર્ગ દ્વારા જોડાયેલું છે. વિહારધામ નજીકની નાની નગરવસાહતોમાં બેલમૉન્ટ, ટોરૉન્ટો અને વાંગીવાંગીનો સમાવેશ થાય છે. તેના પૂર્વ પશ્ચિમ કાંઠા નજીક કોલસાની ખાણો આવેલી છે. ઉત્તર તરફથી આવીને આ સરોવરને મળતી ક્રૉકલ ખાડી પર સ્થપાયેલા એકમ ખાતે સુપરફૉસ્ફેટ અને ગંધકનો તેજાબ બને છે. વેઇલ્સ પૉઇન્ટ ખાતે આવેલું તાપવિદ્યુતમથક અને વાંગી તાપવિદ્યુતમથક આ સરોવરજળને ઉપયોગમાં લે છે. અહીંના પુલબાહ ટાપુ પર વન્ય જીવન અભયારણ્ય પણ આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા