ઇક્ક શીત્ત ચનન દી (1963) : કરતારસિંઘ દુગ્ગલની 25 પંજાબી ટૂંકી વાર્તાઓનો પ્રતિનિધિ સંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1965માં ભારતીય સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું હતું. આમાંની મોટા ભાગની વાર્તાઓ સ્ત્રી-પાત્રોની આસપાસ કેન્દ્રિત છે. એ પાત્રોના માનસિક સ્તર માટે જવાબદાર બનતી સામાજિક પરિસ્થિતિ આસપાસ તેમની વાર્તાનું વિશ્વ રચાય છે. અન્ય સંગ્રહોની જેમ અહીં પણ દુગ્ગલે ‘ઇક્કાલ્લી’, ‘હુન પાઓદિયન સાફ હન’ વગેરે રચનાઓમાં ટૂંકી વાર્તાના સ્વરૂપમાં કેટલાક પ્રગલ્ભ અને હેતુલક્ષી પ્રયોગો કરેલા જોવા મળે છે. પુસ્તકને આરંભે લેખકે ટૂંકી આત્મકથનાત્મક નોંધ મૂકેલી છે અને છેલ્લે તેમની ટૂંકી વાર્તાઓની સંપૂર્ણ યાદી આપેલી છે.
ગુરુબક્ષસિંહ